છોટુ વસાવા: નરેન્દ્ર મોદી-અમિત શાહની સામે પણ અડીખમ, આદિવાસી પટ્ટી પર પ્રભુત્વ ધરાવનાર દબંગ નેતા
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભરૂચસ્થિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી તથા આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. બંને પાર્ટીના શીર્ષસ્થ નેતાઓએ ગુજરાતના સ્થાપનાદિવસ પહેલી મેના રોજ ભરૂચ નજીક વાલિયા ખાતે આદિવાસી સભાને સંબોધી.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને ગુજરાત આપના નેતા મંચ પર તો હતા, પરંતુ આ બીટીપીના છોટુભાઈ વસાવાનું શક્તિપ્રદર્શન વધારે હતું.. આ પાર્ટી ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં ધારાસભ્ય ધરાવે છે.

ઇમેજ સ્રોત, @AAPGujarat
દબંગ નેતાની છાપ ધરાવતા છોટુ વસાવા સાત વખતથી ઝઘડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, જેઓ તેમના પિતા તથા સસરા પાસેથી રાજકારણના પાઠ ભણ્યા છે.
હવે, તેમના દીકરા મહેશને રાજકીય વારસ માનવામાં આવે છે. દિલ્હી ખાતેની મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચેના ગઠબંધન માટેની આંટીઘૂંટીઓ ઉકેલી હતી.
ભીલ સમુદાયના વસાવાનું રાજકારણ આદિવાસી અધિકાર, અસ્મિતા, અનુસૂચિ-5ના અમલીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું છે. આ માટે તેઓ ભૂતકાળમાં કૉંગ્રેસ, એમઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી ચૂક્યા છે.

તલાટીથી તાકતવર નેતા સુધી

ઇમેજ સ્રોત, Getty Images
1945માં જન્મેલા વસાવા 1985માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ 1990માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા હતા. ત્યારથી આજદિવસ સુધી સાત વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે.
સુરતમાં સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝના પ્રોફેસર સત્યકામ જોશીએ અગાઉ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું, "છોટુ વસાવાના પિતા અમરસિંહ વસાવા સરકારી નોકરી કરતા હતા અને દક્ષિણ ગુજરાતમાં રાજપૂતોનું વર્ચસ્વ હતું. આદિવાસીઓની જમીનો રાજપૂતો પાસે હતી. જમીનના અધિકારને લઈને છોટુ વસાવાના પિતાએ આદિવાસીઓને એકઠાં કર્યા હતા અને પછી છોટુ વસાવા પણ આંદોલનમાં જોડાયા."
"1990ના દાયકામાં છોટુ વસાવાએ વાકલના આદિવાસી નેતા રમણ ચૌધરી અને ડેડિયાપાડાના અમરસિંહ વસાવાની સાથે આદિજાતિ વિકાસ પક્ષની સ્થાપના કરી હતી. એ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કૉંગ્રેસ વિરુદ્ધ આ આંદોલન ઊભું કરવામાં આવ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જોકે, 1985-89 વચ્ચે કૉંગ્રેસ પક્ષના અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમને પણ આદિવાસીઓનું સમર્થન મળ્યુ હતું. 1990ના દાયકા સુધી ગુજરાતમાં આદિવાસીઓના પણ અલગ-અલગ જૂથ બની ગયાં હતાં."
"તેમની રાજકીય સફરમાં છોટુ વસાવા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા પણ ક્યારેય સાંસદ બની શક્યા નથી, કારણ કે ભરૂચમાં કૉંગ્રેસ, ભાજપ અને છોટુ વસાવા વચ્ચેની લડતમાં ભાજપને ફાયદો થયો છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે, છોટુભાઈ માત્ર તેમના પિતા પાસેથી જ નહીં, તેમના સસરા પાસેથી પણ રાજકારણના પાઠ ભણ્યા છે.
જગન્નાથ અંબાગુડિયા તથા વર્જિનસ ખાકા સંપાદિત પુસ્તક 'હૅન્ડબૂક ઑફ ટ્રાઇબલ પોલિટિક્સ ઇન ઇન્ડિયા'માં છોટુભાઈના ઉદયનો ઉલ્લેખ આ રીતે જોવા મળે છે :
છોટુભાઈ વસાવા આક્રમક અને સ્વતંત્ર રાજનેતા છે, જેમની શક્તિ મૂળજી નરસી વસાવાએ ઓળખી હતી. જેઓ આઝાદી બાદ યોજાયેલી પ્રથમ બૉમ્બે સ્ટેટ ઍસેમ્બલીની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. મૂળજીભાઈએ તેમનાં દીકરીનું લગ્ન છોટુભાઈ સાથે કરાવ્યું.
મૂળજીભાઈ જિલ્લા કૉંગ્રેસના નેતા કે અન્ય રાજનેતાઓને મળવા જાય ત્યારે છોટુભાઈ તેમની સાથે રહેતા. છોટુભાઈએ (ઑલ્ડ) એસએસસી પાસ કર્યું અને માત્ર 18 વર્ષની ઉંમરે તલાટી બની ગયા, પરંતુ માત્ર ત્રણ વર્ષમાં તેમણે નોકરી છોડી દીધી.
તેમણે આદિવાસીઓને ખેડવા માટે જમીન મળે તથા તેમનું શોષણ ન થાય, તેમને અધિકાર મળે તે માટે લડત હાથ ધરવાનું નક્કી કર્યું.
આ અરસામાં તેઓ ભરૂચ જિલ્લાના કૉમ્યુનિસ્ટ નેતાઓના સંપર્કમાં આવ્યા. જ્યારે ક્યારેય તેમને આદિવાસી પર અત્યાચાર વિશે માહિતી મળે એટલે તેઓ પોતાના સાથીઓ સાથે ઘટનાસ્થળે ધસી જાય અને "જાગૃતિ" લાવવા માટે પ્રયાસ કરે.
સપ્ટેમ્બર-1971માં છોટુભાઈના સસરા મૂળજીભાઈની હત્યા થઈ હતી. હજુ તેઓ પોતાને નવી પરિસ્થિતિ મુજબ ઢાળી રહ્યાં હતાં અને પોતાના મિશનને આગળ ધપાવી રહ્યા હતા, ત્યારે ઇંદિરા ગાંધીની સરકાર દ્વારા દેશમાં કટોકટી લાદવામાં ગઈ. છોટુભાઈની ધરપકડ થઈ અને 1976માં તેમને છોડી પણ દેવામાં આવ્યા. એ પછી તેઓ ગામના સરપંચ બન્યા.
છોટુભાઈ દલિત, આદિવાસી અને મુસ્લિમ એકતા દ્વારા સંયુક્ત હિત સાધવાની વાત અનેક વખત જાહેરમંચો પરથી કહી ચૂક્યા છે. આ પછી તેઓ પગારવધારા અને કિસાન સહિત અનેક આંદોલનોમાં સામેલ થયા અને યોજ્યા, જે ધારાસભા સુધી પહોંચવાનાં પગથિયાં બન્યાં.

વ્હાઇટ હાઉસ : સત્તાનું કેન્દ્ર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સમર્થકો તથા આદિવાસીઓમાં મહેશ વસાવા 'ભાઈ' તરીકે જ્યારે છોટુભાઈ 'દાદા' તરીકે ઓળખાય છે. વસાવા પિતા-પુત્રનું માનવું હતું કે જેવી રીતે અમેરિકાના વૉશિંગ્ટન ડીસીસ્થિત 'વ્હાઇટ હાઉસ' દુનિયામાં સત્તાનું કેન્દ્ર છે. એવી જ રીતે આદિવાસીઓનું પણ શક્તિકેન્દ્ર હોવું જોઈએ.
આથી તેમણે, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરિયા ખાતે વ્હાઇટ હાઉસની સ્થાપના કરી. ભીલીસ્થાન વિકાસ મોરચાના નેજા હેઠળ અલગ રાજ્યની ચળવળનું મુખ્ય કેન્દ્ર પણ અહીં જ રહ્યું છે.
સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને પાર-તાપી-નર્મદા રિવર લિંક જેવી આદિવાસીઓને સ્પર્શતી સમસ્યાઓ પર તેઓ બોલતા રહે છે અને જરૂર પડ્યે જનતાને રસ્તા ઉપર ઉતારી પણ શકે છે.
વ્હાઇટ હાઉસનો શરૂઆતમાં હેતુ આદિવાસી યુવાને સરકારી પરીક્ષાઓ, કમ્પ્યુટર શૈક્ષણિક, આદિવાસી અસ્મિતા વિશે જાગૃતિ અને ખેલકૂદની તાલીમ આપવાનો તથા તેમની ચેતનાને જાગૃત કરવાનો હતો. આજે તે બીટીપીના મુખ્યાલય તથા કેન્દ્રબિંદુ છે.
આપ કે એઆઈએમઆઈએમ સહિત કોઈ પણ પક્ષના રાજનેતાઓ કે મુલાકાતીઓ સાથે વસાવા પિતા-પુત્ર અહીં જ મુલાકાત કરે છે, જ્યારે તેમનું ઔપચારિક રહેણાક ઝઘડિયા તાલુકાના માલજીપુરામાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
છોટુ વસાવા ગુજરાત આદિજાતિ વિકાસ પક્ષ, ભરૂચ જિલ્લા આદિવાસી પ્રગતિ મંડળ, સામાજિક ન્યાય મોરચા, ગોપાલક દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને અખિલ ગુજરાત આદિવાસી વિદ્યાર્થી મંડળ જેવાં સંગઠનો સાથે જોડાયેલા છે.
2017ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, છોટુ વસાવા સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં 17 અને વાલિયા પોલીસ સ્ટેશનમાં 11 ગુના નોંધાયેલા છે.
જ્યારે પુત્ર મહેશ વસાવાની 2017ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, તેમની સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં 15 અને વાલિયા પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં આઠ ગુના નોંધાયેલા હતા.
પિતા-પુત્ર પર હથિયારધારો અને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાના પ્રયાસ) અને 120-બી (ગુનાહિત કાવતરું ઘડવું) જેવી ગંભીર કલમો હેઠળના ગુના પણ નોંધાયેલા છે.
પિતા-પુત્રને કોઈ પણ કેસમાં બે વર્ષથી વધુની સજા ન થઈ હોઈ, 'લોક પ્રતિનિધિ ધારા-1951'ની જોગવાઈઓ તેમની ઉપર લાગુ નથી પડતી અને તેઓ ચૂંટણી લડવા માટે ગેરલાયક નથી ઠર્યા.
દક્ષિણ ગુજરાતના રાજકારણને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર અજય નાયકના કહેવા પ્રમાણે, "છોટુભાઈની છાપ ભલે દબંગ નેતા તરીકેની હોય, પરંતુ સ્થાનિકો માટે તેઓ 'રૉબિનહૂડ' છે, જે આદરણીય તથા પૂજનીય પણ છે. સ્થાનિકોની સમસ્યાઓનું નિરાકરણ છોટુભાઈ તથા તેમનો પરિવાર લાવી આપે છે. એટલે જ અપક્ષ હોવા છતાં તેમનું અસ્તિત્વ ટકી રહેવા પામ્યું છે."

છોટુભાઈનું મોટું કદ

ઇમેજ સ્રોત, @AAPGujarat
આદિવાસી પટ્ટામાં પેઠ મેળવવા અને જાળવવા માટે રાજકીય પક્ષો છોટુ વસાવા તરફ નજર દોડાવે છે. આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે બીટીપી અને આપની વચ્ચે જોડાણની જાહેરાત થઈ છે. આપ શહેરી વિસ્તારમાં લોકપ્રિય છે અને સંગઠન માળખું ધરાવે છે, પરંતુ ગ્રામીણ તથા આદિવાસી વિસ્તારોમાં તેની પહોંચ નથી. જે તેને બીટીપી દ્વારા મળી શકે છે.
ગુજરાત ચૂંટણી માટે આપના વ્યૂહરચનાકાર સંદીપ પાઠકનો દાવો છે કે એપ્રિલ મહિનાની સ્થિતિ પ્રમાણે, પાર્ટીને રાજ્યમાં 182માંથી 55થી 60 બેઠક મળી શકે છે. તેમને પંજાબ વિધાનસભામાં આપના વિજયનું શ્રેય આપવામાં આવે છે.
અજય નાયકના કહેવા પ્રમાણે, "છોટુભાઈ વસાવા દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર વર્ચસ્વ ધરાવે છે તે વાત નકારી શકાય તેમ નથી. છતાં સત્તા ન હોય, ત્યાર સુધી બધું નકામું હોય છે."
"આ સંજોગોમાં ભાજપ તથા કૉંગ્રેસને નકારીને છોટુભાઈને ઉત્તર ભારતમાં ઊભરી રહેલી આમ આદમી પાર્ટી સાથે રહેવામાં લાભ જણાયો હોઈ શકે છે. આપ દિલ્હી અને હવે પંજાબમાં પણ સત્તા ધરાવે છે."
"સામે પક્ષે આપને ગુજરાતમાં પ્રવેશવા માટે બેઝ જોઈએ છે. બીટીપી સાથેનું ગઠબંધન તેને ગુજરાતમાં સરળ, સુગમ અને સલામત રીતે લૅન્ડિંગ કરાવી શકે છે."
જોકે, ગઠબંધન માટે બીટીપીનો પહેલો અનુભન નથી, ગત વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન તેમણે હૈદરાબાદસ્થિત એઆઈએમઆઈએમની સાથે ગઠબંધન કર્યું હતું.
ભરૂચ તથા તેની આસપાસ 'એએમ'નું (આદિવાસી મુસ્લિમ) સોશિયલ એન્જિનિયરિંગ કરવાની તેમની ગણતરી હતી. સામે પક્ષે ઓવૈસી બીટીપીના મારફત રાજસ્થાનના પગ ફેલાવવા માગતા હતા.

ઇમેજ સ્રોત, GETTY IMAGES AND FB/CHHOTU VASAVA
જોકે, તાજેતરમાં બીટીપી-એઆઈએમઆઈએમની યુતિ તૂટી ગઈ. રમઝાન સમયે ગુજરાતની મુલાકાત સમયે ઓવૈસીએ કહ્યું હતું, 'દરેકને પોતાની પાર્ટીનું હિત વિચારવાનો અધિકાર છે. તેઓ પોતાની પાર્ટીનું હિત વિચારશે અને અમે અમારી પાર્ટીનું હિત વિચારીશું. ગુજરાતમાં ક્યાં કોની સાથે ગઠબંધન થઈ શકે અને તે કેવા પ્રકારનું હશે તેનો નિર્ણય સાબીર કાબલીવાલાસાહેબ (એઆઈએમઆઈએમ ગુજરાતના વડા) લેશે.'
ઓવૈસીએ પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને આવનારા સમયમાં અવારનવાર ગુજરાતની મુલાકાત લેવાની વાત પણ કહી હતી. પાર્ટી ગોધરા, મોડાસા અને અરવલ્લી વગેરે જેવી નગરપાલિકા ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પણ નગરસેવકો ધરાવે છે.
એ સમયે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આરોપ મૂક્યા હતા કે આ જોડાણ ભાજપની 'બી-ટીમ' છે અને કૉંગ્રેસને હરાવવા માટે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટી પણ ભાજપની બી-ટીમ હોવાનો આરોપ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ લગાવી ચૂક્યા છે.
ડુંગરપુર તથા આજુબાજુના આદિવાસી વિસ્તારોમાં બીટીપી પ્રભુત્વ ધરાવે છે. પાર્ટીની વિદ્યાર્થી પાંખ આ વિસ્તારોમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) તથા કૉગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાને (એનએસયુઆઈ) ટક્કર આપે છે.
રાજસ્થાન વિધાનસભામાં બીટીપીના બે ધારાસભ્ય છે તથા ચૂંટણી બાદ તેમણે અશોક ગેહલોત સરકારને ટેકો આપ્યો હતો. પરંતુ ડિસેમ્બર-2020માં ટેકો પાછો ખેંચી લીધો હતો. પાર્ટી રાજસ્થાન ઉપરાંત છત્તીસગઢ, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં વર્ચસ્વ વધારવા માટે પ્રયાસરત્ છે.

જ્યારે અહમદ પટેલને ઉગાર્યા

2019ની લોકસભા ચૂંટણી વખતે બીટીપીએ કૉંગ્રેસની સાથે ગઠબંધન માટે ચર્ચા થઈ હતી, પરંતુ તે પડી ભાંગી હતી. છોટુ વસાવા ઇચ્છતા હતા કે તેઓ ભરૂચની બેઠક પરથી બીટીપીના ચૂંટણીચિહ્ન પર ચૂંટણી લડે અને કૉંગ્રેસ તેમના સમર્થનમાં કોઈ ઉમેદવાર ઊભો ન રાખે. જ્યારે કૉંગ્રેસે રાજ્યમાં તેના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર શેરખાન પઠાણને અહીંથી ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા.
અંતે ગઠબંધન ન થયું અને કૉંગ્રેસ, બીટીપી તથા ભાજપની વચ્ચે ત્રિપાંખિયો જંગ થયો. જોકે, નક્કર આંકડાકીય રીતે જોવામાં આવે તો આ ગઠબંધન બાદ પણ છોટુભાઈનો વિજય ન થયો હોત, કારણ કે બીટીપી તથા કૉંગ્રેસને કુલ ચાર લાખ 47 હજાર મત મળ્યા હતા. આ પહેલાં તેઓ ચાર વખત આ બેઠક જીતવા પ્રયાસ કરી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે નિષ્ફળતા જ મળી છે. ઉલ્લેખનીય છે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી હતી અને ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાનો વિજય થયો હતો.
છોટુ વસાવાને હતું કે ઑગસ્ટ 2017માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેમણે અહમદ પટેલને જે સાથ આપ્યો હતો, તેનું વળતર મળશે, પરંતુ એમ થયું ન હતું.
એ સમયે છોટુ વસાવા જનતાદળ યુનાઇટેડમાં હતા અને નીતીશકુમારની પાર્ટીએ મહાગઠબંધનથી અલગ થઈને ભાજપ સાથે પુનઃજોડાણ કર્યું હતું. ત્યારે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાનું વ્હીપ કાઢવામાં આવ્યું હતું. છતાં તેમણે કૉંગ્રેસના વ્યૂહરચનાકાર અહમદ પટેલને જીતાડવા માટે વ્હીપથી ઉપરવટ જઈને મતદાન કર્યું હતું અને અંતે ચૂંટણી પહેલાં પાર્ટી છોડી દીધી હતી.
જોકે, 2020ની રાજ્યસભા ચૂંટણી વખતે બીટીપીના બંને ધારાસભ્યોએ ગેરહાજર રહીને ભાજપને 'વ્યૂહાત્મક મદદ' પૂરી પાડી હતી.

એક બેઠક, પાંચ ચિહ્ન, સાત ચૂંટણી

ઇમેજ સ્રોત, @Chhotu_Vasava
છેલ્લા લગભગ ચાર દાયકાથી અનુસૂચિત જનજાતિ માટે અનામત ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. આ દરમિયાન તેઓ જનતા પાર્ટી, જનતા દળ, અપક્ષ, જનતાદળ યુનાઇટેડ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ચિહ્ન સાથે ચૂંટણીજંગમાં ઊતર્યા છે. પ્રથમ પ્રયાસને બાદ કરતા તેઓ હંમેશાં વિજેતા રહ્યા છે.
એક-બે (1995, 2017) અપવાદને બાદ કરતાં અહીં મોટા ભાગે છોટુ વસાવા તથા કૉંગ્રેસના ઉમેદવાર વચ્ચે મુકાબલો રહ્યો છે અને ભાજપ ત્રીજા ક્રમે રહ્યો છે. ગુજરાત ભાજપના ચૂંટણી વ્યૂહરચનાકારો પણ આ બેઠકને 'લાલ' રંગની શ્રેણીમાં મૂકે છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં છોટુ વસાવાએ ભાજપના ઉમેદવાર રવજી વસાવાને 48,948 (માન્ય મતના 26.63 ટકા) મતથી પરાજય આપ્યો હતો. પુત્ર દ્વારા સ્થાપિત ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ચૂંટણીચિહ્ન રિક્ષા સાથે આ તેમની પ્રથમ ચૂંટણી હતી.
2012માં જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ના ઉમેદવાર તરીકે છોટુ વસાવાએ કૉંગ્રેસના ઉમેદવાર બાલુ વસાવાને 13,304 (7.82 ટકા) મતથી પરાજય આપ્યો હતો.
2007માં છોટુ વસાવા પ્રથમ વખત જનતાદળ યુનાઇટેડના ચૂંટણીચિહ્ન તીરની સાથે મેદાનમાં ઊતર્યા અને જીત્યા. ત્યારે કૉંગ્રેસના ઉમેદવાર ચંદુ વસાવાને 33,927 મત મળ્યા, જ્યારે છોટુ વસાવાને 41,460 (7.10 ટકાની લીડ) મળ્યા હતા.
ફેબ્રુઆરી-2002માં ગોધરાકાંડને પગલે સમગ્ર ગુજરાતમાં હુલ્લડ ફાટી નીકળ્યાં. એ પછી ભાજતરફી હિંદુત્વના જુવાળની વચ્ચે પણ વસાવા અડગ રહ્યા હતા અને 15,289 (14.5 ટકા) મતની લીડ સાથે જેડીયુ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર દલપતસિંહ વસાવાને પરાજય આપ્યો હતો.
1995માં ગુજરાતમાં પ્રથમ વખત ભાજપની આપબળે સરકાર બની ત્યારે છોટુ વસાવા અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 1990માં ચીમનભાઈના જનતાદળની ટિકિટ પર તેઓ 34,510 મતની (53.1 ટકા) સરસાઈ સાથે કૉંગ્રેસના ઉમેદવાર ચંદુ વસાવાને પરાજય આપ્યો હતો.
છોટુ વસાવા પ્રથમ વખત ઝઘડિયાથી વિધાનસભા પહોંચ્યા, પરંતુ આ તેમનો પ્રથમ પ્રયાસ ન હતો. આ પહેલાં તેમણે 1985માં જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કૉંગ્રેસના ઉમેદવાર રેવાદાસ વસાવા સામે 10, 647 મતે (34.38 ટકા) પરાજય થયો હતો.
છોટુ વસાવા ભરૂચ અને નર્મદા જિલ્લા તથા દક્ષિણ ગુજરાતની આદિવાસી બાહુલ્યવાળી બેઠક પર પ્રભુત્વ ધરાવે છે. પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવા ડેડિયાપાડા બેઠક પરથી બીટીપીનું નેતૃત્વ કરી રહ્યા છે.
2002 મહેશ વસાવા જેડીયુના ઉમેદવાર તરીકે ભાજપના ઉમેદવાર શંકર વસાવાને 5,763 મતે હરાવીને વિધાનસભા પહોંચ્યા હતા, પરંતુ 2007માં કૉંગ્રેસના ઉમેદવાર અમરસિંહ વસાવાએ 22 હજાર 379 મતથી (15.82 ટકા)પરાજય આપ્યો હતો.
2012માં વધુ એક વખત મહેશ વસાવાએ ડેડિયાપાડાની બેઠક પરથી નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેમણે ત્રીજા ક્રમથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપના ઉમેદવાર મોતીલાલ પુનિયાભાઈ વસાવા વિજેતા થયા હતા, જ્યારે કૉંગ્રેસના અમરસિંહ રામસિંહ વસાવા બીજા ક્રમે રહ્યા હતા.
2017માં મહેશ વસાવાએ ભાજપના ઉમેદવાર મોતીલાલ વસાવાને 21,751 મતથી (13.43 ટકા) પરાજય આપ્યો. આ ચૂંટણીમાં કૉંગ્રેસની મદદથી જંગમાં ઊતરેલા પાર્ટીના અન્ય ઉમેદવારોનો પરાજય થયો હતો અને તેમની ડિપૉઝિટો જપ્ત થઈ હતી.

ટ્રાઇબલ તાકત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 27 અનુસૂચિત જનજાતિ માટે અને શિડ્યુલ્ડ કાસ્ટ માટે 13 બેઠક અનામત છે, જ્યારે 142 બિન-અનામત છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની વસતી 16થી 17 ટકા છે.
સરકારી આંકડા પ્રમાણે, ગુજરાતમાં ભીલ એ સૌથી મોટો ટ્રાઇબલ સમુદાય છે, જે કુલ સમુદાયના 46 ટકા (2001ની વસતીગણતરી પ્રમાણે) છે.
ભીલો મુખ્યત્વે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ અને નર્મદા જિલ્લામાં રહે છે. ભીલ ગરાસિયા, વસાવી ભીલ, પાવરા ભીલ અને તડવી ભીલ જેવી ઉપજાતિઓ છે.
તેમની અલગ ભીલી બોલી અને લિપિ પણ છે. તેમની બોલચાલની ભાષા રહેણાકના રાજ્ય હેઠળ મૂળ રાજ્યની ભાષાની અસર ધરાવતી હોય છે.
ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા મહારાષ્ટ્રના ભીલ બહુમતીવાળા વિસ્તારોને એક કરીને અલગ ભીલીસ્થાનની માગ પણ છોટુ વસાવા કરતા રહ્યા છે.
માનવામાં આવે છે કે છોટુ વસાવાએ જે કામ કર્યું છે તેના લીધે ગુજરાતની પૂર્વ પટ્ટીના આદિવાસીઓમાં તેમના અધિકારોને લઈને જાગૃતિ આવી છે, પરંતુ આદિવાસીઓની સ્થિતિમાં ફેરફાર થયો છે, તેવું નક્કરપણે કહી ન શકાય.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













