બાળપણમાં છૂટાં પડેલાં ભાઈ-બહેન 42 વર્ષે કેવી રીતે મળ્યાં?
- લેેખક, મોહન
- પદ, બીબીસી તમિલ સેવા માટે
1970ના દાયકામાં મેરી કેથરીન નામનાં મહિલા કોઈમ્બતુરમાં 'બ્લૂ માઉન્ટેન' નામનું ચિલ્ડ્રન હોમ-બાળ ગૃહ ચલાવતાં હતાં.

ઇમેજ સ્રોત, CASPER ANDERSON
તે સમયે અયાવુ અને સરસ્વતી નામનાં દંપતિએ તેમનાં બે બાળકો વિજયા અને રાજકુમારને આ બાળગૃહમાં છોડી દીધાં હતાં. 1979માં, રાજકુમારને ડેનિશ દંપતીએ દત્તક લીધા હતા. તેઓએ રાજકુમારનું નામ આપ્યું - કેસ્પર એન્ડરસન. તે જ સમયે, રાજકુમારનાં બહેન વિજયાને અમેરિકાનાં એક દંપતીએ દત્તક લીધાં હતાં. વિજયાને પણ નવું નામ મળ્યું, આ નામ હતું ડાયેન વિજયા કોલ.
આજે 42 વર્ષ પછી બંને ભાઈ-બહેન મળ્યાં છે અને ડીએનએ ટેસ્ટિંગ ટેકનૉલૉજીના કારણે આ શક્ય બન્યું છે.
ડાયેનને 1 ફેબ્રુઆરી 1979ના રોજ દત્તક લેવામાં આવ્યાં હતાં. તેમનાં નવાં માતા-પિતા તેમને અમેરિકા લઈ ગયાં. કેસ્પરને પણ તે જ વર્ષે 9 ફેબ્રુઆરીએ દત્તક લેવામાં આવ્યા હતા અને તેમને ડેનમાર્ક લઈ જવામાં આવ્યા હતા.
ડાયેનને યાદ છે કે તેમનો એક નાનો ભાઈ હતો. પરંતુ જ્યારે કેસ્પરને દત્તક લેવામાં આવ્યા ત્યારે તેઓ ખૂબ જ નાના હતા. તેમને યાદ ન હતું કે તેમની કોઈ બહેન છે.
આ બંને ભાઈ-બહેનો પર એક ડોક્યુમૅન્ટરી ફિલ્મ બનાવવામાં આવી છે. ડાયેન કહે છે કે જ્યારે તે ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતાએ તેમને એમ કહીને છોડી દીધાં હતાં કે તેઓ બહારથી ખાવાનું લઈને થોડીવારમાં આવે છે.
ડૉક્યુમૅન્ટરીમાં તેઓ કહે છે, "હું રડી રહી હતી અને મારી માતાને મને છોડીને ન જવા માટે કહી રહી હતી. બસ, છેલ્લી વખત ત્યારે મેં મારાં માતાને જોયાં હતાં."

પોતાના મૂળની શોધ

ઇમેજ સ્રોત, CASPER ANDERSON
બીબીસી સાથે વાત કરતાં ડાયેને કહ્યું કે તેઓ વિદેશમાં એક શ્વેત પરિવારમાં ઉછેર દરમિયાન તેઓ પોતાને એકલાંઅટૂલાં અનુભવતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડાયેન કહે છે, "હું મારી માતાને ભૂલી નહોતી. મારી અંદર ભારત સાથે જોડાયેલી યાદો સંઘરાયેલી હતી. જોકે, મને દત્તક લેનાર પરિવારે મારી સારી કાળજી લીધી અને મારી સારી સંભાળ લીધી."
કેસ્પર કહે છે કે તેમને પણ ઘણી નાની વયે જ ખબર પડી ગઈ હતી કે તેઓ જે પરિવાર સાથે રહેતા હતા તે તેમનો પોતાનો પરિવાર નથી. ભલે તે યુરોપમાં હતા, પરંતું તેમની ચામડીનો રંગ તેમને બતાવી દેતો હતો કે તેમનાં મૂળ ભારતમાં છે.
તેઓ કહે છે, "પરંતુ મને ક્યારેય મારાં મૂળ શોધવાનો મોકો મળ્યો નહોતો. હું બે વાર કોઈમ્બતુર આવ્યો. એક વાર 2015માં અને બીજીવાર 2019માં. મને જાણવા મળ્યું કે હું જે બાળગૃહમાં હતો તે તો ક્યારનું બંધ થઈ ગયું હતું. જે લોકો બાળગૃહ ચલાવતા હતા તેઓ મને ફોટોગ્રાફ આપવા સિવાય કોઈ વિશેષ માહિતી આપી શક્યા નહીં. હું નિરાશ થઈને ડેનમાર્ક પાછો ગયો."

માતાની શોધ કરતાં કરતાં અને બહેન મળી

ઇમેજ સ્રોત, CASPER ANDERSON
તે જ સમયે, કેસ્પરના એક મિત્રે સૂચવ્યું કે તેમણે ડીએનએ ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે એવી ઘણી કંપનીઓ છે જે ડીએનએના નમૂનાનું પરીક્ષણ કરે છે અને તેને તેમના સ્ટોરમાં રાખવામાં આવેલા નમૂના સાથે મેળવી આપે છે.
આમ, પોતાના પરિવાર વિશે વધુ જાણવાની આશાએ, કેસ્પરે એન્સેસ્ટ્રી નામની કંપનીને તેમના ડીએનએના નમૂના આપ્યા.
શરૂઆતમાં, કેસ્પરને પ્રોત્સાહક પરિણામ મળ્યું ન હતું. પરંતુ થોડા મહિનાઓ પછી, યુ.એસ.એ.ના યૂટાથી માઇકલ નામની એક વ્યક્તિએ તેમને ફોન કર્યો અને કહ્યું કે તેમના ડીએનએના નમૂના કેસ્પરના નમૂના સાથે અમુક અંશે મેળ ખાય છે.
કેસ્પર કહે છે, "મારા ડીએનએના નમૂના આપ્યા પછી, તે વ્યક્તિએ પણ પોતાના નમૂના એ જ કંપનીને આપ્યા હતા."
આ તરફ ડાયેન પોતાની વાત ચાલુ રાખે છે, "મારો દીકરો માઇકલ કોઈ કામ અર્થે થોડા સમય માટે બૅંગ્લુરૂ ગયો હતો. ત્યાંથી તેણે મને ફોન પર કહ્યું - 'મમ્મી, મને તમારા કેટલાક સંબંધીઓ મળ્યા છે'."
ડાયેનને યાદ હતું કે તેમનો એક ભાઈ પણ હતો. પરંતુ શરૂઆતમાં તેમણે વિચાર્યું કે તેમના પુત્રને કોઈ દૂરના સંબંધી મળ્યા હશે. પરંતુ પછીથી ખબર પડી કે તેમના પુત્રને તેમના સગા ભાઈ મળ્યા હતા.
પોતાના પરિવારની શોધ માટે ડાયેને પણ તેમના ડીએનના નમૂના એક કંપનીને આપી રાખ્યા હતા. ડાયેન કહે છે, "મને યાદ છે કે જ્યારે હું બાળગૃહમાં હતી ત્યારે મારી સાથે એક નાનો છોકરો હતો. જ્યારે હું તેને મળતી ત્યારે હું તેને ખાવાનું અને નાસ્તો આપતી હતી."
કેસ્પર કહે છે કે માઇકલે મને કહ્યું હતું કે તેમની માતાને તે જ બાળગૃહમાંથી દત્તક લેવામાં આવ્યાં હતાં.
તેઓ કહે છે, "હું મારાં માતા-પિતાની શોધમાં ભારત આવ્યો હતો. પરંતુ મને ખબર નહોતી કે મારી એક બહેન પણ છે. મેં તેની સાથે 2019માં પહેલીવાર ફોન પર વાત કરી હતી."

પુનર્મિલન

ઇમેજ સ્રોત, CASPER ANDERSON
આ વર્ષો દરમિયાન લૉકડાઉન હોવાથી ભાઈ-બહેનને મળવા માટે આ વર્ષના ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડી.
કેસ્પરે ફરી એકવાર '23 ઍન્ડ મી' નામની કંપનીને પોતાના ડીએનએના નમુના આપ્યા હતા. ડાયેને અગાઉથી જ આ કંપનીને પોતાના ડીએનએના નમૂના આપી રાખ્યા હતા.
કેસ્પર કહે છે, "બંનેના ડીએનએ 100% મેળ ખાતા મળી આવ્યા હતા."
તેઓ કહે છે, "હું મારી બહેનને શોધી શકું તે પહેલાં જ મને ચિલ્ડ્રન હોમમાંથી એક તસ્વીર મળી જેમાં મારી બહેન મારી આગળ ઊભેલી જોવા મળે છે. મેં ત્યાં સુધી તેને માત્ર ફોટામાં જ જોઈ હતી. ત્યારથી જ તેને મળવાની તીવ્ર ઇચ્છા જાગી હતી."
કેસ્પરે કહ્યું, "જ્યારે હું મારાં માતા-પિતાની શોધમાં ભારત આવ્યો ત્યારે મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે મને મારી બહેન મળી આવશે. મેં આવું તો માત્ર નવલકથાઓ અને વાર્તાઓમાં જ વાંચ્યું છે. જ્યારે મને ખબર પડી કે મારી એક બહેન છે ત્યારે મારી અંદર જે લાગણીઓનું ઘોડાપૂર ઉભરાયું હતું તે હું શબ્દોમાં વર્ણવી શકતો નથી."
ડાયેન કહે છે કે કેસ્પર સાથે પહેલીવાર વાત કરતી વખતે તેને ખબર પડી ગઈ હતી કે તે તેનો જ ભાઈ છે. તેઓ કહે છે, "ડીએનએ ટેસ્ટ તો માત્ર એક ઔપચારિકતા હતી."
ડાયેન અને કેસ્પર આજે એકબીજાનાં સંપર્કમાં છે. બંને ટૂંક સમયમાં સાથે ભારતમાં આવીને તેમના પરિવારના અન્ય સભ્યોને શોધ કરવાનું આયોજન કરી રહ્યાં છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













