સેક્સવર્કરોને પ્રસૂતિની રજાનો અધિકાર અને પેન્શન આપનારો પ્રથમ દેશ

બેલ્જિયમ, સેક્સ વર્કર, મહિલાના અધિકાર, સેક્સ, બીબીસી ગુજરાતી, સેક્સ વર્કરોને પેન્શન
ઇમેજ કૅપ્શન, સેક્સ વર્કર મેલે કહ્યું કે નવા કાયદો તેમના જીવનને વધુ સારું બનાવશે
    • લેેખક, સોફિયા બેતિઝા
    • પદ, જેન્ડર અને આઈડેન્ટિટી સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ, બ્રસેલ્સથી

(ચેતવણીઃ આ અહેવાલમાં કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે)

બેલ્જિયમમાં સેક્સવર્કર સોફી કહે છે, “હું નવ મહિનાની ગર્ભવતી હતી ત્યારે પણ મારે કામ કરવું પડ્યું હતું. બાળકને જન્મ આપ્યાના એક અઠવાડિયા પહેલાં સુધી હું ગ્રાહકો સાથે સેક્સ કરતી હતી.”

સોફી તેમનાં કામ અને પાંચ સંતાનો વચ્ચે સતત વ્યસ્ત રહે છે, જે “ખરેખર મુશ્કેલ” છે.

પોતાની સાચી ઓળખ જાહેર ન કરવા ઇચ્છતાં સોફીના પાંચમા સંતાનનો જન્મ સિઝેરિયન મારફત થયો હતો અને તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે છ મહિના સુધી બેડ રેસ્ટ કરવો જરૂરી છે, પરંતુ સોફીના કહેવા મુજબ, તેમના પાસે બેડ રેસ્ટનો વિકલ્પ ન હતો. તેઓ તરત જ સેક્સવર્કર તરીકે ફરી કામ કરવાં લાગ્યાં હતાં.

“મારે માટે થોભવું શક્ય ન હતું, કારણ કે મને પૈસાની જરૂર હતી.”

સોફીને ચાલુ પગારે પ્રસૂતિની રજાનો અધિકાર હોત તો તેમનું જીવન વધુ સરળ હોત.

બેલ્જિયમમાં નવા કાયદા હેઠળ આવું હવે શક્ય બનશે. આવું વિશ્વમાં પ્રથમ વખત બની રહ્યું છે. બેલ્જિયમમાં સેક્સવર્કર્સ સત્તાવાર રોજગાર કરાર હેઠળ આરોગ્ય વીમો, પ્રસૂતિની રજા, માંદગીના દિવસોમાં રજા અને પેન્શનની હકદાર હશે. તેને કોઈ પણ અન્ય નોકરીની જેમ જ ગણવામાં આવશે.

સોફી કહે છે, “આ અમારા જેવા લોકો માટે અસ્તિત્વ ટકાવી રાખવાની તક છે.”

ઇન્ટરનેશનલ યુનિયન ઑફ સેક્સવર્કર્સના જણાવ્યા અનુસાર, વિશ્વમાં અંદાજે 5.2 કરોડ સેક્સવર્કર્સ છે.

2022માં બેલ્જિયમમાં આ વ્યવસાયને અપરાધ-મુક્ત કરવામાં આવ્યો હતો અને તુર્કી તથા પેરુ જેવા અન્ય દેશોમાં પણ આ વ્યવસાય કાયદેસરનો છે.

'બહુ સારું પગલું છે'

બેલ્જિયમ, સેક્સ વર્કર, મહિલાના અધિકાર, સેક્સ, બીબીસી ગુજરાતી, સેક્સ વર્કરોને પેન્શન

ઇમેજ સ્રોત, UTSOPI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, રોજગાર અધિકારો અને કૉન્ટ્રાક્ટ્સની વ્યવસ્થા વિશ્વમાં પ્રથમ છે.

હ્યુમન રાઈટ્સ વોચનાં સંશોધક એરિન કિલબ્રાઈડ કહે છે, “આ સારું પરિવર્તન લાવનારો નિર્ણય છે અને અત્યાર સુધીમાં વિશ્વમાં ક્યાંય આવું પગલું લેવામાં આવ્યુ નથી. દરેક દેશે આ દિશામાં આગળ વધવાની જરૂર છે.”

આ નિર્ણયના ટીકાકારો કહે છે કે સેક્સવર્કર વ્યવસાય માનવતસ્કરી, શોષણ અને સતામણીનું કારણ બને છે. તેને આ કાયદો અટકાવી શકવાનો નથી.

બેલ્જિયમમાં સેક્સવર્કર્સને મદદ કરતા બિનસરકારી સંગઠન ઈસાલાનાં એક સ્વયંસેવિકા જુલિયા ક્રુમિઅર કહે છે, “આ ખતરનાક છે, કારણ કે તે એક એવા વ્યવસાયને સામાન્ય બનાવે છે, જે મૂળમાંથી જ હિંસક હોય છે.”

ઘણી સેક્સવર્કર્સ માટે આ કામ તેમની જરૂરિયાત છે અને કાયદો સમયસર આવી ગયો છે.

મેલને કૉન્ડોમ વિના ગ્રાહક સાથે ઓરલ સેક્સ કરવાની ફરજ પાડવામાં આવી ત્યારે તે ગભરાઈ ગયાં હતાં. વેશ્યાલયમાં જાતીય સંસર્ગને કારણે ચેપ (એસઆઈટી) લાગતો હોવાની ખબર પડવાને કારણે તેઓ ગભરાયાં હતાં, પરંતુ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.

“મારે રોગનો ચેપ ફેલાવવા અથવા કોઈ પૈસા ન કમાવા વચ્ચે પસંદગી કરવાની હતી.”

મેલ 23 વર્ષનાં હતાં ત્યારે એક એસ્કોર્ટ બન્યાં હતાં. તેમને પૈસાની જરૂર હતી અને તેમને અપેક્ષા કરતાં વધુ કમાણી થવા લાગી હતી. તેમને લાગ્યું હતું કે તેમના હાથમાં ખજાનો આવી ગયો છે, પરંતુ એસઆઈટીના અનુભવે તેમને ઝડપથી વાસ્તવિકતા સમજાવી હતી.

પસંદ ન હોય તેવા ગ્રાહક સાથે કે ઇચ્છા ન હોય તેવા ગ્રાહક સાથે જાતીય કૃત્યનો ઇનકાર મેલ હવે કરી શકશે, જેનો અર્થ એ થાય કે તેઓ પરિસ્થિતિ સાથે અલગ રીતે કામ પાર પાડી શકશે.

“હું મારી મેડલ (નોકરીદાતા) તરફ આંગળી ચીંધીને કહી શકી હોત કે તમે શરતોનું ઉલ્લંઘન કરી રહ્યાં છો અને તમારે મારી સાથે કાયદા મુજબ વર્તન કરવું જોઈએ. મને કાયદેસરનું રક્ષણ મળ્યું હોત.”

કોવિડ રોગચાળા દરમિયાન સરકારી સમર્થનના અભાવના અનુસંધાને 2022માં મહિલાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધનું પરિણામ બેલ્જિયમનો આ નિર્ણય છે.

તેમાં મોખરે રહેલી મહિલાઓમાં એક વિક્ટોરિયા હતાં. તેઓ બેલ્જિયન યુનિયન ઑફ સેક્સવર્કર્સ (યુટીએસઓપીઆઈ)નાં પ્રમુખ છે અને અગાઉ 12 વર્ષ સુધી તેઓ એસ્કોર્ટ તરીકે કામ કરતાં હતાં.

વિક્ટોરિયા માટે તે વ્યક્તિગત લડાઈ હતી. તેઓ વેશ્યાવૃત્તિને સામાજિક સેવા માને છે અને તેઓ જે કરે છે તેમાં માત્ર 10 ટકા જ સેક્સ હોય છે.

વિક્ટોરિયા કહે છે, “વેશ્યાવૃત્તિમાં લોકોને સંભાળવાના હોય છે, તેમની વાતો સાંભળવાની હોય છે, તેમની સાથે કેક ખાવાની હોય છે, વોલ્ટ્ઝ મ્યુઝિક પર નૃત્ય કરવાનું હોય છે. તે એકલતા વિશે છે.”

'મારી પર બળાત્કાર કર્યો'

બેલ્જિયમ, સેક્સ વર્કર, મહિલાના અધિકાર, સેક્સ, બીબીસી ગુજરાતી, સેક્સ વર્કરોને પેન્શન
ઇમેજ કૅપ્શન, વિક્ટોરિયાના જણાવ્યા મુજબ, એક ગ્રાહક તેમને ઝનૂનપૂર્વક ચાહવા લાગ્યો હતો અને તેણે વિક્ટોરિયા પર બળાત્કાર કર્યો હતો

2022માં પહેલાં નોકરીની ગેરકાયદેસરતાએ વિક્ટોરિયા માટે નોંધપાત્ર પડકારો સર્જ્યા હતા. તેમણે અસલામત પરિસ્થિતિમાં કામ કર્યું હતું. ગ્રાહકોને પસંદ કરવાનો તેમને કોઈ અધિકાર ન હતો અને એજન્સીઓ તેમની કમાણીમાંથી મોટું કમિશન લેતી હતી.

વિક્ટોરિયાના જણાવ્યા મુજબ, એક ગ્રાહક તેમને ઝનૂનપૂર્વક ચાહવા લાગ્યો હતો અને તેણે વિક્ટોરિયા પર બળાત્કાર કર્યો હતો.

તેઓ એક પોલીસ સ્ટેશનમાં ગયાં હતાં, જ્યાં તેમની મુલાકાત એક બહુ જ આકરા સ્વભાવના મહિલા અધિકારી સાથે થઈ હતી.

“તેમણે મને કહ્યું હતું કે સેક્સવર્કર પર ક્યારેય બળાત્કાર થઈ શકે નહીં. તેમણે મને એવો અહેસાસ કરાવ્યો હતો કે એ મારી જ ભૂલ હતી, કારણ કે હું સેક્સવર્કર તરીકે કામ કરતી હતી.”

વિક્ટોરિયા રડતાં રડતાં પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યાં હતાં.

અમે જેની સાથે વાત કરી તે દરેક સેક્સવર્કરે જણાવ્યું હતું કે કોઈને કોઈ તબક્કે તેમને તેમની ઇચ્છા વિરુદ્ધ કામ કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

એ કારણે વિક્ટોરિયા ભારપૂર્વક માને છે કે નવા કાયદાથી તેમના જીવનમાં સુધારો થશે.

“કોઈ કાયદો ન હોય તો તમારું કામ ગેરકાયદસરનું છે. તમારી મદદ માટે કોઈ પ્રોટોકોલ નથી. આ કાયદો અમને સુરક્ષિત બનાવવાની વ્યવસ્થા આપે છે.”

બેલ્જિયમ, સેક્સ વર્કર, મહિલાના અધિકાર, સેક્સ, બીબીસી ગુજરાતી, સેક્સ વર્કરોને પેન્શન
ઇમેજ કૅપ્શન, ક્રિસ રીકમેન્સ અને તેમનાં પત્ની એલેકઝાન્ડ્રા બેક્કેવર્ટ નામના નાના શહેરમાં લવ સ્ટ્રીટ પર એક ઈરોટિક મસાજ પાર્લર ચલાવે છે

સેક્સવર્કને નિયંત્રિત કરતા દલાલોને પણ, તેઓ આકરા નિયમોનું પાલન કરશે તો, નવા કાયદા હેઠળ કાયદેસર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. ગંભીર ગુનામાં દોષિત ઠરેલી કોઈ પણ વ્યક્તિ સેક્સવર્કર્સને કામ પર રાખી શકશે નહીં.

ક્રિસ રીકમેન્સ અને તેમનાં પત્ની એલેકઝાન્ડ્રા બેક્કેવર્ટ નામના નાના શહેરમાં લવ સ્ટ્રીટ પર એક ઈરોટિક મસાજ પાર્લર ચલાવે છે.

ક્રિસ રીકમેન્સ કહે છે, “મને લાગે છે કે ઘણા નાના ધંધા બંધ કરવા પડશે, કારણ કે એ પૈકીના ઘણા નોકરીદાતાઓ ગુનાહિત રેકૉર્ડ ધરાવે છે.”

અમે પાર્લરની મુલાકાત લીધી ત્યારે તે સંપૂર્ણપણે બૂક્ડ હતું. સોમવારે સવારે પણ આવી સ્થિતિ હશે તેવું અમે ધાર્યું ન હતું. અમને મસાજ બેડ્સ, સ્વચ્છ ટૉવેલ તથા રોબ્સથી સંપૂર્ણપણે સજ્જ રૂમ્સ અને હોટ ટબ્સ તેમજ સ્વિમિંગ-પૂલ દેખાડવામાં આવ્યા હતા.

ક્રિસ અને તેમનાં પત્ની 15 સેક્સવર્કર્સને રોજગાર આપે છે. તેમની સાથે આદરપૂર્વક વર્તન કરે છે, તેમનું રક્ષણ કરે છે અને તેમને સારો પગાર આપે છે.

તેઓ કહે છે, “મને આશા છે કે ખરાબ નોકરીદાતાઓના ધંધા બંધ થઈ જશે અને પ્રામાણિકપણે આ વ્યવસાય કરવા ઇચ્છતા લોકો ટકી રહેશે. એવા જેટલા લોકો વધારે હશે તેટલું વધારે સારું થશે.”

'હવે મારું ભવિષ્ય લાગી રહ્યું છે'

હ્યુમન રાઇટ્સ વોચનાં એરિન કિલબ્રાઈડ પણ સમાન વિચાર ધરાવે છે. તેમના કહેવા મુજબ, નોકરીદાતાઓ પર નિયંત્રણો મૂકીને આ કાયદો, સેક્સવર્કર્સ પર નોકરીદાતાઓનો જે અંકુશ છે તેમાં નોંધપાત્ર ઘટાડો કરશે.

અલબત્ત, જુલિયા ક્રુમિયર એવું જણાવે છે કે તેઓ જે મહિલાઓને મદદ કરે છે એ પૈકીની મોટા ભાગની મહિલાઓ આ વ્યવસાય છોડીને “સામાન્ય નોકરી” મેળવવા ઇચ્છે છે. તેમને શ્રમિક અધિકાર નથી જોઈતા.

“ઠંડાગાર હવામાનમાં બહાર ન રહેવું પડે અને તમારું શરીર ભોગવવા માટે પૈસા ચૂકવતા અજાણ્યા લોકો સાથે સેક્સ ન માણવું પડે તેવી વ્યવસ્થા તેમાં નથી.”

બેલ્જિયમના નવા કાયદા મુજબ, સેક્સ્યુઅલ સર્વિસ આપવામાં આવતી હોય તેવા દરેક રૂમમાં એક એલાર્મ બટન હોવું જરૂરી છે. તેની મારફત સેક્સવર્કર તેના રેફરન્સ પર્સનનો સંપર્ક કરી શકશે.

જોકે, જુલિયા માને છે કે સેક્સવર્કને સુરક્ષિત બનાવવાનો કોઈ રસ્તો નથી.

“બીજી કઈ નોકરીમાં તમારે પેનિક બટનની જરૂર હોય છે? આ વિશ્વનો સૌથી જૂનો વ્યવસાય નથી, તે વિશ્વનું સૌથી જૂનું શોષણ છે.”

સેક્સ ઉદ્યોગને કેવી રીતે નિયંત્રિત કરવો તે વૈશ્વિક સ્તરે મતમતાંતરનો મુદ્દો બની રહ્યો છે, પરંતુ તેને અસ્પષ્ટતામાંથી બહાર લાવવાથી મહિલાઓને મદદ જરૂર મળશે, એવું મેલ માને છે.

તેઓ કહે છે, “બેલ્જિયમ ઘણું આગળ છે તેનો મને ગર્વ છે. હવે મારું ભવિષ્ય છે.”

(લોકોની સુરક્ષાના હેતુસર કેટલાંક નામો બદલવામાં આવ્યાં છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.