રણજી: પ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટર રણજિતસિંહજીની કહાણી

જે રીતે ફિલ્મોમાં કહેવાય છે કે દિલીપકુમાર અને રાજ કપૂરનું આગમન થયું અને હિન્દુસ્તાન એક્ટિંગ કરતા શીખ્યું, દેવ આનંદ અને સાધનાએ હેરસ્ટાઇલ બદલી નાખી, સાયગલ કે મોહમ્મદ રફીના આગમન બાદ સંગીતની સમજ કેળવાઈ અને લતા મંગેશકર તો ગાયનનો પર્યાય બની ગયા, આવી જ રીતે કુમારશ્રી રણજિતસિંહજીએ ભારતને ક્રિકેટની ઓળખ કરાવી.

જામનગરના (તત્કાલીન નવાનગર) જામસાહેબ કુમારશ્રી રણજિતસિંહજી

ઇમેજ સ્રોત, Darshan Thakkar/Jamnagar

ઇમેજ કૅપ્શન, જામનગરના (તત્કાલીન નવાનગર) જામસાહેબ કુમારશ્રી રણજિતસિંહજી

રણજિતસિંહજીના નામ પરથી રણજી ટ્રૉફી નામ પડ્યું છે. જેને આજે સમગ્ર દેશ ઓળખે છે.

આમ તો આ રમત અંગ્રેજોની અને તેઓ 17મી કે 18મી સદીમાં ભારતમાં આ રમત લાવ્યા, 1880ની આસપાસ મહેલાશા પાવરીની પારસી ઇલેવન પહેલી વાર ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ હતી અને ત્યાં થોડી મૅચો રમી હતી જેને ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો પ્રારંભ મનાય છે અને ત્યાર બાદ ઑગસ્ટ 1892માં ભારતીય ધરતી પર સત્તાવાર ક્રિકેટની શરૂઆત થઈ.

તેના થોડા સમય બાદ જામનગરના (તત્કાલીન નવાનગર) જામસાહેબ એટલે કે કુમારશ્રી રણજિતસિંહજી કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા. 1891માં ઇંગ્લેન્ડ જઈને તેમણે અભ્યાસ શરૂ કર્યો ત્યાં સુધી તો તેમણે કોઈ વ્યવસ્થિત ક્રિકેટ કોચિંગ લીધું જ ન હતું પરંતુ બૅટિંગમાં તેઓ એકદમ નૈસર્ગિક હતા. તેમના લેગ ગ્લાન્સ અને લેટ કટનો કોઈ જવાબ ન હતો. રણજિતસિંહજી આખું નામ બોલવાને બદલે અંગ્રેજોએ માત્ર રણજી કરી નાખ્યું.

આધુનિક ક્રિકેટના ઘણા નિષ્ણાતો સચીન તેંડુલકર વિશે કહે છે કે સચીન વૉકિંગ સ્ટિકથી પણ લેગ ગ્લાન્સ કરી શકે છે, બસ, આ જ વાત મહાન અંગ્રેજ ક્રિકેટર સી. બી. ફ્રાય રણજી વિશે કહી હતી. ફ્રાય અને રણજી આજીવન પરમ મિત્ર હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ક્રિકેટના ભીષ્મ પિતામહ ડૉ. ડબ્લ્યુ. જી. ગ્રેસ પણ રણજીની બૅટિંગના પ્રશંસક હતા. એ જમાનો ઢગલાબંધ રન ફટકારવાનો ન હતો પરંતુ કલાનો હતો.

એ ખરેખર જેન્ટલમૅનની ગેઇમ હતી અને ક્રિકેટ એ જેન્ટલમૅનની ગેઇમ છે તેનો પ્રારંભકાળ 1880 અને 1890નો દાયકો હતો જ્યારે ગ્રેસ, સી. બી. ફ્રાય, રણજી, ફ્રેડરિક સ્પોફોર્થ જેવા ક્રિકેટર રમતા હતા.

રણજીની રમત કેટલી કલાત્મક હતી તેનો એકમાત્ર પુરાવો તેમની નિવૃત્તિ બાદ સર નેવિલ કાર્ડ્સે આપી દીધો હતો. કાર્ડસે એટલું જ લખ્યું હતું કે ક્રિકેટમાંથી કલા અને અદ્ભુત સ્ટ્રોકે પણ રણજીની નિવૃત્તિની સાથે સદા માટે વિદાય લઈ લીધી છે.

1872ના સપ્ટેમ્બરમાં જામનગર નજીક સરોદર ખાતે જન્મેલા રણજિતસિંહજીને તત્કાલીન જામ સાહેબ વિભાજીએ દત્તક લીધા અને તેમનું નસીબ પલટાઈ ગયું. તેમને જામ વિભાજીએ વધુ અભ્યાસ માટે બ્રિટન મોકલ્યા.

રણજિતસિંહજીને વિરાસતમાં તો રાજપાટ મળ્યું હતું ક્રિકેટ નહીં પરંતુ તેમણે કરોડો ભારતવાસીઓને આડકતરી રીતે આ રમત આપી દીધી છે. 1896માં રણજિતસિંહજી પહેલી વાર ઇંગ્લૅન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા.

અંતે 1893માં કેમ્બ્રિજમાંથી રમવાની શરૂઆત કર્યા બાદ પણ પ્રારંભિક કાળમાં તેમનું પરફોર્મન્સ એવું ન હતું કે તેમને ટેસ્ટ ટીમમાં સામેલ કરી શકાય.

ઇમેજ સ્રોત, Darshan Thakkar/Jamnagar

જામનગરમાં અત્યારે જે ક્રિકેટ મેદાન છે તે લાલ બંગલા કે ક્રિકેટ બંગલો રણજીની દેન છે. આ એ જ મેદાન છે જ્યાંથી રમીને વિનુ માંકડે કે સલીમ દુરાનીથી માંડીને રવીન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટર તૈયાર થયા હતા.

કૅમ્બ્રિજની ટીમમાં પણ તેમને સીધે સીધી રમવાની તક મળી ન હતી. કૅમ્બ્રિજના સુકાની જેક્સને પાછળથી કબૂલ્યું હતું કે રણજિતસિંહજી ભારતીય હોવાને કારણે ટીમમાં સ્થાન અપાયું ન હતું. આ બાબત તેમને ક્રિકેટની સમગ્ર કારકિર્દી દરમિયાન સતાવતી રહી હતી.

અંતે 1893માં કૅમ્બ્રિજમાંથી રમવાની શરૂઆત કર્યા બાદ પણ પ્રારંભિક કાળમાં તેમનું પરફૉર્મન્સ એવું ન હતું કે તેમને ટેસ્ટ ટીમમાં સામેલ કરી શકાય.

આજના જેવાં ધોરણો અમલમાં હોય તો કદાચ તેમને ક્યારેય ટેસ્ટ રમવાની તક મળી ન હોત કેમ કે પ્રથમ 42 ઇનિંગ્સમાં તેમણે એકેય સદી નોંધાવી ન હતી અને સર્વોચ્ચ સ્કોર 94 હતો જે તેમણે 1894ની 25મી જૂને એમસીસી માટે રમતા પોતાની જ ભૂતપૂર્વ ટીમ કૅમ્બ્રિજ સામે લોર્ડ્ઝ ખાતે નોંધાવ્યા હતા.

આ 25મી જૂન ભારત માટે ઘણી સૂચક છે કેમ કે 1932ની 25મી જૂને ભારત તેની પ્રથમ ટેસ્ટ એ જ લોર્ડ્ઝ ખાતે રમ્યું હતું તો 1983ની આ જ તારીખે લોર્ડઝ ખાતે કપિલદેવની ટીમ વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો.

માર્ચ 1907માં રણજી મહારાજા જામ સાહેબ ઓફ નવાનગર બની ગયા.

ઇમેજ સ્રોત, Darshan Thakkar/Jamnagar

ઇમેજ કૅપ્શન, રણજિતસિંહજીની વાત કરીએ તો 1895માં સસેક્સ માટે રમવાની શરૂઆત કર્યા બાદ તેમની કારકિર્દીએ નવો વળાંક લીધો હતો

રણજિતસિંહજીએ 1895માં સસેક્સ માટે રમવાની શરૂઆત કરી એ પછી તેમની કારકિર્દીએ નવો વળાંક લીધો હતો. મેદાન એ જ લોર્ડ્ઝનું અને આ વખતે ટીમ પણ એ જ કૅમ્બ્રિજની પણ રણજીનો સ્કોર હતો 150 મિનિટમાં 150 રન.

અહીંથી એ લેગ ગ્લાન્સ, લેટ કટ કે કવર ડ્રાઇવ થકી ઇંગ્લૅન્ડના પસંદગીકારોની નજરમાં વસી ગયા અને 1896માં તેમને ટેસ્ટ પ્રવેશ મળ્યો. જોકે એ અગાઉ તેમણે ગ્રેસની ગ્લોસ્ટરશાયરની ટીમ સામે બે આક્રમક સદી ફટકારી દીધી હતી.

માન્ચેસ્ટરમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના પ્રથમ દાવમાં 62 રન ફટકાર્યા બાદ બીજા દાવમાં વીજળીની ઝડપે 23 બાઉન્ડ્રી સાથે 154 રન ફટકારીને રણજી છવાઈ ગયા. આ એ સમયગાળો હતો જ્યારે રણજી દરેક સિઝનમાં એમ સળંગ દસ સિઝન સુધી એક એક હજાર રન નોંધાવતા રહ્યા હતા.

1899 અને 1900 એમ સળંગ બે સિઝનમાં તેમણે 3000 કરતાં વધારે રન ફટકાર્યા હતા તો 1897-98માં તેમના પ્રથમ અને એકમાત્ર ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં રણજિતસિંહજીએ 60.89ની ઍવરેજથી 1157 રન નોંધાવ્યા હતા.

સસેક્સની ટીમ અને કાઉન્ટીમાં રણજિતસિંહજી નામ અત્યંત લોકપ્રિય હતું. તેમણે પાંચ વર્ષ સુધી સસેક્સની આગેવાની લીધી હતી પરંતુ 1904માં જામનગરમાં તેમની જવાબદારીઓ વધી રહી હતી ત્યારે તેમણે રાજ કારભાર સંભાળવા માટે ઇંગ્લૅન્ડ છોડ્યું.

રણજી મહાન ક્રિકેટર હતા. ભારતે પેદા કરેલા ક્રિકેટરમાં રણજી સૌપ્રથમ ટેસ્ટ ક્રિકેટર હતા પરંતુ તેઓ કયારેય ભારતમાં રમ્યા ન હતા.

ઇમેજ સ્રોત, Darshan Thakkar/Jamnagar

ઇમેજ કૅપ્શન, રણજિતસિંહજી મહાન ક્રિકેટર હતા, ભારતે પેદા કરેલા ક્રિકેટરમાં રણજી સૌપ્રથમ ટેસ્ટ ક્રિકેટર હતા પરંતુ તેઓ કયારેય ભારતમાં રમ્યા ન હતા

જોકે 1908 અને 1912માં તેઓ કાઉન્ટીમાં રમવા પરત ગયા હતા અને દર વખતે ઓછામાં ઓછા એક હજાર રન તો જરૂર નોંધાવ્યા હતા પરંતુ વધતી ઉંમર (એ વખતે 48 વર્ષ) અને વજને તેમનામાં એ છટા રહી ન હતી જેને જોવા પ્રેક્ષકો ઊમટી પડતા હતા.

આ દરમિયાન જામનગરમાં શિકાર કરવા ગયા ત્યારે અકસ્માતમાં તેમણે એક આંખ ગુમાવી દીધી હતી. તેમના જ મિત્રથી ભૂલથી ગોળી વાગી જતાં આમ બન્યું હતું પરંતુ રણજિતસિંહજીએ ગોળી મારનારા મિત્રનું નામ જાહેર કર્યું ન હતું. કાઉન્ટીનીઅંતિમ સિઝનમાં તેઓ માંડ 9.75ની ઍવરેજથી 39 રન કરી શક્યા હતા.

માર્ચ 1907માં રણજી મહારાજા જામ સાહેબ ઑફ નવાનગર બની ગયા.

તેમણે પોતાના ભત્રીજા દુલીપસિંહજીને પણ ઇંગ્લૅન્ડ મોકલ્યા અને તેઓ પણ ઇંગ્લૅન્ડ માટે ટેસ્ટ રમ્યા. 1933ની બીજી એપ્રિલે જામનગરમાં રણજિતસિંહજીનું 60 વર્ષની વયે અવસાન થયું હતું.

line

રણજિતસિંહજી પર ગાંધીજી માટેની ભલામણ આવી હતી

કુમારશ્રી રણજિતસિંહ એટલે કે રણજીએ જ ભારતને ક્રિકેટની ઓળખ કરાવી હતી

ઇમેજ સ્રોત, Darshan Thakkar/Jamnagar

ઇમેજ કૅપ્શન, 1888માં મોહનદાસ કરમચંદ ગાંધી બ્રિટનમાં અભ્યાસ માટે ગયા ત્યારે દેશમાંથી તેમના માટે ભલામણ કરતા ચાર પત્ર સાથે લઈ ગયા હતા જેમાંનો એક પત્ર રણજિતસિંહજી પરનો હતો

1888માં મોહનદાસ કરમચંદ ગાંધી બ્રિટનમાં અભ્યાસ માટે ગયા ત્યારે દેશમાંથી તેમના માટે ભલામણ કરતા ચાર પત્ર સાથે લઈ ગયા હતા જેમાંનો એક પત્ર રણજિતસિંહજી પરનો હતો. એ વાત અલગ છે કે ગાંધીજીને આ પત્રનો ઉપયોગ કરવાની જરૂર પડી ન હતી પરંતુ ગાંધીજી અને રણજિતસિંહજી વચ્ચે એક સામ્યતા એ હતી કે બંને રાજકોટની રાજકુમાર કૉલેજના વિદ્યાર્થી હતા.

line

ભારત નહીં ઇંગ્લૅન્ડની પસંદગી

રણજીનું એટલું યોગદાન ખરું કે તેમણે ભારતના સૌપ્રથમ કેપ્ટન કર્નલ સી. કે. નાયડુને પ્રોત્સાહન આપ્યું હતું

ઇમેજ સ્રોત, Darshan Thakkar/Jamnagar

ઇમેજ કૅપ્શન, રણજિતસિંહજીનું એટલું યોગદાન ખરું કે તેમણે ભારતના સૌપ્રથમ કૅપ્ટન કર્નલ સી. કે. નાયડુને પ્રોત્સાહન આપ્યું હતું

રણજિતસિંહજી મહાન ક્રિકેટર હતા. ભારતે પેદા કરેલા ક્રિકેટરમાં રણજી સૌપ્રથમ ટેસ્ટ ક્રિકેટર હતા પરંતુ તેઓ કયારેય ભારતમાં રમ્યા ન હતા.

જામનગરમાં આજે ક્રિકેટ બંગલો છે તે રણજીએ બંધાવેલો અને આ મેદાન પર વિનુ માંકડ, અમરસિંહ અને તેમના ભાઈ રામજી, સલીમ દુરાની અને રવીન્દ્ર જાડેજા રમી ચૂક્યા છે અથવા તો તેમણે ત્યાંથી તેમના ક્રિકેટ જીવનનો પ્રારંભ કર્યો છે.

રણજિતસિંહજીએ પોતાના ભત્રીજા દુલીપસિંહને પણ ભારતને બદલે ઇંગ્લૅન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની પ્રેરણા આપી હતી. જો તેમણે ધાર્યું હોત તો દુલીપ ભારત માટે રમી શક્યા હોત કેમ કે ભારતે 1932માં ટેસ્ટ રમવાનું શરૂ કર્યું ત્યારે દુલીપ હજી ટેસ્ટ રમતા હતા.

રણજિતસિહે ભારતના સૌપ્રથમ કૅપ્ટન કર્નલ સી. કે. નાયડુને પ્રોત્સાહન આપ્યું હતું અને ભારત પણ ક્રિકેટ રમી શકે છે અને ઇંગ્લૅન્ડની સ્પર્ધા કરી શકે છે તેવો આત્મવિશ્વાસ બંધાવ્યો હતો.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો