વડા પ્રધાન નરેન્દ્ર મોદી અન્ય દેશોના વડાઓને ગુજરાત કેમ લઈ આવે છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મૅચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મૅચના પરિણામથી નક્કી થશે કે ભારત શું ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયશિપની ફાઇનલમાં પ્રવેશી શકશે?

જોકે આ મૅચની ચર્ચા કરતા વધુ ચર્ચા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મૅચ જોવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝની હાજરીની હતી.

નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન

ઇમેજ સ્રોત, ANI

કૉંગ્રેસે તેની ટીકા કરી તો ભાજપે ક્રિકેટ ડિપ્લોમેસીનું નામ આપ્યું. જોકે એક વાત ખરી કે અમદાવાદને ફરી એક વખત કોઈ વિદેશી નેતાની મેજબાની કરવાનો અવસર મળ્યો.

નરેન્દ્ર મોદી અન્ય દેશોના વડા પ્રધાનો કે રાષ્ટ્રાધ્યક્ષોને ગુજરાતમાં લાવ્યા હોય એવું અગાઉ ઘણી વખત બન્યું છે.

બોરિસ જોન્સનનું ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઍરપોર્ટ પર સ્વાગત કર્યું હતું

ઇમેજ સ્રોત, Gujarat Information Department

ઇમેજ કૅપ્શન, બોરિસ જોન્સનનું ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઍરપોર્ટ પર સ્વાગત કર્યું હતું

અગાઉ યુકેના પૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સન અમદાવાદ આવ્યા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડા પ્રધાન શિંઝો એબે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અને અન્ય દેશોના નેતાઓએ પણ ગુજરાતની મુલાકાત લીધી છે.

જોકે રાજકીય ટાઇમલાઇન પર નજર કરીએ તો સમજાય છે કે વર્ષ 2014 બાદ અન્ય દેશોના વડાનો ગુજરાત આવવાના કિસ્સા વધ્યા છે અને અનેક દેશના વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

આ વચ્ચે પ્રશ્ન એવો પણ પુછાઈ રહ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અન્ય દેશોના વડાને ગુજરાત કેમ લાવે છે?

line

જિનપિંગથી બોરિસ જોન્સન સુધી - ગુજરાતની મુલાકાત

યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સનના ભારત પ્રવાસની શરુઆત અમદાવાદથી થશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સનના ભારત પ્રવાસની શરુઆત અમદાવાદથી થઈ છે

2017માં જાપાનના વડા પ્રધાન શિંઝો એબે 13 અને 14 સપ્ટેમ્બરે બે દિવસના માત્ર અમદાવાદના પ્રવાસે આવ્યા હતા.

ફેબ્રુઆરી 2020માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની બે દિવસના ભારત પ્રવાસે આવ્યાં, ત્યારે સૌ પ્રથમ અમદાવાદ આવ્યા હતા.

એ પછી આગ્રા અને દિલ્હી ગયાં હતાં.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સપ્ટેમ્બર 2014માં ભારત પ્રવાસે આવ્યા, ત્યારે સૌ પ્રથમ અમદાવાદ આવ્યા અને પછી દિલ્હી ગયા હતા.

2018માં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ અમદાવાદ આવ્યા હતા. સાથે જ તેઓ દિલ્હી અને મુંબઈ પણ ગયા હતા.

line

બદલાયેલો શિરસ્તો

ગાંધી આશ્રમમાં ઇઝરાયલના તત્કાલિન વડાપ્રધાન બેન્જામિન તેમના પત્ની સારા તથા મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાંધી આશ્રમમાં ઇઝરાયલના તત્કાલિન વડાપ્રધાન બેન્જામિન તેમના પત્ની સારા તથા મોદી

2014 પહેલાંની મુલાકાતો પર પણ નજરી કરીએ તો અંદાજ આવે કે શિરસ્તો એવો રહ્યો કે વિદેશના રાષ્ટ્રનેતાના પ્રવાસ મોટાભાગે દિલ્હીમાં જ થતા હતા.

મુંબઈ આર્થિક રાજધાની હોવાને કારણે કેટલાક દેશોના નેતા ત્યાં પણ જતા હતા.

જોકે હવે સ્થિતિ બદલાઈ છે, અનેક દેશોના વડાઓને નરેન્દ્ર મોદી ગુજરાત લઈ આવે છે.

આ પૈકી કેટલાક નેતાઓની ગુજરાતની મુલાકાત દરમિયાન રોડ શો અને રંગારંગ કાર્યક્રમો પણ થયાં, તેમની ગુજરાત મુલાકાત વખતે ઉત્સવો જેવું આયોજન થતું હોય છે.

2020માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત આવ્યા ત્યારે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને રોડ શો પણ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના ભવ્ય આયોજનની સાથે ટીકા પણ થઈ હતી.

જાપાનના વડા પ્રધાન શિંઝો એબેની ભારતની મુલાકાત પણ સીધી જ ગુજરાતથી શરૂ થઈ હતી.

તેમની ગુજરાતની મુલાકાતને તજજ્ઞોએ 'મહત્ત્વપૂર્ણ' ગણાવી હતી કેમ કે એ વખતે ગુજરાતમાં '50 જાપાની કંપનીઓ હતી'

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમનાં પત્ની 2014માં અમદાવાદ પહોંચ્યાં હતાં, એ વખતે સાબરમતી નદીના કાંઠે લોકનૃત્યોથી તેમનું સ્વાગત કરાયું હતું.

દિલ્હીમાં સ્થિત રાજકીય વિશ્લેષક વિનોદ શર્મા કહે છે કે, "પહેલાં એવું નહોતું થતું કે વડા પ્રધાન પોતાના હોમસ્ટેટમાં કોઈ વિદેશી રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને સતત બોલાવતા હોય. વિદેશી નેતાઓના પ્રવાસને ગુજરાત કેન્દ્રિત ગોઠવવો એ યોગ્ય નથી."

ઉલ્લેખનીય છે કે આ દરમિયાન કેટલાક દેશોના વડાએ દિલ્હીની મુલાકાત પણ લીધી હતી.

ઑક્ટોબર 2021માં ડેન્માર્કનાં વડાં પ્રધાન મેટ ફ્રેડરિક્સન દિલ્હી આવ્યાં હતાં.

ફેબ્રુઆરી 2020માં મ્યાંમારના રાષ્ટ્રપતિ યુ વિન મિંટ દિલ્હી અને આગ્રા ગયા હતા. ઑક્ટોબર 2017માં ઇટાલીના વડા પ્રધાન પાઓલો જેન્ટિલોએ પણ દિલ્હીની મુલાકાત લીધી હકી.

2018માં શ્રીલંકા અને ભૂતાન તેમજ 2019માં પોર્ટુગલના વડા પ્રધાન ભારત આવ્યા ત્યારે તેઓ પણ દિલ્હીના પ્રવાસે જ હતા.

કોઈ દેશના વડા ગુજરાતની મુલાકાત લેતા હોય તો એની પાછળનો તર્ક શું હોઈ શકે? એવો સવાલ પણ ઊઠે છે કે વડા પ્રધાન હોવા છતાં નરેન્દ્ર મોદી અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે?

line

ગુજરાતના બિઝનેસ મૉડલ માટે?

વર્ષ 2017ની વાઇબ્રન્ટ સમિટની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2017ની વાઇબ્રન્ટ સમિટની તસવીર

જ્યારે-જ્યારે અન્ય દેશોના વડા મુલાકાત લે ત્યારે ઉદ્યોગોને સંલગ્ન બેઠકો પણ થતી હોય છે અને રોકાણ અંગે નિર્ણયો લેવાતા હોય છે.

ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમીટની શરુઆત કરી હતી. એમાં દેશવિદેશથી રોકાણકારો આવે છે અને ગુજરાતને બિઝનેસના મૉડલ સ્ટેટ તરીકે પણ રજૂ કરવામાં આવ્યું છે.

આ સંદર્ભે ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હેમંત શાહ જણાવે છે કે, "વિદેશના વડા રાજ્યના પ્રવાસે આવે એનાથી ઉદ્યોગધંધાને ઘણો ફાયદો થતો હોય છે. આને લીધે ગુજરાતને વિશ્વના નકશા પર જગ્યા મળી છે."

તેઓ કહે છે કે, "જ્યારે વિદેશી મહેમાન આવે તો તેઓ રાજ્યની નાડ પારખે છે. જેના લાંબા ગાળે ફાયદા મળે છે. તેઓ જે કંઈ માળખાગત સુવિધા કે વિકાસ જુએ એની એક છાપ લઈને પોતાના દેશમાં જતા હોય છે અને પછી રોકાણ માટે વિચારતા હોય છે."

"વડા પ્રધાન ગુજરાતના છે અને એનાથી ગુજરાતને ફાયદો થતો હોય તો એ સારું જ છેને."

લેખક તેમજ જવાહર નહેરુ વિશ્વવિદ્યાલયના નિવૃત્ત પ્રાધ્યાપક ઘનશ્યામ શાહનો મત આ કરતાં જુદો છે.

તેઓ કહે છે કે, "રોકાણકારોનો કોઈ દેશ હોતો નથી. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી કે વડા પ્રધાન નહોતા ત્યારે પણ ગુજરાતમાં વિદેશી રોકાણ આવતું હતું."

અમદાવાદ કાપડની મિલોથી ઓળખાતું હતું અને ગુજરાતની ધંધાદારી રાજ્ય તરીકેની છબિ ભાજપની સરકાર રાજ્યમાં રચાઈ તેનાં વર્ષો અગાઉથી છે.

line

રાજકીય ફાયદા માટે ગુજરાત મુલાકાતો?

2017માં તત્કાલિન જાપાનીઝ પીએમ શિંઝો એબે સમક્ષ અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનનું નિદર્શન અપાયું હતું

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, 2017માં તત્કાલિન જાપાનીઝ પીએમ શિંઝો એબે સમક્ષ અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનનું નિદર્શન અપાયું હતું

ડોનાલ્ડ ટ્રમ્પ, નેતન્યાહુ, શિંઝો એબેની મુલાકાત વખતે રોડ શો યોજવામાં આવ્યા હતા અને રોડ શો માટે રસ્તાઓ પર પણ હજારો લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા. જે-તે સમયે તેનાં વખાણની સાથે ટીકા પણ થઈ છે.

અનેક તજજ્ઞો આ પ્રકારના કાર્યક્રમોને 'રાજકીય લાભ લેવાનો પ્રયાસ' ગણાવે છે. સાથે જ એવું પણ કહે છે કે આ પ્રકારના કાર્યક્રમો લોકશાહી માટે જોખમી છે.

આ અંગે દિલ્હીમાં સ્થિત રાજકીય વિશ્લેષક વિનોદ શર્મા કહે છે કે, "ફેડરલ રાજકારણમાં દરેકને સમાન સ્થાન હોય, તેથી કોઈ એક રાજ્યને મહત્ત્વ મળતું હોય અથવા તેવી છબિ ઊભી થાય તો એ નુકસાનકારક છે."

શર્મા આગળ વાત કરે છે કે "જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે કહ્યું હતું 'ટીમ ઇન્ડિયા'. ટીમમાં કોઈ એક જ ખેલાડીને રમવાનો મોકો મળે એવું ન હોય. દરેકને મોકો મળવો જોઈએ."

તેઓ આ અંગે વધુ વિગતો આપતાં કહે છે કે "કેન્દ્ર સરકારે જોવું જોઈએ કે ક્યાં રાજ્યો પાસે કયાં સંસાધનો છે, જે વિદેશી રોકાણને આકર્ષી શકે. કેન્દ્રની જવાબદારી બને છે કે તે રાજ્યો વચ્ચે રચનાત્મક સ્પર્ધા ઊભી કરે કે એફડીઆઈ (ફોરેન ડાઇરેક્ટ ઇન્વૅસ્ટમેન્ટ) ક્યું રાજ્ય વધારે લાવે છે."

તેઓ ઉમેરે છે, "એ માટે દરેક રાજ્યને મોકળું મેદાન આપવું પડે અને રાજ્યોની મદદ પણ કરવી પડે."

"જો કોઈ વિદેશી પ્રધાન ગુજરાતમાં વિશેષ પ્રકારનું રોકાણ કરવા માગતા હોય કે તેમનો એવો આગ્રહ હોય તો અલગ વાત છે."

વરિષ્ઠ ગુજરાતી પત્રકાર રમેશ ઓઝા વડા પ્રધાને પોતાના રાજ્યને આટલું મહત્વ ન આપવું જોઈએ એવો મત આપતા કહે છે કે, "નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઔચિત્યની ચિંતા નથી અને પરવાહ પણ નથી. એકાદ-બે વખત નરેન્દ્ર મોદી પોતાના રાજ્ય કે મતવિસ્તારમાં કાર્યક્રમ કરે તો ઠીક છે, પણ વારંવાર આવું થાય તે લોકશાહી અને દેશના ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે યોગ્ય નથી."

તેઓ ઉમેરે છે, "મને નથી લાગતું કે કોઈ પૂર્વ વડા પ્રધાને પોતાના હોમસ્ટેટને આટલું મહત્ત્વ આપ્યું હોય, જેટલું મોદી આપી રહ્યા છે. મને આમાં બે બાબત જોવા મળે છે, એક વડા પ્રધાનનું પોતાના રાજ્ય પ્રત્યેનું વળગણ અને બીજું કે ગુજરાત કમ્ફર્ટ ઝોન છે."

line

ગુજરાતને પ્રમોટ કરવાની યોજના?

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તત્કાલિન અમેરિકી પીએમ ડોનાલ્ડ ટ્ર્મ્પનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તત્કાલિન અમેરિકી પીએમ ડોનાલ્ડ ટ્ર્મ્પનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

જ્યારે કોઈ પણ દેશના વડા અન્ય કોઈ દેશની મુલાકાતે જાય તો મોટાભાગે તેઓ જે-તે દેશની રાજધાનીનો પ્રવાસ કરે છે.

આ ઉપરાંત કેટલાક કિસ્સામાં દેશની રાજધાની સિવાય અન્ય શહેર કે રાજ્યોની મુલાકાત પણ ગોઠવવામાં આવે છે.

જોકે બોરિસ જોન્સનની ગુજરાતની મુલાકાત સંદર્ભે વિશ્લેકો પ્રશ્ન ઉઠાવે છે કે વિદેશના મોટા નેતાઓને ગુજરાત જ કેમ લઈ જવાય છે?

ધ ઍસોસિયેટેડ ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા એટલે કે એસોચેમનાં ગુજરાત કાઉન્સિલનાં પૂર્વ ચૅરપર્સન તેમજ બિઝનેસવુમન ભાગ્યેશ સોનેજી કહે છે કે, "ભારતના વડા પ્રધાન અને ભારતના ગુજરાતી વડા પ્રધાન હોવાનો ફરક નરેન્દ્ર મોદીમાં દેખાય છે. પ્રોટોકોલનું જેવું માળખું દિલ્હીમાં હોય તે અન્ય રાજ્યોમાં ન હોય. પહેલાં એવું થતું હતું કે વિદેશી રાષ્ટ્રનેતા દિલ્હી આવતા હતા અને પછી બીજે જતા હતા. હવે કેટલીક વખત એવું થાય છે કે ગુજરાત આવીને પછી બીજે જાય છે."

ઘનશ્યામ શાહ કહે છે કે, "આની પાછળ એવું વર્ચસ્વ બતાવવાનો ઇરાદો પણ હોય કે ગુજરાત અલગ અને અગ્રેસર છે."

"2009ની લોકસભા ચૂંટણી વખતે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા અને મોદી તેમના ચૂંટણીપ્રચારક હતા. એ વખતે મોદી તેમની સ્પીચમાં પણ અડવાણીને ગુજરાતના 'પ્રતિનિધિ' તરીકે જ રજૂ કરતા હતા. કારણકે, અડવાણી ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડતા આવ્યા હતા."

ઘનશ્યામ શાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 2017ના એ ભાષણની યાદ અપાવે છે. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે "ગુજરાતી આજે ક્યાં છે? પહેલાં તમે દિલ્હીમાં ફરવા જાવ તો તમને બોલાવે નહીં. હવે હું ત્યાં છું, મારે ત્યાં ચા પીવા તમને બોલાવું છું."

તેઓ ઉમેરે છે, "ગુજરાતને પ્રમોટ કરવાની કોઈ તક નરેન્દ્ર મોદી જતી કરતા નથી. તેઓ સંદેશ આપવા માગે છે કે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે આદર્શ છે."

(આ લેખ સૌપ્રથમ વર્ષ 2022માં પ્રકાશિત થઈ હતી)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન