જ્યારે વર્લ્ડ કપની મૅચમાં અમ્પાયર લોકોને સ્ટમ્પ લઈને મારવા દોડ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
25 જૂન 1983નો દિવસ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે. અંડર ડૉગ ગણાતી ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇંડિઝની ટીમને પરાજય આપીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.
કોઈ પણ ભારતીય માટે વર્લ્ડ કપની વાત આવે એટલે 2011માં ધોનીની ટીમે જિતેલો વર્લ્ડ કપ નહીં, પરંતુ 1983માં કપિલ દેવની ટીમે જિતેલો વર્લ્ડ કપ પહેલા યાદ આવે તે સ્વાભાવિક છે, કેમ કે એ સફળતા બાદ ભારતમાં ક્રિકેટની રમતમાં ધરખમ પરિવર્તન આવ્યાં હતાં.
ક્રિકેટની લોકપ્રિયતા પણ એ પછી જ વધી હતી અને ભારતમાં ટીવી પર મૅચના પ્રસારણની વાત તો આ વર્લ્ડ કપ પછી જ શરૂ થઈ હતી.
વળી, આર્થિક રીતે પણ 1983 બાદ જ ભારતીય ક્રિકેટ સમૃદ્ધ બન્યું હતું અને એ પછી તો એટલી હદે સમૃદ્ધ થઈ ગયું કે આજે વિશ્વમાં જે રીતે અમેરિકા આર્થિક સત્તા ભોગવી રહ્યું છે તે રીતે ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વમાં સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બની ગયું છે.
આમ, ભારતમાં ક્રિકેટમાં આમૂલ પરિવર્તન માટે 1983નો વર્લ્ડ કપ જવાબદાર લેખાય.

1983માં ભારતે સેમિફાઇનલમાં કેવી કમાલ કરી?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, અહીં વાત ભારતના ક્રિકેટની નહીં પણ 1983ના વર્લ્ડ કપની એક ઘટનાની કરવાની છે.
1983ની 25મી જૂને ઐતિહાસિક લૉર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારતે જાયન્ટ વેસ્ટ ઇન્ડીઝને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો અને ફાઇનલ જીતી લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના તમામ રમતપ્રેમીઓને આજેય યાદ હશે, પરંતુ તેના ત્રણ દિવસ પહેલાં 22મી જૂને માન્ચેસ્ટરમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સેમિફાઇનલ રમાઈ હતી જેમાં જીતવું ભારત માટે જરૂરી હતું.
ભારતે ચુસ્ત બૉલિંગ કરીને ઇંગ્લૅન્ડને 60 ઓવરમાં માત્ર 213 રનના સ્કોરે અટકાવી દીધું હતું.
એ જમાનામાં 213 રનનો સ્કોર સાવ સામાન્ય ન હતો અને તેમાંય ભારતે બૉબ વિલિસ, ઇયાન બૉથમ અને ડિલી જેવા બૉલરનો સામનો કરવાનો હતો.
આ ઉપરાંત ટીમમાં વિક માર્ક્સ જેવા ઑફ સ્પિનર હતા. આ તમામ બૉલરનો ઉલ્લેખ એટલા માટે કે હજી એક વર્ષ અગાઉ આ જ બૉલરો સામે ભારત ટેસ્ટ સિરીઝ હારી ગયું હતું.

એક ઓવરમાં 6 ચોગ્ગા

ઇમેજ સ્રોત, Getty Images
હવે માન્ચેસ્ટર અને સંદીપ પાટિલની વાત કરીએ. સંદીપ પાટિલે બરાબર એક વર્ષ અગાઉ આ જ મેદાન પર બૉબ વિલિસની એક ઓવરમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા.
એ ઓવરમાં એક નો બૉલ હતો. આમ સંદીપ પાટિલે સાત બૉલમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા અને 1982 સુધી તો ટેસ્ટ ક્રિકેટમાં કોઈ બૅટ્સમૅન એક ઓવરમાં છ ચોગ્ગા ફટકારી શક્યો ન હતો.
ભારત માટે સુનીલ ગાવસ્કર અને ક્રિષ્ણામાચારી શ્રીકાન્તે ઇનિંગ્ઝનો ઝડપી પ્રારંભ કર્યો.
એ જમાનામાં જેને ઝડપી કહી શકાય તેવો પ્રારંભ એટલે કે ભારતે લગભગ 20 ઓવરમાં 46 રન નોંધાવ્યા હતા.
ગાવસ્કર અને શ્રીકાન્ત બાદ મોહિન્દર અમરનાથે 46 રન ફટકાર્યા હતા. જેમાં એક સિક્સરનો સમાવેશ થતો હતો.
યશપાલ શર્માએ ફાંકડી અડધી સદી ફટકારી, પરંતુ ભારત લક્ષ્યાંકની નજીક પહોંચે ત્યાં સુધીમાં તો યશપાલ શર્મા પણ આઉટ થઈ ગયા.
આ તબક્કે જવાબદારી સંદીપ પાટિલ અને કપિલ દેવ પર આવી ગઈ હતી. સંદીપ પાટિલે એક વર્ષ અગાઉની યાદ તાજી કરતા વિલિસની બૉલિંગમાં સળંગ ચાર ચોગ્ગા ફટકારી દીધા અને ભારત વિજયની નજીક પહોંચી ગયું.

જ્યારે અમ્પાયરે સ્ટમ્પ ઉગામ્યું...

ઇમેજ સ્રોત, Getty Images
અમ્પાયર ડોન ઑસલર આ મૅચમાં અમ્પાયરિંગ કરી રહ્યા હતા. મૅચ તેના અંત ભણી આગળ ધપી રહી હતી અને કમ સે કમ ઇંગ્લૅન્ડના બહોળા ક્રિકેટ ઇતિહાસમાં જોયું ન હોય તેવી ઘટના બની હતી.
ભારતને મૅચ જીતવા માટે પાંચ રનની જરૂર હતી ત્યારે પાટિલે એક બાઉન્ડ્રી ફટકારી અને પ્રેક્ષકો એમ સમજી બેઠા કે મૅચ પૂરી થઈ ગઈ છે.
માન્ચેસ્ટરનું ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પ્રેક્ષકોથી ભરાઈ ગયું. આ વાત 36 વર્ષ અગાઉની છે એટલે ત્યારે એવી કોઈ સુરક્ષા ન હતી કે પ્રેક્ષકો પીચ સુધી પહોંચી શકે નહીં.
ભારતીય સમુદાયના પ્રેક્ષકોની સંખ્યા વધારે હતી અને તેઓ ભારતને સમર્થન કરતા હતા.
તેઓ ઇચ્છતા હતા કે કપિલ દેવની ટીમ ફાઇનલમાં પ્રવેશે. આ સંજોગોમાં કૅપ્ટન બૉબ વિલિસે એવી ફિલ્ડિંગ ગોઠવી કે મૅચ પૂરી થાય એટલે ખેલાડીઓ દોડીને પેવેલિયન તરફ પહોંચી જાય.
ઓલ્ડ ટ્રેફોર્ડમાં પેવેલિયન સાઉથ તરફ નહીં પરંતુ કવર તરફ છે. આમ બૉબ વિલિસે ઑફ સાઇડમાં ફિલ્ડિંગ ગોઠવી દીધી હતી. તેના તમામ ફિલ્ડર એક જ તરફ ઊભેલા હતા.
પ્રેક્ષકો મેદાન પર દોડી આવ્યા ત્યારે ખેલાડીઓ પોતાને બચાવવામાં પડ્યા હતા તો અમ્પાયર પણ તેનાથી અલિપ્ત ન હતા.
આપણે ત્યાં કહેવત છે ને કે 'જબરાની પાણશેરી ભારે'. બસ એવું જ અહીં બન્યું હતું. અમ્પાયર ડોન ઑસલરે તો સીધું સ્ટમ્પ જ ઉઠાવું લીધું અને તેઓ પોતાની નજીક આવેલા પ્રેક્ષકોને સ્ટમ્પ ઉગામીને દૂર રહેવા ચેતવણી આપતા રહ્યા હતા.
બે સુરક્ષા જવાનોએ અમ્પાયર ડોન ઑસલરને બચાવી લીધા હતા, પરંતુ તેમના હાથમાં સ્ટમ્પ તો એવી રીતે હતું કે આજે તો જે આવ્યો તે ગયો એમ લાગતું હતું.
મૅચ બાદ ડોન ઑસલરને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટતા કરી, "મેં માત્ર ડરાવવા માટે સ્ટમ્પ ઉગામ્યું હતું, પરંતુ મારો ઇરાદો કોઈને સ્ટમ્પ ફટકારવાનો ન હતો."
તેમણે કહ્યું હતું, "આવી અંધાધૂંધીની પરિસ્થિતિ મારા જીવનમાં પહેલી વાર આવી નથી. અગાઉ હું પોલીસ કૉન્સ્ટેબલ રહી ચૂક્યો છું અને મને આ પ્રકારના સંજોગોમાં કેવી રીતે વર્તવું તેની તાલીમ મળેલી છે."
1983 બાદ કદાચ ક્યારેય કોઈ અમ્પાયરને આ રીતે સ્ટમ્પ લઈને દોડવું પડ્યું હોય તેમ બન્યું નથી.

ડિકી બર્ડની ટોપી કોઈ ઉઠાવી ગયું

ઇમેજ સ્રોત, Getty Images
અમ્પાયરની જ વાત આગળ ધપાવીએ તો ઇંગ્લૅન્ડના અમ્પાયર ડિકી બર્ડ વિશ્વ પ્રસિદ્ધ હતા.
પ્રથમ ત્રણ વર્લ્ડ કપની ફાઇનલમાં તેમણે અમ્પાયરિંગ કર્યું હતું. 1987થી ન્યુટ્રલ અમ્પાયરનો નિયમ લાગુ કરાયો એ પછી તેમને આ તક સાંપડી ન હતી, કેમ કે 1987 અને 1992માં ઇંગ્લૅન્ડ ફાઇનલમાં આવ્યું હતું.
1975ના વર્લ્ડ કપની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝનો વિજય થયો એ પછી પ્રેક્ષકો મેદાન પર દોડી આવ્યા હતા અને તેમાંના કોઈ ટીખળીખોરને ડિકી બર્ડની કૅપ પસંદ આવી ગઈ હતી.
આટલા મોટા ટોળાને અંકુશમાં રાખવામાં પોલીસ નિષ્ફળ રહી હતી તો ડિકી બર્ડનું શું ગજું? તેમાંના એક પ્રેક્ષકે ડિકી બર્ડની કૅપ જ ઉઠાવી લીધી અને નાસી ગયો હતો.
ડિકી બર્ડ હંમેશાં અલગ પ્રકારની ટોપી પહેરતા હતા. અન્ય તમામ અમ્પાયર મોટી હૅટ પહેરતા હતા તો ડિકી બર્ડ પી-કૅપ ટાઇપની ટોપી પહેરતા હતા અને તે જ તેમની વિશેષતા હતી.
ચાલુ મૅચે પ્રેક્ષક મેદાન પર આવીને બીજું કાંઈ નહીંને અમ્પાયરની ટોપી જ ખેંચી જાય તેવું ભાગ્યે જ બનતું હોય છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












