તામિલનાડુમાં 'થલપતિ' વિજય 'હીરો', ટીવીકે પાર્ટીની સ્થાપના કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, TVK
દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર જૉસેફ વિજયે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં સૌને ચોંકાવી દીધા છે.
વિજય, જેને તેમના ફૅન્સ 'થલપતિ'ના નામથી જાણે છે, તેમની પાર્ટી ટીવીકે (તામિલગા વેટ્રી કઝગમ)એ મુખ્ય મંત્રી એમકે સ્ટાલિનની ડીએમકેને પણ વલણોમાં પાછળ છોડી દીધાં છે.
અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના નેતૃત્વ હેઠળની પાર્ટી, તામિલગા વેટ્રી કઝગમ (TVK), તામિલનાડુમાં જબરદસ્ત જીત તરફ આગળ વધી રહી છે. શરૂઆતી વલણો મુજબ, પાર્ટી 100 થી વધુ વિધાનસભા બેઠકો પર આગળ ચાલી રહી છે. સત્તારૂઢ દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ગઠબંધન ત્રીજા સ્થાને ધકેલાઈ ગયું છે, જ્યારે અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (AIADMK) ગઠબંધન બીજા ક્રમે છે, જે TVK થી થોડું પાછળ છે.
ટીવીકે એ સૌથી મોટી પાર્ટી બનીને ઘણા ઍક્ઝિટ પોલ્સને ખોટા સાબિત કર્યા છે. મોટાભાગના ઍક્ઝિટ પોલ્સ પ્રમાણે DMK ગઠબંધન તામિલનાડુમાં જીતી જશે તેઓ અંદાજ લગાવ્યો હતો. પરંતુ માત્ર 'ઍક્સિસ માય ઇન્ડિયા' એ જ TVK સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવશે અને 35% વોટ શૅર હાંસલ કરશે તેવી આગાહી કરી હતી.
આ જીત એ પાર્ટી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેણે હજુ બે વર્ષ પહેલાં એટલે કે 2024માં જ આ પાર્ટીની સ્થાપના થઈ હતી. રાજ્યમાં કોઈ નવી પાર્ટી સત્તા પર આવી હોય તેવો આ માત્ર બીજો પ્રસંગ છે; આ પહેલા 1977માં પૂર્વ મુખ્ય મંત્રી એમ. જી. રામચંદ્રનના નેતૃત્વમાં AIADMKએ જીત મેળવી હતી.
તામિલનાડુના વર્તમાન મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિન ચેન્નાઈની કોલાથુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ટીવીકેના ઉત્સાહિત કાર્યકરોએ ચેંગલપટ્ટુ જિલ્લાના પનાયુર ખાતે પાર્ટી મુખ્યાલયની બહાર એકઠા થવાનું શરૂ કરી દીધું છે. ટીવીકેના એક પદાધિકારી અને ચેન્નાઈના પલ્લવરમના રહેવાસી દિવ્યાંગ કાસ્પર રાજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિજય જ આગામી મુખ્ય મંત્રી બનશે.
દક્ષિણ ભારતના રાજ્ય તામિલનાડુમાં એક 'લાંબી અને વિચિત્ર રાજકીય પરંપરા' છે, કારણ કે અહીં સિનેમા માત્ર મનોરંજન નથી કરતું, પરંતુ શાસન પણ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમજી રામચંદ્રન- જે એમજીઆર તરીકે જાણીતા હતા, જયલલિતાનો અત્યંત સફળ રાજકીય કાર્યકાળ રહ્યો છે. આ બંને ફિલ્મોના સ્ટારોએ તામિલ રાજકારણમાં ધૂમ મચાવી હતી.
કમલ હસન, ખુશ્બુ અને વિજયકાંતના રાજકીય પ્રયોગો પણ અહીં જોવા મળ્યા છે.
આ રાજ્યએ વારંવાર સિમેનાના દિગ્ગજોને પૂર્ણ સમયના રાજકારણી તરીકે પરિવર્તન પામેલા જોયા છે. એમજીઆર અને જયલલિતા તો મુખ્ય મંત્રી પણ બન્યાં હતાં.
હવે 2026ની વિધાનસભાનાં જે પરિણામો આવ્યાં છે તેમાં તમિલ સુપરસ્ટાર જૉસેફ વિજય, કે જે 'થલપતિ' વિજય તરીકે જાણીતા છે, તેમની બોલબાલા છે.
ચૂંટણી પહેલાં ઘણા વિશ્લેષકોએ દલીલ કરી હતી કે ટીવીકે પાસે બીજી હરોળનું નેતૃત્વ નથી. પરંતુ હવે વિજયની આ પાર્ટી તામિલનાડુમાં સૌથી આગળ છે અને હાલ વર્તમાન સરકાર જેમની છે છે તે DMK ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ છે.
તામિલગા વેટ્રી કઝગમ(ટીવીકે)ની સ્થાપના શા માટે?

ઇમેજ સ્રોત, ANI
વિજયે 2024માં પોતાનો રાજકીય પક્ષ તામિલગા વેટ્રી કઝગમ, એટલે કે 'ટીવીકે' શરૂ કર્યો.
ટીવીકે શરૂ કર્યા બાદ વિજયે જાહેરાત કરી કે તેઓ પૂર્ણ સમયના રાજકારણમાં જોડાવા માટે ફિલ્મને અલવિદા કરશે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ 2024માં પાર્લામેન્ટની ચૂંટણીમાં ભાગ નહીં લે. તેઓ ન કોઈ ઉમેદવારનું સમર્થન કરશે અને ન કોઈ ગઠબંધનમાં સામેલ થશે.
વિજયે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમનું ધ્યાન માત્ર 2026માં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં જ રહેશે.
ટીવીકેની પહેલી રેલી 27મી ઑક્ટોબર, 2024ના રોજ તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના વિક્રવંડીમાં થઈ અને ત્યાં લોકોની ભીડ ઊમટી.
મંચથી વિજયે લોકોને અન્ય પાર્ટીઓને 'ભાગલાવાદી' ગણાવીને તેમની જોરદાર ટીકા કરી. તેમણે જાહેર કર્યું કે તેમની ટીવીકે પાર્ટી વૈચારિક રીતે આ બધી પાર્ટીઓની વિરોધી છે.
તેમણે આરોપ લગાવ્યો કે "દ્રવિડ મૉડલના નામે આ બધી પાર્ટીઓ તામિલનાડુના લોકો સાથે છેતરપિંડી કરે છે."
તેમણે એક પરિવાર પર 'રાજ્યને લૂંટવાનો આરોપ' પણ લગાવ્યો.
અભિનેતા વિજયના સક્રિય રાજકારણમાં પ્રવેશથી તામિલનાડુની 2026ની ચૂંટણીમાં નવું અને અણધાર્યું પરિમાણ ઉમેરાયું હતું.
વિજયની સિનેમાની લોકપ્રિયતાને કારણે તેના ટીવીકે પક્ષમાં યુવા મતદારોનો નવો આધાર બની ગયો. જાણકારો માને છે કે આ આધાર પરંપરાગત પાર્ટીઓની વિચારધારા કરતાં અલગ હતો.
વરિષ્ઠ પત્રકાર સિકામણી કહે છે, "રાજકીય ક્ષેત્રે અત્યાર સુધીમાં આપણે જે પરિબળો જોયાં છે, તેમાં જ્યારે વિજય રાજકારણમાં પ્રવેશ્યા, ત્યારે તેમને ખેડૂતો અને કામદારો સહિતના વિવિધ વર્ગો તરફથી નોંધપાત્ર સમર્થન મળ્યું એવું લાગતું હતું."
ટીવીકેનું નવા પ્રકારનું રાજકારણ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય વિશ્લેષકો માનતા હતા કે વિજયનું રાજકારણ 'નવા પ્રકારનું રાજકારણ' છે.
તામિલનાડુના રાજકારણ પર નજર નાખનારા રામુ મણિવન્નન કહે છે કે "કોઈ પણ રાજકીય કાર્યો કર્યાં વગર કે કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ વિના તેમણે પાર્ટીની રચના કરી. ન માત્ર પાર્ટી બનાવી, પરંતુ તેમણે રાજ્યમાં રાજકીય પરિવર્તન લાવવાનો પ્રયાસ પણ કર્યો."
જોકે, રાજનીતિમાં આવવા પહેલાં વિજયના પરિવારમાં પણ વિવાદ થયો. તેમના પિતા એસ. એ. ચંદ્રશેખરે પહેલાં 'ઑલ ઇન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઇયક્કમ' નામની પાર્ટી બનાવી હતી. તેને લઈને વિજય અને તેમના પિતા વચ્ચે મતભેદ સામે આવ્યા.
વિજયે તેમનાં માતાપિતા સહિત 11 લોકો સામે કેસ દાખલ કર્યો. તેમણે કોર્ટ સમક્ષ માગ કરી કે તેમના નામનો ઉપયોગ કોઈ પણ ચૂંટણી સંબંધિત કામકાજમાં ન થવો જોઈએ.
મીડિયાના અહેવાલો પ્રમાણે વિજયના પિતાએ આ પહેલાં પણ વિજય ફૅન્સ ક્લબને ઑલ ઇન્ડિયા થલપતિ વિજય મક્કલ ઇયક્કમ અંતર્ગત એક પાર્ટીના રૂપે રજિસ્ટર કરવાની કોશિશ કરી હતી.
આ વિવાદ બાદ વિજયે નિવેદન આપ્યું હતું, "હું મારા પ્રશંસકો અને જનતાને જણાવી દેવા માગું છું કે મારા પિતાની રાજકીય પાર્ટી તથા મારા વચ્ચે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે કોઈ સંબંધ નથી."

ઇમેજ સ્રોત, TVK
ગત વર્ષે વિજયનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તામિલનાડુના કરુરમાં તેમની પાર્ટી તામિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ની રેલી દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં 41 લોકોનાં મોત થયાં હતાં.
આ ઘટના પર વિજયે સોશિયલ મીડિયા પર ઘેરું દુ:ખ વ્યક્ત કર્યું. માર્યા ગયેલા તમામ લોકોને 20-20 લાખ રૂપિયા અને ઘાયલોને બે-બે લાખની મદદ કરી હતી.
જોકે, આ દુ:ખદ ઘટનાએ પાર્ટીની સંગઠનાત્મક તૈયારી અને વિજયના નેતૃત્વ પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા.
ટીવીકે પાર્ટીની વિચારધારા

ઇમેજ સ્રોત, TVK/X
પોતાની પહેલી જ રેલીમાં વિજયે ટીવીકે પાર્ટીની વિચારધારા પર વિસ્તારથી વાત કરી.
તેમણે કહ્યું હતું, "આપણે દ્રવિડ રાષ્ટ્રવાદ અને તામિલ રાષ્ટ્રવાદને અલગ નહીં કરીએ. આ બંને આ માટીની બે આંખો છે. આપણે ખુદને કોઈ ખાસ ઓળખ પુરતી સીમિત નહીં રાખીએ."
વિજયે જણાવ્યું હતું કે તેમની પાર્ટી ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર આધારિત રહેશે.
તેમણે કહ્યું હતું કે "ટીવીકે પેરિયારના દેખાડેલા રસ્તા પર ચાલશે. જેમાં મહિલા સશક્તિકરણ તથા સામાજિક ન્યાય સામેલ છે."
જોકે, તેમણે સ્પષ્ટ કરી દીધું કે પેરિયારના નાસ્તિકતાના વિચારને તેઓ નથી સ્વીકારતા.
આ ઉપરાંત વિજયે એ પણ સ્પષ્ટ કર્યું કે ટીવીકે રાજ્યમાં બે ભાષાની નીતિને સમર્થન આપશે.
તેમણે કહ્યું કે સરકારી કામકાજ તામિલ અને અંગ્રેજીમાં હોવું જોઈએ.
વિજયે એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી જાતિગત વસ્તીગણતરીનું સમર્થન કરે છે.
જાણકારો કહે છે કે તેમના રાજકીય પ્રવેશ બાદ તામિલનાડુમાં 50 વર્ષ ઉપરથી ચાલી રહેલા દ્રવિડ પાર્ટીના શાસનથી કંટાળી ગયેલા લોકોને નવો વિકલ્પ મળ્યો હતો.
વિજય માને છે કે ભાજપ તેનો વૈચારિક વિરોધી છે. ડીએમકે તેનો રાજકીય દુશ્મન છે. છતાં કૉંગ્રેસ સામે તેણે આકરા પ્રહારો ન કરીને તેમણે તેની સાથે નિકટતાનો સંકેત આપ્યો હતો. પરંતુ તેઓ સત્તા માટે કોની સાથે જશે તે હાલ સ્પષ્ટ નથી.
હાલ તો તામિલનાડુમાં ફરી એક વખત સ્પષ્ટ થયું છે કે આ રાજ્યમાં તામિલ સિનેમાની બૉક્સ ઑફિસ મતપેટીને પણ છલકાવી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























