World Cup 2019 : ઇંગ્લૅન્ડમાં કોહલી કરતાં ધોની પર વધારે મદાર કેમ?

ધોની

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન સ્ટાર બૉલર જસપ્રિત બુમરાહ હજી ત્રણ વર્ષ અગાઉ લીધેલી મુલાકાતમાં તેમના તત્કાલિન સુકાનીથી એટલા બધા પ્રભાવિત હતા કે તેને જાણે બીજા કોઈ ખેલાડી વિશે વિચાર જ આવતો ન હતો.

માત્ર મેદાન પર જ નહીં પરંતુ મેદાન બહાર પણ તેઓ સુકાનીનાં ગુણગાન ગાતા હતા.

આ તત્કાલિન સુકાની એટલે મહેન્દ્રસિંહ ધોની. એ વખતે બુમરાહ ભારતીય ટીમમાં નવાસવા હતા અને પહેલીવાર ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયા હતા જ્યાં તેમણે ત્રણમાંથી બે મૅચમાં ચાર-ચાર વિકેટ લીધી હતી.

ધોનીભાઈ હોય એટલે તમે મેદાન પર હો કે મેદાન બહાર હો પણ નિશ્ચિત થઈ જવાનું કેમ કે તમારામાં રહેલી તમામ આવડત બહાર લાવવામાં ધોનીભાઈ માહી(ર) છે તેમ બુમરાહનું કહેવું હતું.

બુમરાહ તો નવાસવા હતા એટલે તે સ્વાભાવિકપણે જ ધોનીથી પ્રભાવિત થઈ જાય એમ એ વખતે લાગતું હતું પરંતુ હજી મંગળવારે જે રીતે ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ધોની વિશે વાત કરી ત્યારે અહેસાસ થઈ ગયો કે રાંચીના આ બિહારીમાં કાંઈક તો છે જેનાથી તેની ટીમના ખેલાડીઓ પ્રભાવિત છે અને હરીફ ખેલાડી ભયભીત છે.

ભારતીય ટીમ વર્લ્ડ કપ રમવા માટે ઇંગ્લૅન્ડ જવા રવાના થઈ અને આ વખતે સૌને આશા છે કે ધોની જ ટીમના આધારભૂત ખેલાડી બની રહેશે.

આમ તો ધોનીનો આ અંતિમ વર્લ્ડ કપ છે અને એમ કહેવાય છે કે વર્લ્ડ કપ બાદ તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેશે.

કોઈ ખેલાડી તેની કારકિર્દીના અસ્તાચળે હોય ત્યારે પણ એમ કહેવાતું હોય કે તેની ભૂમિકા સૌથી અગત્યની રહેશે તો ગુજરાતીની જાણીતી કહેવત 'ઘરડા ગાડા વાળે' યાદ આવી જાય. અત્યારે ધોની આ જ ભૂમિકામાં છે.

ધોની પર આટલો મદાર શા માટે તેની હવે ચર્ચા કરીએ.

ધોની

ઇમેજ સ્રોત, Getty Images

પ્રથમ તો તેઓ ચોથી વખત વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય ટીમમાં કે અન્ય તમામ ટીમમાં આટલો અનુભવી ખેલાડી કોઈ નથી.

આ તો રેકોર્ડની વાત થઈ પરંતુ વિકેટ પાછળ રહીને ધોની જે રીતે કામગીરી બજાવે છે તે અદ્ભૂત છે.

બૅટ્સમૅન એકાદ ઇંચ પણ પગ ઊંચો કરે અને સ્ટમ્પ થઈ જાય તે વાત અહીં નથી કરવી કેમ કે તે તો સમગ્ર વિશ્વના તમામ બૅટ્સમેન જાણે છે કે ધોનીની હાજરીમાં સાવચેતીથી હલનચલન કરવું પડે પણ વાત છે તેની નજરની.

આ વખતની આઈપીએલમાં અને તે અગાઉ ભારતની કેટલીક મૅચમાં આ તત્ત્વ જોવા મળ્યું છે.

ટીમ કટોકટીમાં હોય ત્યારે બૉલર કે ફિલ્ડરને કેવી રીતે સૂચના આપવી અને કેવી સૂચના આપવી જેનાથી બૉલરને સફળતા મળે તે ધોની પાસેથી વારંવાર જોવા મળ્યું છે.

ભારતની મૅચમાં તો કોહલીની હાજરીમાં ધોની એકાદ નજીવા ફેરફાર કરીને હારની બાજી જીતમાં ફેરવી નાખતા જોવા મળે છે.

ઇંગ્લૅન્ડ રવાના થયા અગાઉ કોચ રવિ શાસ્ત્રીએ કબુલ્યું હતું કે ધોની પાસે કૉમ્યુનિકેશન સ્કીલ અદભુત છે.

એક વિકેટકીપર તરીકે મેદાન પરની કોઈ ઘટના તેમની નજર બહાર હોતી નથી. તેમણે કરેલા કેચ કે રનઆઉટ કે સ્ટમ્પિંગ પળભરમાં મૅચનું પાસું પલટી નાખે છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ધોનીની પારખું નજર

ધોની

ઇમેજ સ્રોત, Getty Images

ઇંગ્લૅન્ડમાં આ વખતે ધોની મહત્ત્વના પુરવાર થશે તેનું એક કારણ એ પણ છે કે હાલના તબક્કે અંગ્રેજ પિચો સપાટ જોવા મળે છે. તેમાં સ્પિનરને ક્યારેક યારી ન પણ મળે પરંતુ આ સંજોગોમાં તમારે માત્ર આવડતના જોરે મૅચ તરફેણમાં કરવાની રહે છે.

બીજું ઇંગ્લૅન્ડનું હવામાન ગમે ત્યારે પલટાઈ જતું હોય છે આ સંજોગોમાં બૉલ અચાનક મૂવ થવા લાગે.

અહીં બૅટ્સમૅનની મૂવમૅન્ટમાં થોડો ફરક આવી જાય જે ધોનીની પારખું નજરમાંથી બચી શકે નહીં.

વિકેટ પાછળથી ધોનીને જ હરીફ ખેલાડીની જે ખામી દેખાય છે તે બની શકે છે કે મિડ-ઑન કે મિડ-ઑફ પરથી કોહલીને ખ્યાલ ન આવે.

ઇંગ્લૅન્ડમાં આ વખતે આવનારા પડકારો માટે કોહલીએ સજ્જ રહેવું પડશે.

line

વિશ્વ કપની અલગ પદ્ધતિ

લોર્ડ્સ સ્ટેડિયમ

ઇમેજ સ્રોત, Getty Images

લગભગ 20 વર્ષ બાદ ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે મોટા ભાગના વિદેશી ખેલાડીઓનો અહીં પહેલો અનુભવ હશે.

બે વર્ષ અગાઉ અહીં ચૅમ્પિયન્સ ટ્રૉફી યોજાઈ હતી પરંતુ આ વખતની મેગા ઇવેન્ટનું માળખું જ અલગ છે અને આ પ્રકારના માળખામાં રમવાનો દુનિયાના કોઈ ખેલાડીને અનુભવ નથી.

1992માં ઑસ્ટ્રેલિયામાં રાઉન્ડ રોબિન ધોરણે વર્લ્ડ કપ યોજાયો હતો એટલે અત્યારનો કોઈ ખેલાડી આ માળખામાં રમ્યો નથી.

અહીં તમામ ટીમે તમામ હરીફ સામે રમવાનું છે. 2015 બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણાં પરિવર્તન થયાં છે.

એ વખતની અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશની ટીમ અને હાલની ટીમમાં ઘણો ફરક છે.

વિરાટ કોહલીનું માનવું છે કે એકેય મૅચને હળવાશથી નહીં લેવાય અને તમામ મૅચમાં પડકાર છે.

ટુર્નામેન્ટના પ્રારંભથી જ પડકારનો સામનો કરવાનો છે. સાઉથ આફ્રિકા સામે પહેલી મૅચ રમ્યા બાદ ભારતે તરત જ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને પાકિસ્તાન જેવા કપરા હરીફ સામે રમવાનું છે.

અત્યારે તમામ ટીમ પડકારજનક છે. આમ કોઈ પણ ટીમ અપસેટ સર્જી શકે છે અને આ પ્રકારના માળખામાં તમારે સેમિફાઇનલમાં પ્રવેશવું હોય તો એકેય હાર પોષાય તેમ નથી.

ટૂંકમાં શ્વાસ લેવાનો સમય પણ મળવાનો નથી કેમ કે એક હરીફનો મુકાબલો કર્યો ત્યાં બીજો રાહ જોતો હશે.

લાઇન
લાઇન

ઇંગ્લૅન્ડનું હવામાન

લોર્ડ્સ સ્ટેડિયમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇંગ્લૅન્ડના હવામાનને જે ટીમ ઝડપથી અપનાવી લેશે તેને લાભ થવાનો છે.

ઇંગ્લૅન્ડમાં એક જ દિવસમાં ત્રણેય પ્રકારના હવામાન જોવા મળે છે. તેમાંય લંડનમાં ઓવલ કે લૉર્ડ્ઝને બાદ કરતા એજબસ્ટન કે માંચેસ્ટર અને કાર્ડિફમાં પરિસ્થિતિ વધારે કપરી હોય છે.

નોટ્ટિંગહામના ટ્રેન્ટ બ્રિજમાં સ્વેટર પહેરીને (ઠંડીમાં) ટૉસ ઉછાળવા આવેલા સુકાની પહેલી ઓવર વખતે ગરમી અનુભવતો હોય અને લંચ સમયે વરસાદ પડતો હોય તેવો અનુભવ થતો હોય છે.

જોકે, તાજેતરના ગાળામાં ઇંગ્લૅન્ડમાં સપાટ પિચ જોવા મળી છે. ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ત્રણ વન-ડેમાં ટીમે 340થી વધુનો સ્કોર નોંધાવ્યા છતાં મૅચ ગુમાવી છે.

આમ રનના ઢગલા જોવા પ્રેક્ષકોને ગમશે પરંતુ ખેલાડીઓ માટે સ્થિતિ કપરી રહેશે કેમ કે હાલના સંજોગોમાં ઇંગ્લૅન્ડના મેદાનમાં કોઈ સ્કોર સલામત લાગતો નથી.

આમ બૉલર પર પણ દબાણ રહેશે કે આખરે કયા સ્કોર પર હરીફ ટીમને અંકુશમાં રાખવી તેનો અંદાજ લગાવવો આસાન નથી.

આ ઉપરાંત હવામાન બદલાય તેવા સંજોગોમાં બૉલ વધુ મૂવ થતા હોય છે.

સામાન્ય રીતે બૉલર તેની ઝડપ પર અંકુશ રાખી શકતો નથી અને બૉલની મૂવમૅન્ટમાં પણ તેમણે અંકુશ રાખવાનો હોય છે.

નિયમિત સ્વિંગ કરતાં બૉલરનો બૉલ વધારે સ્વિંગ થાય તો પણ નુકસાન છે.

આથી જ ક્યારેય મધ્યમ ઝડપી બૉલરને વધારે મદદ મળી શકે છે.

લાઇન
લાઇન

ઑલરાઉન્ડરની કમાલ

ભારતીય ટીમ

ઇમેજ સ્રોત, BCCI/TWITTER

1983માં ભારતે કપિલ દેવ કરતાં મદનલાલ અને રોજર બિન્ની દ્વારા વધારે સફળતા હાંસલ કરી હતી તેનું આ જ કારણ હતું.

આવી જ રીતે ઇંગ્લૅન્ડમાં ઑલરાઉન્ડરને વધુ સફળતા મળે છે. જે ટીમ પાસે એક કરતાં વધારે કૌશલ્ય ધરાવતા ખેલાડી હશે તેને લાભ થશે.

ભારત પાસે હાર્દિક પંડ્યા, વિજય શંકર અને રવીન્દ્ર જાડેજા જેવા ઑલરાઉન્ડર છે.

સપાટ વિકેટ પર જાડેજા બૉલને ટર્ન કરાવી શકે છે પણ બુમરાહ અને અન્ય ઝડપી બૉલર કરતાં ઓછી ઝડપને કારણે હાર્દિક પંડ્યા પર બૉલિંગમાં મદાર રાખવો ફાયદાકારક બની શકે છે.

આ તમામ કરતાં સૌથી મહત્ત્વની બાબત ભારતીય ખેલાડીઓ હરીફ ટીમને પડકાર અને હવામાનને કેટલી ઝડપથી હસ્તગત કરી લે છે તે રહેશે.

આ ઉપરાંત કોઈ પણ ટીમ વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચી શકે તેમ નથી. દરેક મૅચ માટે ખેલાડીઓએ 100 ટકા સજ્જ રહેવું પડશે અને આઈપીએલ તથા નજીકના ભૂતકાળની કેટલીક મૅચ જોતાં તેમને સજ્જ રાખવામાં ધોની સિવાય ભારત પાસે કોઈ વિકલ્પ જ નથી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો