સાવ ઓછું ખાઓ છો, છતાં વજન નથી ઘટતું? આ કારણ જવાબદાર હોઈ શકે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મેલિસા હોગનબૂમ
- પદ, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 6 મિનિટ
મન અને શરીરનો સંબંધ આપણી ભૂખ પર અસર કરી શકે છે. તેથી તેનો આધાર માત્ર એ વાત પર નથી રહેતો કે તમે શું ખાઓ છો, પરંતુ તેના પર પણ છે કે તમે તેના વિશે શું વિચારો છો.
હકીકતમાં, આપણે જે ખાવાની ઇચ્છા કરીએ છીએ, તે ભૂખ અને પેટ ભરવા વિશે મગજની ધારણાઓને અસર કરે છે.
જો તમારી સામે એક સ્વાદિષ્ટ ચૉકલેટ બાર અને ઓછી કૅલરીવાળો, કુદરતી રીતે ગળ્યો કરાયેલો તેનો વિકલ્પ મૂકવામાં આવે, તો તમે કોને પસંદ કરશો?
આપણામાંના મોટા ભાગના લોકો જાણે છે કે આપણે બીજો વિકલ્પ પસંદ કરવો જોઈએ, પરંતુ એક સ્વાદિષ્ટ પદાર્થથી દૂર રહેવું ખૂબ જ અઘરું હોય છે. આ જ કારણે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે, તેમના માટે ડાયટ જાળવી રાખવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે.
આપણી શારીરિક રચના જ એવી છે કે આંશિક રીતે આપણે વધારે ઊર્જા આપનાર, ગળ્યા ખાદ્ય પદાર્થ તરફ આકર્ષાઈએ છીએ, કેમ કે, આપણા શરૂઆતના પૂર્વજો ક્યારેક આની પર જ આધારિત હતા.
અને આપણી આસપાસનું વાતાવરણ આ પડકારમાં વધારો કરે છે, જે ખૂબ જ વધારે કૅલરીવાળા, અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોથી ભરેલું છે, અને જ્યારે આપણે તે ખાઈએ છીએ ત્યારે તે ખાવાની આપણી ટેવો બાબતે અપરાધબોધની લાગણી વધારી શકે છે.
મિશિગન યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનાં પ્રોફેસર ઍશલી ગિયરહાર્ડ્ટ કહે છે, "અલ્ટ્રા પ્રોસેસ્ડ ઉત્પાદનો હકીકતમાં એક હેવી મેટલ કૉન્સર્ટ જેવા હોય છે. તેને એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે બીજું બધું દબાઈ જાય અને એ સ્થિતિમાં લોકો માટે ફળ કે શાકભાજીના સૂક્ષ્મ શાસ્ત્રીય સંગીતને સાંભળી શકવું ખરેખર ખૂબ મુશ્કેલ બની જાય છે."
પરંતુ સંશોધન એ વિચાર તરફ ઇશારો કરે છે કે સ્વસ્થ વજન જાળવી રાખવા માટે આપણે માત્ર એના પર ધ્યાન ન આપવું જોઈએ કે આપણે શું ખાઈએ છીએ, પરંતુ ખાવા તરફનો આપણો દૃષ્ટિકોણ પણ મહત્ત્વનો છે. સાચું તો એ છે કે ખાવાનો આનંદ માણવો સ્વાસ્થ્ય માટે લાભકારક છે, કેમ કે આપણે શું ખાધું છે તેના વિશેનો આપણો વિચાર જ નક્કી કરે છે કે આપણને કેટલી ભૂખ લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અસંતોષજનક 'હેલ્ધી' મિલ્કશેક
આજથી 15 વર્ષ પહેલાં પ્રકાશિત એક ખૂબ જ જાણીતા પ્રયોગમાં વૈજ્ઞાનિકોના એક જૂથને જોવા મળ્યું કે ભોજન વિશેના આપણા વિચાર એ વાતને અસર કરી શકે છે કે આપણું શરીર કઈ રીતે પ્રતિક્રિયા કરે છે.
અમેરિકાની સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીનાં મનોવૈજ્ઞાનિક આલિયા ક્રમના નેતૃત્વમાં એક ટીમે દર્શાવ્યું કે જો ભાગ લેનારાઓને લાગે કે તેઓ વધારે કૅલરીવાળો આનંદદાયક મિલ્કશેક પી રહ્યા છે, તો તેમનાં શરીરની હૉર્મોનલ પ્રતિક્રિયા જુદી હોય છે.
હકીકતમાં આ એ વાત પર આધાર રાખે છે કે તેઓ શું ખાઈ રહ્યા છે, તેના વિશે તેઓ શું વિચારે છે, એ નહીં કે તેમણે વાસ્તવમાં કેટલી કૅલરી લીધી છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભાગ લેનારાઓને એક જ મિલ્કશેક આપવામાં આવ્યો હતો, પરંતુ કેટલાકને કહેવામાં આવ્યું કે આ આરોગ્યપ્રદ છે અને તેમાં માત્ર 140 કૅલરી છે, જ્યારે અન્યોને કહેવામાં આવ્યું કે આ 620 કૅલરીવાળો 'આનંદદાયક' શેક છે. હકીકતમાં એ મિલ્કશેક માત્ર 380 કૅલરીનો જ હતો.
જ્યારે ભાગ લેનારાઓને લાગ્યું કે તેઓ 'આનંદદાયક' શેક પી રહ્યા છે, ત્યારે તેમનામાં ભૂખ વધારનાર હૉર્મોન ઘ્રેલિનમાં ખૂબ જ ઝડપી ઘટાડો જોવા મળ્યો. ઘ્રેલિન ભૂખ ઉત્તેજિત કરે છે અને સામાન્ય રીતે ત્યારે વધે છે જ્યારે આપણને ભૂખ લાગે છે, અને ત્યારે ઘટે છે જ્યારે આપણું પેટ ભરાઈ જાય છે. પરંતુ જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ એક હેલ્ધી શેક પી રહ્યા છે, ત્યારે ઘ્રેલિનમાં ઓછો ઘટાડો હતો.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આનાથી એ જાણવા મળ્યું કે ખાવા બાબતનો તેમનો દૃષ્ટિકોણ અને અપેક્ષાઓ એ વાતને બદલી નાખે છે કે તેમનું શરીર કઈ રીતે પ્રતિક્રિયા આપે છે. ક્રમ કહે છે, "એમ માનવું કે તમે ઘણું ખાઈ લીધું છે, શરીરને એવી પ્રતિક્રિયા આપવા મજબૂર કરે છે, જાણે કે તેણે ખરેખર ઘણું ખાઈ લીધું હોય."
સ્વસ્થ વજન જાળવી રાખવા માટે આ વાત મહત્ત્વપૂર્ણ છે, કેમ કે ઘ્રેલિન આપણા મેટાબૉલિઝમને અસર કરે છે. જો આપણને પેટ ભરાયેલું ન લાગે અને મેટાબૉલિઝમ ધીમું પડી જાય, તો આપણું શરીર એટલી ઊર્જાનો વપરાશ કરી શકતું નથી.
તેથી ખૂબ જ વધારે સંયમી માઇન્ડ સેટ સ્વસ્થ વજન જાળવી રાખવામાં અવળી અસર કરી શકે છે. "જો તમે વજન ઘટાડવાની કોશિશમાં ખાંડ, વસા અને કુલ કૅલરી તો ઘટાડો છો, પરંતુ સતત સ્વયંને અટકાવનાર માઇન્ડ સેટમાં રહો છો, તો તેનાથી તમારું વજન એટલું નહીં ઘટી શકે, જેટલું ઘટી શકતું હતું."
ક્રમને પેટ ભરવાની આપણી આનુવંશિક પ્રવૃત્તિના સંદર્ભમાં પણ એકસમાન પરિણામ જોવા મળ્યાં. જે લોકોને કહેવામાં આવ્યું કે તેમની અંદર એવા જનીન છે જે તેમને સરળતાથી ભૂખની સંતુષ્ટિની અનુભૂતિ કરાવે છે, એટલે તેમણે વજનને નિયંત્રિત કરનાર હૉર્મોન ડીએલપી-1નું વધારે ઉત્પાદન કર્યું, ભલે ને તેમની પાસે હકીકતમાં એવા જનીન નહોતા.
લેબલિંગનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
લેબલિંગ પણ ફરક પાડી શકે છે. એક અન્ય અભ્યાસમાં ભાગ લેનારાઓને એક પ્રોટીન બાર ખાવાનું કહેવામાં આવ્યું. તેના પર કાં તો 'સ્વાદિષ્ટ' કાં તો 'આરોગ્યપ્રદ' લખેલું હતું – જોકે, બંનેનું પોષણસ્તર સમાન હતું. ભાગ લેનારાઓના એક ત્રીજા સમૂહને માત્ર બારની બનાવટનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવ્યું.
'હેલ્ધી બાર' ખાધા પછી ભાગ લેનારાઓએ જણાવ્યું કે તેઓ ઓછી સંતુષ્ટિ અનુભવતા હતા અને તેમને વધારે ભૂખ લાગી. એ બાદ તેમણે વધુ ભોજન લીધું, એ લોકો કરતાં પણ વધુ જેમણે એ બાર ખાધો જ નહોતો.
આના દ્વારા જાણવા મળે છે કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં લેબલ આનંદ માણવાની આશાને ઘટાડી શકે છે, એટલે કે જે ખાદ્ય પદાર્થોને હેલ્ધી કહીને વેચવામાં આવે છે તે આપણને ઓછી સંતુષ્ટિની અનુભૂતિ કરાવી શકે છે.
હેલ્ધી ખાદ્ય પદાર્થોને એ રીતે લેબલ કરવા કે તેમાં સ્વાસ્થ્ય કે પોષણના બદલે સ્વાદ અને આનંદ પર ભાર હોય, તો તે લોકોની એ વસ્તુઓનો આનંદ માણવાની સંભાવનાને વધારતું જોવા મળ્યું છે. એટલે કે એવી વસ્તુઓને ખાઈને લોકોને વધુ સંતોષનો અનુભવ થયો છે.
એ જ રીતે, જે લોકો ચૉકલેટ કેક જેવી કોઈ લલચામણી વસ્તુઓની બાબતમાં અપરાધબોધ અનુભવતા હોય, તેઓ વજન ઘટાડવામાં વધારે સફળ નથી થતા.
આ બધા અભ્યાસોને એક સાથે જોઈએ તો તે એવા લોકો માટે મહત્ત્વનો સંકેત આપે છે જેઓ પોતાનું વજન ઓછું કરવા માગે છે.
જેમ કે, મારા સહયોગી ડેવિડ રૉબસને પોતાના પુસ્તક 'ધ એક્સ્પેક્ટેશન ઇફેક્ટ'માં વિસ્તારથી જણાવ્યું છે કે પોતાને કોઈ મીજબાનીથી વંચિત રાખવા તે એ વાતની ખાતરી નથી આપતું કે તમે ઓછી કૅલરી જ ખાશો. હકીકતમાં વધારે પડતો સંયમ પછીથી તેની ભરપાઈના ભાગરૂપે વધારે ખાવાની દિશામાં લઈ જઈ શકે છે.
ક્રમ કહે છે કે તેના બદલે આપણે આપણા શરીર પર વિશ્વાસ રાખવા અને ભોજનનાં એવાં વર્ણનોથી દૂર રહેવા પર ધ્યાન આપવું જોઈએ જે કશુંક છૂટી ગયાની અનુભૂતિ કરાવતાં હોય, જેમ કે 'લાઇટ', 'લો' કે 'રિડ્યૂસ્ડ'. તેઓ કહે છે, "એવી અનુભૂતિ કે તમને ઘણું બધું નથી મળતું, હકીકતમાં ડાયટિંગની અસરને ઊલટી કરી શકે છે."

ઇમેજ સ્રોત, Getty Images
ગિયરહાર્ડ્ટ પણ આની સાથે સંમત છે અને કહે છે કે માત્ર પોષક તત્ત્વો અને કૅલરી પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતાં આપણા માટે ભોજનને આનંદદાયક રૂપમાં વિચારવું લાભકારક રહેશે. તેઓ કહે છે, "જ્યારે આપણે સ્વયંને રોકીએ છીએ ત્યારે તે એક બોજ બની શકે છે."
ગિયરહાર્ડ્ટ કહે છે કે તેના બદલે આપણે પ્રોસેસ કર્યા વગરનાં ભોજન, જેમાં પ્રોટીન અને ઘણાં બધાં ફળ–શાકભાજી હોય, તેના પર ધ્યાન આપવું જોઈએ.
"આ એ જ ભોજન છે, જેને માનવશરીરના પોષણ માટે બનાવવામાં આવ્યું છે અને જે તેને સંતોષજનક અને આકર્ષક લાગે છે."
અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોને ઘટાડવાથી પણ આમાં મદદ મળશે, કેમ કે તે આપણને જરૂરી પોષક તત્ત્વો નથી આપતા અને આપણામાં વધારે ખાવાની ઇચ્છા જન્માવી શકે છે.
ક્રમની દલીલ છે કે આ બધું આપણે એક 'આનંદ મેળવવાના ભાવ' સાથે પણ કરી શકીએ છીએ. તેનો અર્થ એ કે તમારે માત્ર સંયમ જાળવવા પર ધ્યાન આપવાના બદલે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તમારા શરીરને એ જ મળી રહ્યું છે, જેની તેને જરૂર છે.
ક્રમ કહે છે, "પોતાના પર અને પોતાના શરીર પર વિશ્વાસ રાખો કે તેને યોગ્ય સમયે યોગ્ય વસ્તુઓની ભૂખ લાગશે."
સંતુલિત આહારની સાથોસાથ, ક્યારેક-ક્યારેક કંઈક સ્વાદિષ્ટ ખાવું અને તેનો આનંદ લેવો સ્વસ્થ વજન જાળવી રાખવામાં સ્પષ્ટ રીતે એક ભૂમિકા ભજવી શકે છે.
મેલિસા હોગનબૂમ બીબીસીનાં વરિષ્ઠ સ્વાસ્થ્ય સંવાદદાતા છે અને 'બ્રેડવિનર્સ' (2025) તથા 'ધ મધરહુડ કૉમ્પ્લેક્સ'નાં લેખિકા છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર melissa_hogenboom નામથી સક્રિય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























