જ્યારે સાઉથ આફ્રિકાને 1 બૉલમાં 22 રનનો ટાર્ગેટ મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
1975થી વર્લ્ડ કપના આયોજનનો પ્રારંભ થયો. અત્યાર સુધીમાં 11 વર્લ્ડ કપ રમાઈ ચૂક્યા છે પરંતુ જેને આધુનિક કહી શકાય તેવો વર્લ્ડ કપ 1992નો હતો.
ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડે યોજેલા આ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ઘણા નવતર પ્રયોગો થયા.
કેટલાક પ્રયોગ એવા હતા જે આજે સાવ સામાન્ય લાગે છે પરંતુ એ વખતે તે અચરજ પમાડનારા હતા.
જેમ કે, ડે-નાઇટ મૅચ હોય કે દિવસની મૅચ પણ ખેલાડીઓ રંગીન યુનિફોર્મમાં રહેતા હતા. બીજું કે બ્લેક સાઇડસ્ક્રીન પણ તમામ મૅચમાં લાગુ કરાઈ હતી.
આ ઉપરાંત એ વર્લ્ડ કપની તમામ મૅચ વ્હાઇટ બૉલથી રમાઈ હતી.
આ ઉપરાંત મેદાનના બંને છેડેથી અલગ અલગ બૉલ વપરાશમાં લેવાતો હતો. આજે આ વાત સામાન્ય લાગે છે પરંતુ એ વખતે આયોજકોને શંકા હતી કે વ્હાઇટ બૉલ પૂરી 50 ઓવર સુધી ટકી શકશે નહીં.
ઘણાં પરિક્ષણ થયાં અને અંતે એવું તારણ આવ્યું કે બૉલ 25 ઓવર માંડ ટકી શકશે.
આમ થતાં એવો નિર્ણય લેવાયો કે જો બૉલ 25 ઓવર ટકી શકતો હોય તો એક છેડાની 25 ઓવર એક બૉલથી અને સામે છેડાની 25 ઓવર બીજા વ્હાઇટ બૉલથી ફેંકાવી જોઈએ અને એમ જ થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રયોગ સફળ રહેવા છતાં આગામી એટલે કે 1996ના વર્લ્ડ કપમાં તેનો અમલ થયો નહીં.
જોકે, આજે તમામ વન-ડેમાં બંને છેડેથી અલગ અલગ બૉલ ઉપયોગમાં લેવાય છે. ઇવન બીસીસીઆઈની સ્થાનિક વન-ડે મૅચોમાં પણ આ પ્રથા અમલી બની ગઈ છે.
1992નો વર્લ્ડ કપ અખતરાનો વર્લ્ડ કપ હતો તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
તેમાંના કેટલાક અખતરા સર્વાંગ સફળ રહ્યા છે તો કેટલાકને તિલાંજલિ આપી દેવાઈ હતી.
આ તિલાંજલિ આપી દેવાઈ હોય તેવો એક પ્રયોગ એટલે રેઇન રૂલ. અત્યારે મૅચ દરમિયાન વરસાદ પડે તો ડકવર્થ ઍન્ડ લૂઇસ સિસ્ટમથી પરિણામ લાવવા માટે નવો ટાર્ગેટ આપવામાં આવે છે.
આ નિયમ હવે સર્વસામાન્ય બની ગયો છે અને 2019ના વર્લ્ડ કપમાં પણ તેનો અમલ જ થવાનો છે.
જોકે, આ નિયમમાં પણ કેટલીક ખામી છે જેમ કે ક્યારેક ટીમને હરીફ ટીમના સ્કોર કરતાં વધારે રન કરવાનો ટાર્ગેટ પણ મળે છે. ટૂંકમાં આ નિયમ સંતોષજનક નથી પરંતુ સર્વસ્વીકૃત છે.
આ ઉપરાંત 1992ના રેઇન રૂલની સરખામણીએ આ નિયમ વધુ યોગ્ય લાગે છે. આ સિસ્ટમને તમામે આવકારી પણ છે.

1992નો એ રૂલ જેનો ભોગ દક્ષિણ આફ્રિકા બન્યું

ઇમેજ સ્રોત, Getty Images
1992ના વર્લ્ડ કપ અગાઉ મહાન ક્રિકેટર અને કૉમેન્ટેટર રિચી બેનો સહિતના નિષ્ણાતોની પેનલે વરસાદ કે ખરાબ હવામાનથી અસરગ્રસ્ત મૅચ માટે રેઇન રૂલ ઘડી કાઢ્યો હતો અને તેનો ભોગ સાઉથ આફ્રિકા બન્યું.
એટલે સુધી કે આજે એ વાતને 26 વર્ષ થઈ ગયાં હોવા છતાં રેઇન રૂલ યાદ આવતાં જ સાઉથ આફ્રિકાની કમનસીબી યાદ આવી જાય છે.
1970માં રંગભેદ નીતિને કારણે સાઉથ આફ્રિકા સામે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. 1991માં તેનું પુનરાગમન થયું અને 1992ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા પહેલી વાર ભાગ લઈ રહ્યું હતું.
તેની પાસે પ્રતિભાશાળી ખેલાડીઓ હતા પરંતુ અનુભવી ન હતા. તેમ છતાં સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઇંગ્લૅન્ડ સામેની સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેની મૅચમાં કેપ્લર વેસલ્સની ટીમે શાનદાર દેખાવ કર્યો હતો અને તેનો વિજય લગભગ નિશ્ચિત મનાતો હતો. પાકિસ્તાને તો ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો હવે ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચની વિજેતા ટીમ 25મી માર્ચે મેલબોર્નમાં ફાઇનલ રમવાની હતી.
બાવીસમી માર્ચે રમાયેલી આ સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડે 252 રનનો સ્કોર નોંધાવ્યો હતો અને સાઉથ આફ્રિકા માટે એન્ડ્ર્યુ હડસન અને જોન્ટી રોડ્ઝે શાનદાર બૅટિંગ કરીને વિજયને તક પેદા કરી હતી.
આ દરમિયાન વરસાદ પડતાં ટાર્ગેટ ઘટાડી દેવાયો હતો. ફરીથી વરસાદ પડ્યો અને રમત અટકી ગઈ.
અમ્પાયર બ્રાયન ઓલ્ડરિચ અને સ્ટિવ રેન્ડલે (બંને ઑસ્ટ્રેલિયા) રમત આગળ ધપાવવાનો નિર્ણય લીધો ત્યારે મેદાન પરના જાયન્ટ સ્ક્રીન પર ફ્લેશ થઈ અને નવો ટાર્ગેટ આવ્યો--''જીતવા માટે એક બૉલમાં 22 રન''
માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પરના લગભગ 80 હજાર પ્રેક્ષકો અને ટીવી પર મૅચ નિહાળી રહેલા કરોડો દર્શકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.
કદાચ આયોજકોને પણ આ વખતે શરમ આવી હશે. ટીવી પર કૉમેન્ટરી આપી રહેલા રિચી બેનો પણ કદાચ શરમાઈ ગયા હશે પરંતુ આ હકીકત હતી અને તેનો અમલ કર્યા વિના છૂટકો ન હતો.
અંતે સાઉથ આફ્રિકા 19 રનથી મૅચ હારી ગયું.
જોકે, નિયતી કહો કે ગમે તે પણ ઇંગ્લૅન્ડને આ 22 રનનો આંક ભારે પડ્યો કેમ કે એ મૅચના ત્રણ દિવસ બાદ મેલબોર્નના ઐતિહાસિક મેદાન પર પાકિસ્તાન સામે ઇંગ્લૅન્ડનો 22 રનથી પરાજય થયો અને વર્લ્ડ કપ જીતવાનું તેમનું સ્વપ્ન રોળાઈ ગયું.

ખરેખર એ નિયમ શું હતો?

ઇમેજ સ્રોત, Getty Images
રેઇન રૂલ એવો નિયમ હતો કે મૅચમાં વરસાદ પડે તો જેટલી ઓવર બરબાદ થઈ હોય તેટલી ઓવર હરીફ ટીમમાંથી પણ બાદ કરવી.
દાખલા તરીકે ઇંગ્લૅન્ડે પ્રથમ બૅટિંગ કરીને 50 ઓવર રમી હોય પરંતુ સાઉથ આફ્રિકા 40 ઓવર રમે ત્યાર બાદ ચાર ઓવર બરબાદ થાય તો ઇંગ્લૅન્ડની 50માંથી ચાર ઓવર બાદ કરીને જે સ્કોર આવે તે સાઉથ આફ્રિકાએ ચેઝ કરવાનો રહે.
કઈ ઓવર બાદ કરવી તે અંગે નિયમ ભૂલભરેલો હતો. ઇંગ્લૅન્ડે જે ઓવરોમાં સૌથી ઓછા રન કર્યા હોય તેવી ઓવરો બાદ કરવાની રહે.
હવે ધારો કે ઇંગ્લૅન્ડે તેની 50માંથી ચાર ઓવર મેડન રમી હોય તો મેડન ઓવર પહેલા બાદ કરવાની.
આ સંજોગોમાં જો ચાર ઓવર ઓછી થાય તો એક પણ રન ઘટે નહીં.
ધારો કે ત્રણ મેડન હોય તો ત્યાર બાદ કોઈ ઓવરમાં એક જ રન આપ્યો હોય તે બાદ કરવાની.
આ સંજોગોમાં ટાર્ગેટમાં માત્ર એક જ રન ઘટે અને ઓવર ચાર ઘટી જાય. આમ થવાને કારણે જ અંતે સાઉથ આફ્રિકાને એક બૉલ જ રમવાનો બાકી રહેતો હતો અને એ વખતે રન કરવાના આવતા હતા પૂરા 22.
આ નિયમની આકરી ટીકા થઈ અને વર્લ્ડ કપ બાદ આઇસીસીએ આ નિયમને તિલાંજલિ આપી દીધી.

જોન્ટી રોડ્ઝ : 1992ના વર્લ્ડ કપની સુપર મિસાઇલ

ઇમેજ સ્રોત, Getty Images
1992ના વર્લ્ડ કપથી ક્રિકેટ જગતને એક અસામાન્ય ફિલ્ડરનો પરચો મળી ગયો.
જોન્ટી રોડ્ઝ અગાઉ પણ વન-ડેમાં પોતાના કરતબ દાખવી ચૂક્યા હતા પરંતુ આ વર્લ્ડ કપ બાદ તેઓ વિશ્વના સુપર ફિલ્ડર બની ગયા. એટલે સુધી કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મુંબઈ ઇન્ડિયન્સે તો તેમને પોતાના ફિલ્ડિંગ કોચ બનાવી દીધા.
1992 બાદ 1996ના વર્લ્ડ કપમાં તો જોન્ટી રોડ્ઝનો ડાઇવ લગાવતો ફોટો પોસ્ટર બની ગયો હતો.
બ્રિસબેનના ગાબા ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાની મૅચ હતી.
પાકિસ્તાનને જીતવા માટે 211 રનની જરૂર હતી. તત્કાલિન સુકાની અને પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન ઇમરાન ખાનની સાથે ઇંઝમામ ઉલ હક્ક બૅટિંગ કરી રહ્યા હતા.
ઇંઝમામ આ વર્લ્ડ કપથી જ પ્રકાશમાં આવ્યા હતા અને એ વખતે તેમનું શરીર સ્લીમ હતું. તે અત્યાર જેટલા કદાવર ન હતા.
ઇંઝમામ 45 રનના સ્કોરે રમતા હતા અને ઇમરાન ખાન કરતાં વધુ ઝડપથી દોડતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
બ્રાયન મેકમિલનના એક બૉલને રમવા જતાં ઇંઝમામ ચૂક્યા અને બૉલ તેના પૅડ સાથે ટકરાયો.
તેમણે લેગબાયના રન માટે દોડવાનું શરૂ કર્યું. સામે છેડેથી ઇમરાને પણ તેમને સાથ આપ્યો અને તે પણ દોડવા લાગ્યા પરંતુ અચાનક જ ઇમરાન ખાન અટકી ગયા.
ઇંઝમામે હવે ત્રણ-ચાર મીટર પરત ફરવાનું હતું. આ ગાળામાં ડીપ બેકવર્ડ પૉઇન્ટ પરથી જોન્ટી રોડ્ઝે બૉલ ઉઠાવ્યો. જમણા હાથમાં બૉલ પકડીને જોન્ટી થ્રો કરી શકતો હતો પરંતુ તેણે થ્રો કરવાને બદલે બૉલ હાથમાં પકડીને સીધું સ્ટમ્પ પર જ ઝંપલાવી દીધું.
જોન્ટી રોડ્ઝ ત્રણેય સ્ટમ્પ લઈને જ પડ્યો અને ઇંઝમામ ક્રિઝથી દૂર જ રહી ગયો હતો.
મૅચ બાદ જોન્ટીએ ખુલાસો કર્યો હતો કે તેણે થ્રો કર્યો હોત તો બૅટ્સમૅનના રનઆઉટ થવાના ચાન્સ 50 ટકા હતા પરંતુ તેઓ સીધા સ્ટમ્પ પર જ ત્રાટકે તો આઉટ થવાની શક્યતા 100 ટકા હતી.
ઇંઝમામ રમતા હતા ત્યાં સુધી પાકિસ્તાનની જીતવાની તકો હતી પરંતુ ઇંઝમામની વિકેટ પડી (ખરેખર તો જોન્ટીએ પાડી) તે સાથે જ પાકિસ્તાન દબાવમાં આવી ગયું અને અંતે 20 રનથી મૅચ હારી ગયું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












