ગુજરાતમાં જન્મેલા એ ગુજરાતી ક્રિકેટર જેમણે પાકિસ્તાન ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ ત્રેવડી સદી ફટકારી

હનીફ મોહમ્મદ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તેનાં થોડાં જ વર્ષમાં પાકિસ્તાનને ટેસ્ટ ક્રિકેટ રમવાનો દરજ્જો મળી ગયો અને યોગાનુયોગે પાકિસ્તાની ક્રિકેટ ટીમે તેનો પ્રથમ પ્રવાસ ભારતનો જ ખેડવાનું પસંદ કર્યું.

આ ટીમમાં એવા ઘણા ક્રિકેટર હતા જેઓ વિભાજન સમયે ભારતથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને તેમનામાં પ્રતિભા હતી તેથી તેઓ પાકિસ્તાની ટીમમાં સ્થાન પણ હાંસલ કરી શક્યા હતા.

આવા ખેલાડીઓની બનેલી ટીમ ભારત આવી અને નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે તેની પ્રથમ ટેસ્ટ રમી.

આ ટીમમાં એક 18 વર્ષના યુવાન બૅટ્સમૅન હતા. જેની પાસે હજી ટેસ્ટ તો ઠીક પણ ક્રિકેટ રમવાનો પણ પર્યાપ્ત અનુભવ ન હતો.

તેમણે એ મૅચમાં 51 રન ફટકાર્યા હતા. આ ક્રિકેટર એટલે પાકિસ્તાનના મહાન ક્રિકેટર હનીફ મોહમ્મદ.

ક્રિકેટ જગતને ગુજરાતમાંથી ઘણા ક્રિકેટરો મળ્યા છે, પરંતુ આ હરોળમાં જો કોઈ મોખરે આવી શકે તો એ છે હનીફ મોહમ્મદ.

line

પ્રથમ લિટલ માસ્ટર

હનીફ મોહમ્મદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હનીફ મોહમ્મદ (ડાબે)

હનીફ મોહમ્મદે ભારત સામેની 1952-53ની એ સિરીઝમાં તમામ બૉલરને પરેશાન કર્યા હતા. મુંબઈના બ્રેબોર્ન ખાતે રમાયેલી ટેસ્ટમાં તો હનીફે શાનદાર બૅટિંગ કરીને 96 રન ફટકાર્યા હતા, પરંતુ તે 96 રનના સ્કોરે પહોંચ્યા ત્યારે ભારતીય સ્પિનર અને મૂળ સૌરાષ્ટ્રના એવા વિનુ માંકડે એક છટકું ગોઠવ્યું.

તેમણે આ યુવાન ખેલાડી રમતા હતા ત્યારે અચનાક જ બે ત્રણ ફિલ્ડરને પોતાની પાસે બોલાવ્યા અને કાંઈ જ વાતચીત કર્યા વિના થોડી વારમાં બધા પોતપોતાને સ્થાને ફિલ્ડિંગ કરવા ગોઠવાઈ ગયા.

ત્યાર પછીના જ બૉલે હનીફ મોહમ્મદ ફિલ્ડરના હાથમાં ઝડપાઈ ગયા.

આમ તેઓ સદીથી વંચિત રહ્યા. હકીકતમાં વિનુ માંકડે એ યુવાનને ભરમાવવા માટે જ આ યુક્તિ રચી હતી જેથી તેમના મનમાં સંશય પેદા થાય કે મારા માટે કાંઈક યોજના ઘડાઈ રહી છે અને તેમણે પોતાની વિકેટ આપી દીધી.

એ મૅચમાં તો હનીફે પોતાની વિકેટ આપી દીધી પરંતુ ત્યાર બાદ તેઓ માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ક્રિકેટ ટીમોને ભારે પડવા માંડ્યા.

હનીફ મોહમ્મદ એટલે ક્રિકેટના સૌપ્રથમ લિટલ માસ્ટર. ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરને પણ લિટલ માસ્ટરનું બિરુદ સાંપડેલું છે પરંતુ તેના વર્ષો અગાઉ હનીફ મોહમ્મદ લિટલ માસ્ટર કહેવાતા હતા.

1952-53ની એ સિરીઝની પહેલી ટેસ્ટમાં કંઈક સંશય હેઠળ હનીફ આઉટ તો થઈ ગયા પરંતુ તેઓ મૂળ ગુજરાતી હતા એટલે તક ઝડપ્યા વિના રહે નહીં.

હનીફે તેમના જ જેવા ગુજરાતી વિનુ માંકડનો સંપર્ક કર્યો મુંબઈના બ્રેબોર્ન ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ અગાઉ અને વડીલને પૂછ્યું કે મારી ટેકનિકમાં કોઈ ખામી હોય તો કહેજો.

આ એ જમાનો હતો જ્યારે હરીફ ટીમના ખેલાડીઓના વીડિયો જોવા મળતા ન હતા પરંતુ ખેલાડીઓ આપસમાં હળીમળી જતા હતા અને એકબીજાની ખામી કે ખૂબી કહેવામાં ખચકાટ અનુભવે તેવી તીવ્ર સ્પર્ધા એ વખતે ન હતી.

વિનુ માંકડે સલાહ આપી કે, "તું થોડું વહેલું બૅટ ઉપાડી લે છે જેને બદલે બૉલની પિચ પડે ત્યાં સુધી રાહ જોવાનું રાખ તો રન થશે."

હવે ક્યો હરીફ ખેલાડી સામેની ટીમના ખેલાડીને આવી સલાહ આપે. હનીફ મોહમ્મદે સલાહનું બરાબર પાલન કર્યું અને એ પછી જે કાંઈ બન્યું તે ઇતિહાસ છે.

line

જૂનાગઢના પાંચેય ભાઈ પાકિસ્તાન માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા

હનીફ મોહમ્મદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1954માં પાકિસ્તાનની ટીમ જેમાં હનીફ મોહમ્મદ સાથે તેમના બે ભાઈઓ પણ સામેલ હતા

1934ની 21મી ડિસેમ્બરે જૂનાગઢમાં જન્મેલા હનીફ મોહમ્મદ તેમના નાના ભાઈ મુસ્તાક અને સાદીકની માફક કાઉન્ટી ક્રિકેટમાં તો રમ્યા નહીં પરંતુ ઇંગ્લૅન્ડ સામે પણ તેમના સારા એવા રન ફટકાર્યા હતા.

ભારત અને પાકિસ્તાનના વિભાજન વખતે જૂનાગઢ ભારતમાં રહે કે પાકિસ્તાનમાં તે અંગેનો વિવાદ ચાલતો હતો. સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસથી જૂનાગઢ ભારતમાં જ રહ્યું પરંતુ તે રાજકીય બાબત છે જેની ચર્ચાને અહીં અવકાશ નથી.

આમ છતાં કેટલાક લોકો જૂનાગઢથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા જેમાં મોહમ્મદ પરિવાર પણ હતો. આ પરિવારના પાંચ ભાઈઓ વઝીર મોહમ્મદ, રઇસ મોહમ્મદ, હનીફ મોહમ્મદ, મુસ્તાક મોહમ્મદ અને સાદીક મોહમ્મદ.

પાંચેય ભાઈ ફર્સ્ટ કલાસ ક્રિકેટ રમ્યા જેમાં રઈસ મોહમ્મદ જ ટેસ્ટ ક્રિકેટ રમી શક્યા ન હતા જ્યારે બાકીના ચારેય ભાઈ પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા.

જોકે રસપ્રદ બાબત તો એ છે કે વઝીર અને રઈસ મોહમ્મદ તો વિભાજન સમયે ક્રિકેટ રમવા જેટલી વય ધરાવતા હોવા છતાં તેઓ ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમ્યા નથી.

આમ તમામ ભાઈઓ પાકિસ્તાન ગયા બાદ ક્રિકેટર બન્યા હતા તેમ છતાં મોહમ્મદ પરિવારમાં આજેય ગુજરાતી ભાષાનું ચલણ છે.

મોહમ્મદ ભાઈઓનો પાકિસ્તાન ક્રિકેટમાં એટલો દબદબો હતો કે 1970ના દાયકાના અંત સુધીમાં પાકિસ્તાન જેટલી પણ ટેસ્ટ રમ્યું હતું તેમાંથી એકાદ બે અપવાદને બાદ કરતાં તમામ ટેસ્ટમાં આ ચાર મોહમ્મદ ભાઈમાંથી એકાદ તો ટીમમાં હોય હોય ને હોય જ.

line

પાકિસ્તાન ક્રિકેટના ઇતિહાસની પ્રથમ ત્રેવડી સદી

હનીફ મોહમ્મદ

ઇમેજ સ્રોત, Allsport Hulton/Archive

હનીફ મોહમ્મદનું સૌથી મોટું જમા પાસું વિકેટ પર ટકી રહેવાની તેમની કાબેલિયત હતી. વિનુ માંકડની સલાહને તેમણે આજીવન અનુસરી હતી જેનો લાભ પણ તેમને થયો હતો. પાકિસ્તાન માટે 55 ટેસ્ટ રમવા ઉપરાંત તેઓ 238 ફર્સ્ટ ક્લાસ મૅચ પણ રમ્યા હતા.

બૅટિંગ કરતી વખતે એકાગ્રતાનું સૌથી વધારે મહત્ત્વ હોય છે. આજના ટી20ના યુગમાં કદાચ આ વાત મજાક લાગે પણ ટેસ્ટ ક્રિકેટમાં તો તે આજેય જરૂરી છે અને આવી એકાગ્રતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એટલે હનીફ મોહમ્મદ.

1957-58માં પાકિસ્તાની ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે હતી. એ જમાનામાં બૅટ્સમેન કેટલા બૉલમાં કેટલા રન કરે છે તેના કરતાં કેટલી વાર વિકેટ પર ટકી રહે છે તેનું મહત્ત્વ હતું.

ત્યારે બ્રિજટાઉન (બાર્બાડોઝ)માં રમાયેલી ટેસ્ટમાં હનીફ મોહમ્મદ 970 મિનિટ (16 કલાક કરતાંય વધારે) બૅટિંગ કરીને 24 ચોગ્ગા સાથે 337 રન ફટકાર્યા હતા.

પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં નોંધાયેલી આ સૌપ્રથમ ત્રેવડી સદી હતી. આ એ જ સિરીઝ છે જેમાં મહાન સર ગારફિલ્ડ સોબર્સે યાદગાર 365 રન ફટકાર્યા હતા જે સ્કોર વર્ષો સુધી ટેસ્ટ ઇનિંગ્સનો સર્વોચ્ચ સ્કોર બની રહ્યો હતો.

હનીફ મોહમ્મદે પાકિસ્તાન માટે 55 ટેસ્ટ રમી હતી. 55નો આંક તેમના માટે કદાચ શુભ હશે કેમ કે તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 55 સદી ફટકારી હતી.

તેમની સૌથી યાદગાર ઇનિંગ્સ 499 રનની રહી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકાર્યાને બરાબર એક વર્ષ બાદ જાન્યુઆરી 1959માં તેમણે કરાચી માટે રમતાં બહાવલપુર સામેની ફર્સ્ટ ક્લાસ મૅચમાં 499 રન ફટકાર્યા હતા.

આમ તેઓ એક રન માટે 500 રનના સ્કોરથી વંચિત રહી ગયા હતા. પાછળથી બ્રાયન લારાએ અણનમ 501 રન ફટકારીને તેમનો રેકર્ડ પાર કર્યો હતો.

line

કાગડા અને મોરને અનાજના દાણા નાખવાની ટેવ

હનીફ મોહમ્મદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 12 ફેબ્રુઆરીએ હનીફ મોહમ્મદની અંતિમ યાત્રાની તસવીર

માત્ર ક્રિકેટર તરીકે જ નહીં પરંતુ એક માણસ તરીકે પણ હનીફ મોહમ્મદ ઉમદા હતા.

વિવાદમાં સંડોવાવું તે પાકિસ્તાન ક્રિકેટમાં સામાન્ય બાબત છે તેમ છતાં હનીફ મોહમ્મદ ક્યારેય કોઈ વિવાદમાં સંડોવાયા ન હતા.

હનીફ મોહમ્મદને દરરોજ સવારે કાગડા અને મોરને અનાજના દાણા નાખવાની ટેવ હતી.

2016ની 11મી ઑગસ્ટે તેમનું નિધન થયું ત્યારે તેમના પુત્ર અને પાકિસ્તાની ટેસ્ટ ક્રિકેટર શોએબ મોહમ્મદે આંખમાં આંસુ સાથે આ વાત કરી હતી.

શોએબના નવ વર્ષીય પુત્ર અયાન મોહમ્મદનું બ્રેઇન ટ્યુમરને કારણે નિધન થયું હતું અને શોએબે અયાનની કબર પાસે જ હનીફ મોહમ્મદને દફન કર્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન