યુવરાજ સિંહ : જેમની સદી બાદ જ્યારે સિક્સર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિનેશ ઉપ્રેતી
- પદ, બીબીસી સંવાદદાતા
એક ઓવરમાં સતત છ સિક્સ.... કોઈ એક વિશ્વ કપમાં 300 કરતાં વધારે રન અને 15 વિકેટ.. સિક્સર કિંગની મહોર..
કૅન્સરની ઝપેટમાં આવવું અને પછી કૅન્સરને હરાવીને ટીમ ઇન્ડિયામાં ધમાકેદાર કમબૅક... એ વાતનું અનુમાન લગાવવું મુશ્કેલ નથી કે વાત બૅટ્સમૅન અને દિગ્ગજ ઑલરાઉન્ડર યુવરાજ સિંહની થઈ રહી છે.
37 વર્ષના યુવરાજ સિંહે આજથી 17 વર્ષ પહેલાં ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી હતી અને ભારત માટે પહેલી વન ડે મૅચ રમી હતી.
40 ટેસ્ટ અને 304 વન ડે મૅચ રમી ચૂકેલા યુવરાજને 2011ના વિશ્વકપના જીતના હીરો માનવામાં આવે છે.
યુવરાજને આ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મૅન ઑફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 સદી ફટકારી ચૂકેલા યુવરાજને નાનપણમાં ક્રિકેટ જરા પણ પસંદ ન હતું અને સ્કેટિંગ તેમનો પહેલો પ્રેમ હતો.


ઇમેજ સ્રોત, Getty Images
પિતા જોગરાજ યુવીને ક્રિકેટર બનાવવા માગતા હતા અને તેઓ યુવરાજ પર ઘણી વાર ગુસ્સે પણ થયા હતા.
પોતાની આત્મકથા 'ધ ટેસ્ટ ઑફ માઈ લાઇફ'માં યુવરાજ જણાવે છે, "જ્યારે હું 11 વર્ષનો હતો, મેં અંડર 14 સ્ટેટ ટુર્નામેન્ટમાં સ્પીડ સ્કેટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એ સાંજે મારા પિતા ખૂબ જ ગુસ્સામાં હતા. તેમણે મારી પાસેથી મેડલ છીનવી લીધો અને કહ્યું કે આ છોકરીઓની રમત રમવાનું બંધ કરો અને મેડલ દૂર ફેંકી દીધો."

સિદ્ધુએ કરી દીધા હતા ફેઇલ

ઇમેજ સ્રોત, Getty Images
યુવરાજ સિંહને તેમના પિતા એક વખત પટિયાલા લઈ ગયા હતા, જ્યાં તેમણે નવજોતસિંઘ સિદ્ધુ સામે ક્રિકેટની પરીક્ષા આપવાની હતી.
આ કિસ્સાને યાદ કરતાં યુવરાજ લખે છે, "પટિયાલાની મહારાણી ક્લબમાં સિદ્ધુ મારી રમતનું મૂલ્યાંકન કરી રહ્યા હતા."
"હું મારા હિસાબે જ શૉટ રમતો હતો, મને એ પણ સમજ ન હતી કે મારું લેગ સ્ટમ્પ ક્યાં છે. 13 વર્ષની ઉંમરે હું 13 વર્ષના કિશોર જેવો હતો નહીં કે 13 વર્ષના સચીન તેંડુલકર જેવો."
સિદ્ધુ સામે આપેલી આ પરીક્ષામાં યુવરાજ સિંહ નાપાસ થયા અને તેઓ પટિયાલાથી ચંદીગઢ પરત આવી ગયા.
પિતા યુવરાજને ઑલરાઉન્ડર અને બૉલર બનાવવા માગતા હતા. યુવરાજને 1993માં બિશનસિંહ બેદીની દિલ્હી સ્થિત એકૅડેમીમાં ચાલતા સમર કૅમ્પમાં મૂકવામાં આવ્યા.
પોતાની આત્મકથામાં યુવરાજ લખે છે, "દિલ્હીની ગરમીમાં હાલત ખરાબ હતી. એ તો પાજીનું ભલું થાય કે તેઓ આગામી વર્ષે કૅમ્પને હિમાચલ પ્રદેશમાં લઈ ગયા."
"મને બિશનસિંહ બેદી પાસે ઊભરતા સ્પીડ બૉલરના રૂપમાં મોકલવામાં આવ્યો હતો. હું મારી ઉંમરના છોકરાઓની સરખામણીએ લાંબો અને મજબૂત હતો. હું સ્પીડ બૉલિંગનો પ્રયાસ કરતો હતો અને આઠમા નંબરે બૅટિંગ કરતો હતો."
યુવરાજ લખે છે, "જ્યારે બેદીએ મને બૉલિંગ કરતાં જોયો તો તેઓ જોરથી બોલ્યા- આ તું શું કરી રહ્યો છે. તેઓ પહેલી નજરે જ જાણી ગયા હતા કે સ્પીડ બૉલર બનવાનો મારો વિચાર ખોટો હતો.
તેમણે કહ્યું કે જાઓ બૅટિંગ કરો. મને નથી લાગતું કે ત્યારે તેમને જરા પણ અનુમાન હશે કે એક દિવસ હું સારો બૅટ્સમૅન બનીશ."

સિક્સ પર પ્રતિબંધ મૂક્યો

ઇમેજ સ્રોત, Getty Images
હિમાચલ પ્રદેશમાં ચૈલ દુનિયાની સૌથી વધુ ઊંચાઈ પર આવેલું ક્રિકેટ ગ્રાઉન્ડ છે. તે સમુદ્રની સપાટીથી 2,444 મિટરની ઊંચાઈ પર અને પહાડના શિખર પર છે.
બિશનસિંહ બેદીના જ કૅમ્પમાં યુવરાજ સિંહે પોતાના જીવનની પહેલી સદી ફટકારી અને ત્યારે જ તેમને એ વાતનો અનુભવ થયો કે ક્રિકેટમાં ઊંચાઈ પર પહોંચવાનો આનંદ કેવો હોય છે.
યુવરાજે સદી શું ફટકારી, બિશનસિંહ બેદીએ બૅટ્સમૅન માટે નવા નિયમ બનાવવા મજબૂર થવું પડ્યું.
યુવરાજ લખે છે, "100 રન પૂર્ણ કર્યા બાદ મેં બે સિક્સ મારી અને પાજીએ કૅમ્પમાં નવો નિયમ લાગુ કરી દીધો. તેમણે કહ્યું કે હવે સિક્સ મારવાનો મતલબ આઉટ માનવામાં આવશે."
"કેમ કે ચૈલમાં જો બૉલ મેદાનની બહાર જાય તો બૉલ હજારો ફૂટ નીચે ઘાટીમાં પહોંચી જતો હતો અને ત્યારે બૉલની કિંમત આશરે 300 રૂપિયા હતી."
જુનિયર ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પુરસ્કાર યુવરાજને મળ્યો અને 1997માં તેમને પંજાબ તરફથી પહેલી પ્રથમ શ્રેણી મૅચ રમવા માટે પસંદ કરવામાં આવ્યા.


ઇમેજ સ્રોત, Getty Images
રણજી સુપર લીગમાં તેઓ પહેલી વખત ઊતર્યા હતા અને મોહાલીમાં રમાયેલી આ મૅચમાં તેમની સામે હતી ઓડિશાની ટીમ.
યુવરાજને ઇનિંગની શરૂઆત કરવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
યુવરાજ પોતાની આત્મકથામાં લખે છે, "આ મૅચમાં મારો સ્કોર ઓપનર તરીકે શૂન્ય હતો અને મેં એક કૅચ પણ છોડ્યો હતો. ત્યારબાદ મારા પર ખરાબ ફિલ્ડરનું લેબલ લગાવી દેવામાં આવ્યું."
આ જ કારણ હતું કે યુવરાજ સિંહને ત્યારબાદ રણજી ટીમમાં પરત ફરવા માટે બે વર્ષ સુધી રાહ જોવી પડી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












