Ranji Trophy: રણજી ટ્રૉફીનો પ્રારંભ કેવી રીતે થયો? કોણ-કોણ રમે છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

1933-34ની આસપાસ ભારતીય ક્રિકેટ બોર્ડની એક બેઠક શિમલા ખાતે મળી હતી. એ સમયે ભારત ટેસ્ટ ક્રિકેટમાં તો રમતું હતું, પરંતુ ભારતીય ટીમની પસંદગી કરવા માટે કોઈ એક ચોક્કસ માળખું ધરાવતી નેશનલ ટુર્નામેન્ટ રમાતી ન હતી.

બીસીસીઆઈ

ઇમેજ સ્રોત, SOPA Images

પેન્ટાગ્યુલર અને ક્વોન્ડ્રાગ્યુલર જેવી ટુર્નામેન્ટ હતી, જેમાં માત્ર જ્ઞાતિવાદ દેખાતો હતો, જેમ કે હિન્દુ, મુસ્લિમ, પારસી અને યુરોપિયન્સની વિવિધ ટીમો ભાગ લેતી હતી.

એ બેઠકમાં નિર્ણય લેવાયો કે ભારતની કોઈ એક નેશનલ ટુર્નામેન્ટ હોવી જોઈએ. એ અરસામાં જ મહાન ક્રિકેટર કુમારશ્રી રણજિતસિંહજીનું નિધન થયું હતું જેઓ ભારતના સૌ પ્રથમ ટેસ્ટ ક્રિકેટર હતા. જોકે, આ બ્રિટિશ તાબા હેઠળના ભારતની વાત છે અને તેઓ ઇંગ્લૅન્ડ માટે 1896માં ટેસ્ટ રમ્યા હતા. આમ તેમની સ્મૃતિમાં રણજી ટ્રૉફી ટુર્નામેન્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

બેઠકમાં ઉપસ્થિત પટિયાલાના મહારાજાએ આ માટે ટ્રૉફી સ્પૉન્સર કરી. એ જમાનામાં તૈયાર કરાયેલી રણજી ટ્રૉફીની કિંમત 500 ડૉલર હતી. આમ રણજી ટ્રૉફી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ.

line

રણજી ટ્રૉફીની એ પ્રથમ મૅચ જે એક જ દિવસ પૂરી થઈ ગઈ

બીસીસીઆઈ લોગો

ઇમેજ સ્રોત, Mint

ઇમેજ કૅપ્શન, મૅચ ત્રણ દિવસની હતી પરંતુ ચોથી નવેમ્બરે પહેલા જ દિવસે પૂરી થઈ ગઈ હતી જેમાં મદ્રાસનો એક ઇનિંગ્સ અને 23 રનથી વિજય થયો હતો.

1934ના નવેમ્બરમાં મદ્રાસ અને મૈસૂર (હાલમાં તામિલનાડુ અને કર્ણાટકના નામથી આ ટીમો રમે છે) વચ્ચેની મૅચ સાથે રણજી ટ્રૉફીનો પ્રારંભ થયો હતો.

મૅચ ત્રણ દિવસની હતી પરંતુ ચોથી નવેમ્બરે પહેલા જ દિવસે પૂરી થઈ ગઈ હતી જેમાં મદ્રાસનો એક ઇનિંગ્સ અને 23 રનથી વિજય થયો હતો.

એ જમાનામાં પ્રચાર-પ્રસારના માધ્યમોમાં ફક્ત અખબાર જ હતા. બેંગલોરના કેટલાક ક્રિકેટરસિયાઓ મૅચનો સ્કોર જાણવા વહેલી સવારે રેલવે સ્ટેશને અખબાર લેવા પહોંચી ગયા હતા પરંતુ જે ટ્રેનમાં અખબાર આવતા હતા તે જ ટ્રેનમાંથી ટીમના ખેલાડીઓને ઉતર્યાં હતા. ક્રિકેટરસિયાઓને નવાઈ લાગી હતી અને ટીમ પાસેથી જ તેમને જાણવા મળ્યું હતું કે મૅચ એક જ દિવસમાં પતી ગઈ અને ટીમ હારી ગઈ. આમ બેંગલોરના ક્રિકેટપ્રેમીઓને ટીમ પાસેથી જ મૅચનો ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ મળી ગયો કહેવાય.

રણજી ટ્રૉફીની ટીમો

ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે સંલગ્ન તમામ ઍસોસિયેશન રણજી ટ્રૉફીમાં ભાગ લે છે. પ્રારંભિક કાળમાં ઍસોસિયેશન રાજ્ય મુજબ બનતા ન હોવાને કારણે એક જ રાજ્યની વિવિધ ટીમો ભાગ લેતી આવી છે. જેમ કે ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર, બરોડા અને ગુજરાત એમ ત્રણ ઍસોસિયેશન હોવાને કારણે એક જ રાજ્યની ત્રણ ટીમ રમે છે તો મહારાષ્ટ્રની ટીમ હોવા ઉપરાંત મુંબઈની ટીમ પણ અલગ રીતે રમે છે. આવી જ રીતે આંધ્ર પ્રદેશ રાજ્યમાંથી હૈદરાબાદની ટીમ અલગ રમે છે.

line

રણજી ટ્રૉફીનું ફૉર્મેટ કેવું હોય છે?

2008માં ગુજરાત ટીમે રણજી ટ્રોફી જીતી હતી

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, 2008માં ગુજરાત ટીમે રણજી ટ્રોફી જીતી હતી

રણજી ટ્રૉફીમાં અવારનવાર ફૉર્મેટ બદલાતા રહ્યા છે. પ્રારંભિક કાળમાં નૉકઆઉટ સિસ્ટમ રહેતી હતી. જેમાં ટીમ હારી જાય એટલે બાકાત થઈ જતી. આમ ઘણી વાર ટીમ એક મૅચ રમે ત્યાર બાદ તેને બીજી રણજી ટ્રૉફી મૅચ રમવા માટે નવી સિઝનની રાહ જોવી પડતી હતી જ્યારે જીતનારી ટીમ બીજા રાઉન્ડમાં આગળ જતી હતી.

1958-59 સુધી આ ફૉર્મેટ હતું એ બાદ દેશની આ પ્રમુખ ટુર્નામેન્ટને લીગ કમ નૉકઆઉટ ધોરણે રમાડવામાં આવે છે. આ લીગ-નૉકઆઉટનું ફૉર્મેટ આજ સુધી બદલાયું નથી. જોકે તેમાં પૉઇન્ટ સિસ્ટમમાં અનેક વાર ફેરફાર જોવા મળ્યો છે.

મૅચ જીતનારી ટીમને છ પૉઇન્ટ અને ડ્રૉ રહે તો પ્રથમ દાવની સરસાઈને આધારે એક ટીમને ત્રણ અને બીજી ટીમને એક પૉઇન્ટ ફાળવાય છે.

આ સામાન્ય સિસ્ટમ છે પરંતુ 1990ના દાયકામાં ટુર્નામેન્ટને રસપ્રદ બનાવવા માટે અમુક નોંધપાત્ર ફેરફાર કરવામાં હતા. એ વખતે ટીમ પહેલી 90 ઓવરમાં જેટલા રન કરે તે મુજબ તેને પૉઇન્ટ અપાતા હતા. જેમ કે 200થી ઓછા રન હોય તો એક પૉઇન્ટ, 200થી 250 રન માટે બે પૉઇન્ટ, 250થી 300 માટે ત્રણ પૉઇન્ટ એ રીતે વહેંચણી થતી હતી.

બીજા દાવમાં પ્રથમ 40 કે 45 ઓવરના પ્રદર્શન મુજબ પૉઇન્ટ વહેંચાતા હતા. આવી જ રીતે બૉલિંગ કરનારી ટીમ 90 ઓવરમાં કેટલી વિકેટ ખેરવે છે તે મુજબ તેને પૉઇન્ટ અપાતા હતા.

ત્યાર બાદ ઝોનલ ટીમને બદલે એલાઇટ અને પ્લેટ ગ્રૂપ મુજબ ટીમો સામસામે રમતી હતી જેને કારણે મૅચોની સંખ્યામાં પણ વધારો થયો અને જે તે ખેલાડીને મહત્તમ મૅચ પ્રેક્ટિસ મળી રહેતી હતી.

આ સિસ્ટમ મહદઅંશે ચાલુ રહી છે પણ રણજી ટ્રૉફીની 2021-22ની સિઝનમાં કોરોનાને કારણે સમય બચાવવા થોડા ફેરફાર કરાયા છે જે મુજબ ચાર-ચાર ટીમના ગ્રૂપ પાડી દેવાયા છે. આમ એક ટીમને ગ્રૂપમાં ત્રણ જ મૅચ રમવા મળે છે. જો નૉકઆઉટમાં પ્રવેશે અને ફાઇનલ સુધી પહોંચે તો તેની મૅચની સંખ્યા વધીને છ થઈ શકે.

line

રણજી ટ્રૉફી ટીમોની સંખ્યા કેવી રીતે વધી?

ઝોનલ ટીમને બદલે એલાઇટ અને પ્લેટ ગ્રૂપ મુજબ ટીમો સામસામે રમતી હતી જેને કારણે મૅચોની સંખ્યામાં પણ વધારો થયો અને જે તે ખેલાડીને મહત્તમ મૅચ પ્રેક્ટિસ મળી રહેતી હતી.

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, ઝોનલ ટીમને બદલે એલાઇટ અને પ્લેટ ગ્રૂપ મુજબ ટીમો સામસામે રમતી હતી જેને કારણે મૅચોની સંખ્યામાં પણ વધારો થયો અને જે તે ખેલાડીને મહત્તમ મૅચ પ્રેક્ટિસ મળી રહેતી હતી.

થોડા વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટની સમિતિની ભલામણ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે દેશના તમામ ક્ષેત્રને ટીમને રણજી ટ્રૉફીમાં આવરી લેવાનો નિર્ણય લીધો હતો જે અનુસાર ઉત્તર-પૂર્વની કેટલીક ટીમોને પહેલી વાર રણજી ટ્રૉફીમાં સામેલ કરાઈ હતી.

આ ટીમોમાં મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢનો સમાવેશ થાય છે. આમ હવેથી 38 ટીમ વચ્ચે રણજી ટ્રૉફી ટુર્નામેન્ટ રમાય છે.

રણજી ટ્રૉફીમાં મુંબઈની ટીમનું વર્ચસ્વ

રણજી ટ્રૉફીમાં મુંબઈ ટીમનું હંમેશાં વર્ચસ્વ રહ્યું છે. અત્યાર સુધીમાં મુંબઈની ટીમ 41 વખત રણજી ટ્રૉફી જીતી છે તો મુંબઈએ 46 વખત રણજી ટ્રૉફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આનો અર્થ એ કે મુંબઈની ટીમ ફાઇનલમાં ભાગ્યે જ હારે છે. દિલ્હી અને કર્ણાટકની ટીમો ત્યાર પછીના ક્રમે આવે છે.

મુંબઈની ટીમ 520 રણજી મૅચ રમી છે જેમાં 245 મૅચમાં તેનો વિજય થયો છે તો માત્ર 31 મૅચમાં જ તેનો પરાજય થયો છે. 244 મૅચ ડ્રૉ રહી છે.

line

ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રૉફીમાં ક્યારે જીતી હતી?

2007માં મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી મૅચ

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, 2007માં મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી મૅચ

રણજી ટ્રૉફીના પ્રારંભિક કાળથી લગભગ 70 વર્ષ સુધી ગુજરાત કે સૌરાષ્ટ્રની ટીમની ખાસ ગણતરી થતી ન હતી પરંતુ ક્રિકેટનો વ્યાપ વધવાની સાથે સાથે આ બંને ટીમે પણ સારું એવું કાઠું કાઢ્યું છે.

જે રીતે ઇન્ટરનેશનલ સ્તરે ગુજરાતી ક્રિકેટરોની સંખ્યા વધવા લાગી તેની સાથે સાથે રણજી ટ્રૉફીમાં પણ આ બંને ટીમના દેખાવમાં સુધારો થવા લાગ્યો છે.

પાર્થિવ પટેલના આગમન બાદ ગુજરાતની ટીમે ભારતની ત્રણેય ફૉર્મેટની ક્રિકેટ ટુર્નામેન્ટો જીતવાની શરૂઆત કરી દીધી હતી. જેમ કે વન-ડેમાં વિજય હઝારે ટ્રૉફી, ટી-20માં મુસ્તાક અલી ટ્રૉફી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રણજી ટ્રૉફી.

2016-17ની સિઝનમાં પાર્થિવ પટેલની આગેવાની હેઠળ ગુજરાતની ટીમે રણજી ટ્રૉફીમાં સૌથી વધુ વખત ચૅમ્પિયન બનનાર મુંબઈને ફાઇનલમાં પાંચ વિકેટે હરાવીને ઐતિહાસિક રીતે ટાઇટલ જીત્યું હતું. 2019-20ની સિઝનમાં સૌરાષ્ટ્રની ટીમે જયદેવ ઉનડકટની આગેવાનીમાં બંગાળને હરાવીને ટાઇટલ જીત્યું હતું. જયદેવ ઉનડકટે તો એ સિઝનમાં 67 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો.

રણજી ટ્રૉફીમાં ગુજરાત રાજ્યની ત્રીજી ટીમ બરોડાની છે જે ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતાં હંમેશાં ચડિયાતી પુરવાર થઈ છે કેમ કે પ્રારંભિક કાળથી જ તેની પાસે ઉચ્ચ કક્ષાના ટેસ્ટ ક્રિકેટર રહ્યા છે.

બરોડાએ નવ વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જેમાંથી પાંચ વખત તે રણજી ચૅમ્પિયન પણ બન્યું છે. છેલ્લે 2001ના એપ્રિલમાં રેલવેને હરાવીને બરોડાએ ટાઇટલ જીત્યું હતું.

જ્યારે 2011માં તે છેલ્લી વાર ફાઇનલમાં પ્રવેશ્યું હતું જયાં રાજસ્થાન સામે પ્રથમ દાવની સરસાઈને કારણે તેણે ટાઇટલ ગુમાવવું પડ્યું હતું.

રણજી ટ્રૉફીના કેટલાક રેકોર્ડ

રણજી ટ્રૉફીમાં સર્વોચ્ચ સ્કોર

  • 6/944 હૈદરાબાદ વિ. આંધ્ર, સિકંદરાબાદ ખાતે, 1993-94
  • 8/912 હોલકર વિ. મૈસૂર, ઇન્દોર ખાતે, 1945-46
  • 6/912 તામિલનાડુ વિ. ગોવા, પણજી ખાતે, 1988-89

રણજી ટ્રૉફીમાં ન્યૂનતમ સ્કોર

  • 21 રન હૈદરાબાદ વિ. રાજસ્થાન, જયપુર ખાતે, 2010-11
  • 22 રન સધર્ન પંજાબ વિ. નોર્ધન પંજાબ, અમૃતસર ખાતે, 1934-35

રણજી ટ્રૉફીમાં ઇનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોર

  • 443* બીબી નિમ્બાલકર, મહારાષ્ટ્ર વિ. કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર), પુણે ખાતે, 1948-49
  • 377 સંજય માંજરેકર, મુંબઈ વિ. હૈદરાબાદ, મુંબઈ ખાતે, 1990-91
  • 366 એમવી શ્રીધર, હૈદરાબાદ વિ. આંધ્ર પ્રદેશ, સિકંદરાબાદ ખાતે, 1993-94

રણજી ટ્રૉફીમાં મૅચમાં સૌથી વધુ સ્કોર

  • 443* બીબી નિમ્બાલકર, મહારાષ્ટ્ર વિ. કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર), પુણે ખાતે, 1948-49
  • 389 (37+352) ચેતેશ્વર પૂજારા, સૌરાષ્ટ્ર વિ. કર્ણાટક, રાજકોટ ખાતે, 2012-13

રણજી ટ્રૉફીની સિઝનમાં સૌથી વધુ રન

  • 1415 રન, વીવીએસ લક્ષ્મણ, 9 મૅચ, 14 ઇનિંગ્સ, 8 સદી
  • 1340 રન, રાહુલ દલાલ, 9 મૅચ, 17 ઇનિંગ્સ, 4 સદી
  • 1331 રન, મિલિન્દ કુમાર, 8 મૅચ, 14 ઇનિંગ્સ, 6 સદી

રણજી ટ્રૉફીની કારકિર્દીમાં સૌથી વધુ રન

  • 12038 રન, વસિમ જાફર, 156 મૅચ, 238 ઇનિંગ્સ, 314* સર્વોચ્ચ, 40 સદી, 49 અડધી સદી
  • 9202 રન, અમોલ મજૂમદાર, 136 મૅચ, 200 ઇનિંગ્સ, 260 સર્વોચ્ચ, 28 સદી, 45 અડધી સદી
  • 9201 રન, દેવેન્દ્ર બુંદેલા, 145 મૅચ, 232 ઇનિંગ્સ, 188 સર્વોચ્ચ, 41.56 સરેરાશ, 24 સદી, 50 અડધી સદી

રણજી ટ્રૉફીની ઇનિંગ્સમાં શ્રેષ્ઠ બૉલિંગ

  • 20 રનમાં 10 વિકેટ, પ્રદીપ ચેટરજી, બંગાળ વિ. આસામ, જોરહટ ખાતે, 1956-57
  • 78 રનમાં 10 વિકેટ, પ્રદીપ સુંદરમ, રાજસ્થાન વિ. વિદર્ભ, જોધપુર ખાતે, 1985-86

રણજી ટ્રૉફી મૅચમાં શ્રેષ્ઠ બૉલિંગ

  • 99 રનમાં 16 વિકેટ, અનિલ કુંબલે, કર્ણાટક વિ. કેરળ, થાલાસેરી ખાતે, 1994-95
  • 154 રનમાં 16 વિકેટ, પ્રદીપ સુંદરમ, રાજસ્થાન વિ. વિદર્ભ, જોધપુર ખાતે, 1985-86
  • 154 રનમાં 16 વિકેટ, જલજ સક્સેના, મધ્ય પ્રદેશ વિ. રેલવે, ગ્વાલિયર ખાતે, 2015-16

રણજી ટ્રૉફીની સિઝનમાં સૌથી વધુ વિકેટ

  • 68 વિકેટ, આશુતોષ અમન, 8 મૅચ, સરેરાશ 6.48, શ્રેષ્ઠ 8-51, પાંચ વિકેટ નવ વખત
  • 67 વિકેટ, જયદેવ ઉનડકટ, 10 મૅચ, સરેરાશ 13.23, શ્રેષ્ઠ 7-56, પાંચ વિકેટ સાત વખત

રણજી ટ્રૉફીની કારકિર્દીમાં સૌથી વધુ વિકેટ

  • 637 વિકેટ, રાજિન્દરસિંઘ ગોયેલ, 123 મૅચ, 17.28 સરેરાશ, 8-55 શ્રેષ્ઠ, પાંચ વિકેટ 53 વખત
  • 530 વિકેટ, શ્રીનિવાસ વેંકટરાઘવન, 96 મૅચ, 18.22 સરેરાશ, 7-42 શ્રેષ્ઠ, પાંચ વિકેટ 45 વખત
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો