ધીરજ પરસાણા : બેટિંગ, બૉલિંગથી નહીં પણ પીચ ક્યુરેટરથી વિદેશમાં ડંકો વગાડનાર પ્રતિભાવાન ગુજરાતી ક્રિકેટર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી

- ભારતમાં ટોચના પાંચ પીચ ક્યુરેટરોમાંના એક છે ધીરજ પરસાણા
- વર્ષ 1965-66માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાનો પ્રારંભ કર્યો હતો
- ગુજરાત માટે 37 મૅચમાં 1,902 રન અને 117 વિકેટો ખેરવી હતી
- તેમના સમયે ભારતીય ટીમમાં રમનારા એકમાત્ર ગુજરાતી ખેલાડી

થોડા વર્ષ અગાઉ રાજકોટના રેસકોર્સ મેદાન પર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે વન-ડે ઇન્ટરનેશનલ મૅચ રમાવાની હતી. મૅચની સવારે ગ્રાઉન્ડ પર સુનીલ ગાવસ્કર મૅચના પીચ ક્યુરેટર સાથે વાત કરી રહ્યા હતા.
ભારતના મહાન ક્રિકેટર અને 100થી વધારે ટેસ્ટ રમવાનો તથા સેંકડો મૅચમાં કોમેન્ટરી આપવાનો અનુભવ ધરાવતા સુનીલ ગાવસ્કર પીચ અંગે ક્યુરેટર સાથે ચર્ચા કરી રહ્યા હતા અને એ ચર્ચા આગળ જતાં ભૂતકાળની વાતો ભણી આગળ વધી.
ક્યુરેટર મોટા ભાગે ગુજરાતીમાં જ બોલે અને ગાવસ્કર તે ગુજરાતી સમજીને હિન્દી અને અંગ્રેજીમાં વાત આગળ ધપાવે તે જોવું રસપ્રદ બની રહ્યું હતું. સમગ્ર વાતમાં ગાવસ્કરનો તે પીચ ક્યુરેટર પ્રત્યેનો આદર આકર્ષણરૂપ બની રહ્યો હતો.
નવાઈ લાગે પણ સુનીલ ગાવસ્કર તે વ્યક્તિ સાથે આટલા આદરથી વાત કરી રહ્યા હતા અને સામેની વ્યક્તિ એટલી જ નરમાશથી ભૂતકાળનાં સંભારણાં તાજાં કરી રહી હતી.
એવામાં ઇંગ્લૅન્ડના મહાન ઑલરાઉન્ડર અને કૉમેન્ટેટર ઇયાન બોથમની એન્ટ્રી થઈ.
ગાવસ્કર તો પીચ ક્યુરેટર સાથે વર્ષો સુધી રમ્યા હતા તેથી આદર ધરાવે તેમ માની લીધું પણ ઇયાન બોથમે જે રીતે તેમનો આદર કર્યો તે જોઈને વધારે આશ્ચર્ય થયું.
થોડી વાર બાદ ઇયાન બોથમને આ પાછળનું કારણ પૂછ્યું તો તેમનો જવાબ હતો કે આ વ્યક્તિ પીચ અંગેની તેમની સમજને કારણે સમગ્ર ઇંગ્લૅન્ડમાં સન્માનને પાત્ર છે.
આમ 2008ની 14મી નવેમ્બરનો એ દિવસ ઉપરાઉપરી આશ્ચર્યાઘાત આપનારો બની રહ્યો હતો અને એ વ્યક્તિ એટલે ગુજરાતના જાણીતા ટેસ્ટ ક્રિકેટર અને પીચ ક્યુરેટર ધીરજ પરસાણા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તે સમયે ભારતીય ટીમમાં એકમાત્ર ગુજરાતી ખેલાડી

ઇમેજ સ્રોત, Getty Images
1960ના દાયકાના અંતમાં અને 1970ના દાયકાના પ્રારંભે ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમના મોટા ભાગના સદસ્ય એકબીજાથી એટલા બધા હળી મળી ગયા હતા કે ક્યારેક એ નક્કી કરવું અઘરું બની જતું હતું કે કયો ખેલાડી મૂળ ક્યાંનો છે.
એ અરસામાં બંને ટીમ પાસે પ્રતિભાશાળી ખેલાડીઓની વણઝાર હતી. પણ, કમનસીબે તેમાંથી મોટા ભાગનાને ટેસ્ટ (એ વખતે માત્ર ટેસ્ટ ક્રિકેટ જ હતું) ટીમમાં સ્થાન મળ્યું ન હતું.
આ ખેલાડીઓમાં ઉદય જોશી, અશોક જોશી, ધીરજ પરસાણા, નિરંજન મહેતા, કરસન ઘાવરી, યજુવેન્દ્રસિંહ, કુમાર ઇન્દ્રજિતસિંહજી, પંકજ ઝવેરી અને એવા તો ઘણા ક્રિકેટર હતા. જેમાંથી ભાગ્યે જ કોઈને આગળ પહોંચવાની તક સાંપડી હતી અને જે કાંઈ તક મળી તે મર્યાદિત રહી હતી તેમાંના એક છે ધીરજ પરસાણા.
ધીરજ પરસાણા ડાબોડી ઑલરાઉન્ડર હતા. ડાબા હાથે ઝડપી બૉલિંગ ઉપરાંત બૉલ જૂનો થાય એટલે લેફ્ટ આર્મ સ્પિન બૉલિંગ કરવાની અને બેટિંગમાં મિડલ ઑર્ડરમાં આવીને ટીમ માટે ઉપયોગી રન કરવાના.
પણ, પરસાણા માત્ર આટલેથી જ અટક્યા ન હતા, કેમ કે તેમનામાં અસામાન્ય પ્રતિભા હતી અને આગળ જતાં તેઓ એક સારા પીચ ક્યુરેટર અને કોચ બન્યા હતા.
પાર્થિવ પટેલે 2002માં ભારતીય ટેસ્ટ ટીમમા સ્થાન હાંસલ કર્યું અને હાલમાં તો ગુજરાત અને સૌરાષ્ટ્રના સંખ્યાબંધ ખેલાડી ભારતીય ઇન્ટરનેશનલ ટીમમાં રમી રહ્યા છે પરંતુ 2002 અગાઉ લગભગ 25 વર્ષ સુધી ગુજરાતનો કોઈ ખેલાડી ટેસ્ટ ટીમમાં સ્થાન હાંસલ કરી શક્યો ન હતો.
તે સમયે ભારત માટે ટેસ્ટ રમનારા ગુજરાતના ખેલાડી હતા ધીરજ પરસાણા.

મુંબઈથી સ્પર્ધાત્મક ક્રિકેટની શરૂઆત કરી

ઇમેજ સ્રોત, Getty Images
મૂળ સૌરાષ્ટ્રના રાજકોટમાં 1947ના ડિસેમ્બરમાં જન્મેલા ધીરજ પરસાણામાં પ્રારંભથી જ પ્રતિભા તો હતી પરંતુ તેના કરતાં પણ મોટો ગુણ હતો જેની પાસેથી જે પણ મળે તે શીખી લેવાનો.
આ ગુણ તેમને દાયકાઓ સુધી કામ લાગ્યો હતો.
આજે વર્ષમાં એકાદ વાર અમેરિકામાં દીકરી ફાલ્ગુની પરસાણાને ત્યાં જઈને વસતા અને એકાદ વાર અમદાવાદમાં થોડા મહિના માટે રહેવા આવી જતા ધીરજ પરસાણાનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું.
એ અરસામાં તેમની પાસે ક્રિકેટની કિટ ખરીદવા જેટલું પણ ભંડોળ રહેતું ન હતું પરંતુ રમત પ્રત્યેની લગનને કારણે તેઓ ઉમદા ખેલાડી બન્યા.
રાજકોટમાં રમવાને કારણે થોડા જ સમયમાં તેઓ સૌરાષ્ટ્રની ટીમમાં આવી ગયા અને ત્યાંથી આગળ વધતાં ગુજરાતની ટીમ માટે પણ રમ્યા.
આ દરમિયાન મુંબઈ જઈને મફતલાલ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમ્યા. મફતલાલની ટીમ માટે રમવાને કારણે તેમની પ્રતિભા ઓર ખીલી, કેમ કે તે ટીમમાં સ્થાન હાંસલ કરવું એટલે ગુજરાત કે સૌરાષ્ટ્રની રણજી ટીમ કરતાં પણ કપરું હતું.
આ ટીમમાંથી નિરંજન મહેતા, અશોક માંકડ, એકનાથ સોલકર, પાર્થસારથિ શર્મા, અજિત પાઈ, તુકારામ સુર્વે અને ઉદય જોશી જેવા સ્ટાર ક્રિકેટર રમતા હતા.
ધીરજ પરસાણાને મુંબઈમાં અત્યંત સ્પર્ધાત્મક ક્રિકેટ રમવાનો લાભ મળ્યો. તેને કારણે તેમની બૉલિંગની ધાર વધુ તેજ બની ગઈ અને ખાસ કરીને તેમની સ્પિન બૉલિંગ વધારે કપરી બની ગઈ.

જ્યારે એક કલાક સુધી માંજરેકર સામે બૉલિંગ કરી

ઇમેજ સ્રોત, Getty Images
ધીરજ પરસાણા પાસે શીખવાનો ઘણો મોટો ગુણ હતો. મુંબઈમાં રહીને વીનુ માંકડ, વિજય મર્ચન્ટ અને વિજય માંજરેકર જેવા ભૂતપૂર્વ ક્રિકેટરો પાસેથી તેમને માર્ગદર્શન મળી રહેતું હતું.
આવો જ એક કિસ્સો તેમણે એક વાર કહ્યો હતો કે વિજય માંજરેકરનું ડિફેન્સ સોલિડ હતું તેવું તો બધાએ સાંભળ્યું છે પણ મને તો અનુભવ થઈ ગયો હતો.
એક વાર તેઓ અચાનક મેદાન પર આવ્યા અને કહ્યું કે એ યુવાન સ્પિનરોને બોલાવો મારે તેમની સામે રમવું છે. ગુજરાતની ટીમમાં એ વખતે પરસાણા ઉપરાંત અશોક જોશી અને ઉદય જોશી હતા.
આ ત્રણેય સ્પિનરે મળીને લગભગ એક કલાક સુધી એ સમયે નિવૃત્ત થઈ ગયેલા માંજરેકર સામે બૉલિંગ કરી.
પરસાણાનું કહેવું હતું કે તેમને આઉટ કરવા તો દૂર આ કલાકમાં અમે તેમને એક બૉલ માટે પણ બિટ કરી શક્યા ન હતા. આમ વિજય માંજરેકર પાસેથી અમને કેવી રીતે ધૈર્યપૂર્વક અને ટેકનિકલી પરફેક્ટ બેટિંગ કરવી તે શીખવા મળ્યું હતું.
આજે પણ ધીરજભાઈ સાથે વાત કરો તો લેફ્ટ આર્મ સ્પિન બૉલિંગમાં ડાબો હાથ ક્યાં સુધી ઉપર જવો જોઈએ અને બૉલ ક્યારે નાખવો કરવો જોઈએ તે કહે અને તેમાંથી ઘણું શીખી શકાય.

અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમની જવાબદારી સોંપાઈ

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર મેદાન પર જ નહીં પરંતુ મેદાન બહાર પણ તેમની પાસેથી ઘણું શીખવા મળે. જેમ કે ઇંગ્લૅન્ડમાં વર્ષો સુધી કાઉન્ટી ક્રિકેટમાં રમવા જવાને કારણે તેમણે પીચ અંગે સારી એવી જાણકારી હાંસલ કરી લીધી હતી.
આ અંગે તેઓ કહે છે કે ક્રિકેટ તો એકાદ બે મૅચમાં રમવાનું હોય પણ બાકીના સમયમાં શું કરવું તે સવાલ હતો. તેથી મેં પીચ અને ગ્રાઉન્ડ અંગેની કામગીરી સંભાળી લીધી.
આમ કરવાથી મને પીચ કેવી રીતે તૈયાર કરવી, ક્યારે કેટલી માટીની જરૂર પડે અને ક્યારે કેટલા પાણીનો છંટકાવ કરવાનો તે વિશે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું જે ભારત આવીને દાયકાઓ સુધી કામ લાગ્યું.
ધીરજ પરસાણાને ભારતીય ક્રિકેટ બોર્ડના સત્તાવાર પિચ ક્યુરેટર નીમવામાં આવ્યા હતા અને તેમને વેસ્ટ ઝોનના ક્યુરેટરની જવાબદારી સોંપાઈ હતી.
જોકે આ તો 1990ના દાયકા પછીની વાત છે પરંતુ હકીકત એ છે કે 1983માં અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ બન્યું ત્યારે ક્યુરેટર તરીકે ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર પોલી ઉમરીગર હતા.
ઉમરીગરે એ સમયે પરસાણામાં પીચ ક્યુરેટરની પ્રતિભા જોઈ લીધી હતી અને તેમણે જ સ્થાનિક સત્તાવાળાઓને સલાહ આપી હતી કે પરસાણાને મોટેરા સ્ટેડિયમની પિચની જવાબદારી સોંપી દેવી જોઈએ.
આમ મોટેરામાં ધીરજ પરસાણા વર્ષો સુધી ક્યુરેટર તરીકે ફરજ બજાવતા રહ્યા.

ટોચના પાંચ ભારતીય પીચ ક્યુરેટરોમાંના એક

ઇમેજ સ્રોત, Getty Images
આજે પણ ભારતનાં વિવિધ મેદાનોના પીચ ક્યુરેટરના ઇતિહાસની વાત આવે તો મોખરાના પાંચ ક્યુરેટરમાં ધીરજ પરસાણાને સામેલ કરવા પડે.
હવે તેમના ક્રિકેટ જીવનની વાત કરીએ તો 1965-66માં તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાનો પ્રારંભ કર્યો ત્યાર બાદ તેઓ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રમતા હોવાને કારણે વેસ્ટ ઝોનમાં અને રેલવે માટે રમતા હોવાને કારણે નૉર્થ ઝોનમાં દુલીપ ટ્રૉફીમાં રમ્યા.
નવાઈ લાગે પણ જન્મસ્થળ સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત (ક્રિકેટમાં બંને અલગ ટીમ) માટેનો તેમનો રેકૉર્ડ ઊજળો છે. ગુજરાત માટે પરસાણા 37 મૅચ રમ્યા જેમાં તેમણે 1902 રન ઉપરાંત 117 વિકેટ ઝડપી તો સૌરાષ્ટ્ર માટે 15 મૅચમાં 48 વિકેટ.
જોકે તેના કરતાં પણ વેસ્ટ ઝોન માટે 20 મૅચમાં 93 વિકેટ તેમનો પ્રભાવ દાખવે છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ હજાર જેટલા રન અને 300થી વધુ વિકેટ ખેરવનારા ધીરજ પરસાણા અન્ય ગુજરાતી ક્રિકેટરો કરતાં અલગ તરી આવે છે તેનું કારણ છે તેમનામાં રહેલી બહુમુખી પ્રતિભા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













