જ્યારે રાજકોટમાં પાણીની બૉટલો ફેંકાઈ અને રોમાંચક મૅચ અટકાવી દેવાઈ
ક્રિકેટમાં રાજકોટ શહેર રંગીલાની સાથે સાથે રોમાંચક રાજકોટ તરીકે ઓળખાય છે. હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝ ચાલી રહી છે. દેશના જુદાજુદા ખૂણામાં ત્રણ મૅચ રમ્યા બાદ પશ્ચિમના છેવાડે રાજકોટમાં ચોથી મૅચ યોજાઈ.
ગુજરાત અને સૌરાષ્ટ્રનાં શહેરોમાં રાજકોટનું જેટલું મહત્ત્વ છે એટલું જ આ રંગીલા રાજકોટનું ક્રિકેટમાં યોગદાન પણ છે.
આજે તો રાજકોટમાં રમાયેલી કેટલીક રોમાંચક મૅચ અથવા તો રોમાંચક ક્રિકેટ ઘટનાઓને વાગોળવાનો સમય છે.
કારણ કે વર્તમાન સિરીઝમાં 1-2થી પાછળ રહેલી ભારતીય ટીમને શુક્રવારની મૅચ જીતવી જરૂરી છે અને તો જ પાંચ મૅચની સિરીઝનો ચાર્મ ટકી રહેશે અને આ માટે કદાચ ઋષભ પંત માટે રાજકોટનું મેદાન ઉમદા તક બની રહેશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે શુક્રવારે રાજકોટ નજીકના ખંડેરી ખાતેના સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન સ્ટેડિયમ ખાતે સિરીઝની ચોથી ટી-20 મૅચ રમાનારી છે અને આ મૅચ રોમાંચક બની રહે તેવી સંભાવના છે.
રાજકોટમાં ભૂતકાળમાં ઘણી રોમાંચક મૅચો રમાઈ છે તેમાં સૌથી વધુ યાદગાર મૅચ પુરુણા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વન-ડે મૅચમાં બંને ટીમે 400થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો અને તેમ છતાં મૅચનું પરિણામ છેક છેલ્લા બૉલે આવ્યું હતું.
યોગાનુયોગ રેસકોર્સ ગ્રાઉન્ડ પરની તે અંતિમ મૅચ હતી ત્યાર બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશને પોતાનું અલાયદું સ્ટેડિયમ બનાવી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

100 ઓવરમાં 825 રનની લહાણી

ઇમેજ સ્રોત, Hindustan Times
ભારત અને શ્રીલંકા વચ્ચે 2009માં 15મી ડિસેમ્બરે રાજકોટમાં મૅચ યોજાઈ હતી. આ વન-ડેમાં ભારતે 414 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. તો ટી-20 યુગના 12 વર્ષ અગાઉ તેની કલ્પના પણ કરવી અશક્ય હતી.
તે દિવસે મહેન્દ્રસિંહ ધોનીની તમામ યુક્તિઓ નિષ્ફળ રહી હતી. શ્રીલંકા છેક ટાર્ગેટની નજીક એટલે કે 411 રન સુધી પહોંચી ગયું હતું અને અંતે ભારત માંડ માંડ ત્રણ રનથી મૅચ જીત્યું હતું.
પરિણામ ગમે તે આવ્યું પરંતુ સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોને તો ટી-20 જેવો રોમાંચ જોવા મળ્યો હતો. જેમાં એક દિવસમાં તેમને 100 ઓવરમાં 825 રનની લહાણી થતી જોવા મળી હતી, તેમાં પણ ચોગ્ગા અને છગ્ગાની આતશબાજી નફામાં.
ભારત માટે ઓપનર વીરેન્દ્ર સેહવાગે તેમની આદત મુજબ જ આક્રમકતા દાખવીને 102 બૉલમાં 146 રન ફટકારી દીધા હતા. એ જમાનામાં હજુ એક ઇનિંગમાં બે કે ત્રણ છગ્ગા વધારે લાગતા હતા ત્યારે સેહવાગે છ છગ્ગા ફટકાર્યા હતા. તેમની સાથે ઑપનર સચિન તેંડુલકર રમતા હતા. જેમણે 69 રન ફટકાર્યા હતા.
કૅપ્ટન ધોનીએ પોતાના ક્રમમાં ફેરફાર કર્યો અને ટીમની મજબૂત સ્થિતિ જોતાં તેઓ ત્રીજા ક્રમે રમવા આવ્યા. ધોનીએ 72 રન ફટકાર્યા હતા.
ત્યાર પછીના ખેલાડીઓનું યોગદાન સામાન્ય રહ્યું પરંતુ ટીમનો સ્કોર 414 ઉપર પહોંચાડવા માટે તે વખતે નવા એવા સૌરાષ્ટ્રના રવીન્દ્ર જાડેજાના 17 બોલમાં 30 રન મહત્ત્વના હતા, જેના લીધે ભારતીય ટીમને 400નો આંક વટાવવામાં મદદ મળી હતી.

અનઅપેક્ષિત ટાર્ગેટ, પણ છેલ્લા બૉલ સુધી રસપ્રદ મૅચ

ઇમેજ સ્રોત, Hindustan Times
415 રનનો ટાર્ગેટ તે સમય દરમિયાન કોઈએ વટાવ્યો નહોતો અને શ્રીલંકા પાસેથી આવી અપેક્ષા પણ ન હતી પરંતુ તિલકરત્ને દિલશાન કંઈક અલગ જ યોજના બનાવીને રમવા આવ્યા હતા.
તેમણે ધમાકેદાર 160 રન ફટકારી દીધા, જેના લીધે ભારતને મૅચ જીતવામાં નાકે દમ આવી ગયો.
ઉપુલ થરંગાના 67 અને કૅપ્ટન કુમાર સંગાકરાના 90 રનની મદદથી શ્રીલંકાએ જોરદાર લડત આપી.
સાંગાકારાએ ઉપસ્થિત પ્રેક્ષકોના શ્વાસ અધ્ધર કરી નાખે તેવી બેટિંગ કરી હતી. 43 બૉલમાં 90 રન અને તેમાં પાંચ સિક્સર અને દસ ચોગ્ગા.
પ્રવીણકુમાર, ઝહિર ખાન, આશિષ નહેરા અને હરભજનસિંહ હરીફોની વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.
જોકે, 339 રનના કુલ સ્કોરે હરભજને મહત્ત્વની સફળતા અપાવી દિલશાનને આઉટ કર્યા હતા પણ હજુ સુધી બાજી ભારત તરફ સફળતા આવી ન હતી.
આઠમી વિકેટના રૂપમાં ઍન્જેલો મૅથ્યુઝ 38 રન ફટકારીને સચિનના હાથમાં કૅચઆઉટ થયા ત્યારે કદાચ ભારતે રાહતનો શ્વાસ લીધો હશે, જોકે ભારતને સફળતા તો છેક 50મી ઓવરના છેલ્લા બૉલે જ મળી હતી.

શ્રીનાથે જ્યારે સૌરવ ગાંગુલીને બહાર કરી દીધા

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE
આજે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી છે તો ભારત તરફથી આઇસીસીમાં મૅચ રૅફરી જવાગલ શ્રીનાથ છે.
શુક્રવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ રમાશે ત્યારે શ્રીનાથ મૅચ રૅફરી તરીકે ફરજ બજાવતા હશે અને કદાચ પેવેલિયનમાં બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી જોવા મળશે પરંતુ આ બંને ક્રિકેટર હતા ત્યારે રાજકોટમાં એક મોટી ઘટના બની હતી.
વાત એમ છે કે 1996ના નવેમ્બરમાં સાઉથ આફ્રિકન ટીમ ભારતના પ્રવાસે હતી ત્યારે રાજકોટમાં ટાઇટન કપ ત્રિકોણીય સિરીઝની વન-ડે મૅચ રમાઈ હતી. આ મૅચની પૂર્વસંધ્યાએ બંને ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી.
મૅચમાં પિચ હિટર તરીકે શ્રીનાથને ઉતારવાની ભારતની યોજના હતી અને તે અંતર્ગત ભારતીય ટીમ મૅનેજમૅન્ટે શ્રીનાથને આગલા દિવસે બેટિંગ પ્રેક્ટિસ કરવાનું કહ્યું.
સાંજના સમયે શ્રીનાથ પૅડ બાંધીને બેટિંગ કરી રહ્યા હતા તે સમયે મેદાન પર હાલના જેવી શિસ્ત જોવા મળતી નહોતી એટલે આયોજકોના કેટલાક નહીં પરંતુ સંખ્યાબંધ સદસ્યો (તેમાં ઘૂસી ગયેલા રમતપ્રેમીઓ પણ ખરા) અને મીડિયાકર્મીઓ પણ મેદાન પર જ હાજર હતા.
શ્રીનાથ કેવી બેટિંગ કરે છે તેની સમીક્ષા કરવા માટે સૌરવ ગાંગુલી પેવેલિયનમાંથી મેદાનમાં આવ્યા અને તે જ વખતે શ્રીનાથે જોરદાર શોટ ફટકાર્યો જે સીધો જ સૌરવ ગાંગુલીના પગ પર ટકરાયો.
ત્યાં ઉપસ્થિત સૌને બૉલ ટકરાવાનો અવાજ સંભળાય તેવો જોરદાર એ શૉટ હતો. પરિણામ એ આવ્યું કે સૌરવ ગાંગુલી મૅચ રમાય તે અગાઉથી જ ટીમની બહાર થઈ ગયા.
ભારતે એ મૅચમાં શ્રીનાથને ઓપનિંગમાં ઉતાર્યા હતા અને શાનદાર 53 રન ફટકારી ગયા પણ ભારતનો એ મૅચમાં પાંચ વિકેટથી પરાજય થયો હતો.

જ્યારે રાજકોટમાં ચાલુ મૅચ રદ કરવાની ફરજ પડી

ઇમેજ સ્રોત, TIMOTHY A. CLARY
2002ના ગાંધીનગર ખાતેના અક્ષરધામ હુમલા બાદ ગુજરાતમાં ખાસ સાવચેતી દાખવવામાં આવતી હતી.
એવામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. તેના ક્રિકેટ બોર્ડની સુરક્ષાસમિતિની સૂચના છતાં ટીમ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા એમ ત્રણેય મુખ્ય શહેરેમાં વન-ડે રમી હતી.
જેમાંની ત્રીજી મૅચ રાજકોટમાં હતી. આ મૅચમાં સાવ સામાન્ય એવી એક ઘટના બની અને મૅચ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
ક્રિસ ગેઇલ, રામનરેશ સરવન અને શિવનારાયણ ચંદ્રપોલ જેવા બૅટ્સમૅનની અડધી સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝે 300 રનનો માતબર સ્કોર કરી દીધો હતો અને તેઓ મૅચ જીતી જાય તેમ હતા.
જોકે સામાપક્ષે વીરેન્દ્ર સેહવાગ રમવાના હતા. સૌરવ ગાંગુલી કૅપ્ટન હતા. તેમણે સેહવાગ સાથે ઇનિંગનો પ્રારંભ કર્યો અને 25 ઓવર થાય ત્યાં સુધીમાં ટીમનો સ્કોર 196 સુધી પહોંચાડી દીધો. જેમાં સેહવાગના 82 બોલમાં 114 રન હતા.
અહીં સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ આ તબક્કે સ્ટેડિયમના પશ્ચિમ છેડા તરફથી કોઈ પ્રેક્ષકે ફિલ્ડિંગ કરી રહેલા કૅરેબિયન ક્રિકેટર પર પાણીની ખાલી બૉટલ ફેંકી.
થોડી વારમાં મેદાન પર આવી પાંચથી છ બૉટલો જોવા મળી. બસ, સાઉથ આફ્રિકન મૅચ રેફરી માઇક પ્રૉક્ટરે આ બાબતની ગંભીર નોંધ લીધી અને મૅચ અટકાવી દીધી.
અચરજની વાત તો એ હતી કે તેમણે મામલો શાંત પાડી રહેલા પોલીસ કર્મચારીઓની પણ રાહ જોઈ નહીં અને મૅચ પડતી મૂકવાની જાહેરાત કરી દીધી.
એ વખતે ડકવર્થ ઍન્ડ લૂઇસ સિસ્ટમની ગણતરી પ્રમાણે ભારત આગળ હતું. ભારતને આ તબક્કા સુધીમાં 119 રન કરવાના હતા અને તેણે 200 રન કર્યા હતા.
તેથી ભારતને 81 રનથી વિજેતા જાહેર કરી દેવાયું. પણ, ભારતના આ વિજય છતાં અફસોસ એ વાતનો રહી ગયો કે સામાન્ય રીતે શાંત મનાતી રાજકોટની પ્રજાના માથે હંમેશાં માટે કાળી ટીલી લાગી ગઈ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













