સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો એ વિવાદ જેને લીધે કોર્ટે તેમને અલગ રહેવા આદેશ કર્યો

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પાંચ સાધુથી શરૂ થયેલો સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય પાંચ દાયકામાં ભારત ઉપરાંત વિશ્વના કેટલાય દેશોમાં ફેલાઈ ગયો છે. પણ સંપ્રદાયમાં સંપત્તિના ઝઘડા થયા અને લોકોને સંપથી રહેવાની સલાહ આપનારા સંતો છેવટે કોર્ટમાં ગયા.

કોર્ટે સાધુઓને અલગઅલગ રહેવાનો આદેશ આપ્યો છે.

સોખડા સ્વામીનારાયણ

ઇમેજ સ્રોત, Jiya choksi

હાલમાં વિવાદમાં આવેલા સોખડા સંપ્રદાયની આ સ્થિતિને સમજવા માટે ભૂતકાળમાં જવું પડે એમ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાઓને સંતો સાથે ધાર્મિક પ્રશ્નોના સમાધાનની મંજૂરી ન હોવાથી મૂળ આસોદના અને સાયન્સ ગ્રૅજ્યુએટ હરિપ્રસાદ સ્વામી 30મે, 1966ના રોજ સ્વામિનારાયણ સંપ્રદાય છોડીને સોખડા આવી ગયા.

1971માં માત્ર પાંચ સ્વામીઓને દીક્ષા અપાઈ અને સોખડા આશ્રમનો પાયો નખાયો.

પચાસેક વર્ષમાં સંતોની સંખ્યા વધી અને અનુયાયીઓ પણ વધ્યા. સોખડા આશ્રમનો વિકાસ થયો અને બાજુના વાસણા ફાર્મમાં વિશાળ જગ્યા મેળવાઈ, સાથે જ શૈક્ષણિક સંસ્થાઓ બની.

રાજકોટ, વડોદરા, ભરૂચ, સુરત, અમદાવાદમાં સ્કૂલથી માંડીને કૉલેજ અને હૉસ્ટેલનાં સંકુલો પણ બન્યાં. કૅનેડા, અમેરિકા, યુકેમાં પણ ભક્તો બન્યા અને મંદિરોની સંખ્યા પણ વધી.

જોકે, આ દરમિયાન 27 જુલાઈ 2021માં હરિપ્રસાદ સ્વામીનું નિધન થયું અને એમના અંતિમ સંસ્કાર બાદ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયની જવાબદારી પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીને સોંપવામાં આવી. જવાબદારી એકના બદલે બે સંતોને સોંપાતાં કજિયાનાં મૂળ રોપાયાં.

line

કેવા આરોપ લાગ્યા?

સોખડા

ઇમેજ સ્રોત, Jiya choksi

પ્રબોધ સ્વામીના અંગત સચિવ જતીન પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "પ્રબોધ સ્વામીના અનુયાયીઓ વધારે અને પ્રેમસ્વરૂપ સ્વામીના અનુયાયીઓ ઓછા, એટલે પ્રેમસ્વરૂપ સ્વામીના જૂથે પ્રતિબંધો મૂકવાના શરૂ કર્યા. બધા સંતોનાં વિચરણ બંધ કરાવી દીધાં તથા પાસપોર્ટ અને કૅમેરા પણ જપ્ત કરાવી લીધા."

આ દરમિયાન ચાર મહિનાથી આશ્રમમાં લદાયેલા નવા નિયમોને કારણે સંતો અને ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો અને તે છેક ગુજરાત હાઈકોર્ટના દરવાજે પહોંચી ગયો.

હરિપ્રસાદ સ્વામીના અંગત સચિવ રહી ચૂકેલા પવિત્ર જાનીએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર કૉપર્સની અરજી દાખલ કરી અને પ્રેમસ્વરૂપ સ્વામી વિરુદ્ધ સંપત્તિ પર કબજો જમાવવાના અને સંતોને બંધક બનાવવાના આરોપ લગાવ્યા.

જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીની કોર્ટમાં કરાયેલી અરજીમાં આરોપ લગાવાયો છે કે પ્રેમસ્વરૂપ સ્વામી, ત્યાગી વલ્લભસ્વામી અને સ્વઘોષિત ટ્રસ્ટી જે. એમ. દવે આર્થિક ફાયદો લેવા અને ટ્રસ્ટને કબજે કરવા ધાકધમકી આપી રહ્યા છે.

અરજીમાં ચાર મહિનાથી સંતોને આશ્રમમાં ગોંધી રખાયા હોવાનો પણ આરોપ લગાવતાં એમને મુક્ત કરાવવા માટે કોર્ટ સમક્ષ ધા નાખવામાં આવી.

ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજી અનુસાર ટ્રસ્ટ માત્ર ભારત જ નહીં, અમેરિકા, યુકે, ન્યૂઝીલૅન્ડ, કૅનેડા સહિત સાત દેશોમાં પ્રચાર કરે છે. મંદિરો અને શૈક્ષણિક સંકુલો ધરાવે છે, જેની કુલ સંપત્તિ 10 હજાર કરોડ જેટલી થાય છે.

પવિત્ર જાનીની રિટ પિટિશન અનુસાર આશ્રમમાં 400 સંતોને ગોંધી રાખવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળ દિક્ષાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

line

બચાવ પક્ષ શું કહે છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ મામલે ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ સોનિયા ગોકાણીએ વીડિયો કૉન્ફરન્સથી વડોદરાની કોર્ટમાં તમામ સાધુઓને બોલાવ્યા હતા. તેમને સાંભળ્યા બાદ પુરુષ સંતોને બાકરોલ આશ્રમમાં જવાની સૂચના આપી હતી તો મહિલા સંતોને અમદાવાદમાં નિર્ણયનગર આશ્રમમાં જવાની સૂચના આપી છે.

કાનૂની પ્રક્રિયા બાદ પવિત્ર જાનીના વકીલ ચિત્રજિત ઉપાધ્યયે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "પ્રથમ સુનાવણીમાં કોર્ટે નોંધ્યું કે ચાર મહિના સુધી સંતોને ગોંધી રાખવામાં આવ્યા એ વાજબી નથી. કોર્ટે તમામ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સહિતની વસ્તુઓ પરત આપવા કહ્યું. આ સાથે જ સ્વામીઓને સમાધાનકારી વલણ દાખવવાનો પણ આદેશ આપ્યો છે."

આ દરમિયાન સોખડા સ્વામિનારાયણ મંદિરના પી.આર.ઓ. સંજય પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "હાઈકોર્ટનો આ વચગાળાનો હુકમ છે. અમે આવતી મુદ્દતમાં અમારો પક્ષ મૂકીશું. સાધુઓને ગોંધી રાખવાના આરોપ પાયાવિહોણા છે."

"આશ્રમમાંથી આવજા કરવા 108 ગેટ પાસ અપાયેલા છે. સાધુઓની આવજાના સીસીટીવી ફૂટેજ પણ છે, જે અમે કોર્ટમાં રજૂ કરીશું."

તેમણે એવું પણ ઉમેર્યું, "જો બધા સાધુઓને ગોંધી રાખવામાં આવ્યા હોય તો આશ્રમમાં સંખ્યાબંધ સાધુઓ કેમ રહે છે?"

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો