એ મૅચ જેના કારણે યુદ્ધ થયું અને હજારો લોકોનો ભોગ લેવાયો

ઇમેજ સ્રોત, PA
50 વર્ષ પહેલાં હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર વચ્ચે 100 કલાક સુધી યુદ્ધ ચાલ્યું હતું. આ બધું વિશ્વ કપ માટેની ક્વૉલિફાઇ મૅચ પછી તંગ બનેલી સ્થિતિને કારણે થયું હતું.
જોસ એન્ટોનિયો ક્વિન્ટેનીલાએ બૉલને બસ જરાક અમથો સ્પર્શ જ કર્યો હતો, પણ બૉલને ડાઇવર્ટ કરી દેવા માટે તે પૂરતો હતો.
તેના કારણે ગોલકીપર બીટ થયો અને અલ સાલ્વાડોરને એક્સ્ટ્રા ટાઇમમાં પાડોશી હોન્ડુરાસ સામે 3-2થી વિજય મળી ગયો.
27 જૂન 1969ની એ મૅચ હતી અને તેના કારણે 1970માં રમાનારા વિશ્વ કપમાં અલ સાલ્વાડોરને પ્રવેશ મળી ગયો હતો.
જો એ મૅચને યુદ્ધ શરૂ કરવાનો 'જશ' ના મળ્યો હોત તો ઇતિહાસમાં એક નાનકડી ફૂટનોટ જેટલી જ તેની નોંધ લેવાઈ હોત.
તે વર્ષે જુલાઈમાં 100 કલાક સુધી મધ્ય અમેરિકાના આ બે પડોશી દેશો સશસ્ત્ર અથડામણ પર ઊતરી આવ્યાં હતાં.
એક અંદાજ અનુસાર આ યુદ્ધને કારણે 4,000 લોકોનાં મોત થયાં હતાં, ઓછામાં ઓછા 10,000 ઘાયલ થયા હતા અને લાખો વિસ્થાપિત થયા હતા.
આ યુદ્ધ કેટલા કલાકો ચાલ્યું તેનો સમયગાળો ઇતિહાસના ગ્રંથો માટે અગત્યનો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક મૅચને કારણે એટલી તંગદિલી થઈ કે વાત સશસ્ત્ર અથડામણ સુધી પહોંચી તે વાત અખબારોની હેડલાઇન બની હતી અને તેના કારણે એ યુદ્ધને ફૂટબૉલ વૉર એવું નામ અપાયું હતું.
હોન્ડુરાસની ટીમના તે વખતના કેપ્ટન માર્કો એન્ટોનિયો મેન્ડોઝાનું કહેવું છે, "આવું મથાળું બાંધવું અતિશયોક્તિ છે."
તેમણે ગયા વર્ષે 12 ઑગસ્ટ 2017ના રોજ આર્જેન્ટિનાના એક અખબાર પેગીના સાથેની મુલાકાતમાં આ વાત કહી હતી.
"ફૂટબૉલને કારણે યુદ્ધ નહોતું થયું. જમીન સુધારણાના મુદ્દે બંને દેશો વચ્ચે મુશ્કેલી સર્જાઈ હતી તેનું એ પરિણામ હતું."

જ્યારે આ દેશો સ્વતંત્ર થયા

ઇમેજ સ્રોત, BETTMANN/GETTY IMAGES
દુનિયાના સૌથી ગરીબ દેશોમાં સામેલ થતા હોન્ડુરાસ અને અલ સાલ્વાડોરનો ઇતિહાસ અનેક ગૂંચોથી ભરેલો છે.
મધ્ય અમેરિકાના પાંચ દેશોએ એક જ દિવસે - 15 સપ્ટેમ્બર 1821ના રોજ સ્પેનથી સ્વતંત્રતા જાહેર કરી તેમાં આ બંને દેશોનો પણ સમાવેશ થતો હતો.
પાંચેય દેશોએ સ્પેનથી સ્વતંત્ર થઈને ફેડરેશનની રચના કરી હતી, જે 1838 સુધી ચાલતું રહ્યું હતું.
પાંચ દેશોનું ફેડરેશન તૂટી પડ્યું તે પછી હોન્ડુરાસ અલગ દેશ બન્યો. તે વખતે તેની પાસે સાલ્વાડોર કરતાં પાંચ ગણો વધારે મોટો વિસ્તાર હતો અને સરહદ મામલે બંને વચ્ચે વિખવાદો પણ હતા.
અલ સાલ્વાડોરમાં વસતિ વધારે હતી. 1969 સુધીમાં તેની વસતિ હોન્ડુરાસ કરતાં દસ લાખથીય વધુની હતી.
વસતિના ભારણના કારણે સાલ્વાડોરના હજારો નાગરિકો વીસમી સદીની શરૂઆતથી હોન્ડુરાસમાં સ્થાયી થવા લાગ્યા હતા. હોન્ડુરાસના ખેતરોમાં કામ કરવા માટે મોટા ભાગે આ લોકો જતા હતા.

હજારો ખેતમજૂરોની હકાલપટ્ટી

ઇમેજ સ્રોત, AFP
જોકે, 1962માં હોન્ડુરાસે જમીન સુધારણા દાખલ કરી અને 1967માં તેનો અમલ શરૂ થયો.
સાલ્વડોરથી વસાહતી તરીકે આવેલા લોકો પાસે રહેલી જમીનો મોટા પ્રમાણમાં હસ્તગત કરી લેવામાં આવી. આ જમીનો હોન્ડુરાસના સ્થાનિક લોકોને ફાળવી દેવામાં આવી.
વસાહતી લોકોની માલિકીના દાવા કે નિર્વાસિત તરીકેના દરજ્જાની અવગણના કરીને પણ બહારથી આવેલા ખેડૂતો અને સરકારી જમીન પર દબાણ કરનારા પાસેથી જમીનો પરત લઈ લેવામાં આવી હતી.
ઘણા કિસ્સામાં સાલ્વાડોર અને હોન્ડુરાસના નાગરિકો વચ્ચે લગ્ન પણ થયાં હતાં, પણ જમીન જતી રહી તેના કારણે મુશ્કેલી ઊભી થવા લાગી.
જમીનો હસ્તગત કરાવવાની કામગીરી હોન્ડુરાસના મોટા ખેડૂતોના ઈશારે થઈ હતી. યુનાઇટેડ ફ્રૂટ કંપની જેવી આંતરરાષ્ટ્રીય મોટી કંપનીઓનો હાથ પણ તેની પાછળ હતો.
સાલ્વાડોરના હજારો ખેતમજૂરોને હોન્ડુરાસમાંથી હદપાર કરવામાં આવ્યા.
આવી કામગીરી સામે સાલ્વાડોરની સરકારે વિરોધ કર્યો હતો અને આક્ષેપ લગાવ્યો કે લોકો સાથે ગેરવર્તાવ અને અત્યાચાર થઈ રહ્યો છે.
બંને દેશો વચ્ચે આવું તંગદિલીભર્યું વાતાવરણ હતું ત્યાં જ 1970ના વિશ્વ કપમાં પ્રવેશ માટેની મૅચ આવી પડી. બંને દેશો વચ્ચે સેમિફાઇનલમાં ટક્કર થઈ હતી.

મૅચ અને ત્યારબાદ ધમાલ

ઇમેજ સ્રોત, Getty Images
હોન્ડુરાસે 8 જૂને 1-0થી મૅચ જીતી લીધી. અલ સાલ્વાડોરનું ડેલિગેશન તે વખતે ટેગ્યુસીગાલ્પા આવેલું હતું અને એક હોટલમાં ઊતર્યું હતું.
તે હોટલની બહાર હોન્ડુરાસની ટીમના ટેકેદારોએ કાન ફાડી નાખતી ચીચીયારીઓ સાથે ભારે ધમાલ મચાવી હતી.
સાલ્વાડોરની ટીમના ભૂતપૂર્વ ખેલાડી સાલ્વાડોર મારિઆનોએ 2009માં બીબીસીને જણાવ્યું હતું, "ટીમના ચાહકોએ હોટલની આસપાસના રસ્તા બંધ કરી દીધા હતા અને ભારે ધાંધલ અને ઘોંઘાટ મચાવ્યો હતો. અમે ઊંઘી પણ શક્યા નહોતા."
એક અઠવાડિયા પછી બીજી મૅચ યોજાઈ તેમાં અલ સાલ્વાડોર 3-0થી જીતી ગયું.
આ વખતે સાલ્વાડોર ટીમના ચાહકોએ પણ એટલી જ કે કદાચ વધારે ઉગ્રતાથી ધાંધલ મચાવી હતી. તેના કારણે મેક્સિસો સિટીમાં વધુ એક મૅચ રમાડવી પડી.

મૅચ પહેલાં ઉશ્કેરણી

ઇમેજ સ્રોત, Getty Images
આ વખતે મૅચ શરૂ થાય તે પહેલાં જ વાતાવરણ ભારે તંગ બની ગયું હતું.
બીજી ગેમ પહેલાં જ હોન્ડુરાસના બે ચાહકોની હત્યા થઈ હોવાના અહેવાલો આવ્યા.
હોન્ડુરાસની નંબર પ્લેટ ધરાવતી કારોમાં તોડફોડ થઈ હોવાના ખબર આવ્યા તેને પણ હોન્ડુરાસના અખબારોએ બરાબરના ચગાવ્યા હતા.
આ દરમિયાન અલ સાલ્વાડોરની લશ્કરી સરકારે (હોન્ડુરાસમાં પણ લશ્કરી સરકાર જ હતી) મૅચના આગલા દિવસે જ 26 જૂને જ જાહેરાત કરી દીધી કે હોન્ડુરાસ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખવામાં આવ્યા છે.
બંને દેશના સત્તાધીશોએ પોતપોતાની ટીમને લડી લેવા માટે બરાબરનો પાનો પણ ચડાવ્યો હતો.

...અને બૉમ્બમારો શરૂ થયો

ઇમેજ સ્રોત, Getty Images
મારિઆનોએ યાદ કરતાં કહ્યું હતું, "અમને પ્રમુખના નિવાસસ્થાને ભોજન સમારંભ માટે બોલાવાયા હતા. તેમણે અમને કહ્યું કે આપણે જીતવાનું જ છે અને હોન્ડુરાસમાં ત્રાસનો ભોગ બનેલા સાલ્વાડોરના સૌ કોઈ લોકો માટેનો આ વિજય બની રહેશે."
થોડા દિવસ પછી સરહદે અથડામણો શરૂ થઈ ગયાના અહેવાલો આવવા લાગ્યા હતા.
14 જુલાઈએ અલ સાલ્વાડોરના વાયુ દળે હોન્ડુરાસમાં બૉમ્બમારો કર્યો અને બાદમાં ભૂમિ દળે આક્રમણ કરી દીધું.
24 કલાકમાં જ સાલ્વાડોરની સેના હોન્ડુરાસની સરહદમાં ઊંડે સુધી ઘૂસી ગઈ હતી અને ટેગ્યુસીગાલ્પાનો કબજો થઈ જાય તેવું જોખમ ઊભું થયું હતું.
હોન્ડુરાસે તરત જ અમેરિકા ખંડના દેશો વચ્ચે સહકાર માટે કામ કરતી સંસ્થા ઑર્ગેનાઇઝેશન ઑફ અમેરિકન સ્ટેટ્સને દરમિયાનગીરી કરવા માટે જણાવ્યું હતું.
સંસ્થાની તાકિદની બેઠક બોલાવવામાં આવી અને તેમાં શસ્ત્રવિરામ કરવા અને દળોને પરત બોલાવી લેવા માટે જણાવવામાં આવ્યું હતું.
18 જુલાઈએ બેઠક મળી હતી, પણ અલ સાલ્વાડોરનાં દળો પાછા ખેંચવામાં બે અઠવાડિયાં લાગી ગયાં હતાં.

યુદ્ધ બાદ ગૃહયુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
આ યુદ્ધ ચાર જ દિવસ ચાલ્યું હતું, પરંતુ ટેગ્યુસીગાલ્પા અને સાન સાલ્વાડોર વચ્ચે શાંતિ કરાર થવામાં 11 વર્ષ નીકળી ગયાં હતાં.
1992માં સરહદના મામલે થયેલા વિખવાદો ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસને કારણે ઉકેલાઈ ગયા છે તેમ લાગ્યું હતું, પરંતુ છેક 2014 સુધી બંને દેશો વચ્ચે સામસામા આક્ષેપો ચાલતા રહ્યા હતા.
અલ સાલ્વાડોર માટે ફૂટબૉલ વૉરના પરિણામો આકરા સાબિત થયાં હતાં. હજારો વસાહતીઓ વતનમાં પાછા ફર્યા તેના કારણે દેશનું જીવનધોરણ વધારે નીચે ગયું હતું.
તેના કારણે ઊભા થયેલા નાગરિક અસંતોષમાંથી જ 1979માં ગૃહ યુદ્ધ જાગ્યું હતું.
13 વર્ષ સુધી દેશમાં આંતરિક અશાંતિ ચાલતી રહી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના અનુમાન અનુસાર આ ઘર્ષણને કારણે 75,000થી વધુ લોકોના જીવ ગયા હતા.
અલ સાલ્વાડોરની ફૂટબૉલ ટીમે 1970ના વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો ખરો, પણ ગ્રૂપ સ્ટેજમાં એક પણ ગોલ કરી શકી નહોતી અને ત્રણ મૅચમાં હાર સાથે બહાર ફેંકાઈ ગઈ હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














