એ ગુજરાતી જેમણે રાજસ્થાનમાં કૉંગ્રેસને સરકાર બનાવવા મદદ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હરિતા કંડપાલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતના ધારાસભ્ય છોટુ વસાવાએ સ્થાપેલી ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)એ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બે બેઠકો પર વિજય મળવ્યો છે અને એમણે કૉંગ્રેસ સરકાર રચે એનું સમર્થન કર્યુ છે.
ગુજરાત અને રાજસ્થાનની સીમાએ આવેલા ડુંગરપુર જીલ્લામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાજકુમાર રાઉતે ચોરાસી બેઠક પરથી ભાજપના ઉમેદવારને 12,934 મતોથી હરાવ્યા હતા.
અન્ય એક બેઠક સગવારાથી બીટીપીના રામપ્રસાદે ભાજપના શંકરલાલને 4,582 વોટથી હરાવ્યા હતા.
બીટીપીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 11 ઉમેદવારો ઉતારી રાજકીય પક્ષોને આર્શ્ચર્યમાં નાખી દીધા હતા.
રાજસ્થાન સ્થિત પત્રકાર નારાયણ બારેઠનું કહેવું છે કે બીટીપીએ પહેલી વાર વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં ઉમેદવાર ઉતાર્યા અને બે બેઠકો જીતી, એ કૉંગ્રેસ અને ભાજપ બન્ને માટે ચેતવણી છે કે હવે આદિવાસીઓનાં હિતોની અવગણના થઈ શકશે નહીં.

તમે આ વાંચ્યું કે નહીં?

નારાયણ બારેઠ કહે છે કે થોડા મહિના અગાઉ બીટીપીએ દક્ષિણ રાજસ્થાનના બે જિલ્લાઓમાં ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોર્ચાથી કામગીરી શરૂ કરી હતી.
એમના કહેવા મુજબ, ભાજપ સમર્થિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને કૉંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએયુઆઈને હરાવીને શિક્ષણ સંસ્થાનો પર વર્ચસ્વ જમાવ્યું હતું.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કહ્યું, ''અમે આદિવાસી, મુસ્લિમ, ઓબીસી અને દલિતોને એકઠાં કરીને દેશભરમાં આગળ વધીશું.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''અમે ગુજરાતથી શરૂઆત કરી દીધી હતી અને 2017માં વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં બે બેઠકો પર વિજય મેળવ્યો હતો. ''
તેમણે કહ્યું, ''આઝાદીનાં 70 વર્ષથી વધુ થઈ ગયાં છે પરંતુ બંધારણના અનુસૂચિ-5ની કેટલીક જોગવાઈઓ લાગુ ન કરવાને કારણે આદિવાસીઓ પાસે શિક્ષણ નથી, પાણી નથી, તેમની પાસે જમીનો પણ નથી. ''
''રાજસ્થાનના લોકો ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ સુધી મજૂરી કરવા માટે મજબૂર થયા છે. ''
તેમનું કહેવું છે કે કૉંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોએ આદિવાસીઓ માટે કશું નથી કર્યું.
બીટીપી અધ્યક્ષ આવતાં વર્ષની લોકસભા ચૂંટણીમાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને ઓડિશામાં લડવાની તૈયારી બતાવે છે.
પણ સામાજિક કાર્યકર ગણેશ દેવી ભારતીય ટ્રાઇબલ પાર્ટીની ગુજરાત અને હવે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં શરુઆતને બહુ મહત્ત્વ નથી આપી રહ્યા.
એમનું કહેવું છે, ''સ્થાનીય મુદ્દાઓને લઈને બીટીપીને વિજય મળ્યો હોઈ શકે પરંતુ લોકસભા ચૂંટણીમાં પાર્ટી બહુ પ્રભાવી રહે તેવું લાગતું નથી. કારણકે પક્ષને રાષ્ટ્રીય સ્તર પર આગળ લઈ જવાની તૈયારી તેમની પાસે નથી.''
જ્યારે મહેશ વસાવા કહે છે, ''આવનારા સમયમાં આદિવાસી વિસ્તારોમાં લોકો બીટીપીને સમર્થન કરશે. ભાજપ તથા કૉંગ્રેસ બન્નેના મતો બીટીપીના ખાતામાં આવે તેવી તૈયારી છે.''
વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે, ''બીટીપી પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારમાં સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, લુણાવાડા, ભરૂચ અને વ્યારાનાં જંગલો જેવા કેટલાય વિસ્તારોમાં પોતાનો પ્રભાવ જમાવવાનો પ્રયાસ કરી રહી છે.''
''આ સિવાય રાજસ્થાનમાં આદિવાસી ક્ષેત્રને લક્ષીને આ વિસ્તારમાં આવેલી લોકસભા બેઠકોને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરી રહ્યો છે.''

કોણ છે છોટુ વસાવા?

ઇમેજ સ્રોત, Getty Images
બીટીપીના સંસ્થાપક 72 વર્ષના છોટુ વસાવા સાત વખત ઝઘડીયા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય રહ્યા છે.
તેમના દીકરા મહેશ વસાવા નર્મદા જીલ્લાની ડેડિયાપાડા બેઠક થી 2017માં વિધાનસભા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.
જનતા દળ યુનાઈટેડ પક્ષ તરફથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છોટુ વસાવાએ વર્ષ 2017માં ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સ્થાપના કરી હતી.
છોટુ વસાવા કહે છે, ''દેશમાં ભાજપ અને કૉંગ્રેસ તરફ લોકોનો રોષ દેખાયો નથી. દેશના આદિવાસી વિસ્તારોમાં બંધારણની અનુસૂચિ 5 લાગુ કરવી જોઈએ.''
''જે બન્ને પાર્ટીની સરકારોએ કર્યુ નથી એટલે અમારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી બનાવવી પડી છે.''
તેઓ કહે છે, ''આદિવાસીઓમાં તેમના હકોને લઈને જાગૃતિ આવી છે પણ સરકારો તેમના હક તેમને આપતી નથી એટલે જ રાજસ્થાનમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીને બે બેઠકો પર જીત મળી છે.''
ગુજરાતમાં ડાંગથી લઈને ભરૂચ સુધીની આદિવાસી પટ્ટીમાં છોટુ વસાવાનું વર્ચસ્વ રહ્યું છે. આ પ્રદેશમાં એમની છાપ આદિવાસીઓના મસીહા સમાન ગણાય છે.
વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે કહ્યું, ''છોટુ વસાવા ભરૂચના આદિવાસી વિસ્તારમાં આદિવાસી નેતા તરીકે સૌથી પહેલાં આગળ આવ્યા અને 30 વર્ષથી તેઓ આ વિસ્તારમાંથી ચૂંટણી જીતી રહ્યા છે.''
''તેઓ આદિવાસીઓ વચ્ચે જબરદસ્ત વર્ચસ્વ ધરાવે છે. એ વિસ્તારમાં લોકઅદાલત ચલાવે છે જેમાં તે પોતે જ ન્યાય કરે છે અને આદિવાસીઓ વચ્ચે તેઓ ખૂબ લોકપ્રિય નેતા છે.''
સુરતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના પ્રોફેસર સત્યકામ જોશી કહે છે, ''છોટુ વસાવાના પિતા અમરસિંહ વસાવા સરકારી નોકરી કરતા હતા અને દક્ષિણ ગુજરાતમાં રાજપૂતોનું વર્ચસ્વ હતું. આદિવાસીઓની જમીનો રાજપૂતો પાસે હતી.''
''જમીનના અધિકારને લઈને છોટુ વસાવાના પિતાએ આદિવાસીઓને એકઠાં કર્યા હતા અને પછી છોટુ વસાવા પણ આંદોલનમાં જોડાયા.''
''1990ના દાયકામાં છોટુ વસાવાએ વાકલના આદિવાસી નેતા રમણ ચૌધરી અને ડેડિયાપાડાના અમરસિંહ વસાવાની સાથે આદિજાતિ વિકાસ પાર્ટી પણ શરૂ કરી હતી.''
''એ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કૉંગ્રેસ વિરુદ્ધ આ આંદોલન ઊભું કરવામાં આવ્યુ હતું.''
''જોકે, 1985-89 વચ્ચે કૉંગ્રેસ પક્ષના અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમને પણ આદિવાસીઓનું સમર્થન મળ્યુ હતું.''
''1990ના દાયકા સુધી ગુજરાતમાં આદિવાસીઓના પણ અલગ-અલગ જૂથ બની ગયાં હતાં.''
''તેમની રાજકીય સફરમાં છોટુ વસાવા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા પણ ક્યારેય સાંસદ બની શક્યા નથી કારણકે ભરૂચમાં કૉંગ્રેસ, ભાજપ અને છોટુ વસાવા વચ્ચેની લડતમાં ભાજપને ફાયદો થયો છે.''
1984માં કૉંગ્રેસના નેતા અહેમદ પટેલ ભરૂચના સાંસદ બન્યા હતાં ત્યાર પછી ભરૂચની લોકસભા બેઠક ભાજપ પાસે જ રહી હતી.

અનેક ગુનાઓનો પણ છે આરોપ

ઇમેજ સ્રોત, AFP
જોકે, છોટુ વસાવાનું નામ ઘણા કેસોમાં પણ સામેલ છે, જેમાં લૂંટ, ચોરી અને હત્યા જેવા ગંભીર કેસ પણ છે.
અંગ્રેજી અખબાર 'ધ હિંદૂ ' ના અહેવાલ મુજબ 2012ની વિધાનસભા ચૂંટણીમાં 28 કેસ એવા હતા જેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આદિવાસી બેઠક ઝઘડીયાના ધારાસભ્ય જનતા દળ (યૂ)ના બાહુબલી નેતા છોટુભાઈનું નામ સામેલ છે. આમાં, લૂંટના નવ, ચોરીના સાત અને હત્યાના ત્રણ કેસ છે, અને 28 કેસોમાં આરોપ નક્કી કરવામાં આવ્યા છે.
અન્ય એક અહેવાલ મુજબ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પર 24 કેસો નોંધવામાં આવ્યા છે.
એનડીટીવીના એક અહેવાલ મુજબ તેમના પર હત્યાના બે કેસ અને હત્યાના પ્રયાસનો એક કેસ દાખલ કરવામાં આવેલો છે.
પ્રોફેસર સત્યકામ જોશી કહે છે, ''છોટુ વસાવાએ જે કામ કર્યું છે તેને લીધે ગુજરાતની પૂર્વ પટ્ટીના આદિવાસીઓમાં તેમના અધિકારોને લઈને જાગૃતિ આવી છે.''
''જોકે, હજી ભરૂચનો જે વિસ્તાર છે ત્યાં આદિવાસીઓની સ્થિતિમાં ખૂબ ફેરફારો થયા હોય તેવું ન કહી શકાય. વન અંગેના જે કાયદાઓનો જે લાભ આદિવાસીઓને મળવા જોઈએ તે નથી મળ્યા.''
જોકે, બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા કૉંગ્રેસ અને ભાજપ વિરુદ્ધ અનેક રાજ્યોમાં લડતમાં ઊતરવાની વાત કરે છે.
તમે અમને ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.














