સોનાને બદલે સેક્સ: એમેઝોનમાં ગેરકાયદે ચાલતી ખાણોમાં મહિલાઓ પર થતા અત્યાચારની કહાણી

બીબીસી ગુજરાતી સોના બદલે સેક્સ
ઇમેજ કૅપ્શન, નતાલિયા કેવેલકેન્ટે કહે છે કે તેમણે સેક્સવર્કના નફાની મદદથી ઘર બાંધ્યું
    • લેેખક, થેઇસ કરાન્કા
    • પદ, બીબીસી 100 વીમેન
    • લેેખક, એમ્મા એલીસ
    • પદ, બીબીસી 100 વીમેન

ડેયેન લેઈટે ક્યારેય સેક્સવર્કર બનવા માંગતાં ન હતાં. પરંતુ તેઓ 17 વર્ષનાં હતાં, ત્યારે તેમના પતિ હાર્ટ ઍટેકથી મૃત્યુ પામ્યા અને તેમની પાસે અંતિમ વિધિ માટે પણ નાણાં ન હતાં.

તેઓ બ્રાઝિલના ઉત્તર પારા રાજ્યમાં ઈતાઈતુબાનાં વતની છે, જે બ્રાઝિલમાં ગેરકાયદે ખાણોમાંથી નીકળતા સોનાના વેપારનું કેન્દ્ર બની ગયું છે. તેથી ડેયેન લેઈટના એક મિત્રે તેમને એમેઝોનનાં ગાઢ જંગલોમાં ખાણિયાઓ સાથે સેક્સ સંબંધ સ્થાપીને નાણાં કમાવવાની સલાહ આપી હતી.

તેઓ કહે છે, "ખાણે જવું એ પૈસા કમાવવા માટેનો અત્યંત જોખમી રસ્તો છે."

“ત્યાં મહિલાઓને અત્યંત અપમાનિત કરવામાં આવે છે. તેમણે તમાચાનો માર અથવા ધમકીની પુીડા વેઠવી પડી શકે છે."

તેઓ કહે છે, “હું મારા બેડરૂમમાં સૂતી હતી અને એક માણસ બારીમાંથી કૂદીને અંદર આવી ગયો અને મારા માથે બંદૂક મૂકી. તેઓ નાણાંને મહિલાની માલિકી પણ ઇચ્છે છે.”

ડેયેને પતિની અંતિમ વિધિ માટે સફળતાપૂર્વક નાણાં એકઠાં કર્યાં અને 18 વર્ષની ઉંમરે તેમણે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. પાછલાં 16 વર્ષથી ઈતાઈતુબાની ઘણી મહિલાઓની જેમ તેઓ વારંવાર રસોઈ કરનાર કે બારમાં કામ કરનાર મહિલા, ધોબી અથવા સેક્સવર્કર તરીકે ખાણોમાં ગયાં છે.

તેમના માથે સાત લોકોની જવાબદારી છે.

24 વર્ષની ઉંમરે ખાણિયાઓની એક વસતીમાં સેક્સવર્કર બની ગયેલાં નતાલિયા કેવેલકેન્ટે કહે છે, “હું એવું નહીં કહું કે શહેરની બધી મહિલાઓ આવું કરે છે. પરંતુ તેમાંથી ઘણી મહિલાઓ સેક્સવર્કર છે. તેથી આ વાત સામાન્ય થઈ ગઈ છે. અમે આ વાતની પરવા નથી કરતા." ચાર વર્ષ પછી તેમણે એક બારના માલિક સાથે લગ્ન કર્યાં અને એક વેશ્યાલયના મેડમ બની ગયાં. આ કામ તેમણે તાજેતરમાં જ છોડ્યું છે અને શહેરમાં પોતાની ભત્રીજીઓની સારસંભાળ રાખે છે.

ગાઢ જંગલમાં ખાણિયાની વસાહતોમાં શોષણનો ભોગ બને છે મહિલાઓ

બીબીસી ગુજરાતી સોના બદલે સેક્સ
ઇમેજ કૅપ્શન, ડેયેન લેઇટ 12 વર્ષની ઉંમરથી સોનાની ખાણોમાં કામ કરતાં આવ્યાં છે

એમેઝોનનાં જંગલોમાં ખાણિયાઓનું જીવન વિકટ હોય છે. ત્યાં મોટા ભાગે ધૂળિયા રસ્તા, સલૂન બાર અને એક ચર્ચ હોય છે. પરંતુ ખાણિયાઓ તેનાથી બહુ દૂર રહેતા હોય છે. તેઓ લાકડા અને કેન્વાસની ઝૂંપડીઓમાં રહે છે અને તેમની આસપાસ સાપ અને જગુઆર જેવાં પ્રાણી હોય છે. જનરેટર બંધ થઈ જાય પછી પૂર્ણ અંધકારમાં રહેવું પડે છે. રસોઈનું કામ કરતી મહિલાઓએ આ શિબિરોમાં પુરુષોની સાથે રહેવું પડે છે.

નતાલિયા કહે છે કે જ્યારે પણ ખાણિયાઓને સોનું મળે અને તેમની પાસે ખર્ચ કરવા માટે પૈસા હોય, ત્યારે તેઓ ગામમાં આવી જાય છે. મહિલાઓનું કહેવું છે કે ક્યારેક તેમને (ખાણિયાઓને) સેક્સ કરતાં પહેલાં સ્નાન કરવા માટે રાજી કરવા પડે છે.

બ્રાઝિલના કાયદા હેઠળ વેશ્યાલય ચલાવવા ગેરકાયદે છે. પરંતુ નતાલિયાનું કહેવું છે કે તેમણે કોઈ કમિશન લીધું ન હતું. તેમણે માત્ર બાર લોકોને કામે રાખ્યા અને ઓરડા ભાડે આપી દીધા.

બીબીસી ગુજરાતી સોના બદલે સેક્સ
ઇમેજ કૅપ્શન, બ્રાઝિલની સરકાર પ્રમાણે 80 હજારથી આઠ લાખ લોકો ગેરકાયદેસર ખાણોમાં કામ કરે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુવાન મહિલાઓ કામની શોધમાં તેમનો સંપર્ક કરતી હતી. તેઓ ક્યારેક ક્યારેક ઈતાઈતુબાથી સાત કલાકની મુસાફરી માટે રૂપિયા ઉધાર આપતાં હતાં.

શું તેમને કામમાં અન્ય મહિલાઓને સામેલ કરવા વિશે શંકા છે, તેવો સવાલ કરવામાં આવતા તેમણે જવાબ આપ્યો, "ક્યારેક ક્યારેક હું વિચારું છુંઃ હું આમાંથી પસાર થઈ ચૂકી છું અને મને ખબર નથી કે તે આટલું સારું નથી. પરંતુ પછી વિચારું છુંઃ છોકરીનો પરિવાર છે, ક્યારેક તેણે બાળકને ઉછેરવાનો હોય છે. જે છોકરીઓ જાય છે તેમાંથી કેટલીકને એક કે બે બાળકો હોય છે. તેથી અમે તેને સ્વીકારીએ છીએ."

લગ્ન કરતાં પહેલાં જ નતાલિયાએ ઢગલાબંધ નાણાં કમાઈ લીધાં હતાં.

હવે તેમની પાસે ઈતાઈતુબામાં પોતાનું ઘર, એક મોટરસાઇકલ અને સારું એવું સોનું છે. ક્યારેક ક્યારેક તેમને સેક્સના બદલામાં સોનું મળતું હતું.એક સમયમાં બેથી ત્રણ ગ્રામ સોનું મળી જતું. તેમનું લક્ષ્ય શિક્ષણ મેળવવાનું છે. તેઓ વકીલ અથવા આર્કિટેક્ટ બનવા માગે છે.

તેઓ કહે છે કે ઈતાઈતુબા, જેને ગોલ્ડ નગેટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં કેટલાંક મહિલાઓએ પોતાની કમાણીથી પોતાનો વેપારધંધો સ્થાપિત કર્યો છે.

પરંતુ હિંસક અને કાયદા વગરની ખાણિયાઓની વસાહતોમાં એક મહિલા તરીકે જવું એ એક મોટું જોખમ હોય છે.

'ખાણોથી માત્ર પર્યાવરણને જ નહીં, માનવીને પણ થાય છે નુકસાન'

બીબીસી ગુજરાતી સોના બદલે સેક્સ
ઇમેજ કૅપ્શન, ખાણિયાઓના ગામમાં રાયલે સાન્તોસની હત્યા થઈ હતી

ખાણોથી પર્યાવરણને નુકસાન થાય છે તે બધા જાણે છે. પરંતુ તેનાથી માનવીને કેટલું નુકસાન થાય છે તેની ખાસ નોંધ નથી લેવાતી. યુએનના કહેવા પ્રમાણે ખાણોમાં હિંસા, જાતીય શોષણ અને માનવ તસ્કરી મોટા પાયે થાય છે.

કિંમતી ધાતુઓના એક વેપારીએ બીબીસીને જણાવ્યું કે આ ખાણોમાંથી મળતા ગેરકાયદે સોનાને સામાન્ય રીતે લાઇસન્સ ધરાવતી કો-ઓપરેટિવમાંથી મળેલા સોના તરીકે લેબલ લગાવાશે. ત્યાર પછી તેની નિકાસ થશે જેનો ઉપયોગ મોબાઇલ ફોન, ઈલેક્ટ્રોનિક સામાન અથવા જ્વેલરીના ઉત્પાદનમાં થાય છે.

બ્રાઝિલના સોનાના ત્રણ સૌથી મોટા ગ્રાહકો કૅનેડા, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુકે છે. ઈન્સ્ટિટ્યુટો એસ્કોલ્હાસ નામની થિંક ટૅન્ક અનુસાર, યુરોપમાં સોનાની તમામ નિકાસમાંથી 90 ટકા કરતાં વધુ સોનું ગેરકાયદે ખાણોમાંથી મેળવાયું હોય છે.

ખાણિયાઓનાં ગામોમાં મહિલાઓની હત્યાની ઘટનાઓ બનતી રહે છે. ગયા વર્ષે 26 વર્ષીય રાયલે સાન્તોસનો મૃતદેહ એક રૂમમાંથી મળી આવ્યો હતો. તે ઈતાઈતુબાથી 11 કલાકના અંતરે આવેલા કુઈ-કુઈ સોનાની ખાણ નજીક રહેતાં હતાં.

તેમનાં મોટાં બહેન રેલેને કહ્યું કે "એક વ્યક્તિએ તેને સેક્સ માટે પૈસાની ઑફર કરી હતી અને મારી બહેને ના પાડી હતી, તેથી તેણે તેને પાછળથી શોધી કાઢી અને મારી નાખી."

રેલેન કહે છે કે, "ઘણી બધી મહિલાઓ રોજેરોજ મરી જાય છે."

તે કહે છે, “મારો જન્મ ખાણમાં થયો હતો. હું ખાણમાં ઊછરી અને હવે મને ખાણોમાં રહેવામાં ડર લાગે છે.”

રાયલેની હત્યાના કેસમાં એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે, પણ તેની સામે હજુ કેસ નથી ચાલ્યો. તેણે પોતાની સામેના બધા આરોપો નકારી કાઢ્યા છે.

બ્રાઝિલમાં ગેરકાયદે સોનાની ખાણોની જમીન 2023 સુધીમાં દસ વર્ષમાં બમણી થઈને 2.20 લાખ હેક્ટર થઈ ગઈ છે, જે ગ્રેટર લંડન કરતાં પણ મોટો વિસ્તાર છે. આ ખાણક્ષેત્રમાં કેટલી મહિલાઓ કામ કરે છે તે કોઈ નથી જાણતું. કેટલા ગેરકાયદે ખાણિયા છે તેની સંખ્યા પણ ખબર નથી. બ્રાઝિલ સરકારનું કહેવું છે કે ગેરકાયદે ખાણિયાઓની સંખ્યા 80 હજારથી લઈને આઠ લાખની વચ્ચે ગમે તે હોઈ શકે છે.

રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દ સિલ્વાના શાસનકાળમાં સરકારે ગેરકાયદે ખાણો બંધ કરવા અને તેનાથી ઉત્પાદિત સોનાને ખરીદતા ડીલરોને રોકવા માટે પગલાં લીધાં છે. પરંતુ સોનાની ઊંચી કિંમતના કારણે ઘણા લોકો પોતાના નસીબ અજમાવવા માટે પ્રેરાય છે.

ડેયાન ખાણના ક્ષેત્રમાં કામ કરવાનું બંધ કરવા માગે છે, કારણ કે જોખમો અને તકલીફોની અસર તેમના શરીર પર પડી છે. પરંતુ તેઓ એક ટ્રિપ માટે તૈયારી કરે છે અને આશા રાખે છે કે તે તેમની છેલ્લી ટ્રિપ હશે. તેઓ બેથી ત્રણ મહિનામાં શક્ય એટલાં વધારે નાણાં કમાવવા માગે છે, જેથી ઘરે પાછા ફરીને એક સ્નેક બાર ખોલી શકાય. જોકે, તેઓ જાણે છે કે તેમને કદાચ સફળતા નહીં મળે.

તેઓ કહે છે કે, જ્યારે પણ તેઓ એકલાં હશે, જંગલમાં ફરતાં હશે, ત્યારે તેઓ પોતાનાં બાળકોની ચિંતા કરશે.

તેઓ કહે છે, "હું પ્રયત્નો ચાલુ રાખીશ, શક્ય હોય ત્યાં સુધી કરીશ. કારણ કે મને લાગે છે કે એક દિવસ મારાં બાળકો કહેશે: 'મારી માતાએ ખૂબ મહેનત કરી હતી. તેમણે અમારા માટે કપરી સ્થિતિ ભોગવી અને તેમણે ક્યારેય હાર માની નહીં."

(બીબીસી બ્રાઝિલના મારિયાના શ્રેબરના પૂરક અહેવાલ સાથે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.