પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અને ટીએમસીની હાર માટે એસઆઇઆર જવાબદાર છે?

પશ્ચિમ બંગાળ, તૃણમૂલ કૉંગ્રેસ, sir

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સોમવારે પટણા ખાતે ભાજપના સમર્થકોએ પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી ઝાલમુરી વહેંચીને કરી હતી
    • લેેખક, અભિક દેબ
  • વાંચવાનો સમય: 5 મિનિટ

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભારતીય જનતા પક્ષ (ભાજપ) 294 બેઠકોમાંથી 207 જીતીને સરકાર બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) 15 વર્ષ સત્તામાં રહ્યા બાદ 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે.

સોમવાર સુધી એક બેઠક પર મતગણતરી પૂર્ણ થઈ નહોતી (ચૂંટણીપંચ અનુસાર, ટીએમસી આ બેઠક પર આગળ છે), જ્યારે બીજી બેઠક, ફાલ્ટા પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે.

ચૂંટણી અગાઉ, રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)નો મુદ્દો સતત સમાચારમાં રહ્યો હતો. રાજ્યની મતદારયાદીમાંથી અંદાજે 91 લાખ મતદારોનાં નામ હઠાવી દેવાયાં હતાં.

આ આંકડામાં મૃત, સ્થળાંતરિત, ગેરહાજર, ડુપ્લિકેટ, 2002ની મતદારયાદીમાં નોંધાયેલા ન હોય એવા મતદાર અને જેમનાં નામની નોંધણીમાં 'તાર્કિક વિસંગતિઓ' હતી એ બધા લોકો સામેલ છે.

ટીએમસીએ વારંવાર આરોપ કર્યો હતો કે મતદારયાદીમાંથી નામ હઠાવવાનું કામ મુસ્લિમ મતદારોને નિશાન બનાવીને કરાયું હતું. મુસ્લિમ મતદારોને ટીએમસીના પાયાના મતદાર માનવામાં આવે છે.

કેટલાક રાજકીય વિશ્લેષકોએ પણ આ દાવાનું સમર્થન કર્યું.

શું એસઆઇઆરની પ્રક્રિયા નિર્ણાયક સાબિત થઈ?

પશ્ચિમ બંગાળ, તૃણમૂલ કૉંગ્રેસ, sir

પરંતુ પ્રશ્ન એ છે કે એસઆઇઆરની ખરેખર કેટલી અસર થઈ?

પશ્ચિમ બંગાળમાં એવી 112 બેઠકો હતી જ્યાં 25 હજારથી કે વધુ મતદારોનાં નામ કમી (નેટ ડિલીશન) કરાયાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેટ ડિલીશનમાં એ તમામ મતદારોને સામેલ કરાયા છે જેમનાં નામ યાદીમાંથી હઠાવાયાં છે, પરંતુ તેમાં એ લોકો સામેલ નથી, જેમને મૃતક તરીકે ઓળખાવવામાં આવ્યાં છે.

બીબીસી આ માપદંડને એટલા માટે ધ્યાને લઈ રહ્યું છે, કારણ કે, મૃત જાહેર કરાયેલા મતદારો સિવાય, એસઆઇઆર હેઠળ દૂર કરાયેલા અન્ય તમામ વ્યક્તિ અપીલ દાખલ કરવા માટે પાત્ર છે અને તેથી તેમનાં નામ ફરીથી યાદીમાં આવવાની શક્યતા રહેલી છે.

25 હજારથી વધુ નેટ ડિલીશનવાળી 112 બેઠકોમાંથી, ટીએમસીએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં 86 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે તેમાંથી 26 બેઠકો જીતી હતી.

આ વખતે પાસાં પૂરેપૂરાં પલટાઈ ગયાં છે. વર્તમાન સ્થિતિ મુજબ, ભાજપે આ પૈકીની 72 બેઠકો જીતી છે, જેમાં ભવાનીપુર પણ સામેલ છે, જ્યાંથી મમતા બેનરજીની હાર થઈ છે.

તેમજ આ પૈકી ટીએમસીને માત્ર 39 બેઠકો પર જ જીત મળી, જ્યારે કૉંગ્રેસને ફાળે એક બેઠક ગઈ.

એસઆઇઆર અંતર્ગત મતદારયાદી સંશોધનોનું વિશ્લેષણ કરી રહેલા સબર ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય સંશોધક સાબિર અહમદે કહ્યું, "એસઆઇઆર અંતર્ગત નામોને હઠાવવાની વાત નિશ્ચિતપણે આ પરિણામ પાછળનું એક પ્રમુખ કારણ છે."

તેઓ કહે છે, "એસઆઇઆર અંતર્ગત નામ હઠાવવાની સાથોસાથ પાયાના સ્તરે મતોમાં બેથી ત્રણ ટકાનું સ્વિંગ પણ અંતર પૂરવા માટે પૂરતું છે."

પશ્ચિમ બંગાળ, તૃણમૂલ કૉંગ્રેસ, sir

બારીકાઈથી જોતાં એસઆઇઆરની અસર સ્પષ્ટપણે જોવા મળે છે.

જો આપણે એ દસ બેઠકો પર નજર કરીએ જ્યાં એસઆઇઆર અંતર્ગત મૃતકોને બાદ કરતાં સૌથી વધુ સંખ્યામાં મતદારોનાં નામ કમી કરાયાં તો એ તમામ બેઠકો 2021માં તૃણમૂલ કૉંગ્રેસે જીતી હતી.

ટીએમસી અને તેના સાથી પક્ષોએ 2011માં સત્તામાં આવ્યા ત્યારથી ઓછામાં ઓછી બે વિધાનસભા ચૂંટણીઓમાં આ દસમાંથી નવ બેઠકો જીતી હતી. વિશ્લેષણ સૂચવે છે કે આ બેઠકો તૃણમૂલ કૉંગ્રેસનું ગઢ મનાય છે.

જોકે, આ ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસને આ દસ બેઠકોમાંથી બે બેઠકો - જોરાસાંકો અને હાવડા ઉત્તર - ગુમાવવી પડી.

અન્ય તમામ બેઠકોમાં પણ ટીએમસીની જીતનું અંતર ઘટ્યું છે.

રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે "તાર્કિક વિસંગતતાઓ" ના કારણે દૂર કરાયેલા 27 લાખ મતદારો રાજ્યના કુલ મતદારોના લગભગ 5% હતા.

તેમણે કહ્યું કે ભાજપનો વોટ શૅર પણ ટીએમસી કરતાં લગભગ એટલા ટકા જ (5%) ઝાઝો રહ્યો.

યાદવે કહ્યું, "આ એક સંયોગ હોઈ શકે છે, પરંતુ એ સ્પષ્ટ છે કે એસઆઇઆર એક મહત્ત્વપૂર્ણ પરિબળ હતું."

પશ્ચિમ બંગાળ, તૃણમૂલ કૉંગ્રેસ, sir

અન્ય કયાં કારણ જવાબદાર?

પરંતુ શું મમતા બેનરજીના નેતૃત્વવાળી મજબૂત સરકારને ઉથલાવી દેવા માટે માત્ર એસઆઇઆર (SIR) જ જવાબદાર હતું?

નીચેના ટેબલમાં દેખાય છે કે આ દસ બેઠકોમાંથી ચાર બેઠકો પર 2021ની સરખામણીએ આ ચૂંટણીમાં વધુ મતદાન થયું હતું. જ્યારે બાકીની છ બેઠકો પર મતદાન થોડું ઘટ્યું હતું, પરંતુ યાદીમાંથી દૂર કરાયેલા મતદારોની સંખ્યાની તુલનામાં આ ઘટાડો ઓછો હતો.

પશ્ચિમ બંગાળ, તૃણમૂલ કૉંગ્રેસ, sir

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે આની પાછળનું એક કારણ એ હતું કે અન્ય રાજ્યોમાં પ્રવાસી મજૂર તરીકે કામ કરતા મતદારો આ વખતે મોટી સંખ્યામાં ચૂંટણી માટે પશ્ચિમ બંગાળ પરત ફર્યા હતા.

વરિષ્ઠ પત્રકાર મોનીદીપા બેનરજીએ બીબીસીને જણાવ્યું કે ચૂંટણી પહેલાં, ઘણા વિશ્લેષકોએ એવું માની લીધું હતું કે આ મતદારોએ એસઆઇઆર વિરુદ્ધ અને આ પ્રખ્રિયાને કારણે મતાધિકારથી વંચિત થવાની આશંકાને કારણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાના આશયથી મતદાન કર્યું હતું.

તેમણે કહ્યું , "પરંતુ પરિણામો સૂચવે છે કે આ મતદારોના મોટા હિસ્સાએ ખરેખર ટીએમસીની વિરુદ્ધ મતદાન કર્યું છે."

બેનરજીએ ઉમેર્યું કે એસઆઇઆરે ચોક્કસપણે લાખો મતદારો માટે "હેરાનગતિ" ઊભી કરી હતી, જેમાંથી ઘણાએ "કોઈ પણ કારણ વિના તેમના મતાધિકાર ગુમાવ્યા" હતા.

તેમણે જણાવ્યું, "તેમ છતાં, એસઆઇઆર અને તેની આસપાસની ચર્ચાઓ ટીએમસી માટે ધ્યાન ભટકાવવાનું કામ કરી ગઈ. આ સ્થિતિએ મમતા બેનરજીને એસઆઇઆર વિરુદ્ધ ઉગ્ર બનાવ્યાં અને ટીએમસીનું ધ્યાન વ્યાપક સત્તાવિરોધી લહેરનો સામનો કરવાથી હઠી ગયું.

રાજકીય વિશ્લેષક સ્નિગ્ધેન્દુ ભટ્ટાચાર્યે પણ કહ્યું કે પશ્ચિમ બંગાળનાં પરિણામો માટે માત્ર એસઆઇઆરને જવાબદાર ગણી શકાય નહીં.

"એસઆઇઆરએ ચોક્કસપણે તૃણમૂલના વોટ શૅરમાં થોડો ઘટાડો કર્યો, પરંતુ તેણે તૃણમૂલવિરોધી મતદારોના એક મોટા વર્ગને ઉત્સાહિત પણ કર્યા. આ મતદારોએ તેને સરકારને હઠાવવાની શ્રેષ્ઠ તક તરીકે જોઈ."

બેનરજી અને ભટ્ટાચાર્ય બંનેએ જણાવ્યું હતું કે રોજગારીની કમી અને તૃણમૂલના પાયાના સ્તરના કાર્યકરોનું આપખુદ વલણ વગેરે કારણોને લીધે મતદારોમાં ભારે સત્તાવિરોધી લહેર પ્રવર્તી રહી હતી.

એસઆઇઆર અને રાજ્યમાં કેન્દ્રીય દળોની ભારે તહેનાતીએ મતદારોમાં એવો વિશ્વાસ જગાડ્યો કે સરકારને ખરેખર ઉથલાવી શકાય છે.

પશ્ચિમ બંગાળ, તૃણમૂલ કૉંગ્રેસ, sir

ઇમેજ સ્રોત, ANI

પરિણામો પહેલાં, વિશ્લેષકોએ મુસ્લિમ મતોના વધુ એકતરફી રહેવાની પણ આગાહી કરી હતી, જેનો ટીએમસીને લાભ થઈ શક્યો હોત.

પશ્ચિમ બંગાળમાં 27% મુસ્લિમ મતદારો છે, વિશ્લેષકો અનુસાર જે પૈકી મોટા ભાગના 2011 મમતા બેનરજીના પક્ષને સમર્થન આપતા રહ્યા છે.

જોકે, આ વખત, મુસ્લિમ મતોમાં વિભાજન જોવા મળી રહ્યું છે.

સાબીર અહેમદે કહ્યું કે મુસ્લિમ મતદારોમાં "સ્પર્ધાત્મક કોમવાદી રાજકારણ" ને કારણે અમુક હદ સુધી નિરાશા છે.

તેમણે જણાવ્યું, "પરિણામે, માલ્દા અને મુર્શિદાબાદ જેવા જિલ્લા, જે અત્યાર સુધી તૃણમૂલનાં ગઢ રહ્યાં છે ત્યાં બહેતર પ્રદર્શનને કારણે કૉંગ્રેસના વોટ શૅરમાં વધારો થયો છે. એવું લાગે છે કે જો એસઆઇઆરની પ્રક્રિયા ન થઈ હોત તો કૉંગ્રેસને હજુ વધુ ફાયદો થયો હોત."

બેનરજીએ પણ કહ્યું કે મુસ્લિમ મતોમાં વિભાજન જોવા મળી રહ્યું છે.

તેમણે કહ્યું "પશ્ચિમ બંગાળમાં અંદાજે 90 થી 100 બેઠકો એવી છે, જેનો નિર્ણય મુસ્લિમ મતો દ્વારા નક્કી થાય છે."

તેમણે કહ્યું કે તૃણમૂલની કુલ બેઠકોની સંખ્યા આ આંકડા કરતાં ઘટી જાય એ બતાવે છે કે મુસ્લિમ મતદારોનો એક વર્ગ પક્ષથી દૂર થઈ ગયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન