મરાઠા-દલિત લવસ્ટોરી 'સૈરાટ' જેવો અંજામ ન થાય તે માટે અદાલતને આશરે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મયુરેષ કન્નૂર
- પદ, બીબીસી સંવાદદાતા
મહારાષ્ટ્રના પુણે જિલ્લાનાં એક વિદ્યાર્થિની પોતાનાં માતાપિતા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી ગયાં છે.
કાયદાનુ શિક્ષણ મેળવનારાં વિદ્યાર્થિનીનો આરોપ છે કે તેઓ બીજી કોઈ જ્ઞાતિના યુવકને પ્રેમ કરે છે અને તેઓ પોતાના પરિવારથી ખતરો અનુભવી રહ્યાં છે.
સમાજમાં આંતરજ્ઞાતિય પ્રેમલગ્નનો વિરોધ કોઈ નવી વાત નથી.
પ્રખ્યાત મરાઠી ફિલ્મ 'સૈરાટ'માં પણ આ જ પ્રકારની એક પ્રેમ કહાણી દર્શાવવામાં આવી હતી, જેમાં દલિત યુવકને પ્રેમ કરનારી ઉચ્ચવર્ગની યુવતીની તેના પતિ સાથે હત્યા કરી દેવામાં આવે છે.
મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરનાર યુવતીએ કહ્યું છે કે તેઓ મરાઠા જ્ઞાતિના છે અને માતંગ જાતિના યુવકને પ્રેમ કરે છે.
તેમનો હાલ પણ સૈરાટ ફિલ્મના પાત્રો જેવો ન થાય તેના માટે તેમને સુરક્ષા આપવામાં આવે.
19 વર્ષીય આ વિદ્યાર્થિનીએ પોતાની અને પ્રેમીની પોલીસ સુરક્ષાની માગ પણ કરી છે. મુંબઈ હાઈકોર્ટમાં તેના પર સુનાવણી કરવામાં આવી હતી.
હાઈકોર્ટે રાજ્ય સરકારને યુવતીને સુરક્ષા આપવાના નિર્દેશ આપ્યા છે અને પોલીસમાં ફરિયાદ નોંધવા માટે કહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુનાવણી દરમિયાન પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે યુવતીએ કોઈ ફરિયાદ નોંધાવી નથી.
આ તરફ યુવતીના વકીલ નિતિન સતપુતેએ દાવો કર્યો છે કે યુવતીએ લેખિત ફરિયાદ પોલીસને આપી હતી પરંતુ પોલીસે ફરિયાદ લેવાથી ઇનકાર કરી દીધો હતો.
યુવતીએ ઈ-મેઇલના માધ્યમથી પણ પોતાની ફરિયાદ પોલીસને મોકલી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો.
તેમનું કહેવું છે કે આગામી સુનાવણી દરમિયાન પોલીસ તરફથી દાખલ કરવામાં આવેલા ખોટાં નિવેદન વિશે તેઓ એફિડેવિટ રજૂ કરશે. હવે આ મામલે આગામી સુનાવણી 21 મેના રોજ થશે.

તમે આ વાંચ્યું કે નહીં?

પોતાનાં માતાપિતા વિરુદ્ધ કોર્ટ પહોંચેલી આ યુવતીનો મામલો મહારાષ્ટ્રમાં ચર્ચાનો વિષય છે.
અરજીમાં યુવતીએ કહ્યું છે કે કૉલેજમાં શિક્ષણ દરમિયાન ત્રણ વર્ષ પહેલા તેમને માતંગ સમુદાયના યુવક સાથે પ્રેમ થયો હતો.
ત્રણ મહિના પહેલા આ વિશે મારા પરિવારને જાણ થઈ અને ત્યારથી જ પરિસ્થિતિ ખરાબ થવા લાગી.
વિદ્યાર્થિનીએ બીબીસીને કહ્યું : "અમને મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. મને કહેવામાં આવ્યું કે જો તે આ યુવક સાથે લગ્ન કરવા વિચાર્યું તો તને મારી નાખીશું. મારો મોબાઇલ ફોન છીનવી લેવામાં આવ્યો. મારું કૉલેજ જવાનું બંધ કરી દીધું. તેઓ ઇચ્છતા ન હતા કે મારા લગ્ન બીજી જ્ઞાતિના છોકરા સાથે થાય."
વિદ્યાર્થિનીએ કહ્યું, "ધર્મ-જાતના ભેદભાવને હું માનતી નથી. મેં મારા માતાપિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આજના જમાનામાં જાતિનું કોઈ મહત્ત્વ નથી. પરંતુ તેમણે મારી કોઈ વાત સાંભળી નહીં અને મારી સ્વતંત્રતા પણ છીનવી લીધી."
'માથા પર પિસ્તોલ રાખીને ગોળી મારી દેવાની ધમકી મળી'

યુવતીએ પોતાની અરજીમાં કહ્યું છે કે તેમનું શોષણ એટલી હદે વધી ગયું કે તેમણે 26 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરવાનો પણ નિર્ણય લઈ લીધો હતો.
ત્યારબાદ તેઓ થોડા સમય માટે હૉસ્પિટલમાં દાખલ પણ રહ્યાં. ઘરે પરત ફર્યા બાદ પણ તેમના પર દબાણ વધતું ગયું.
અરજીના આધારે 22 માર્ચના રોજ આ યુવતીના કાકાએ માથા પર પિસ્તોલ રાખીને ગોળી મારી દેવાની ધમકી આપી અને કહ્યું કે તેમણે આ સંબંધ તોડવો પડશે. અને જો તેઓ એવું નહીં કરે તો તેઓ તેના પ્રેમીને પણ મારી નાખશે.
યુવતીના કાકા વ્યવસાયે વકીલ છે.
યુવતીનો આરોપ છે કે તેની સાથે મારપીટ પણ કરવામાં આવી. તેઓ ઘરની બહાર નીકળવાની તક શોધી રહ્યાં હતાં.
27 માર્ચના રોજ પરિવાર સાથે તિરુપતિ જતા સમયે તેમને તક મળી ગઈ અને તેઓ ભાગી ગયાં. ત્યારથી તેઓ પોતાનાં ઘરે પરત ફર્યાં નથી.
તેમનું કહેવું છે કે યુવક અને યુવતીએ પુખ્ય વયનાં થતાની સાથે જ લગ્ન કરી લેવાનો નિર્ણય લીધો છે પરંતુ ત્યાં સુધી તેમનાં જીવને ખતરો છે.
એ માટે તેમણે પોલીસ સુરક્ષાની માગ કરી છે.


પરિવારે કહ્યું, યુવતીને કોઈ ધમકી મળી નથી

યુવતીના પરિવારજનોએ આ આરોપોને નકાર્યા છે. આ યુવતીના પિતરાઈ ભાઈએ બીબીસી સાથે વાત કરતા કહ્યું છે કે તેમણે મીડિયાને જે વાતો કહી છે, જે પણ તેમણે પોતાની અરજીમાં કહ્યું છે તે બધું જ ખોટું છે.
યુવતીના આરોપોને ફગાવતા તેમણે કહ્યું, "તેનું કોઈએ શોષણ કર્યું નથી અથવા તો તેને પિસ્તોલ બતાવીને ડરાવી નથી. તેમનાં માતાપિતાએ તેમને ભણાવ્યા ગણાવ્યા છે અને તેમનું કહેવું હતું કે છોકરીનું ભણતર પૂર્ણ થયા બાદ લગ્ન વિશે વિચારવામાં આવશે. આ બધું થયા બાદ તેનાં માતાપિતા દુઃખી છે. પરંતુ તેમનું કહેવું છે કે આગળ જે થશે તે હવે કોર્ટ જ નક્કી કરશે."
યુવતીના વકીલ નિતિન સાતપુતે હાઈકોર્ટમાં કેસ લડી રહ્યા છે.
સાતપુતે કહે છે, "ભારતના બંધારણે ભારતના દરેક નાગરિકને પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર આપ્યો છે અને યુવતીનાં જીવને ખતરો હોવાથી આ અરજી દાખલ કરવામાં આવી છે. અમારું કહેવું છે કે આ યુવતીનાં માતાપિતા અને સંબંધીઓથી કોઈ અપરાધ ન થાય એ માટે સરકાર પાસે કાર્યવાહી કરવાની માગ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














