Ind Vs Aus : અમદાવાદમાં ચોથી ટેસ્ટ, શું ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયશિપની ફાઇનલમાં પ્રવેશી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ એવી મૅચ હશે, જેમાં ભાગ લેનારી બંને ટીમના દેશના વડા પ્રધાનો મૅચ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હોય.
ઘણાં વર્ષો અગાઉ નવી દિલ્હીમાં ભારત અને પાકિસ્તાનના વડાઓ હાજર રહ્યા હતા, પરંતુ તાજેતરનાં વર્ષોમાં આમ ભાગ્યે જ બને છે.
તેવામાં ગુરુવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે રમાઈ રહેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ક્રિકેટ ટેસ્ટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝ ખાસ હાજરી આપવા પહોંચી ગયા છે.
ગુરુવારે સવારે 9.30 કલાકે બંને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મૅચનો પ્રારંભ થયો છેે અને ઑસ્ટ્રેલિયાએ ટ઼સ જીતીને બૅટિંગ પસંદ કરી છે.

- સિરીઝની પ્રથમ બે ટેસ્ટ જીતીને ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી છે
- ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની અત્યાર સુધીની 106 ટેસ્ટમાંથી ભારતે 32 અને ઑસ્ટ્રેલિયાએ 44 ટેસ્ટ જીતી છે

ભારત- ઑસ્ટ્રેલિયાની વર્તમાન સિરીઝ રસપ્રદ તબક્કામાં

ઇમેજ સ્રોત, ROBERT CIANFLONE
ભારતીય વડા પ્રધાન આ અગાઉ પણ મોટેરામાં ભારતની મૅચના સાક્ષી બની ચૂક્યા છે, પરંતુ અમદાવાદમાં 1983થી રમાતી ઇન્ટરનેશનલ મૅચમાં કોઈ વિદેશી વડા પ્રધાને હાજરી આપી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન સિરીઝ હાલમાં રસપ્રદ તબક્કામાં છે, ત્યારે ભારતને આ મૅચ જીતવી જરૂરી છે. આ મૅચ જીતીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશી શકે છે. તેવા સંજોગોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રોહિત શર્માની ટીમના ઉત્સાહમાં વધારો કરી શકે તેમ છે.
જોકે સિરીઝમાં પુનરાગમન કરીને હવે સિરીઝનો સ્કોર 2-2 કરવાની સ્થિતિમાં આવી ગયેલી ઑસ્ટ્રેલિયન ટીમ પણ તેમના દેશના વડા પ્રધાનની હાજરીથી પ્રોત્સાહિત થઈ શકે છે. આમ આ મૅચ રોમાંચક બની રહેશેે.

રવિચંદ્રન અશ્વિન તથા રવીન્દ્ર જાડેજા પાસે શક્તિશાળી પ્રદર્શનની અપેક્ષા

ઇમેજ સ્રોત, ANI
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ રસપ્રદ તબક્કામાં પ્રવેશી છે. સિરીઝની પ્રથમ બે ટેસ્ટ જીતીને ભારતે બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી તો જાળવી રાખી છે, પરંતુ ત્રીજી ટેસ્ટ જીતીને ઑસ્ટ્રેલિયાએ સિરીઝ જીવંત બનાવી દીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આમ ભારતે આ ટેસ્ટ જીતવી મહત્ત્વની બની ગઈ છે, કેમ કે આ ટેસ્ટ જીતીને જ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશી શકે તેમ છે. તેના માટે તેણે વર્તમાન સિરીઝ 3-1થી જીતવી જરૂરી છે જેમાં હાલમાં તે 2-1ની સરસાઈ ધરાવે છે. બીજી તરફ ત્રીજી ટેસ્ટ જીતવાની સાથે ઑસ્ટ્રેલિયાએ તેનો ફાઇનલ પ્રવેશ નિશ્ચિત કરી દીધો હતો.
વર્તમાન સિરીઝમાં ભારતનો હાથ ઉપર હતો અને તે વ્હાઇટવૉશ કરે તેવી અપેક્ષા વચ્ચે ઑસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં વળતો પ્રહાર કર્યો હતો. પેટ કમિન્સ અંગત કારણોસર વતન પરત ફરી ગયો, ત્યારબાદ પ્રવાસી ટીમની આગેવાની અનુભવી સ્ટીવ સ્મિથને મળી હતી અને તેણે ટીમને નવી ઉંચાઇ પર લઈ જઈને ઇન્દોરમાં ભારતને ત્રીજા દિવસે જ હરાવી દીધું હતું.
ભારતનું મુખ્ય શસ્ત્ર તેના સ્પિનર હતા, ત્યારે ઑસ્ટ્રેલિયાએ પણ આ જ હથિયાર અજમાવ્યું અને ઇન્દોરમાં તેના સ્પિનર નાથાન લાયન, કુહનેમન તથા ટોડ મરફીએ કમાલ કરી દીધી હતી. આમ છતાં હજી પણ આ સિરીઝમાં રવિચંદ્રન અશ્વિન તથા રવીન્દ્ર જાડેજા પાસેથી અગાઉ જેવા જ શક્તિશાળી પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ બંને સ્પિનરે મળીને વર્તમાન સિરીઝમાં પ્રવાસી ટીમની મહત્તમ વિકેટો પોતાના નામે કરેલી છે.

મૅચમાં ભારતના સ્પિનર્સ ચડિયાતા

ઇમેજ સ્રોત, ANI
મોટેરા સ્ટેડિયમ નવા રૂપરંગ સાથે સજ્જ થયું અને બે વર્ષ અગાઉ આ મેદાન પર નવેસરથી ટેસ્ટ યોજાવાનો પ્રારંભ થયો, ત્યારબાદ ગુજરાતી સ્પિનર અક્ષર પટેલે તરખાટ મચાવીને ઇંગ્લેન્ડ સામે શાનદાર દેખાવ કર્યો હતો.
આ મેદાન પર રમાયેલી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બંને ટેસ્ટ ભારતે જ જીતી હતી. હવે ગુરુવારથી શરૂ થતી ટેસ્ટમાં અશ્વિન અને જાડેજા ઉપરાંત અક્ષર પટેલ પાસેથી પણ અગાઉ જેવા સફળ પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.
મોટેરાની પિચ અંગે આ વખતે ખાસ અટકળ થતી નથી, પરંતુ હજી પણ મનાય છે કે તે સ્પિનર્સને યારી આપશે અને એમ બનશે તો ભારતના સ્પિનર્સ ચડિયાતા છે અને તેઓ રોહિત શર્માની ટીમને વિજય અપાવવા માટે સક્ષમ છે.
જોકે સાથે સાથે એમ પણ કહેવાય છે કે આ સિરીઝની અગાઉની ત્રણેય ટેસ્ટમાં સ્પિનર્સે તરખાટ મચાયા બાદ ચારે તરફથી ભારે ટીકા થઈ રહી છે. ત્યારે બની શકે છે કે ચાર કે પાંચ દિવસ ચાલે તેવી પિચ તૈયાર કરાવવામાં આવી હોય, પણ પિચ કેવું વર્તન કરે છે તે તો મૅચ વખતે જ ખબર પડશે. આમ છતાં એટલું નિશ્ચિત છે કે ભારતનું જોર તેના સ્પિનર પર જ રહેશે.

ઑસ્ટ્રેલિયા જેવી લડાયક ટીમ વિશ્વમાં બીજી કોઈ નહીં હોય

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ ઑસ્ટ્રેલિયા પણ સ્ટીવ સ્મિથની આગેવાનીમાં સિરીઝમાં બીજી વાર વળતો પ્રહાર કરવાની યોજના ઘડી રહ્યું હોય તેમાં કોઈ શંકા નથી. પ્રથમ બે ટેસ્ટમાં તેનો કારમો પરાજય થયો હતો, પરંતુ સ્મિથના આગમન સાથે ચિત્ર બદલાઈ ગયું અને તેમણે પણ ત્રણ દિવસમાં જ મૅચ જીતી લીધી હતી.
ઇન્દોરના વિજય બાદ પ્રવાસી ટીમનું મનોબળ સ્વાભાવિકપણે જ ઉપર આવ્યું હશે અને તેઓ પણ સિરીઝ ગુમાવવાનું આસાનીથી સ્વીકારશે નહીં, પરંતુ ડ્રૉ કરવાનું પસંદ કરશે. પ્રથમ બે ટેસ્ટ ગુમાવ્યા બાદ ભાગ્યે જ કોઈ ટીમ સિરીઝ બચાવી શકી છે, પરંતુ ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ક્લાસ ટીમ છે અને તેઓ આમ કરીને વતન પરત ફરવાનું પસંદ કરશે.
ઑસ્ટ્રેલિયા જેવી લડાયક ટીમ કદાચ વિશ્વમાં બીજી કોઈ નહીં હોય. ભૂતકાળમાં તેઓ આ બાબત પુરવાર કરી ચૂક્યા છે. એટલે સુધી કે મૅચમાં પણ તેઓ પરાજયની સ્થિતિમાંથી બહાર આવીને મૅચ જીતી શક્યા છે.
જોકે આવી જ રીતે છેલ્લા કેટલાક સમયથી ભારત પણ લડાયક અને આક્રમક રમત રમીને ઘણી વાર મૅચનું પાસું પલટી નાખવામાં સફળ રહ્યું છે. ઑસ્ટ્રેલિયા માટે તો ફાઇટ આપવી અને હરીફ પાસેથી વિજય આંચકી લેવો કદાચ તેમનાં મૂળભૂત લક્ષણો છે.

ત્રીજી ટેસ્ટની ચારેય ઇનિંગ્સમાં કોઈ ટીમ 200નો આંક વટાવી ન શકી

ભારતે આ વખતે તેના બૉલરના જોર પર સફળતા હાંસલ કરી છે, ત્યારે બૅટિંગની કેટલીક નબળાઈઓ ધ્યાને આવી નથી. વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા નિષ્ફળ રહ્યા છે, પરંતુ પૂજારાએ બૅંગલુરુમાં નોંધપાત્ર અડધી સદી ફટકારી હતી અને અન્ય બૅટ્સમૅન નિષ્ફળ જઈ રહ્યા હતા ત્યારે જ તેમણે ફૉર્મ પરત મેળવ્યું હતું.
બંને ટીમે બૅટિંગમાં વધારે મહેનત કરવાની જરૂર છે, કેમ કે ત્રીજી ટેસ્ટની ચારેય ઇનિંગ્સમાં કોઈ ટીમ 200નો આંક વટાવી શકી ન હતી.
બંને ટીમના પ્રદર્શનની વાત કરીએ તો ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની અત્યાર સુધીની 106 ટેસ્ટમાંથી ભારતે 32 અને ઑસ્ટ્રેલિયાએ 44 ટેસ્ટ જીતી છે, તો 1985-86ની સિરીઝમાં ચેપોક ખાતેની એક ટેસ્ટ ટાઈ થઈ હતી. તેને બાદ કરતાં બાકીની તમામ ટેસ્ટ ડ્રો રહી છે.
જોકે ભારતની ટીમ 1947માં બંને વચ્ચે પહેલી વાર ટેસ્ટ રમાઈ ત્યારબાદ ખાસ સફળતા હાંસલ કરી શકી ન હતી, પરંતુ પરિસ્થિતિમાં 2001 બાદ વળાંક આવ્યો છે, જ્યારે કોલકાતામાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ફૉલોઑન થયા બાદ પણ મૅચ જીતી હતી.
એ વખતે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે વિશાળ ભાગીદારી નોંધાવીને ભારતને મૅચમાં પરત ફરવામાં મદદ કરી હતી, તો બૉલિંગમાં હરભજનસિંઘે બાકીની જવાબદારી સંભાળી લીધી હતી. હરભજને તો એ સિરીઝમાં તરખાટ મચાવી દીધો હતો અને તે થકી જ ભારતે કોલકાતા બાદ ચેન્નાઈમાં પણ ટેસ્ટ મૅચ જીતી હતી અને અંતે સિરીઝ પણ હાંસલ કરી લીધી હતી.
આ મૅચ બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને અત્યારે ઇંગ્લૅન્ડ સામેની એશિઝ સિરીઝ કરતાં પણ વધારે તૈયારી ઑસ્ટ્રેલિયન ટીમને ભારત સામે રમતી વખતે કરવી પડે છે.

48 ટેસ્ટમાંથી 21માં ભારતે વિજય મેળવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
એક સમય હતો જ્યારે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને જાણીતા કૉમેન્ટેટર ઇયાન ચેપલે ભારતીય ટીમ (1981માં) વિશે એમ કહ્યું હતું કે ભારત જેવી ટીમે ઑસ્ટ્રેલિયા કે ઇંગ્લૅન્ડ સામે રમવાને બદલે નબળી ટીમો સામે જ રમવાનું રાખવું જોઇએ. તેને બદલે આજે સમગ્ર વિશ્વ ભારત અને ઑસ્ટ્રેલિયાના મુકાબલા પર નજર રાખી રહ્યું છે.
શરૂઆતનાં વર્ષોમાં ભારતને પણ જીતવામાં તકલીફ પડતી હતી, પરંતુ 2001 બાદ ભારતનો હાથ ઉપર રહ્યો છે. આ દરમિયાન રમાયેલી 48 ટેસ્ટમાંથી ભારતે 21માં વિજય હાંસલ કર્યો છે, તો 16 મૅચમાં તેનો પરાજય થયો છે. પણ ભારતીય ધરતી પર તો ભારત વધારે સફળ રહ્યું છે.
ભારતમાં આ દરમિયાન રમાયેલી 53માંથી 23 ટેસ્ટ ભારતે જીતી છે, તો ઑસ્ટ્રેલિયાના ભાગે 14 ટેસ્ટ રહી છે.
હવે ગુરુવારથી શરૂ થતી ટેસ્ટમાં ભારત આ આંકને વધારે સફળ બનાવીને 24મી ટેસ્ટ જીતવાનો પ્રયાસ કરશે. જે તેને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં લઈ જશે.














