ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : કેમ ગુજરાતમાંથી ઉઠી રહી છે અલગ ભીલીસ્તાનની માગ?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે, ત્યારે ફરી એક વખત અલગ ભીલીસ્તાનની માગ ઉઠી છે. ટ્રાઇબલ સમુદાયની માગ છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તેમની બહુમતીવાળા વિસ્તારોને જોડીને 'અસ્મિતા અને ઓળખ' આધારિત નવા રાજ્યનું ગઠન કરવામાં આવે.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની સ્થાપના સમયથી ભીલો માટે અલગ રાજ્યની માગ ઉઠતી રહી છે. આ સિવાય રાજ્યમાંથી અલગ સૌરાષ્ટ્ર તથા કચ્છની પણ માગ સમયાંતરે ઉઠતી રહે છે.
અલગ રાજ્યની માગ કરનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું કહેવું છે કે કૉંગ્રેસ તથા ભાજપ બંને દ્વારા આદિવાસીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ સિવાય બંધારણની પાંચમી અનુસૂચિમાં તેમને આપવામાં આવેલા અધિકારોની પૂર્તિમાં પણ સરકારો દ્વારા ગલ્લાં-તલ્લાં કરવામાં આવી રહ્યાં છે.
બંધારણમાં આદિવાસી વસતી ધરાવતા રાજ્યોમાં અનુસૂચિત જાતિની જેમ જ વિધાનસભા તથા લોકસભાની બેઠકો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

અંગ્રેજકાળમાં આદિવાસી આંદોલન

બીટીપીની રાજસ્થાન પાંખના અધ્યક્ષ વેલારામ ઘોગરાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "અમારી માગ નવી નથી. 1913માં માનગઢ હત્યાકાંડ પછી ભીલોના ધર્મગુરૂ (ભગત) અને સામાજિક સુધારક ગોવિંદ ગુરૂએ અલગ ભીલ રાજ્યની માગ કરી હતી. એ પછી પણ દાયકાઓથી અલગ-અલગ રાજકીય મંચ પરથી તેમજ સામાજિક સંગઠનો દ્વારા સમયાંતરે તેની માગ ઉઠતી રહી છે."
હાલના રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બાંસિયા (વેડસા) ગામના વણજારા પરિવારમાં જન્મેલા ગોવિંદગુરુએ 1880માં લોકોમાં સામાજિક સુધારા માટે આંદોલન ચલાવ્યું હતું. તે વખતે બ્રિટિશરાજ હતું અને દેશી રજવાડાંના વેરા, વેઠપ્રથા સહિતના અત્યાચારો પ્રજા પર થતા હતા.
ઇતિહાસકાર અને નિવૃત્ત પ્રોફેસર બી.કે. શર્માએ આ પહેલાં બીબીસીને જણાવ્યું હતું, "બળજબરીથી વેરા વસૂલવામાં આવતા હતા. લોકો સાથે અછૂત જેવો વ્યવહાર થતો હતો. આવી સ્થિતિમાં ગોવિંદગુરુના આંદોલનના કારણે નવી ચેતના જાગી રહી હતી."
ગોવિંદગુરુએ લોકોને સમજાવ્યું કે ધૂણી કરીને જ પૂજા કરો, શરાબ અને માંસનો ત્યાગ કરો અને સ્વચ્છતા રાખો. તેમની ઝુંબેશને કારણે ચોરીઓ બંધ થવા લાગી અને શરાબના ઇજારામાંથી થતી મહેસુલી આવક પણ ઘટવા લાગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 1903માં ગોવિંદગુરુએ 'સંપસભા'ની સ્થાપના કરી હતી. તેમની ઝુંબેશને 'ભગત આંદોલન' પણ કહેવામાં આવે છે. જનજાગૃતિનું આ અભિયાન આગળ વધવા લાગ્યું હતું, જેના કારણે દેશી રજવાડાંને લાગ્યું કે ગોવિંદગુરુની આગેવાનીમાં આદિવાસીઓ અલગ રાજ્યની માગણી કરી રહ્યા છે. આથી તેમણે તત્કાલીન બ્રિટિશ સરકારને રજૂઆતો કરવાનું શરૂ કરી દીધું.
અંગ્રેજોએ ગોવિંદગુરૂને જણાવ્યું કે તેઓ માનગઢનો ડુંગર ખાલી કરી દે. ગોવિંદગુરૂએ લોકો યજ્ઞમાં આવી રહ્યા હોવાની જાણ કરી. તા. 17મી નવેમ્બર 1913ના એકઠી થયેલી ભીડ ઉપર બ્રિટિશ સેનાની સાથે બાંસવાડા, ડુંગરપુર, બરોડા, જોગરબારિયા, ગાયકવાડ રજવાડાંની સેના ઉપરાંત મેવાડની ભીલ કૉર્પ્સને ઘેરીને ગોળીબાર કર્યો. ગોળી લાગવાથી તથા નાસભાગ અને સારવાર નહીં મળવાને કારણે સેંકડો લોકો મૃત્યુ પામ્યા.
ગુજરાત સરકારના માનગઢ સ્મૃતિવન ખાતેની નોંધ પ્રમાણે 'જલિયાવાલા બાગ' હત્યાકાંડના છ વર્ષ પહેલાં થયેલાં એ ગોળીબારમાં 1507 લોકો મૃત્યુ પામ્યાં હતાં. ગોવિંદગુરૂને પકડી લેવામાં આવ્યા, પહેલાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી, જેને બાદમાં આજીવન કેદમાં ફેરવી નાખવામાં આવી હતી. એ પછી સમગ્ર ચળવળ નેતૃત્વવિહિન થઈ ગઈ.

ગુજરાતમાં આઝાદી પછી આંદોલન

ઇમેજ સ્રોત, @AAPGUJARAT
આઝાદી પછી દેશી રજવાડાંનું વિલીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. નાના-મોટાં દેશી રજવાડાંને એક તાંતણે પરોવવાનું શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપવામાં આવે છે. આ કામમાં 'મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ'ના સચિવ વીપી મેનને તેમની સાથે ખભે-ખભો મિલાવીને સાથ આપ્યો હતો. તેઓ પોતાના પુસ્તક 'ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટેગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્સ' (પેજ નંબર 160) માં લખે છે :
'કેટલાંક રજવાડાંમાં ભીલની વસતિ સૌથી વધુ હતી. ભીલ એ મૂળનિવાસી જાતિ છે, જે ખૂબ જ પછાત છે. તેઓ સરળતાથી ઉત્તેજિત થઈ જાય તેમ હોવાથી બિનઅનુભવી લોકશાહીના ભરોસે તેમને મૂકવાનું જોખમી બની રહેત. આથી જે વિસ્તારોમાં ભીલોની વસતિ 50 ટકા કરતાં વધુ હોય ત્યાં શાંતિ અને સુશાસનની જવાબદારી 'રાજપ્રમુખ'ને સોંપવામાં આવી, જેની ઉપર ભારત સરકારનું નિયંત્રણ રહે.'
જોકે, બંધારણના સાતમા સુધાર દ્વારા "રાજપ્રમુખ કે ઉપરાજપ્રમુખ" જેવી જોગવાઈઓ કાઢી નાખવામાં આવી, જેથી તેમનું પ્રતિનિધિત્વ નાબૂદ થઈ ગયું. આ સિવાય ભીલોની વસતિ બૉમ્બે સ્ટેટ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન (પુરોગામી રાજપૂતાના)માં વહેંચાઈ ગઈ. બૉમ્બે સ્ટેટમાં આદિવાસીઓનો અવાજ દબાઈ ન જાય તે માટે વર્ષ 1948માં અલગ ડાંગ જિલ્લાની સ્થાપના કરવામાં આવી તથા તેનો વહીવટ કલેકટરને સોંપવામાં આવ્યો.
વેલારામ ઘોગરાના કહેવા પ્રમાણે, "બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળની જોગવાઈઓ, આઝાદીથી અત્યારસુધીની ટ્રાઇબલ્સ કમિટીઓના રિપોર્ટ કે પંચોના અહેવાલ આવ્યા છે. આ સિવાય સર્વોચ્ચ અદાલતે પણ કેટલાક ચુકાદા દ્વારા આદિવાસીઓના અધિકારો ઉપર મહોર મારી છે છતાં કૉંગ્રેસ હોય કે ભાજપ, કોઈ પણ સરકારે તેને ધરાતલ ઉપર ઉતારવાનો પ્રયાસ નથી કર્યો, એટલે પણ અમે અલગ ભીલ પ્રદેશની માગ કરી રહ્યાં છીએ."
બંધારણની પાંચમી અનુસૂચિમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, બંગાળ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને ઝારખંડ જેવા રાજ્યોનાં આદિવાસીઓ તથા તેમના વિસ્તારો માટે વિશેષ જોગવાઈ કરવમાં આવી છે. જ્યારે છઠ્ઠી અનુસૂચિમાં પૂર્વોત્તરના આદિવાસીઓ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
વેલારામ આરોપ મૂકે છે કે આદિવાસી સમાજ વિખેરાઈ જાય અને તેમનું સંખ્યાબળ ન રહે તે માટે કાવતરાંપૂર્વક તેમને ચાર અલગ-અલગ રાજયોમાં વહેંચી દેવામાં આવ્યા, જેથી તેમણે પોતાની માગણીઓ અને રજૂઆતો માટે ચાર અલગ-અલગ સરકારો પાસે જવું પડે. હાલમાં તેમને 'જળ, જંગલ અને જમીન'થી વિમુખ કરી દેવાના પ્રયાસો દેશભરમાં થઈ રહ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જગન્નાથ અંબાગુડિયા તથા વર્જિનસ ખાકા સંપાદિત પુસ્તક 'હૅન્ડબૂક ઑફ ટ્રાઇબલ પૉલિટિક્સ ઇન ઇન્ડિયા'માં નોંધ પ્રમાણે, "ગુજરાત વિધાનસભામાં સૌપ્રથમ વખત અલગ આદિવાસી રાજ્યની માગ 1969માં બજેટસત્ર દરમિયાન ડાંગની બેઠક પરથી પીએસપી (પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી)ના ધારાસભ્ય રતનસિંહ ગામીતે ઉઠાવી હતી. તેમણે ડાંગીઓની આંતરિક સમસ્યાઓના ઉકેલ માટે 'ડાંગી સેના' સ્થાપવાની વાત કરી હતી. એ પછી મે મહિનામાં ડાંગ ખાતે એક અધિવેશન પણ મળ્યું હતું."
આ સિવાય સોમાજી ડામોર (દાહોદ, કૉંગ્રેસ), દિલીપસિંહ ભૂરિયા (રતલામ, કૉંગ્રેસ) તથા મેઘરાજ તાવર (સીપીઆઈ, રાજસ્થાન) જેવા નેતાઓ પણ અલગ આદિવાસી પ્રદેશની માગ કરતા રહ્યાં છે.
'આદિવાસી આર્ટ ઍન્ડ ઍક્ટિવિઝમ'માં (પેજ નંબર 70) પર એલિસ તિલચે નોંધે છે, "1969માં પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીએ કૉમ્યુનિસ્ટ પાર્ટીના સહયોગથી ડાંગમાં 'સ્વયંરાજ'ની માગણી કરી. 10 વર્ષ બાદ ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની ટ્રાઇબલ પાંખ 'અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ'એ અલગ ભીલીસ્તાનની માગણી કરી હતી, જે ગુરૂ ગોવિંદની ચળવળથી પ્રેરિત હતી. 1990ના દાયકામાં આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ આર્થિક સ્વાયતતા તથા સ્વ-શાસનની માગ કરી, તેઓ આદિવાસીઓ જૂથોને સાથે લઈને ચળવળ ઊભી કરવામાં સફળ રહ્યા. અગાઉની મોટાભાગની ચળવળો રાજકીય કે ચૂંટણીલક્ષી હતી, એટલે લોકોનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહી."
"છોટુભાઈએ કદાચ 'ટ્રાઇબલ દાવાના નવયુગની શરૂઆત' કરી, પરંતુ બિન-આદિવાસીઓનાં સતત વિરોધ, રાજકીય તકવાદ તથા એક જ વ્યક્તિના હાથમાં સત્તાના કેન્દ્રીકરણથી તે લાંબાગાળાની રાજકીય શક્તિ ન બની શકી."
ગુજરાત કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી દરમિયાન જ 'ભીલ પ્રદેશ' કે 'ભીલીસ્તાન'ની માગણી થતી હોવાના આરોપોને વેલારામ નકારે છે. તેઓ કહે છે કે આદિવાસીઓને તેમને મળેલા અધિકારો વિશેની માહિતીથી વંચિત રાખવામાં આવ્યા છે. સામાન્ય આદિવાસી સમાજ તો ઠીક, રાજકીય પક્ષોનાં લોકપ્રતિનિધિઓને પણ આ વિશે પૂરતી માહિતી નથી હોતી. હવે, સોશિયલ મીડિયા તથા પ્રસારમાધ્યમોથી આદિવાસી યુવા જાગૃત થઈ રહ્યો છે અને તે પોતાના અધિકારો વિશે સતર્ક થઈ રહ્યો છે અને એટલે જ આંદોલન વેગ પકડી રહ્યું છે.

આદિવાસી, ઓળખ અને આઘાત

ઇમેજ સ્રોત, Getty Images
1960માં જ્યારે બૉમ્બે સ્ટેટમાંથી ભાષાના આધારે ગુજરાત તથા મહારાષ્ટ્રનું સર્જન થયું ત્યારે ડાંગ, સાપુતારા, સોનગઢ અને નંદુરબાર જેવા વિસ્તારોમાં હદવિસ્તારવિભાજન સમયે મોટી મુશ્કેલી ઊભી થઈ હતી, કારણ કે આ લોકો વિશુદ્ધપણે ગુજરાતી કે મરાઠી જેવી ભાષા બોલતા ન હતા, તેઓ પોતાની આગવી ભાષા 'ભીલી'નો પ્રયોગ કરતા હતા.
છેવટે મરાઠી કે ગુજરાતી ભાષાથી પ્રભાવિત ભીલીભાષાના વપરાશીવિસ્તારના આધારે બંને રાજ્યોની વચ્ચે આદિવાસી બહુલ વિસ્તારોનું વિભાજન કરી દેવામાં આવ્યું અને ગુજરાતને તેનું એકમાત્ર હિલસ્ટેશન સાપુતારા મળ્યું.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક તથા રાજ્યમાં જ્ઞાતિ-જાતિઆધારિત રાજકારણના અભ્યાસુ પ્રો. ગૌરાંગ જાનીના કહેવા પ્રમાણે, "અલગ ભીલીસ્તાનની માગણી આજકાલની નહીં, પરંતુ દાયકાઓ જૂની છે. આઝાદી પછી જ્યારે ભાષા આધારે રાજ્યોનું વિભાજન થયું, ત્યારે ભીલોએ સૌથી વધુ ભોગવવાનું આવ્યું. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનના સીમાવિસ્તારો જંગલવિસ્તાર છે અને આદિવાસી ત્યાં મૂળનિવાસી છે."
"જેઓ સાંસ્કૃતિક, સામાજિક, પરંપરાકીય અને ભાષાકીય સમાનતા ધરાવતા હતા. છતાં તેમને એકાએક ચાર રાજ્યમાં વિભાજિત કરી દેવામાં આવ્યા. આથી, તેમનું સાંસ્કૃતિક અને સાંખ્યબળ તૂટી ગયું. આજે ગુજરાતમાં રહેતા બાળકે ગુજરાતી ભાષામાં, મહારાષ્ટ્રમાં રહેનારે મરાઠીમાં, રાજસ્થાન કે મધ્ય પ્રદેશમાં રહેતા બાળકે હિંદીભાષામાં શિક્ષણ મેળવવું પડે છે, જે તેમની મૂળ બોલી નથી. આમ રાજકીય વ્યવસ્થાને કારણે આદિવાસી સમુદાયની બોલી, જે તેમનો અવાજ છે, એ જતો રહ્યો."
ગૌરાંગ જાનીને આદિવાસીઓ માટે અલગ રાજ્યની માગમાં લાંબા સમયથી પડતર હોવાથી તથા તેમાં 'સત્ય અને સત્વ' હોવાથી ચૂંટણી સમયે તેના માટે અવાજ ઉઠવો સ્વાભાવિક જણાય છે. માત્ર ભાષાના જ નહીં, પરંતુ આધુનિકરણ તથા મોબાઇલ વગેરેને કારણે સમુદાયની સામે સંસ્કૃતિના પડકારો પણ ઊભા થયા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
વધુમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્માંતરણ તથા હિંદુવાદી સંગઠનો દ્વારા 'ઘરવાપસી'ના પ્રયાસોને કારણે આદિવાસીવિસ્તારો બંને વિચારસરણીના ટકરાવનું સમરાંગણ બની ગયા છે.
1871માં દેશમાં વસતિગણતરી શરૂ થઈ ત્યારથી 1951 સુધી આદિવાસીઓ માટે અલગ ધર્મ કોડ રાખવામાં આવ્યો હતો અને તેઓ 'ટ્રાઇબલ રિલિજિયન' લખાવી શકતા હતા, પરંતુ 1961ની જનસંખ્યા ગણના દરમિયાન તેને હઠાવી દેવામાં આવ્યો.
હિંદુઓ મંદિરમાં, મુસ્લિમો મસ્જિદમાં, ખ્રિસ્તીઓ દેવળમાં, જૈનો દેરાસર કે જિનાલયમાં તથા શીખો ગુરૂદ્વારામાં જાય છે. બીજી બાજુ, આદિવાસીઓ પ્રકૃત્તિની પૂજા કરે છે. તેમના કોઈ પૂજાસ્થાન હોતા નથી. છતાં વસતિગણતરી દરમિયાન તેઓ ખુદને હિંદુ, મુસ્લિમ કે ખ્રિસ્તી દર્શાવવા મજબૂર બને છે. હવે આદિવાસીઓ સરના ધરમને આગામી વસતિગણતરીમાં સ્થાન અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સિવાય ઝારખંડ અને છત્તીસગઢ આદિવાસી બહુલ રાજ્યો છે તથા મૂળનિવાસીઓની માગણીને ધ્યાનમાં રાખીને જ નવેમ્બર-2000માં અનુક્રમે બિહાર અને મધ્ય પ્રદેશમાંથી તેમનું વિભાજન કરવામાં આવ્યું હતું. માત્ર ગુજરાતમાં જ 'અસ્મિતાઆધારિત' અલગ માગ નથી થઈ રહી. આસામમાંથી બોડોલૅન્ડ, નાગાલૅન્ડ તથા મણિપુરમાંથી 'કૂકીલૅન્ડ' અને પશ્ચિમ બંગાળમાંથી 'ગોરખાલૅન્ડ' જેવી માગો પણ ઉઠી રહી છે.

અસ્મિતા સાથે 'ઠગાઈ'

બ્રિટિશ સૈન્ય અધિકારી અને પ્રશાસક વિલિયમ સ્લીમે તેના પુસ્તક 'ટૂર થ્રૂ આઉડ ઇન ડિસેમ્બર 1849 ઍન્ડ જાન્યુઆરી ઍન્ડ ફેબ્રુઆરી 1850'માં ઠગ ટોળકી અને તેમની ગુનો આચરવાની પદ્ધતિ વિશે છણાવટ કરી હતી. મુખ્ય માર્ગો પર તરખાટ મચાવતી આ ટોળકીઓને પકડી પાડવાની જવાબદારી સ્લીમને સોંપવામાં આવી હતી.
સ્લીમના વિશ્લેષણ પ્રમાણે, ઠગ ટોળકીનાં લોકો ગુનો કરવાને પોતાનો ધર્મ માનતા હતા અને મહાકાલીની પૂજા કર્યા બાદ રસ્તાઓ પર વેપારીઓને લૂંટી લેતા હતા અને પોતાના રૂમાલ જેવાં કપડાંથી ગળું દબાવીને વેપારીઓને મારી નાખતા હતા.
તેમનો મૃતદેહ સંતાડવા માટે તેને જમીનમાં દાટી દેતા હતા. સ્લીમના વિવિધ રિપોર્ટ પ્રમાણે આ ઠગ ટોળકીઓ મુખ્યત્વે હાઇવે પર કાર્યરત હતી
અંગ્રેજ શાસનકાળ દરમિયાન જ સ્લીમના રિપોર્ટને 90 વર્ષ બાદ પડકારવામાં આવ્યો હતો અને તેને બ્રિટિશ સરકારને ફાયદો કરાવવા માટે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ઉપજાવી કાઢેલી કહાણી ઠેરવવામાં આવ્યો હતો. ઠગોને 'હિંદુસ્તાની સૈનિક' ગણાવવામાં આવ્યા હતા.
સ્લીમના રિપોર્ટના આધારે બ્રિટિશરાજમાં 'ધ ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ' લાગુ કરાયો હતો, જેમાં કથિત 'ઠગો'ને ગુનાખોરીની આદતવાળા ઠેરવવામાં આવ્યા હતા. જંગલવિસ્તારમાં બ્રિટિશરોના કાયદાને નહીં માનનારાઓને તથા તેમના આધિપત્યને પડકારનારા સમુદાયોને પણ આ યાદીમાં નાખી દેવામાં આવ્યા.
વિશ્લેષકોના મતે, આ ઍક્ટમાં આશરે 200 જેટલા ભારતીય સમુદાયને હંમેશાં માટે ગુનેગાર તરીકે ઠેરવી દેવામાં આવ્યા હતા, જેમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ પણ સમાવિષ્ટ હતી. એક તબક્કે પોલીસ તાલીમમાં પણ તેનો સમાવેશ થતો.

શૈક્ષણિક તથા નોકરીમાં અનામત દ્વારા તેને દુરસ્ત કરવાનો પ્રયાસ થયો છે, છતાં આજે પણ આ સમુદાયના લોકોને ભેદભાવનો સામનો કરવો પડે છે.
આ વિશે વિચરતી ભટકતી જનજાતિઓ માટે કામ કરી રહેલા કર્મશીલ અને લેખક ડૉ.ગણેશ દેવી સાથે બીબીસી ગુજરાતીના રોક્સી ગાગડેકર છારાએ વાત કરી, ત્યારે તેમણે ક્હ્યું હતું, "ડકૈત કે ડકૈતી શબ્દ બાદ જ્યારે સ્લીમનને ઠગ ટોળકી વિશે ખબર પડી હશે, ત્યારે તેમણે તેમના માટે આ શબ્દ બનાવ્યો હશે, ખરેખર તો ભાષાકીય રીતે તેઓ સાચા હતા, પરંતુ ઐતિહાસિક રીતે તેઓ ખોટા હતા, કારણ કે તેમનો રિપોર્ટ ભવિષ્યમાં ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટનો આધાર બન્યો હતો."
લગભગ 16 વર્ષ સુધી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભણાવનારા ગણેશ દેવી ગુજરાત, દીવ-દમણ, કરળ, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં બોલાતી આદિવાસી સહિતની ભાષાઓને ગ્રંથસ્થ કરવાનું કામ કરી રહ્યાં છે, જેમાંથી અમુકની પોતાની આગવી લિપિ પણ છે.

ભીલીસ્તાન, બીટીપી અને છોટુભાઈ
ગુજરાતમાં અલગ ભીલીસ્તાનની માગણી મુખ્યત્વે બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. જેના ગુજરાત તથા રાજસ્થાન વિધાનસભામાં બે-બે ધારાસભ્ય છે. આ સિવાય મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના અમુક વિસ્તારોમાં તેમની હાજરી છે.
ડેડિયાપાડાની બેઠક પરથી ધારાભ્ય મહેશ વસાવા બીટીપીના સ્થાપક અને અધ્યક્ષ છે અને દબંગ નેતાની છાપ ધરાવતા તેમના પિતા છોટુભાઈ સાત વખતથી ઝગડિયાની બેઠક પરથી ધારાસભ્ય છે.
છોટુભાઈના પિતા તથા સસરા રાજકીય રીતે સક્રિય હતા. 18 વર્ષની ઉંમરે તેઓ તલાટી બની ગયા હતા, પરંતુ માત્ર ત્રણ વર્ષમાં નોકરી છોડી દીધી હતી અને આદિવાસીઓના હક્કોને માટે અવાજ ઉઠાવવાનું અભિયાન હાથ ધર્યું. શરૂઆતના સમયમાં તેઓ ભરૂચના સામ્યવાદી નેતાઓ સાથે પણ જોવા મળતાં.
છોટુભાઈ દલિત, આદિવાસી અને મુસ્લિમ એકતા દ્વારા સંયુક્ત હિત સાધવાની વાત અનેક વખત જાહેરમંચો પરથી કહી ચૂક્યા છે.
સમર્થકો તથા આદિવાસીઓમાં મહેશ વસાવાને ભાઈ તરીકે જ્યારે છોટુભાઈને દાદા તરીકે ઓળખાય છે. વસાવા પિતા-પુત્રનું માનવું હતું કે જેવી રીતે અમેરિકાના વૉશિંગ્ટન ડીસીસ્થિત 'વ્હાઇટ હાઉસ' દુનિયામાં સત્તાનું કેન્દ્ર છે. એવી જ રીતે આદિવાસીઓનું પણ શક્તિકેન્દ્ર હોવું જોઈએ. આથી તેમણે, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરિયા ખાતે વ્હાઇટ હાઉસની સ્થાપના કરી. ભીલીસ્થાન વિકાસ મોરચાના નેજા હેઠળ અલગ રાજ્યની ચળવળનું મુખ્ય કેન્દ્ર પણ અહીં જ રહ્યું છે.
સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને પાર-તાપી-નર્મદા રિવરલિંક જેવી આદિવાસીઓને સ્પર્શતી સમસ્યાઓ ઉપર તેઓ બોલતા રહે છે અને જરૂર પડ્યે જનતાને રસ્તા ઉપર ઉતારી પણ શકે છે.
શરૂઆતમાં તેનો હેતુ આદિવાસી યુવાને સરકારી પરીક્ષાઓ, કમ્પ્યૂટર શૈક્ષણિક, આદિવાસી અસ્મિતા વિશે જાગૃતિ અને ખેલકૂદની તાલીમ આપવાનો તથા તેમની ચેતનાને જાગૃત કરવાનો હતો. આજે તે બીટીપીનું મુખ્યાલય તથા કેન્દ્રબિંદુ છે.

ઇમેજ સ્રોત, OXFORD PRESS
છોટુભાઈ ગુજરાત આદિજાતિ વિકાસ પક્ષ, ભરૂચ જિલ્લા આદિવાસી પ્રગતિ મંડળ, સામાજિક ન્યાય મોરચા, ગોપાલક દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને અખિલ ગુજરાત આદિવાસી વિદ્યાર્થી મંડળ જેવા સંગઠનો સાથે જોડાયેલા છે.
2017ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, છોટુભાઈ વસાવા સામે ઝગડિયા પોલીસ સ્ટેશનમાં 17 અને વાલિયા પોલીસસ્ટેશનમાં 11 ગુના નોંધાયેલા છે.
જ્યારે પુત્ર મહેશભાઈ વસાવાની 2017ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, તેમની સામે ઝગડિયા પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં 15 અને વાલિયા પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં આઠ ગુના નોંધાયેલા હતા.
પિતા-પુત્ર પર હથિયારધારા અને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાના પ્રયાસ) અને 120-બી (ગુનાહિત કાવતરું ઘડવું) જેવી ગંભીર કલમો હેઠના ગુના પણ નોંધાયેલા છે. પિતા-પુત્રને કોઈપણ કેસમાં બે વર્ષથી વધુની સજા ન થઈ હોય, 'લોક પ્રતિનિધિ ધારા-1951'ની જોગવાઈઓ તેમની ઉપર લાગુ નથી પડતી અને તેઓ ગેરલાયક નથી ઠર્યા.
દક્ષિણ ગુજરાતના રાજકારણને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર અજય નાયકના કહેવા પ્રમાણે, "છોટુભાઈની છાપ ભલે દબંગ નેતા તરીકેની હોય, પરંતુ સ્થાનિકો માટે તેઓ 'રૉબિનહૂડ' છે, જે આદરણીય તથા પૂજનીય પણ છે. સ્થાનિકોની સમસ્યાઓનું નિરાકરણ છોટુભાઈ તથા તેમનો પરિવાર લાવી આપે છે. એટલે જ અપક્ષ હોવા છતાં તેમનું અસ્તિત્વ ટકી રહેવા પામ્યું છે."
સમય પડ્યે તેમણે ભાજપ અને કૉંગ્રેસને રાજ્યસભાની ચૂંટણીઓમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મદદ કરી છે. તેઓ આપ પહેલાં અસદુદ્દીન ઔવેસીની પાર્ટીની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ગઠબંધન કરી ચૂક્યા છે. જ્યારે તેઓ પોતે અપક્ષ, જનતા દળ યુનાઇટેડ, બીટીપી અને જનતા દળ ગુજરાતની ટિકિટ ઉપર ચૂંટણી લડી ચૂક્યા છે.
ડુંગરપુર તથા આજુબાજુના આદિવાસી વિસ્તારોમાં બીટીપી પ્રભુત્વ ધરાવે છે. પાર્ટીની વિદ્યાર્થી પાંખ આ વિસ્તારોમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) તથા કૉગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (એનએસયુઆઈ)ને ટક્કર આપે છે.
રાજસ્થાન વિધાનસભામાં બીટીપીના બે ધારાસભ્ય છે તથા ચૂંટણી બાદ તેમણે અશોક ગેહલોત સરકારને ટેકો આપ્યો હતો. પરંતુ ડિસેમ્બર-2020માં ટેકો પાછો ખેંચી લીધો હતો. પાર્ટી રાજસ્થાન ઉપરાંત છત્તીસગઢ, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રના આદિવાસીવિસ્તારોમાં પેઠ વધારવા માટે પ્રયાસરત છે.
ઝગડિયા અને ડેડિયાપાડા સિવાયની બેઠકો પરથી બીટીપીના ઉમેદવારો વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે. ખુદ છોટુ વસાવા પણ લોકસભાની ચૂંટણી એક પણ વખત જીતી નથી શક્યા. આથી કેટલાક ટીકાકારો અલગ ભીલીસ્તાનની તેમની માગ ધરાતલ પર સાકાર થશે કે કેમ તેના વિશે સંશય સેવી રહ્યા છે.

ભીલીસ્તાન એટલે....

ઇમેજ સ્રોત, Getty Images
ભીલીસ્તાન કે ભીલપ્રદેશની વ્યાખ્યામાં ગુજરાતમાંથી ડાંગ, દાહોદ, નર્મદા અને તાપી જિલ્લા ઉપરાંત સુરત, ભરૂચ, વલસાડ, વડોદરા, પંચમહાલ સાબરકાંઠા અને નવસારી જિલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે. આવી જ રીતે મહારાષ્ટ્રના ઠાણે, પુણે, નાસિક, ધૂળે, નંદુરબાર, જલગાંવ, અહમદનગર, નાંદેડ, અમરાવતી, યવતમાલ, ગઢચિરૌલી તથા ચંદ્રપુર જિલ્લાનો (આંશિક) સમાવેશ થાય છે.
મધ્ય પ્રદેશના જાંબુઆ, માંડલા, ડિંડોરી, બારવાની તથા અલીરાજપુર આદિવાસી બહુલ જિલ્લા છે, આ સિવાય ધાર, ખારગાંવ, ખાંડવા, રતલામ, બૈત્તૂલ, સિયોની, બાલાઘાટ, હોશંગાબાદ, ઉમરિયા, શ્યોપુર, સિવની, શહડોલ, છિંદવાડા, સીધી, અનુપપુર અને બુરહાનપુરમાં આદિવાસી વસતિ જોવા મળે છે.
રાજસ્થાનના બાંસવાડા અને ડુંગરપૂર્ણમાં આદિવાસી વસતિ બહુમતીમાં છે. જ્યારે ઉદયપુર, સિરોહી તથા ચિત્તોડગઢમાં તેમની વસતિ જોવા મળે છે.
ગુજરાતની કુલ વસતિ છ કરોડ પાંચ લાખમાં આદિવાસીઓની વસતિ 89 લાખ 17 હજાર (14.8 ટકા) છે, મહારાષ્ટ્રમાં એક કરોડ પાંચ લાખ (કુલ વતિ 11 કરોડ 24 લાખના 9.4 %) આદિવાસી રહે છે.
ઉલ્લખેખનીય છે કે ભીલએ ગુજરાતમાં આદિવાસીઓનો સૌથી મોટો સમૂહ છે. ગુજરાતમાં આ સિવાય હળપતિ, રાઠવા, નાયકડા, ગામીત, વારલી, ધાનકા, દોઢિયા, ચૌધરી, અને પટેલિયાઓની પણ વસતિ છે. આ સિવાય કોટવાળિયા, કાઠોડી, સીદી, પાધર અને કોલઘા પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેમની સંખ્યા ખૂબ ઓછી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
મધ્ય પ્રદેશમાં લગભગ સાત કરોડ 26 લાખની વસતિમાં એક કરોડ 53 લાખ (21.1%) અને રાજસ્થાનમાં છ કરોડ 85 લાખ જેટલી વસતિએ 13.5 ટકા (લગભગ 92 લાખ 40 હજાર) આદિવાસી નિવાસ કરે છે.
દેશની કુલ આદિવાસીના વસતિના લગભગ 42 ટકા આ ચાર રાજ્યોમાં વસે છે.
અલબત એ યાદ રાખવું પડે કે આ અનુપાત વર્ષ 2011ની વસતિગણતરી પ્રમાણેનો છે. ભારતમાં દર 10 વર્ષે વસતિગણતરી હાથ ધરવામાં આવે છે.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ આ કામગીરી વર્ષ 2021માં હાથ ધરાવી જોઈતી હતી, પરંતુ કોરોનાને કારણે એ શક્ય બન્યું ન હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશમાંથી કોરોના પૂર્ણ થાય તે પછી વસતિગણતરી હાથ ધરવાની વાત કહી છે.
રાજકીય પ્રતિનિધિત્વની વાત કરીએ તો મહારાષ્ટ્રની 288માંથી 25 વિધાનસભા બેઠક, જ્યારે 48 લોકસભા બેઠકમાંથી ચાર આદિવાસી સમુદાય માટે અનામત છે.
અનામતની જોગવાઈઓ દ્વારા રાજસ્થાન વિધાનસભામાં (200માંથી 25), ગુજરાત વિધાનસભામાં (182માંથી 27) અને મધ્ય પ્રદેશ વિધાનસભામાં (230માંથી 47) લોકપ્રતિનિધિ આદિવાસી સમુદાયમાંથી ચૂંટાઈ આવે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી અનુક્રમે ચાર (26માંથી), ત્રણ (25માંથી) અને છ (29માંથી) સંસદસભ્ય અનામતની જોગવાઈ હેઠળ સંસદના નીચલાગૃહમાં પહોંચે છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













