હાર્દિક પટેલ ભાજપમાં: પાટીદારોનું અનામત આંદોલન કેવી રીતે વિખેરાઈ ગયું?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

2017ના દિવાળી સમયની વાત છે, જ્યારે ભાજપના જિલ્લા અને તાલુકાસ્તરના નેતાઓ દિવાળીના સ્નેહમિલનની આમંત્રણ પત્રિકા ઉપર 'હાર્દિક આમંત્રણ' લખવાનું ટાળી રહ્યા હતા, કારણ કે પાટીદાર સમુદાયના યુવા નેતાએ પાર્ટીની સામે મોટો પડકાર ઊભો કર્યો હતો. 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો રકાસ થયો હતો અને થોડાં મહિનામાં જ યોજાનારી ચૂંટણીમાં કેવો પડકાર ઊભો થશે, એ તેમને ધરાતલ પર દેખાવા લાગ્યું હતું.

હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ

ઑગસ્ટ-સપ્ટેમ્બર 2015 દરમિયાન 2002 પછી પહેલી વખત ગુજરાતમાં ઠેર-ઠેર હિંસા અને અરાજકતાનાં દૃશ્યો જોવા મળ્યા હતા. પોલીસે સેંકડો લોકોની સામે ડઝનબંધ કેસ દાખલ કર્યા. આ સિવાય ગોળીબારમાં 14 લોકો મૃત્યુ પામ્યાં હતા.

પાટીદારો ઓબીસી ક્વોટામાંથી અનામતની માગ કરી રહ્યા હતા એટલે ઓબીસી સમુદાય અને પછી દલિત સમાજે પણ પોતાની માગણીઓ સાથે આંદોલનો કર્યા અને એક તબક્કે ગુજરાતમાં સામાજિક સૌહાર્દના તાણાં-વાણાં વિખેરાઈ જતાં દેખાયા હતા.

ફાસ્ટફૉરવર્ડ બે જુલાઈ, 2022. ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ હાર્દિક પટેલને ઔપચારિક રીતે ભાજપમાં પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પાટીદાર અનામત આંદોલન સમયે રાજકારણમાં નહીં ઝંપલાવવાના સૌગંધ ખાનારા હાર્દિક કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું પદ છોડીને કેસરિયો ધારણ કર્યો છે.

આંદોલનની શરૂઆતથી અત્યારસુધી 'અર્થશાસ્ત્ર'માં ચાણક્ય દ્વારા સૂચવવામાં આવેલા તમામ ઉપાયોને ગુજરાત સરકાર, ભાજપ તથા કૉંગ્રેસ દ્વારા અજમાવવામાં આવ્યા છે.

હાલ તો જમણેરી પક્ષની વ્યૂહરચના કારગર નીવડી રહી હોય તેમ જણાય છે, છતાં તેની સામે પણ અનેક પડકાર છે, જેને પાર્ટીએ આવનારા સમયમાં ધ્યાને લેવા પડશે.

line

ભૂલ કરે તેની રાહ જુઓ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજકારણમાં નહીં ઝંપલાવવાની વાત કરનારા હાર્દિક પટેલે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને હરાવવા માટે પ્રયાસ કરવા પાટીદારોને આહ્વાન કર્યું, પરંતુ તેમણે કૉંગ્રેસને પ્રત્યક્ષ સમર્થન જાહેર નહોતું કર્યું.

ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે હાર્દિક પટેલે અમદાવાદની એક હોટલમાં રાહુલ ગાંધી સાથે પાછલા બારણે મુલાકાત કરી અને બંધબારણે ચર્ચા કરી. એ સમયે રાહુલ ગાંધીને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) સુરક્ષાકવચ મળેલું હતું. છતાં હાર્દિક પટેલની હોટલમુલાકાતની તસવીરો સાર્વજનિક થઈ ગઈ.

અત્યારસુધી તટસ્થતાની વાત કરતા હાર્દિક પટેલે અચાનક જ બચાવની મુદ્રામાં આવી જવું પડ્યું અને મુલાકાતનો સ્વીકાર કર્યો. આંદોલન સમયના જનસમર્થન તથા પ્રતિસાદને પગલે હાર્દિક પટેલ તથા અન્ય નેતાઓને રાજકીય મહત્ત્વકાંક્ષાઓ જાગી.

પાસના અનેક નેતાઓને કૉંગ્રેસની ટિકિટો મળી. આને કારણે આંદોલનના રાજકીય નિહિતાર્થો વિશે સંશયિત સમાજના એક વર્ગને નિર્ણય લેવામાં સરળતા થઈ ગઈ.

2019ની લોકસભા ચૂટણી પહેલાં હાર્દિક પટેલ રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાઈ ગયા. તેમને જામનગર, મહેસાણા કે જૂનાગઢની બેઠક પરથી ચૂંટણીજંગમાં ઉતારવામાં આવશે, તેવી ચર્ચા હતી. કેન્દ્રની મોદી સરકાર માટે મહત્ત્વપૂર્ણ એવી ચૂંટણી પહેલાં આ પગલું લાભકારક બની રહ્યું અને હાર્દિક પટેલ તથા કૉંગ્રેસની ઉપર પ્રહાર કરવા માટે તક મળી ગઈ.

line

સમય વર્તે સાવધાન

2002 પછી પહેલી વખત ગુજરાતમાં ઠેરઠેર હિંસાના દૃશ્યો જોવા મળ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2002 પછી પહેલી વખત ગુજરાતમાં ઠેરઠેર હિંસાના દૃશ્યો જોવા મળ્યા

2015ના મધ્યભાગથી આંદોલનનો ચરૂ ઉકળી રહ્યો હતો, અમુકસ્થળોએ હિંસક ઘટનાઓ ઘટી તો પણ સરકાર અને તંત્રની પ્રતિક્રિયા મહદંશે સંયમિત હતી, પરંતુ તા. 25 ઑગસ્ટ 2015ના દિવસે જીએમડીસીની ઘટના પછી પરિસ્થિતિ અચાનક પલટાઈ ગઈ.

પોલીસે અમદાવાદ, સુરત અને મહેસાણા સહિત અનેક શહેરોમાં પાટીદાર પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગ કર્યો. હિંસક ભીડ દ્વારા અનેક સ્થળોએ સાર્વજનિક સંપત્તિને આગચંપી કરી. વાતાવરણ તંગ બની ગયું ત્યારે પોલીસ દ્વારા ભીડ પર ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં 14 લોકોનાં મૃત્યુ થયા.

સ્થિતિને વણસતી જોઈને લશ્કરી, અર્ધલશ્કરી તથા રાજ્ય પોલીસના અનામતના દળોના ધાડાં ઉતારી દેવામાં આવ્યા. કર્ફ્યુ અને ઇન્ટરનેટબંદી જેવા અનેક પગલાં દ્વારા સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ થયો.

આ ઘટનાક્રમે સ્થિતિને પલટી નાખી. પાટીદારોમાં આક્રોશ ચરમ પર પહોંચી ગયો. ગુજરાત સરકાર સાવધાન થઈ ગઈ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ), તેનું હરીફ સરદાર પટેલ ગ્રૂપ તથા અન્ય સવર્ણ સમાજ સાથે સંવાદ શરૂ કર્યો.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

છતાં ડિસેમ્બર- 2015માં યોજાયેલી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર આક્રોશની અસર દેખાઈ અને જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં ભાજપનું ધોવાણ થયું. સરકારે સમય જોઈને વધુ છૂટ આપી.

આનંદીબહેન પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામતની જાહેરાત કરી. આ સિવાય સ્કૉલરશિપ, અભ્યાસ માટે આર્થિકસહાય, વેપાર-ધંધા માટે લોન અને પંચ દ્વારા સમીક્ષા વગેરે જેવા પગલાંની જાહેરાત કરવામાં આવી.

ઑગસ્ટ- 2016માં ગુજરાત હાઈકોર્ટે આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવતી અનામત રદ કરી દીધી છતાં ગરીબ સવર્ણોને અન્ય સુવિધાઓ મળતી રહી. ગુજરાત સરકારે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.

બીજી બાજુ, ગુજરાતમાંથી પાટીદારો, આંધ્ર પ્રદેશમાં કપ્પુ, મહારાષ્ટ્રમાં મરાઠા; હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જાટ સમુદાય અનામતની માગ કરી રહ્યો છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ સંપન્ન હોવા છતાં ઓબીસી આરક્ષણ હેઠળ અનામતની માગ કરી રહ્યા છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પ્રથમ કાર્યકાળના આડે 100 દિવસથી પણ ઓછો સમય રહ્યો હતો ત્યારે જાન્યુઆરી-2019માં સવર્ણ સમાજના આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ કરતો કાયદો લાવવામાં આવ્યો.

આ પગલાંથી વિપક્ષ ડઘાઈ ગયો, આગામી ચૂંટણી સમયે સવર્ણ મતદારો નારાજ ન થઈ જાય તે માટે તેનો વિરોધ તો ન કર્યો,પરંતુ તેની જોગવાઈઓ, દાનત અને સમય ઉપર સવાલ ચોક્કસથી ઉઠાવ્યો.

દેશની સર્વોચ્ચ અદાલતમાં સવર્ણોને અપાતી અનામત પડકારવામાં આવી છે, કારણ કે તે મહત્તમ 50 ટકા અનામતની ટોચમર્યાદાનો ભંગ કરે છે. સર્વોચ્ચ અદાલત દ્વારા સવર્ણ અનામતની પાત્રતા માટેના માપદંડો ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

સંભવતઃ આ નિર્ણયની અસર પણ થઈ, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળી હતી, જ્યારે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતની તમામ 26 બેઠક પર વધુ એક વખત ભાજપનો વિજય થયો. માર્ચ-2021માં યોજાયેલી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે જબરદસ્ત દેખાવ કર્યો અને તમામ આઠ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર ભાજપે કબજો જાળવી રાખ્યો.

line

સંઘશક્તિ કલિયુગે

કહેવાય છે કે 'કલયુગે સંઘશક્તિ મહાન', આ વાતને ભાજપ સારી રીતે સમજે છે, તો 'દુશ્મનનો દુશ્મન મિત્ર'એ વાતને કૉંગ્રેસ સારી રીતે સમજે છે.

2015ના મધ્યભાગમાં જ્યારે હાર્દિક પટેલ આંદોલનના કેન્દ્રસ્થાનમાં આવી ગયા ત્યારે સરદાર પટેલ જૂથના લાલજી પટેલે તેમની ઉપર સંગઠન તથા આંદોલનને હાઈજેક કરવાનો આરોપ મૂક્યો હતો. આંદોલન દરમિયાન સરકારનો પક્ષ રજૂ કરવાની કામગીરી નીતિન પટેલ તથા પક્ષનો અભિગમ રજૂ કરવાનું કામ જીતુભાઈ વાઘાણીને સોંપવામાં આવ્યું હતું, જે સૂચક છે.

વિધાનસભા ચૂંટણી પહેલાં હાર્દિક પટેલ સિવાય રેશમા પટેલ અને વરૂણ પટેલ જેવા પાટીદાર અનામત આંદોલન સમયના ફાયરબ્રાન્ડ નેતાઓને ભાજપે પાર્ટીમાં સ્થાન આપ્યું હતું.

રેશમા પટેલનું કહેવું છે કે તેમને પાટીદાર સમાજની માગણીઓના ઉકેલની ખાતરી ખુદ અમિત શાહ દ્વારા આપવામાં આવી હતી. છતાં તેના ઉપર અમલ નહીં થતાં તેમણે પાર્ટી છોડી દીધી. તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની ગુજરાત મહિલા પાંખનાં વડાં છે. તેઓ હાર્દિકને ભાજપમાં નહીં જોડાવા ચેતવી રહ્યાં છે. અન્ય એક સાથી વરૂણ પટેલ હજુ પણ ભાજપમાં છે,પરંતુ તેમની પાસે કોઈ ભૂમિકા નથી. જોકે, તેઓ હાર્દિકના ભાજપમાં પ્રવેશ વિશે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

સામે પક્ષે કૉંગ્રેસે લલિત વસોયા, લલિત કગથરા, ચિરાગ કાલરિયા સહિત પાસના અનેક નેતાઓને ટિકિટ આપી. હાર્દિક પટેલ કૉંગ્રેસથી નારાજ હતા, ત્યારે એવી ચર્ચા હતી કે તેઓ પાસ સમયના તેમના સાથીઓને લઈને આમ આદમી પાર્ટી અથવા ભાજપમાં જોડાશે.

દરમિયાન હાર્દિક પટેલના પિતાની પ્રથમતિથિ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં પાસમાંથી ઉદ્દભવેલા અને કૉંગ્રેસ મારફત પદ અને સત્તા મેળવનારા અનેક આગેવાનો ગેરહાજર રહ્યા. જેનું વિશ્લેષણ આ નેતાઓના હાર્દિક પ્રત્યેના વલણ તરીકે કરવામાં આવ્યું.

એક સમયે પાસમાં હાર્દિકા સાથી અને હવે કૉંગ્રેસના સભ્ય એવા લોકો તેમની ઉપર ટિકિટ વેચવા સહિતના આરોપ મૂકી રહ્યાં છે.

line

મુદ્દો જ ન રહે તો?

ગુજરાતના પાટીદાર આંદોલને મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનનો પલિતો ચાંપ્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના પાટીદાર આંદોલને મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનનો પલિતો ચાંપ્યો

2015માં શરૂ થયેલા આંદોલનનો મુખ્ય મુદ્દો અનામતનો હતો. એ સમયે સરકારે સમસ્યાઉકેલનું કામ નીતિન પટેલને સોંપ્યું, જેઓ ઉત્તર ગુજરાતના સન્માનિત પાટીદાર નેતા હતા. તેમણે માત્ર પાસ જ નહીં, પરંતુ એસપીજી, ઉમિયાધામ, ખોડલધામના નરેશભાઈ સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંવાદ સાધ્યો.

આ સિવાય 'ગરીબ સવર્ણ અનામત'ની ચર્ચા વહેતી થઈ. આના માટે લોહાણા, બ્રાહ્મણ અને ક્ષત્રિય જેવી સમાજની ઊંચી મનાતી જ્ઞાતિઓનાં પ્રતિનિધિઓ સાથે ચર્ચા શરૂ કરી. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત સરકાર દ્વારા અનામત અપાઈ ગઈ હતી અને તે મુદ્દો 'રાજકીયના બદલે કાયદાકીય' બની ગયો હતો. આવી જ રીતે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં પણ કેન્દ્રીયસ્તરે અનામત આપીને આ મુદ્દાને ગૌણ બનાવી દેવામાં આવ્યો.

ડિસેમ્બર-2017 પછી આ મુદ્દાએ ધાર ગુમાવી દીધી હતી. હાર્દિક પટેલને આ વાત સમજતા વાર લાગી. સપ્ટેમ્બર-2018માં તેમણે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા, તેમણે પોતાની વીલ લખી નાખી, તો પણ સમાજમાં કોઈ સળવળાટ ન થયો અને સરકારે મચક ન આપી. અંતે સમાજના આગેવાનોએ 'સન્માનજનક રીતે' યુવાનેતાના પારણાં કરાવ્યાં.

ભાજપ પ્રત્યે પાટીદારોની નારાજગીનું એક કારણ યુવાનો પર થયેલા કેસો પણ છે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં અને તાજેતરમાં પણ અનેક કેસોને પડતા મૂકવામાં આવ્યા છે. હવે, બાકી રહેતા અમુક કેસ તથા મૃતકોના પરિવારજનોને વળતર/નોકરી જેવી માગણીઓ જ પડતર રહેવા પામી છે.

હાર્દિક પટેલની સામેના અમુક કેસ પડતા મુકાવા, સરકારે તેમની સજામોકૂફીની અરજીનો વિરોધ ન થવો તથા રાજદ્રોહનો કેસ યથાવત્ રહેવો વગેરે જેવી બાબતોને સંયોગ માનવોએ ભૂલભરેલું આકલન બની રહે.

line

સંવાદ સાધતા રહો

ગુજરાતમાં પાટીદારોની વસતિ 15 ટકા જેટલી છે અને 182માંથી 50 જેટલી બેઠકો ઉપર તેમનું પ્રભુત્વ છે. આર્થિક, રાજકીય અને સામાજિક દૃષ્ટિએ તેમને વસતિ કરતાં વધુ પ્રતિનિધિત્વ મળેલું હોવા છતાં કોઈપણ રાજકીય પક્ષને તેમની ઉપેક્ષા કરવી પરવડી શકે તેમ નથી.

એક વાતને નકારી શકાય તેમ નથી કે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મળ્યાં પછી પણ નારાજ પાટીદારોને મનાવવા ભાજપ દ્વારા સંવાદના સતત પ્રયાસ થયા હતા, જે સંગઠન તથા સરકારસ્તરે હાથ ધરવામાં આવ્યા હતા.

ગુજરાત તથા કેન્દ્ર સરકારના પાટીદાર પ્રધાનો સમાજના એક વર્ગના પ્રતિરોધ છતાં કાર્યક્રમોમાં હાજરી આપતા. સરકારસ્તરે આ કામમાં આઈએએસ બાબુઓ તથા પોલીસ અધિકારીઓની મદદ લેવામાં આવી હોવાની પણ વ્યાપક ચર્ચા છે.

પક્ષના પદાધિકારીઓએ પણ સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથેનો સંવાદ ચાલુ રાખ્યો હતો. પડદા પાછળની કૂટનીતિ પણ ચાલુ રહેવા પામી હતી. પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દિલીપ સંઘાણી, નરહરિ અમીન, જીતુભાઈ વાઘાણી, નીતિન પટેલ, આરસી ફળદુ વગેરેનો સમાવેશ આ યાદીમાં થાય છે. કડવા, લેઉઆ એમ બે સમુદાયમાં વિભાજન, ધાર્મિક આસ્થા તથા સામાજિક એકતાના અલગ-અલગ કેન્દ્રોએ આ કામ સરળ કરી આપ્યું.

છેલ્લા લગભગ એક વર્ષમાં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજના અડધો ડઝન જેટલા કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે વર્ચુઅલ રીતે હાજરી આપી છે અને તેમને સંબોધિત કર્યા છે. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન નારાજ પાટીદારોને કારણે ભાજપને સૌથી વધુ ફટકો સૌરાષ્ટ્રવિસ્તારમાં પડ્યો હતો.

ત્યારે મે મહિનાના અંતિમ સપ્તાહમાં મોદીએ રાજકોટ જિલ્લામાં 200બેડની હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. કદાચિત્ મુખ્ય મંત્રીસ્તરની હાજરીથી કામ ચાલી શક્યું હોત તેના બદલે વડા પ્રધાન હાજર રહ્યા હતા.

મોદીએ પાટીદારો સાથે સીધો સંવાદ સાધતા કહ્યું, '2001 નવ મેડિકલ કૉલેજ અને 1100 બેઠક હતી, આજે 30 મેડિકલ કૉલેજ અને આઠ હજાર બેઠકો છે. તમે તક આપી તો આ શક્ય બન્યું છે.'

કૃષિઆધારિત પાટીદાર સમાજના કાર્યક્રમમાં મોદીએ યાદ અપાવ્યું હતું કે કેન્દ્રમાં તેમની સરકારે જ સરદાર સરોવર ડૅમનું કામકાજ પૂર્ણ કરાવ્યું. આ સિવાય મોદીએ 'ડબલ એંજિન' સરકારનો લાભ લેવા લોકોને આહ્વાન કર્યું હતું.

line

માર્ગમાં મુશ્કેલીઓ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

અમદાવાદસ્થિત ભાજપના એક નેતાના કહેવા પ્રમાણે, "હાર્દિક પટેલને ભાજપમાં સમાવવાનો નિર્ણય કદાચ નરેન્દ્ર મોદી અને સીઆર પાટીલ દ્વારા લેવામાં આવ્યો હશે, તેમાં અમિતભાઈની (શાહ) મુક્ત સહમતી હોય તેમ નથી લાગતું. તેઓ હાર્દિક પટેલ દ્વારા 'જનરલ ડાયર' જેવા સંબોધન તથા તેમના કહેવાથી સુરતની સભામાં સર્જાયેલી અંધાધૂંધીને ભૂલ્યા નહીં હોય. છતાં ઓવરઑલ મૂડને જોતાં હાર્દિકની સામેલગીરીને લો-પ્રોફાઇલ રાખવામાં આવી છે. હાર્દિકને સામેલ કરવા મુદ્દે સરકાર અને પક્ષ એક છે એ દેખાડવા માટે જ સીઆર પાટીલને હાજર રાખવામાં આવી રહ્યા છે."

"આ સિવાય ભાજપના અનેક કાર્યકરો, પ્રધાનો અને નેતાઓએ ઘેરાવો અને થાળી વગાડવા જેવા વિરોધકાર્યક્રમોનો સામનો કર્યો છે. પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોમાં અન્ય સમાજ તો ઠીક પરંતુ પાટીદાર કાર્યકર્તાઓનો જ પ્રવેશ મુશ્કેલ બન્યો હતો અનેક જાહેરસભાઓ અને રેલીઓમાં અંધાધૂંધીના દૃશ્યો સર્જાયા હતા. 'દિલ્હીથી' લેવાયેલો નિર્ણય તેઓ સ્વીકારી લે તો પણ તેમને રંજ તો રહેશે જ."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

2017ની ચૂંટણી પૂર્વે પાસમાંથી ભાજપમાં જોડાનારા હાર્દિક પટેલના પૂર્વ સાથી વરૂણ પટેલ એમ કહીને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે કે, "ભાજપના કાર્યકરોએ જે રીતે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે, તે જોતાં, કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે. બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે,પરંતુ માયકાંગલો નથી."

અહીં ભાઈનો સંદર્ભ હાર્દિક પટેલ સાથે છે. વરૂણ પટેલે ઉમેર્યું કે હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા સામે વ્યક્તિગત રીતે તેમને કોઈ વાંધો નથી.

હાર્દિક પટેલના આગમનથી બેઠક કે મતની દૃષ્ટિએ ભાજપને કોઈ ફેર પડશે તેમ ઉપરોક્ત નેતા નથી માનતા. છતાં તેમનું 'પ્રતીકાત્મક મૂલ્ય' હોવાનું સ્વીકારે છે, હાર્દિકની ઉપયોગિતા કૉંગ્રેસ અને તેમાં પણ ગાંધી પરિવાર પર પ્રહાર કરવા માટે વિશેષ છે. તેઓ કાર્યકારી અધ્યક્ષનાસ્તરેથી આવતા હોવાથી તેમને ઉપાધ્યક્ષ જેવું સંગઠનનું પદ આપવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલનના વિરોધથી જન્મેલા 'ઓબીસી એકતા મંચ'ના અલ્પેશ ઠાકોર ધારાસભ્યપદ છોડીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ પેટાચૂંટણીમાં પરાજય પછી તેઓ અને આંદોલન સમયના તેમના સાથી ધવલસિંહ ઝાલા હાંસિયામાં ધકેલાઈ ગયા છે, છતાં તેમની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મૂકાઈ ગયું એમ કહેવું વહેલું ગણાશે.

આ સિવાય નરહરિ અમીન, જવાહર ચાવડા, કુંવરજીભાઈ બાવળિયા વગેરે જેવા નેતાઓએ ભાજપમાં સ્થાન ટકાવી રાખવા સઘર્ષ કરવો પડતો હોય ત્યારે છતાં નવા પક્ષમાં હાર્દિક પટેલ સામે પડકાર રહેશે જ.

હાર્દિક પટેલની ઉપર એક સમયના તેમના જ સાથીઓ દ્વારા અનેક પ્રકારના આરોપ મૂકવામાં આવી રહ્યાં છે. તેમણે ભૂતકાળમાં ભાજપના અનેક નેતાઓ અને ભાજપની વિચારસરણીને બેફામ ભાંડ્યા છે. ત્યારે વિશ્વસનીયતાનો સવાલ માત્ર હાર્દિક સામે જ નહીં,પરંતુ ભાજપની સામે પણ હશે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો