પશ્ચિમ બંગાળમાં ભાજપના સત્તાની નિકટ પહોંચવા પાછળનાં ચાર મોટાં કારણો શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સોમવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી દરમિયાન કોલકાતામાં પાર્ટી કાર્યાલયની બહાર ભારતીય જનતા પાર્ટીના સમર્થક ઉજવણી કરતાં
    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું રિપોર્ટિંગ કરતી વખતે મેં લોકોની એક જેવી જ ફરિયાદો સાંભળી હતી કે તૃણમૂલ કૉંગ્રેસના સ્થાનિક નેતા અને તેમના કાર્યકરોની આપખુદશાહી ખૂબ વધી ગઈ છે. લોકો જાહેરમાં કહેતા કે પક્ષના કાર્યકરોની સંમતિ વિના કોઈ નવું કામ કરવું મુશ્કેલ છે. તેમ છતાં, ટીએમસીની તરફેણમાં તર્ક આપનારા કહેતા કે પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ લોકો, મુસલમાનો અને મહિલાઓ મમતાની સાથે છે. આવી સ્થિતિમાં સત્તાવિરોધી લહેર હોવા છતાં મમતા આ ચૂંટણી જીતી જશે. પરંતુ અત્યાર સુધી આવેલાં ચૂંટણીનાં વલણો દર્શાવે છે કે લોકોએ પરિવર્તનનો નિર્ણય કરી લીધો હતો.

ખરેખર, પરિવર્તનનો પાયો 2021ની વિધાનસભા ચૂંટણીમાં જ ભાજપે તૈયાર કરી દીધો હતો. ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં બંગાળમાં મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો હતો. બેઠકોની સંખ્યા ત્રણથી વધીને 77 સુધી પહોંચી ગઈ હતી. આમ, ભાજપ બંગાળ માટે કોઈ બહારનો પક્ષ નહોતો.

ઉદાહરણ તરીકે, 2021ની વિધાનસભા ચૂંટણીમાં માટીગારા-નક્સલબાડી વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના આનંદમય બર્મનએ તૃણમૂલ કૉંગ્રેસના રાજન સુંદાસને 70 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ વખતે પણ આનંદમય બર્મન આટલા જ અંતરથી ટીએમસીને હરાવતા દેખાઈ રહ્યા છે. આ એ જ નક્સલબાડી વિસ્તાર છે, જ્યાંથી 1967માં અતિવાદી ડાબેરી નેતાઓએ સશસ્ત્ર આંદોલનનો પ્રારંભ કર્યો હતો અને અનેક રાજ્યોના મજૂરો, ભૂમિહીનો, દલિતો, આદિવાસીઓ અને શોષિતોને આકર્ષ્યા હતા. નક્સલબાડીમાં ભાજપના વિજયને પશ્ચિમ બંગાળમાં પરિવર્તનના સંદેશ તરીકે જોવામાં આવ્યો હતો અને પાંચ વર્ષ પછી આ પરિવર્તન થઈ પણ ગયું છે.

ભાજપના વિજયનાં મુખ્ય કારણો આખરે શું રહ્યાં?

1. સત્તાવિરોધી લહેર કે હિંદુ મતોનું ધ્રુવીકરણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ઘણી રેલીઓ કરી હતી

દમદમ ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાં એક મહિલા મતદારે ટીએમસી વિશે મને કહ્યું હતું, "પોલીસ મમતાના વફાદારોનું સાંભળે છે. અમારે ફરિયાદ પણ મમતાના વફાદારોની જ કરવાની હોય છે. ગુંડાગીરી એટલી વધી ગઈ છે કે તેમની સંમતિ વિના કોઈ કામ શક્ય નથી. અમને પરિવર્તન જોઈએ છે અને આ પરિવર્તન અત્યારે ભાજપ જ કરી શકે છે. કૉંગ્રેસ અને સીપીએમ આ સ્થિતિમાં હોત તો હું તેમના વિશે ચોક્કસ વિચારત."

ટીએમસીના લોકસભા સંસદ સભ્ય સૌગત રોયે બીબીસીને કહ્યું, "15 વર્ષના શાસનમાં સત્તાવિરોધી લહેર ખૂબ સામાન્ય બાબત છે, પરંતુ મોટું કારણ એ પણ છે કે હિંદુ મતદારો ભાજપ તરફ એકત્ર થયા છે અને તેનું નુકસાન અમારે ભોગવવું પડ્યું છે."

યુનિવર્સિટી ઑફ કલકત્તામાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસર હિમાદ્રિ ચેટરજી કહે છે કે બંગાળમાં ભાજપના વિજયનું શ્રેય જેઓ હિંદુ મતોના ધ્રુવીકરણને આપી રહ્યા છે, તેઓ બંગાળના રાજકારણને યોગ્ય રીતે સમજતા નથી. પ્રોફેસર ચેટરજી કહે છે, "ભાજપના વિજયને હિંદુ મતોના ધ્રુવીકરણમાં નહીં, પરંતુ ટીએમસીવિરોધી મતોના એક થવા તરીકે જોવો જોઈએ. કૉંગ્રેસ ટીએમસીવિરોધી મતોને પોતાની પાછળ એક કરી શકી હોત, પરંતુ તે રાજકીય રીતે નિષ્ક્રિય રહી. ભાજપને વિજય અચાનક મળ્યો નથી. ભાજપ 2014 પછીથી જ પોતાનો મત હિસ્સો વધારી રહ્યો છે. 2016થી લઈને 2026ની વિધાનસભા ચૂંટણીને જોઈએ તો ભાજપનો મત હિસ્સો પણ વધ્યો અને બેઠકો પણ વધી. એટલું જ નહીં, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને ભલે ઓછી બેઠકો મળી, પરંતુ તેનો વોટશૅર ઘટ્યો નહોતો."

પ્રોફેસર ચેટરજી વધુ જણાવતાં કહે છે, "પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર માટે લોકોમાં નારાજગી હતી. લોકોને મમતાને ટક્કર આપતો પક્ષ ભાજપમાં દેખાયો. લોકોએ મમતાને હરાવવાં હતાં, તેથી ભાજપને મત આપ્યો. જેઓ ધાર્મિક ધ્રુવીકરણની વાત કરી રહ્યા છે, તેમના માટે હું કેટલાક તથ્યો આપવા માંગું છું. બંગાળમાં 1950 પછી કોઈ રમખાણ થયું નથી. સ્વાભાવિક છે કે તેમાં અહીંના પક્ષોની પણ ભૂમિકા રહી છે. બંગાળ વિભાજનમાંથી પસાર થયેલું રાજ્ય છે, તેમ છતાં અહીં હિંદુ વિરુદ્ધ મુસ્લિમનું રાજકારણ નથી રહ્યું. ભાજપને બંગાળના લોકો નથી જાણતા એવું પણ નથી. આવી સ્થિતિમાં આપણે એમ કહી દઈએ કે બંગાળમાં ભાજપને મત આપનારા કોમવાદી થઈ ગયા છે, તો એ વાત હાસ્યાસ્પદ ગણાશે."

વરિષ્ઠ પત્રકાર પ્રસૂન આચાર્ય કહે છે, "ચૂંટણીનાં પરિણામોનાં જે પ્રકારનાં વલણો આવ્યાં છે, તેનો અંદાજ અમને નહોતો. મમતા વિરુદ્ધ સત્તાવિરોધી લહેર ચોક્કસ હતી, પરંતુ આ વિજય માત્ર સત્તાવિરોધી લહેરનો નથી. લોકો મમતાના સ્થાનિક નેતાઓ અને સમર્થકોથી ખૂબ પરેશાન હતા, પરંતુ ભાજપને આ વખતે હિંદુ મતો એક થવાનો પણ ફાયદો મળ્યો છે. મને લાગે છે કે આગામી સમયમાં બંગાળમાં વિપક્ષની સ્થિતિ ખૂબ નબળી હશે અને ટીએમસી તૂટી શકે છે. ટીએમસીના જેટલા કાઉન્સિલર અને સ્થાનિક નેતાઓ છે, તેઓ ફાયદા માટે ભાજપનો સાથ લેશે. અનેક ધારાસભ્યો અને નેતા તપાસ એજન્સીઓના ડરથી ભાજપમાં જશે."

2. એસઆઇઆરની ભૂમિકા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મમતા બેનરજી પાછલાં 15 વર્ષથી પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી છે

થિંક ટૅન્ક 'સબર ઇન્સ્ટિટ્યૂટ'એ પશ્ચિમ બંગાળમાં એસઆઇઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ના ડેટાનું ગહન વિશ્લેષણ કર્યું છે. સબર ઇન્સ્ટિટ્યૂટના નિયામક સાબિર અહેમદ કહે છે કે આ ચૂંટણીપરિણામોને જોઈએ તો એસઆઇઆરની અસર પણ સ્પષ્ટ દેખાય છે. અહેમદ કહે છે, "આ ચૂંટણીમાં અંદાજે 31 લાખ લોકોએ મત આપ્યો નથી. જીત-હારનું અંતર ઘણી બેઠકો પર વધારે નહીં રહે. આવી સ્થિતિમાં એસઆઇઆરની પણ ભાજપના વિજયમાં મહત્ત્વની ભૂમિકા રહી છે. આ વખતે બંગાળની ચૂંટણીમાં ધાર્મિક ધ્રુવીકરણ પણ થયું છે. શહેરી વિસ્તારોમાં તો ધ્રુવીકરણ સ્પષ્ટ દેખાય છે. લોકોના મનમાં ડર બેસાડવામાં આવ્યો કે લઘુમતીઓ બહુમતીમાં આવી જશે."

3. નબળો ડાબેરી મોરચો અને કૉંગ્રેસ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુવેંદુ અધિકારી પશ્ચિમ બંગાળમાં ભાજપનો મુખ્ય ચહેરો રહ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ દેખાતું હતું કે મેદાનમાં બે જ પક્ષોની હાજરી છે- ટીએમસી અને ભાજપ. કૉંગ્રેસ અને સીપીઆઇ (એમ) સમગ્ર લડાઈમાં લોકોની દૃષ્ટિમાં અને જમીન પર ક્યાંય દેખાતા નહોતા. લોકોમાં એક સામાન્ય અભિપ્રાય હતો કે ટીએમસીને કૉંગ્રેસ અને સીપીઆઇ (એમ) હરાવી શકતા નથી. આવી સ્થિતિમાં ટીએમસીવિરોધી મતો ભાજપની સાથે ગયા.

કૉંગ્રેસની હાલત એ છે કે પશ્ચિમ બંગાળ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સુભાંકર સરકાર શ્રીરામપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ચોથા ક્રમે ચાલી રહ્યા છે. એટલું જ નહીં, કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પશ્ચિમ બંગાળમાં એક પણ રેલી કરી નહોતી.

નક્સલબાડી આંદોલનના જનક ચારુ મજુમદારના પુત્ર અને સીપીઆઇ (એમએલ)ના પોલિટ બ્યૂરો મેમ્બર અભિજિત મજુમદાર કહે છે કે તેમના માટે આ પરિણામ નવાઈ પમાડનારું નથી, પરંતુ ભાજપને આવી જીત મળશે તેનો અંદાજ નહોતો. અભિજિત મજુમદાર કહે છે, "તેમાં કોઈ શંકા નથી કે મમતા બેનરજી સરકાર વિરુદ્ધ સામાન્ય લોકોમાં નારાજગી હતી અને આ નારાજગીને ડાબેરી પક્ષો પોતાની તરફ વાળવામાં નિષ્ફળ રહ્યા."

આ વખતે કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા હતા. આવી સ્થિતિમાં ટીએમસીવિરોધી મતો વિખેરાવાને બદલે ભાજપ સાથે એકત્ર થયા. મેં શ્રીરામપુર વિધાનસભા ક્ષેત્રમાં રાહુલ ગાંધીની રેલી દરમિયાન પોતે પણ અનુભવ્યું હતું કે રાહુલ જ્યારે મમતા પર હુમલો કરતા હતા ત્યારે ભીડ તાળીઓ પાડીને સ્વાગત કરતી હતી અને જ્યારે વડા પ્રધાન મોદીને આડે હાથ લેતા હતા ત્યારે ભીડનો પ્રતિસાદ ખૂબ ઠંડો હતો. એટલે કે સત્તાવિરોધી લહેર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

4. મુસ્લિમ મતોનું વિભાજન?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપે ગત ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મુખ્ય વિપક્ષનો દરજ્જો હાંસલ કરી લીધો હતો

ચૂંટણીપરિણામોના વિશ્લેષક પાર્થા દાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું છે, "ટીએમસીએ સત્તા એટલા માટે નથી ગુમાવી, કારણ કે ભાજપની તરફેણમાં હિંદુ મતોનું ધ્રુવીકરણ થયું. પરંતુ તેનું કારણ એ છે કે મુસ્લિમ મતો ખરાબ રીતે વહેંચાઈ ગયા છે. ઉદાહરણ તરીકે, તેહટ્ટા વિધાનસભા ક્ષેત્રના પ્રથમ રાઉન્ડનાં પરિણામો જુઓ. ભાજપને માત્ર ત્રણ ટકા મત મળી રહ્યા છે જ્યારે લેફ્ટને 34% મત મળી રહ્યા છે. આ લગભગ 90% મુસ્લિમ વસતીવાળો વિસ્તાર છે. તેથી અંતે ભાજપ આ બેઠક જીતી જશે."

અભિજિત મજુમદાર પણ કહે છે, "હિંદુઓનું ધ્રુવીકરણ થયું છે, પરંતુ મુસ્લિમ મતો વહેંચાઈ ગયા છે. મુસ્લિમ મતો વહેંચાવાનું મુખ્ય કારણ એ છે કે તૃણમૂલ કૉંગ્રેસે મુસ્લિમ મતોનો ઉપયોગ કર્યો. મમતા પાછલી બે ચૂંટણીઓથી ભાજપનો ડર બતાવીને મુસલમાનોના મત મેળવી રહ્યા હતા. પરંતુ આ વખતે મુસલમાનોએ સ્વતંત્ર રીતે મત આપ્યો છે. આઇએસએફ અને હુમાયુ કબીરના પક્ષને બેઠકો મળવી તે દર્શાવે છે કે મુસ્લિમ મતો વહેંચાયા છે."

પરંતુ જાદવપુર યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસર અબ્દુલ મતીન મુસ્લિમ મતોમાં વિભાજન થયું હોવાનું માનતા નથી. પ્રોફેસર મતીન કહે છે, "આ તો મુસલમાનોને જ વિલન બનાવવાની વાત છે. મુસલમાનોએ આઇએસએફના મજબૂત ઉમેદવારને મત આપ્યો, કેટલીક બેઠકો પર હુમાયુ કબીરના પક્ષને આપ્યો. ઓવૈસીના પક્ષને હજાર મત પણ મળ્યા નથી. આવી સ્થિતિમાં આપણે એમ ન કહી શકીએ કે મુસલમાનોના મત વહેંચાઈ ગયા."

પ્રોફેસર મતીન કહે છે, "મમતાએ પશ્ચિમ બંગાળમાં હિંદુત્વના રાજકારણને હરાવવા માટે હિંદુત્વની જ લાઇન લીધી હતી. મમતાએ વક્ફ બિલ વિરુદ્ધ વિરોધપ્રદર્શન થવા દીધાં નહોતાં. મમતાને મુસલમાનો ભાજપના ડરથી આજીવન મત ન આપી શકે. જો 70 ટકા હિંદુ મત એક પક્ષને જશે તો પછી બાકી શું બચે છે? તેમ છતાં હું એમ કહી શકું નહીં કે જે હિંદુ મત ભાજપ સાથે ગયા તે કોમવાદી હતા. હોઈ શકે કે તેનો મોટો હિસ્સો એવો હોય, પરંતુ બાકીના મતો મમતાના કુશાસન વિરુદ્ધ પણ હતા."

2016માં ભાજપને માત્ર ત્રણ બેઠકો પર વિજય મળ્યો હતો અને 2021માં 77 બેઠકો પર વિજય મળ્યો. 2016ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મત હિસ્સો અંદાજે દસ ટકા હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો મત હિસ્સો 40 ટકાનો આંકડો પાર કરી ગયો. ભાજપને 2021ની વિધાનસભા ચૂંટણીમાં 38.1 ટકા મત મળ્યા હતા. આ વખતે ભાજપનો મત હિસ્સો 45 ટકાને પાર જતો દેખાઈ રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન