રાજીનામાના પ્રશ્ન પર મમતાએ કહ્યું, 'હાર્યા જ નથી તો કેમ રાજીનામું આપું' - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ટીએમસીની હાર બાદ પ્રથમ પ્રેસ કૉન્ફરન્સ કરી, જેમાં તેમણે ભાજપ પર બેઇમાનીથી ચૂંટણી જીતવાનો આરોપ કર્યો.
તેમણે પોતાના રાજીનામા અંગે કહ્યું, "હું કેમ જઈશ, અમે તો હાર્યા જ નથી. હારનો પુરાવો આપ્યો હોત તો રાજીનામું આપ્યું હોત, જો કોઈ બળજબરીપૂર્વક કહે કે રાજીનામું આપવું પડશે તો નહીં આપું. હું હાલ રાજીનામું નહીં આપું. હું કહેવા માંગું છું કે અમે ચૂંટણી નથી હાર્યા."
તેમણે પશ્ચિમ બંગાળમાં પોતાના પક્ષની હાર માટે ચૂંટણીપંચને જવાબદાર ઠેરવ્યું, તેમણે કહ્યું કે ચૂંટણીપંચ મુખ્ય વિલન છે.
મમતા બેનરજીએ કહ્યું, "પાર્ટીના સભ્યો સાથે અમારી ભવિષ્યની વ્યૂહરચના અંગે ચર્ચા કરીશું. હું હવે ભાજપના અત્યાચારોને સહન નહીં કરું. હું રસ્તા પર પરત ફરીશ."
ચૂંટણીપંચના આંકડા મુજબ, પશ્ચિમ બંગાળમાં 293 બેઠકોમાંથી ભાજપે 207 બેઠકો જીતી લીધી છે. તેમજ તૃણમૂલ કૉંગ્રેસે 80 બેઠકો જીતી છે, જ્યારે કૉંગ્રેસના ખાતામાં બે બેઠકો ગઈ છે.
તામિલનાડુ: અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ બાદ 41 લોકોનાં જ્યાં મૃત્યુ થયાં ત્યાં કોણ જીત્યું?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ગત વર્ષે તામિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની રેલીમાં 41 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ટીવીકે આ જિલ્લામાં ચાર બેઠકોમાંથી માત્ર એક પર જ જીત હાંસલ કરી શકે છે.
અહીં ઘટના જ્યાં બની એ વિસ્તારની બેઠક એઆઇડીએમકેએ જીતી છે અને ડીએમકેએ બાકીની બે બેઠક જીતી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2021ની વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકેએ આ જિલ્લાના ચારેય બેઠક પર જીત મેળવી હતી.
ગત વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ, કરુરના વેલુસામીપુરમ્ ખાતે ટીવીકે નેતા વિજય એક વાહનમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા ત્યારે થયેલી નાસભાગમાં 41 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના બાદ ટીવીકેના કેટલાક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. વિજયને પૂછપરછ માટે સીબીઆઇની દિલ્હી ઑફિસમાં બોલાવવામાં આવ્યા હતા.
કરુરમાં બે બેઠક ગુમાવનાર ડીએમકેએ આ ચૂંટણીમાં કોઇમ્બતુરમાં વધુ ત્રણ બેઠકો જીતી છે.
એ જ સમયે, કરુરમાં એક બેઠક જીતનાર એઆઇએડીએમકેએ કોઇમ્બતુર જિલ્લામાં નવ બેઠકો ગુમાવી છે.
કોઇમ્બતુરમાં દસમાંથી છ બેઠકો જીતનાર ટીવીકે કરુરમાં ચારમાંથી ફક્ત એક જ બેઠક જીતી શકી છે તે વાત ચર્ચાનો વિષય બની છે.
પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રી પસંદ કરવાની તૈયારી તેજ, અમિત શાહ હશે કેન્દ્રીય ઑબ્ઝર્વર

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ મુખ્ય મંત્રી પસંદ કરવાની કવાયત તેજ થઈ ગઈ છે.
ભાજપ પ્રમાણે, પાર્ટીના સંસદીય બોર્ડે પશ્ચિમ બંગાળમાં પાર્ટીએ ધારાસભ્ય દળના નેતા પસંદ કરવા માટે અમિત શાહને કેન્દ્રીય ઑબ્ઝર્વર બનાવ્યા છે.
આ સિવાય ઓડિશાના મુખ્ય મંત્રી મોહનચરણ માઝીને કેન્દ્રીય કો-ઑબ્ઝર્વર નીમવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપે 294 બેઠકોમાંથી 207 બેઠકો જીતી લીધી છે. તેમજ તૃણમૂલ કૉંગ્રેસે 80 બેઠકો જીતી છે. કૉંગ્રેસ અને લેફ્ટિસ્ટ દળોએ બબ્બે બેઠકો જીતી છે. અન્ય પાર્ટીઓને પણ બે બેઠક મળી છે.
યુએઇમાં થયેલા હુમલામાં ત્રણ ભારતીયો ઈજાગ્રસ્ત, ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images
યુએઇમાં એક હુમલામાં ત્રણ ભારતીયોને ઈજા થઈ છે. યુએઇના ફુઝેરાહમાં થયેલા હુમલાને ભારતે અસ્વીકાર્ય ગણાવ્યો છે અને આવા હુમલા તાત્કાલિક અટકાવવા માગણી કરી છે.
ભારતના વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, "ફુઝેરાહમાં થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાગરિકોને ઈજા થઈ છે. આ બિલકુલ સ્વીકાર્ય નથી. અમારી માગણી છે કે આવા હુમલા તાત્કાલિક રોકવામાં આવે અને સામાન્ય લોકો તથા તેમની જરૂરી સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ કરવામાં આવે."
તેમણે કહ્યું કે "ભારત હંમેશાં વાતચીત અને કૂટનીતિને ટેકો આપે છે, જેથી પરિસ્થિતિ સંભાળી શકાય અને સમગ્ર પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા પરત લાવી શકાય."
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, "આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ હોર્મુઝની સામુદ્રધુનીથી જહાજ અને વ્યાપારનો રસ્તો કોઈ પણ અવરોધ વગર ખુલ્લો રહેવો જોઈએ. ભારત શાંતિપૂર્વક ઉકેલ લાવવાના તમામ પ્રયાસોને મદદ કરવા તૈયાર છે."
પશ્ચિમ બંગાળ અને આસામનાં પરિણામો વિશે રાહુલ ગાંધીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Dibyangshu SARKAR / AFP via Getty Images
ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં પછી કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર ચૂંટણીપંચની મદદ લેવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ ઍક્સ પર પોસ્ટ કરી કે આસામ અને બંગાળ સ્પષ્ટ ઉદાહરણ છે કે ભાજપે ચૂંટણીપંચની મદદથી આ ચૂંટણી ચોરી છે. અમે મમતાજી સાથે સહમત છીએ. બંગાળમાં 100થી વધુ બેઠકો ચોરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ લખ્યું કે "અમે આ રીત અગાઉ પણ જોઈ છે. મધ્ય પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, લોકસભા 2024 ચૂંટણી વગેરે. ચૂંટણી ચોરી, સંસ્થા ચોરી- હવે બીજો રસ્તો જ ક્યાં રહ્યો છે."
ભાજપે પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે, જ્યારે કેરળમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ યુડીએફ ગઠબંધનની જીત થઈ છે. તામિલનાડુમાં ફિલ્મ અભિનેતા વિજયનો ટીવીકે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે.
ઈરાને યુએઇ પર મિસાઇલ હુમલા કર્યા, સંરક્ષણ મંત્રાલયનો દાવો

ઇમેજ સ્રોત, Fadel SENNA / AFP via Getty Images
સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ઈરાને તેના પર મિસાઇલ હુમલો કર્યો છે અને તેમની ડિફેન્સ સિસ્ટમે હુમલો અટકાવ્યો છે.
મંત્રાલયે કહ્યું કે તેમાં 12 બૅલેસ્ટિક મિસાઇલો, ત્રણ ક્રૂઝ મિસાઇલો અને ચાર ડ્રોન સામેલ હતાં.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે 4 મે, 2026ના રોજ હુમલો કરવામાં આવ્યો, જેને અટકાવવા માટેની કાર્યવાહીમાં ત્રણ લોકોને ઈજા થઈ હતી.
મંત્રાલય મુજબ, "અત્યાર સુધીમાં ઈરાન દ્વારા છોડવામાં આવેલી કુલ 549 બૅલેસ્ટિક મિસાઇલો, 29 ક્રૂઝ મિસાઇલો અને 2260 ડ્રોનને યુએઇની સંરક્ષણ સિસ્ટમે રોક્યાં છે."
અત્યાર સુધીમાં કુલ 227 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં ભારત સહિત અનેક દેશોના નાગરિકો સામેલ છે.
યુએઇનું કહેવું છે કે ઈરાનના હુમલામાં અત્યાર સુધીમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, ઇજિપ્ત ઉપરાંત પેલેસ્ટાઇનના નાગરિક પણ સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















