નરેશ પટેલની પૉલિટિક્સમાં ઍન્ટ્રીમાં ફરી તારીખ પડી, આખરે ક્યાં અટક્યો છે મામલો?
બુધવારે ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલે સંસ્થાની મિટિંગ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રાજકારણમાં પદાર્પણ મામલે નિર્ણય લેવા અંગે ફરી એક વાર અંતિમ તારીખ એપ્રિલ માસના અંત સુધીમાં જણાવવાની વાત કરી છે.
વાતચીત દરમિયાન તેમણે રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કૉંગ્રેસ સાથે ન જોડાવવાની વાતને તેમનો અંગત નિર્ણય ગણાવી અને તેમના નિર્ણયની પોતે રાજકારણમાં આવશે કે કેમ તે નિર્ણય પર કોઈ અસર ન પડવાનો દાવો કર્યો હતો.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
નરેશ પટેલે પ્રશાંત કિશોરને આ વાતચીત દરમિયાન પોતાના જૂના મિત્ર ગણાવ્યા હતા. સાથે જ કહ્યું હતું કે કિશોરે માત્ર કૉંગ્રેસમાં જોડાવાની ના પાડી છે. તેમણે અન્ય રીતે તેઓ સક્રિય નહીં રહે તેવું કીધું નથી.
તેમજ નરેશ પટેલે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના નિર્ણયમાં તેઓ તેમનો સાથ આપશે તેવી તેમને આશા છે.
ગુજરાતના રાજકારણમાં પાછલા ઘણા સમયથી નરેશ પટેલના સત્તાવાર પદાર્પણની ચર્ચા થઈ રહી છે.
જુદા જુદા પક્ષો પાટીદાર આગેવાન પોતાના પક્ષ સાથે સંકળાયેલ તે માટે તલપાપડ થઈ રહેલા જોવા મળી રહ્યા છે.
પરંતુ નરેશ પટેલ આ મામલે આ પક્ષો સહિત તમામ લોકોને હજુ સુધી અવઢવમાં જ રાખવાનું પસંદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
પાછલા ઘણા દિવસોથી નરેશ પટેલની માફક ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની રાજકારણમાં જોડાવવાની ચર્ચા ચાલી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમણે મંગળવારે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમણે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ દ્વારા અપાયેલ પક્ષમાં જોડાવવાની ઑફર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
તેમણે ટ્વિટર પર પોતાનું નિવેદન રજૂ કરતાં કહ્યું કે, "કૉંગ્રેસને નેતાગીરીની જરૂરિયાત છે. મેં કૉંગ્રેસ દ્વારા પક્ષ સાથે જોડાવવાની ઉદાર ઑફર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે."
ઘણા રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે કે આગામી દિવસોમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને જોતાં પ્રશાંત કિશોરનો આગ્રહ હતો કે કૉંગ્રેસ નરેશ પટેલને પોતાના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે રજૂ કરે. પરંતુ આ અને અન્ય માંગણીઓ સંદર્ભે કોઈક વાંધો પડતાં તેઓ કૉંગ્રેસમાં સામેલ નથી થયા.
વિશ્લેષકો ગુજરાત કૉંગ્રેસની નેતાગીરી સામે પક્ષના કાર્યકારી પ્રદેશપ્રમુખ હાર્દિક પટેલની નારાજગીનું કારણ પણ નરેશ પટેલના કૉંગ્રેસમાં સંભવિત આગમનને માની રહ્યા હતા.
જોકે, આ મામલે હાર્દિકે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જો નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાય તો તેનાથી સૌથી વધુ રાજીપો તેમને થશે.
નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી નરેશ પટેલનું રાજકારણમાં આગમન થાય તે બાબત અંગે શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

'આગામી CM પાટીદાર હોય તેવું ઇચ્છીએ'

ઇમેજ સ્રોત, FACEBOOK
જો નરેશ પટેલની ગુજરાતના સક્રિય રાજકારણમાં ચર્ચામાં આવ્યા તેવા કોઈ એક પ્રસંગ વિશે વાત કરવી હોય તો તે જરૂર જૂન, 2021માં પાટીદાર આગેવાનોની એક બેઠકમાં અપાયેલ નિવેદનની ચર્ચા થવી જોઈએ.
જેમાં તેમણે જાહેરમાં આગામી ચૂંટણીમાં રાજ્યના મુખ્ય મંત્રી પાટીદાર સમાજના હોય તેવું ઇચ્છવું જોઈએ, તેવું નિવેદન આપ્યું હતું.
આ નિવેદનના થોડા સમય બાદ જ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્ય મંત્રીના પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. અને ભૂપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્ય મંત્રી નિમવામાં આવ્યા હતા.
ઘણા રાજકીય વિશ્લેષકો પાટીદાર મુખ્ય મંત્રી માટે વધી રહેલી માગ અને નરેશ પટેલ દ્વારા આ મુદ્દો ઉઠાવાયાની વાતને ભૂપેન્દ્ર પટેલ સરકારના આગમનનું નિમિત્ત ગણે છે.

અવારનવાર રાજકારણમાં આવવાની ઇચ્છા

ઇમેજ સ્રોત, FACEBOOK/KHODALDHAM
પાછલા ઘણા સમયથી પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવશે તેવી વાત ચાલી રહી છે. આ અંગે નિર્ણય લેવા માટે તેમણે ગુજરાતના જુદા જુદા સમાજ પાસેથી તેમનો મત જાણવા માટે એક આંતરિક સર્વે કરાવી રહ્યા હોવાનો પણ દાવો કર્યો હતો.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં અવારનવાર આ સર્વેનાં પરિણામને આધારે પોતે રાજકારણમાં જોડાશે કે કેમ તે અંગે નિર્ણય લેવાની વાત કરી હતી.
તાજેતરમાં જ પત્રકારો સાથેની એક વાતચીતમાં પણ તેમણે આ સર્વે લગભગ પૂર્ણ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું જેનાં પરિણામો અંગે ખોડલધામ ટ્રસ્ટની મિટિંગ સમયે ચર્ચા થવાની હોવાનું જણાવ્યું હતું.
કેટલાક મીડિયા સંસ્થાનોએ નરેશ પટેલે રાજકારણમાં જોડાવવું કે કેમ તે અંગે વાત કરાવેલ સર્વેમાં નકારાત્મક પરિણામો આવ્યાં હોવાની વાત પણ કરી હતી.
નકારાત્મક પરિણામોની વાત અંગે ખુલાસો કરતાં નરેશ પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "જે લોકો આવી વાત કરે છે કે સર્વેનું પરિણામ નકારાત્મક આવ્યું છે તેઓ માત્ર ગુજરાતના વડીલોની વાત કરી રહ્યા હોય તેવું લાગે છે. પરંતુ ગુજરાતના યુવાનો વિશે તેમને ખબર નથી. વડીલો મારી ચિંતા કરે છે. તેથી કદાચ તેઓ મારી રક્ષા કરવા માગે છે, આ જ કારણે તેઓ હું સક્રિય રાજકારણમાં ન જોડાઉં તેવું ઇચ્છે છે. તેમ છતાં તેઓ ક્યારેય એવું નથી કહેતા કે મારે રાજકારણમાં ન જ જવું જોઈએ. તેઓ માત્ર એટલું જ કહે છે કે જો હું ન જઉં તો સારું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં રાજકોટ ઍરપૉર્ટ ખાતે પત્રકારો સાથે થયેલી વાતચીતમાં નરેશ પટેલે પોતે દિલ્હી ગયા હતા તેવો સ્વીકાર કર્યો હતો.
જે બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. અને કહેવાઈ રહ્યું હતું કે તેઓ કૉંગ્રેસના મોવડીમંડળ સાથે રાજકીય ચર્ચા અને મિટિંગ અર્થે દિલ્હી ગયા હતા. આ વાતોને નરેશ પટેલે રદિયો આપ્યો હતો. અને કહ્યું હતું કે તેઓ લગ્નમાં હાજરી આપવા માટે દિલ્હી ગયા હતા. પરંતુ ત્યાં તેમની મુલાકાત જુદી જુદી પાર્ટીના લોકો અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે થઈ હતી.
જ્યારે પત્રકારોએ તેમને રાજકારણમાં જોડાવવા અંગે ક્યારે જાહેરાત કરશો તેવો પ્રશ્નો પૂછ્યો હતો તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, "આગામી 15 મે સુધીમાં તેઓ ચોક્કસપણે આ બાબતે સ્પષ્ટતા કરશે."
નરેશ પટેલે જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા તેમનો સંપર્ક કરાઈ રહ્યો હોવાની વાત પણ સ્વીકારી હતી.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
પરંતુ હવે પ્રશાંત કિશોર દ્વારા કૉંગ્રેસમાં જોડાવવાની ઑફર નકારી દેવાતાં એવી વ્યાપક શક્યતા સેવાઈ રહી છે કે નરેશ પટેલ પણ કૉંગ્રેસમાં કે રાજકારણમાં નહીં જોડાય.
નોંધનીય છે કે ગુજરાત કૉંગ્રેસને આશા હતી કે તેઓ ભાજપને નરેશ પટેલના ચહેરાને પાર્ટીમાં આગળ ધરીને તેઓ પાટીદાર મતો મેળવીને આ વખત વર્ષ 2017 કરતાં પણ ખરાબ સ્થિતિમાં મૂકી શકશે.
માર્ચ, 2022માં પાટીદાર અનામત આંદોલનથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને સક્રિય રાજકારણમાં આવવા અને કૉંગ્રેસ સાથે હાથ મિલાવવાની અપીલ કરતો ખુલ્લો પત્ર લખ્યો હતો.
હાર્દિક પટેલ નરેશ પટેલને સંબોધીને પત્રમાં લખ્યું હતું કે પાટીદાર સમાજને અનુભવી નેતાની જરૂર છે. તેમના આ પગલાથી અન્યાય સામે જંગ લડવા નીકળેલા હજારો યુવાઓને આશા મળશે.
પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલે માર્ચ, 2022માં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને રાજકારણમાં આવવું છે, પરંતુ તેઓ સર્વેના આધારે અંતિમ નિર્ણય લેશે.
આ સાથે જ એવી ચર્ચા શરૂ થઈ કે નરેશ પટેલ રાજકારણમાં સામેલ થવાની વાત પર સ્પષ્ટ મત કેમ વ્યક્ત નથી કરી રહ્યા.
નોંધનીય છે કે આ વાતચીત અગાઉ પાટીદાર અગ્રણી નરેશ પટેલે જાહેરાત કરી હતી કે તેઓ 30 માર્ચ સુધી રાજકારણમાં આવવા અંગે નિર્ણય લેશે.
પરંતુ થોડા દિવસ બાદ પત્રકારો સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં પદાર્પણ કરવું કે કેમ તે અંગે સર્વે કરાવી રહ્યા છે, જેનાં પરિણામ એપ્રિલ માસ સુધીમાં આવી શકે છે.
આમ, તેમણે ફરી એક વાર ગુજરાતના રાજકારણમાં પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવાની મુદ્દત લંબાવી દીધી હતી.
નરેશ પટેલે પત્રકારપરિષદને સંબોધતાં જણાવ્યું કે, "એક વર્ગ એવો છે કે જે માને છે કે હું અત્યારે જ્યાં છું, ત્યાં જ ઠીક છું. જ્યારે બીજો એક વર્ગ કહે છે કે મારે રાજકારણમાં જવું જોઈએ."
"ખોડલધામની જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સમિતિઓ છે. આ સમિતિ લોકોના અભિપ્રાયો મેળવી રહી છે."
નરેશ પટેલે પત્રકારપરિષદને સંબોધતાં જણાવ્યું કે, "ખોડલધામની જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સમિતિઓ છે. આ સમિતિઓ લોકોના અભિપ્રાયો મેળવી રહી છે."
આમાં 'નરેશ પટેલે રાજકારણમાં જોડાવું જોઈએ? ક્યા પક્ષમાં જોડાવું જોઈએ?' જેવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
નરેશ પટેલ જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે કે તેમની તથા તેમના પરિવારની વિચારધારા કૉંગ્રેસની રહી છે. સાથે જ તેઓ આ વાત ભૂતકાળ હોવાનું પણ કહી ચૂક્યા છે.
વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે કહ્યું હતું, "વ્યક્તિગત રીતે હું ગુજરાતમાં પરિવર્તન (મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીના બદલે અન્ય કોઈને) જોવા ઇચ્છીશ."
એ વખતે કાગવડ ખાતે સમાજના કરદેવી ખોડિયાર માતાના મંદિરના ભૂમિપૂજન વખતે 21 લાખ લેઉઆ પાટીદારોને એકઠા કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું.
એ ચૂંટણીમાં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું અને બે બેઠક જીતી હતી. કથિત રીતે નરેશ પટેલે જ પોતાના પૂર્વ પડોશી કેશુભાઈ પટેલને અલગ પાર્ટી ઊભી કરવા તથા મોદીને પડકારવા માટે તૈયાર કર્યા હતા. કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, ત્યારથી નરેશ પટેલ તેમની નજીક હતા.
જાન્યુઆરી-2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન નરેશ પટેલે ઊંઝા ખાતે ઉમિયાધામની મુલાકાત લેતી વખતે કહ્યું હતું, "મહદ્અંશે આપણે સંગઠિત થયા છીએ, પરંતુ હજુ કોઈક ઊણપ છે. રાજકારણમાં આપણી નોંધ નથી લેવાતી, તે બાબતે આપણે ચિંતા કરવાની જરૂર છે."
2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે ખોડલધામના બે ટ્રસ્ટીને ટિકિટ આપી હતી. દિનેશ ચોવટિયા (રાજકોટ દક્ષિણ) તથા રવિ આંબલિયાને (જેતપુર) ટિકિટ આપી હતી.
જ્યારે ભાજપે મંદિરના ટ્રસ્ટી ગોપાલ વસ્તારપરાને લાઠીની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. ખોડલધામ સાથે નજીકથી સંકળાયેલા મિતુલ દોંગાને કૉંગ્રેસે રાજકોટ પૂર્વની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા.
હાર્દિક પટેલે ખોડલધામનું 'ભગવાકરણ' થઈ ગયું હોવાના આરોપ મૂક્યા હતા, જેના પગલે નરેશ પટેલે ટ્રસ્ટના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. સમાજના આગેવાનોની સમજાવટ બાદ રાજીનામું પાછું ખેંચ્યું હતું અને સંગઠનના ચૅરમૅન બન્યા હતા.
જોકે, નરેશ પટેલના દીકરા શિવરાજે કૉંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. એ પછી હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષના પદ સુધી પહોંચ્યા છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












