ભારતના મુસ્લિમો જ્ઞાતિઓમાં વહેંચાયેલા છે? તેમાં કેટલી જ્ઞાતિ છે?

    • લેેખક, અભિનય ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક હી સફ મેં ખડે હો ગયે મહમૂદ-ઓ-અયાઝ,

ના કોઈ બંદા રહા ના કોઈ બંદાનવાઝ.

ઉર્દૂના જાણીતા શાયર અલ્લામા ઇકબાલ(1877-1938)ના આ શેરનો અર્થ છે કે મહમૂદ ગઝનવી (971-1030 ઈસવીસન) અને તેમના ગુલામ અયાઝ, જ્યારે નમાઝ પઢવા માટે ઊભા થાય છે ત્યારે બંને એક જ લાઇનમાં હોય છે. એટલે ન તો તે સમયે કોઈ બાદશાહ હોય છે અને ના કોઈ ગુલામ.

જામા મસ્જિદ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, જામા મસ્જિદ

ઇકબાલ આ શેર દ્વારા કહેવાનો પ્રયત્ન કરે છે કે ઇસ્લામ ધર્મમાં માનનારા તમામ બરાબર છે અને તેમાં કોઈ પ્રકારની ઊંચ-નીચ નથી.

line

ભારતમાં મુસ્લિમ

શું ખરેખર મુસ્લિમ સમાજ આવો છે, જ્યાં કોઈ જ્ઞાતિ નથી, કોઈ ભેદભાવ નથી અને તમામ બરાબર છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું ખરેખર મુસ્લિમ સમાજ આવો છે, જ્યાં કોઈ જ્ઞાતિ નથી, કોઈ ભેદભાવ નથી અને તમામ બરાબર છે?

પરંતુ શું ખરેખર મુસ્લિમ સમાજ આવો છે, જ્યાં કોઈ જ્ઞાતિ નથી, કોઈ ભેદભાવ નથી અને તમામ બરાબર છે?

આ પ્રશ્ન એવા સમયે ઊઠી રહ્યો છે, જ્યારે બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે બુધવારે બોલાવેલી તમામ પક્ષની બેઠક પછી રાજ્યમાં જ્ઞાતિઆધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત કરાઈ છે. ગુરુવારે તો કૅબિનેટે આ નિર્ણય પર પોતાની મહોર મારી દીધી છે.

નીતીશકુમારે કહ્યું, "જ્ઞાતિઆધારિત વસતિગણતરી માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. આનું નામ 'જાતિ આધારિત વસતિગણતરી' રખાયું છે. આમાં દરેક ધર્મ અને જ્ઞાતિના લોકોની ગણતરી થશે. તેનું આકલન કરવામાં આવશે."

લાઇન

સંક્ષેપ : ભારતમાં મુસ્લિમોની જ્ઞાતિઓની આસપાસ

ભારતીય મુસ્લિમો મુખ્યત્વે ત્રણ જ્ઞાતિસમૂહમાં વહેંચાયેલા છે. તેમને 'અશરાફ', 'અજલાફ' અને 'અરઝાલ' કહેવામાં આવે છે. આ જ્ઞાતિઓનો સમૂહ છે, જેની અંદર અલગ-અલગ જ્ઞાતિઓ સામેલ છે.

હલાલખોર, હવારી, રઝાક જેવી મુસ્લિમ જ્ઞાતિઓને સૈયદ, શેખ, પઠાણ જ્ઞાતિઓનાં કબ્રસ્તાનમાં દફનાવવાની જગ્યા આપવામાં આવતી નથી.

આખા ભારતમાં ક્યાંક ક્યાંક મુસ્લિમોની છ જેટલી જ્ઞાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળેલો છે.

ભારતીય સમાજની સામાજિક સંરચનાના મૂળમાં જ્ઞાતિવ્યવસ્થા છે. વર્ણવ્યવસ્થાની વાત હિંદુ ધર્મગ્રંથોમાં જોવા મળે છે, પરંતુ ઇસ્લામના મૂળમાં આ નથી જોવા મળતું.

જાણો કે ભારતના મુસ્લિમોમાં જ્ઞાતિપ્રથાની શરૂઆત કેવી રીતે થઈ?

લાઇન

આ જ્ઞાતિઆધારિત વસતિગણતરી કેવી રીતે થશે. આને લઈને શું માપદંડ હશે, આને કેવી રીતે કરવામાં આવશે તે અંગે બિહાર સરકારે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી.

સર્વપક્ષીય બેઠકમાં નિર્ણય લીધા પછી ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે માગ કરી કે મુસ્લિમોની પણ વસતિગણતરી થવી જોઈએ. એ અલગ વાત છે કે તેમણે મુસ્લિમોની વસતિગણતરીને રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓની વસતિ સાથે જોડી દીધા છે.

ગિરિરાજસિંહ બુધવારે સંપન્ન થયેલી ભાજપની રાજ્ય કારોબારીની બે દિવસની બેઠકમાં ભાગ લેવા માટે કટિહાર આવ્યા હતા.

કટિહારમાં પત્રકારો સાથે વાત કરતાં ગિરિરાજસિંહે કહ્યું કે મુસ્લિમોની અંદરની જ્ઞાતિઓ અને ઉપજ્ઞાતિઓને ગણવી જોઈએ. તેમના કહેવા પ્રમાણે, સરકારને મુસ્લિમોની જ્ઞાતિ આધારિત વસતિગણતરી દ્વારા રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂષણખોરોની ઓળખ કરવી જોઈએ.

ગિરિરાજસિંહે ભલે જે કારણે મુસ્લિમોની અંદર જ્ઞાતિઓ અને ઉપજ્ઞાતિઓને ગણતરી કરવાની વાત કરી હોય. પરંતુ એ પણ એક સત્ય છે કે સામાન્ય રીતે મુસ્લિમોની અંદરની જ્ઞાતિઓની વાત ઓછી જ થાય છે.

ઘણા લોકોને લાગે છે કે મુસ્લિમોમાં જ્ઞાતિના આધારે કોઈ મતભેદ નથી. તેમજ કેટલાક લોકોનું માનવું છે કે મુસ્લિમોમાં જ્ઞાતિઓ તો હોય છે, પરંતુ હિંદુઓમાં જેટલા ગંભીર મતભેદ છે, તેટલા મુસ્લિમોમાં નથી.

પરંતુ સત્ય શું છે? આખરે મુસ્લિમ સમાજની સંરચના કેવી છે? અને શું ત્યાં સમાજના તમામ વર્ગોની વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે?

આ રિપોર્ટમાં આવા જ કેટલાક સવાલોના જવાબ આપવાના પ્રયત્ન કર્યો છે. બીબીસીએ તેના માટે જાણીતા સમાજશાસ્ત્રના પ્રોફેસર ઇમ્તિયાઝ અહમદ, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તનવીર ફઝલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પસમાંદા મુસ્લિમ આંદોલનના નેતા અલી અનવર અન્સારી સાથે વાત કરી.

line

મુસ્લિમોમાં કેટલી જ્ઞાતિ છે?

ભારતીય મુસ્લિમો મુખ્યત્વે ત્રણ જ્ઞાતિસમૂહમાં વહેંચાયેલા છે. તેમને 'અશરાફ', 'અજલાફ' અને 'અરઝાલ' કહેવામાં આવે છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ભારતીય મુસ્લિમો મુખ્યત્વે ત્રણ જ્ઞાતિસમૂહમાં વહેંચાયેલા છે. તેમને 'અશરાફ', 'અજલાફ' અને 'અરઝાલ' કહેવામાં આવે છે

ભારતીય મુસ્લિમો મુખ્યત્વે ત્રણ જ્ઞાતિસમૂહમાં વહેંચાયેલા છે. તેમને 'અશરાફ', 'અજલાફ' અને 'અરઝાલ' કહેવામાં આવે છે. આ જ્ઞાતિઓનો સમૂહ છે, જેની અંદર અલગ-અલગ જ્ઞાતિઓ સામેલ છે.

હિંદુઓમાં જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણ હોય છે, તેવી જ રીતે અશરાફ, અજલાફ અને અરઝાલને જોવામાં આવે છે.

રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પસમાંદા મુસ્લિમ આંદોલનના નેતા અલી અનવર અન્સારી કહે છે કે, "અશરાફમાં સૈયદ, શેખ, પઠાણ, મિર્ઝા, મુઘલ જેવી ઉંચી જ્ઞાતિઓ સામેલ છે."

"મુસ્લિમ સમાજમાં આ જ્ઞાતિઓની સરખામણી હિંદુઓની ઉચ્ચ જ્ઞાતિઓ સાથે કરવામાં આવે છે, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સામેલ છે."

તેઓ આ વાતને આગળ વધારતાં કહે છે કે, "બીજો વર્ગ છે - અજલાફ. જેમાં કહેવાતી વચ્ચેની જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. આમની એક મોટી સંખ્યા છે. જેમાં ખાસ કરીને અન્સારી, મન્સૂરી, રાઇન અને કુરૈશી જેવી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે."

"કુરૈશી મીટનો વેપાર કરે છે અને અન્સારી મુખ્યત્વે કપડાં વણવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. હિંદુઓમાં તેમની સરખામણી યાદવ, કોઈરી અને કુર્મી જેવી જ્ઞાતિઓ સાથે કરી શકાય છે."

"ત્રીજો વર્ગ છે - અરઝાલ. આમાં હલાલખોર, હવારી, રઝ્ઝાક જેવી જ્ઞાતિઓ સામેલ છે. હિંદુઓમાં મેલું ઉપાડવાનું કામ કરનાર લોકોને મુસ્લિમ સમાજમાં હલાલખોર અને કપડાં ધોવાનું કામ કરનારને ધોબી કહે છે."

પ્રોફેસર તનવીર ફઝલ કહે છે કે, "અરઝાલમાં એવા લોકો છે, જેમનો વ્યવસાય હિંદુઓમાં અનુસૂચિત જાતિના લોકોનો હોય છે તે હોય છે. આ મુસલમાન જ્ઞાતિઓનું પછાતપણું આજે પણ હિંદુઓની અનુસૂચિત જ્ઞાતિઓને જેવું જ છે."

line

શું પોતાની જ્ઞાતિમાં લગ્ન કરે છે ભારતીય મુસ્લિમ?

મુસ્લિમોમાં પણ જ્ઞાતિપ્રથા હિંદુઓની જેમ જ કામ કરે છે?

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મુસ્લિમોમાં પણ જ્ઞાતિપ્રથા હિંદુઓની જેમ જ કામ કરે છે?

પ્રો. ઇમ્તિયાઝ અહમદ કહે છે કે મુસ્લિમોમાં પણ જ્ઞાતિપ્રથા હિંદુઓની જેમ જ કામ કરે છે. વિવાહ અને ધંધા સિવાય મુસ્લિમોમાં અલગ-અલગ જ્ઞાતિઓનાં રીતિરિવાજ પણ અલગ-અલગ છે.

ડૉ. તનવીર ફઝલનું કહેવું છે કે, "મુસ્લિમોમાં પણ લોકો પોતાની જ્ઞાતિ જોઈને લગ્ન કરવાનું પસંદ કરે છે. મુસ્લિમ વિસ્તારોમાં પણ જ્ઞાતિઓના આધારે કૉલોનીઓ બનેલી જોવા મળે છે. કેટલીક મુસ્લિમ જ્ઞાતિઓની કૉલોની એક તરફ બનેલી છે, તો કેટલીક જ્ઞાતિઓની બીજી તરફ."

પ્રો. ફઝલ અનુસાર પશ્ચિમી ઉત્તર પ્રદેશના એક વિસ્તારમાં તુર્ક અને લોધી મુસલમાન રહે છે. તેમની વચ્ચે આકરો તણાવ રહે છે. તેમના પોત-પોતાના વિસ્તાર છે, રાજકારણમાં પણ આ જોવા મળે છે.

તેઓ કહે છે કે, "મસ્જિદમાં જ્ઞાતિ વ્યવસ્થા લાગુ પડતી નથી, કારણ કે ઇસ્લામ તેમની મંજૂરી આપતો નથી. તેમના કહેવા પ્રમાણે, દિલ્હીની અનેક મસ્જિદોમાં એવી મુસ્લિમ જ્ઞાતિઓના ઇમામ બનેલા છે, જેમનો સંબંધ પછાત જ્ઞાતિઓ સાથે છે. મદરેસાઓમાં તાલીમ પર પણ સવાલ ઊઠતા રહ્યા છે."

અરસપરસના સંબંધો પર રાજ્યસભાના સાંસદ અલી અનવર અન્સારીનું વલણ થોડું અલગ છે.

તેઓ કહે છે, "મુસલમાન જીવવાથી લઈને મૃત્યુ પામવા સુધી જ્ઞાતિઓમાં વહેચાયેલો છે. લગ્ન તો છોડો, રોટી-બેટીનો સંબંધ પણ નથી એક બે અપવાદને છોડીને."

તેમનું કહેવું છે કે જ્ઞાતિના આધારે અનેક મસ્જિદો બનાવવામાં આવી છે. દરેક ગામમાં જ્ઞાતિઓના હિસાબે કબ્રસ્તાન બનાવવામાં આવ્યાં છે.

હલાલખોર, હવારી, રઝાક જેવી મુસ્લિમ જ્ઞાતિઓને સૈયદ, શેખ, પઠાણ જ્ઞાતિઓનાં કબ્રસ્તાનમાં દફનાવવાની જગ્યા આપવામાં આવતી નથી.

તેમના કહેવા પ્રમાણે અનેક વખત તો પોલીસને બોલાવવી પડે છે.

line

શું મુસ્લિમોને અનામતનો લાભ મળે છે?

મુસલમાનોમાં કોઈ જ્ઞાતિ ગમે તે જ્ઞાતિ ગમે તેટલી પાછળ હોય, તેને અનુસૂચિત જાતિનો દરજ્જો મળતો નથી, પરંતુ મુસલમાનોની કેટલીક જ્ઞાતિઓને ઓબીસી આરક્ષણનો લાભ મળે છે.

પ્રો. તનવીર ફઝલ કહે છે, "બંધારણના આર્ટિકલ 341 દ્વારા, અનુસૂચિત જાતિની અનામત મળે છે, પરંતુ તેમાં રાષ્ટ્રપતિનો એક આદેશ જોડાયેલો છે. આ હેઠળ, હિંદુઓમાં અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓને આનો લાભ મળશે. પછી તેમાં બે ફેરફાર કરવામાં આવ્યા, જે હેઠળ ધાર્મિક રીતે શીખ અને બૌદ્ધ ધર્મમાં માનનારા લોકોને આમાં સામેલ કરવામાં આવ્યા. પરંતુ અત્યાર સુધી મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં માનતા લોકોને આમાં સામેલ કરવામાં આવ્યા નથી."

પ્રો. ફઝલના કહેવા પ્રમાણે, "મુસ્લિમોમાં ઓછામાં ઓછી 15 જ્ઞાતિઓ એવી છે, જેમને અનુસૂચિત જાતિનો દરજ્જો મળવો જોઈએ. મુસ્લિમોમાં પછાત જ્ઞાતિઓ છે, તેમને ઓબીસી કૅટગરીમાં રાખવામાં આવી છે, પરંતુ તેનાથી હલાલખોર જેવી જ્ઞાતિઓને કોઈ ફાયદો નથી મળતો, જ્યારે તેમનું પછાતપણું હિંદુ દલિતો જેવું છે."

અલી અનવર અન્સારી કહે છે, "ન માત્ર અનુસૂચિત જાતિ પરંતુ અનુસૂચિત જનજાતિમાં પણ મુસ્લિમો આવતા નથી. હિંદુઓમાં મીણા જાતિના લોકો અનુસૂચિત જનજાતિમાં આવે છે, જ્યારે મુસ્લિમોમાં તેમને મળતી આવતી મેવ જ્ઞાતિને અનુસૂચિત જનજાતિનું આરક્ષણ મળતું નથી. તેમને ઓબીસીનો દરજ્જો આપવામાં આવે છે."

જોકે એ વાત પણ સાચી છે કે આખા ભારતમાં ક્યાંક ક્યાંક મુસ્લિમોની છ જેટલી જ્ઞાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળેલો છે.

line

હિંદુમાંથી મુસ્લિમ બનશો તો નહીં મળે અનામત

તનવીર ફઝલ
ઇમેજ કૅપ્શન, તનવીર ફઝલ

હિંદુ ધર્મને માનનારા અનુસૂચિત જાતિ અને જનજાતિના જો કોઈ વ્યક્તિ ઇસ્લામ ધર્મ અપનાવી લે છે, તો તેમને અનુસૂચિત જાતિ માફક અનામત મળતી નથી.

પ્રો. તનવીર ફઝલ કહે છે કે, "કોઈપણ દલિત વ્યક્તિ આઝાદીથી પોતાનો ધર્મ પસંદ નથી કરી શકતો, કારણ કે હિંદુ ધર્મમાંથી તેને અનુસૂચિત જાતિ હેઠળ અનામતનો લાભ મળે છે, જ્યારે મુસ્લિમ ધર્મમાં સામેલ થયા પછી તેમને ઓબીસી તરીકે અનામતનો લાભ મળે છે.

પ્રો. ફઝલ અનુસાર આ સીધો-સીધો આઝાદીથી ધર્મ પસંદ કરવાના અધિકારનું હનન છે.

line

મુસ્લિમોમાં ક્યાંથી આવી જ્ઞાતિપ્રથા?

વર્ણવ્યવસ્થાની વાત હિંદુ ધર્મગ્રંથોમાં જોવા મળે છે, પરંતુ ઇસ્લામના મૂળમાં આ નથી જોવા મળતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ણવ્યવસ્થાની વાત હિંદુ ધર્મગ્રંથોમાં જોવા મળે છે, પરંતુ ઇસ્લામના મૂળમાં આ નથી જોવા મળતું

ભારતીય સમાજની સામાજિક સંરચનાના મૂળમાં જ્ઞાતિવ્યવસ્થા છે. આ તમામ ધર્મોમાં જોવા મળે છે. વર્ણવ્યવસ્થાની વાત હિંદુ ધર્મગ્રંથોમાં જોવા મળે છે, પરંતુ ઇસ્લામના મૂળમાં આ નથી જોવા મળતું.

પ્રો. તનવીર ફઝલ કહે છે કે ભલે વર્ણવ્યવસ્થા ઇસ્લામમાં ન હોય, પરંતુ ભારતીય મુસ્લિમ સમાજમાં જોઈએ તો તેમાં જ્ઞાતિવ્યવસ્થા સ્થાપિત છે.

સમાજશાસ્ત્રી પ્રો. ઇમ્તિયાઝ અહમદ કહે છે કે, "ઇસ્લામ ધર્મ જ્યારે તુર્કી અને ઈરાનમાંથી ભારતમાં પહોંચ્યો તો તેમાં એક વિસ્તૃત શુદ્ધિકરણનો વિકાસ થઈ ગયો હતો અને જ્યારે તે ધર્મ હિંદુ જ્ઞાતિપ્રથાના સંપર્કમાં આવ્યો તો તેને એક મજબૂતી મળી."

જ્યારે પ્રો. તનવીર ફઝલ આની પાછળનાં બીજાં કારણ પણ કહે છે.

તેઓ કહે છે, "ધર્મપરિવર્તનના સમયે લોકો પોતાની સાથે પોતપોતાની જ્ઞાતિઓ લઈને પણ આવ્યા. ઇસ્લામ ધર્મ અપનાવ્યા પછી પણ તેમણે જ્ઞાતિને ન છોડી. ઉત્તર પ્રદેશના જે રાજપૂતોએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો, તે હાલ પણ પોતાના નામની પાછળ ચૌહાણ લખાવે છે. પોતાને રાજપૂત માને છે"

એમ માનવામાં આવે છે કે જે તુર્ક, મુઘલ અને અફઘાનો ભારતમાં આવ્યા. તેમણે પોતાના લોકોને શાસનવ્યવસ્થામાં ઊંચુ સ્થાન આપ્યું અને અહીં લોકોને નીચા ગણ્યા.

પ્રોફેસર ફઝલના કહેવા પ્રમાણે બની શકે કે ત્યાંથી પણ આની શરૂઆત થઈ હોય.

જ્ઞાતિ આધારિત વસતિગણતરીથી મુસ્લિમોને કેટલો ફાયદો થશે?

દેશમાં દર 10 વર્ષ પછી વસતિગણતરી થાય છે. આમાં કંઈ જ્ઞાતિની કેટલી સંખ્યા છે, તેનું વિવરણ આપવામાં આવતું નથી. મુસ્લિમ સમાજની વસતિ પણ ધર્મના આધારે કરાય છે. જ્યારે જ્ઞાતિ આધારિત વસતિગણતરી થશે ત્યારે દરેક ધર્મમાં રહેલી જ્ઞાતિઓ વિશે ખબર પડશે.

પ્રો. તનવીર ફઝલ કહે છે કે સરકાર વસતિ ગણતરી કરાવશે તો સામાજિક અને આર્થિક દરજ્જાનું પણ ધ્યાન રાખશે. તેમના કહેવા પ્રમાણે, આનાથી પછાત રહી ગયેલી મુસ્લિમ જ્ઞાતિઓને લાભ મળશે અને પછાતપણાના આધારે તેમને અનામત મળવામાં મદદ મળશે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો