પુરુષો કેમ નપુંસક બની રહ્યા છે અને બાળકો પેદા કરવાની ક્ષમતા કેમ ઘટી રહી છે?

- લેેખક, સ્ટીફની હેગાર્ટી
- પદ, વસતીવિષયક સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ
સમગ્ર વિશ્વમાં પ્રજનન દરમાં, આગાહી કરતાં પણ વધુ ઝડપી ઘટાડો થઈ રહ્યો છે. ચીનમાં રેકૉર્ડ નીચો જન્મદર નોંધાયો છે ને સમગ્ર લેટિન અમેરિકામાં એક પછી એક દેશમાં સત્તાવાર જન્મદર આગાહી કરતાં ઘણો ઓછો છે.
મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં પણ જન્મદર અપેક્ષા કરતાં વધુ નાટકીય રીતે ઘટી રહ્યો છે. તેનું એક કારણ એ છે કે લોકો ઓછાં બાળકો પેદા કરી રહ્યા છે. તેનું એક અન્ય કારણ એ પણ છે કે અનેક લોકો એવા છે, જેઓ સંતાનો પેદા કરવા ઇચ્છતા જ નથી.
કોલંબિયામાં રહેતા ઈસાબેલને આયુષ્યની ત્રીસીના દાયકાના પ્રારંભે બ્રૅકઅપ થયા પછી સમજાયું હતું કે તેમને બાળકો જોઈતાં જ નથી. એ પછી તેમણે નુન્કા મેડ્રેસ (નેવર મધર્સ) નામના હિમાયતી જૂથની સ્થાપના કરી હતી.
એ માટે ઈસાબેલે રોજ ટીકાનો સામનો કરવો પડે છે અને તે માત્ર કોલંબિયામાં જ નહીં.
ઈસાબેલ કહે છે, “બધા મને રોજ કહે છેઃ તને તેનો અફસોસ થશે. તું સ્વાર્થી છે. તું વૃદ્ધ થઈશ ત્યારે તારી સંભાળ કોણ રાખશે?”
ઈસાબેલ માટે નિઃસંતાન રહેવું એ પસંદગીની વાત છે. અન્ય લોકો માટે નિઃસંતાનતા જૈવિક વ્યંધ્યત્વનું પરિણામ છે. ઘણા લોકો માટે તે બીજું કંઈક છે. એક પરિબળોનું સંયોજન છે. એવા ઘણા લોકો છે, જેઓ પોતાનું સંતાન ઇચ્છે છે, પરંતુ તેને પેદા કરી શકતા નથી. સમાજશાસ્ત્રીઓ તેને “સામાજિક વ્યંધ્યત્વ” કહે છે.
વધી રહ્યું છે સંતાન વગરના પુરુષોનું પ્રમાણ?
તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઇચ્છતા હોવા છતાં પોતાનું સંતાન પ્રાપ્ત ન કરી શકતા પુરુષોની, ખાસ કરીને ઓછી આવક ધરાવતા પુરુષોની સંખ્યા વધારે હોવાની શક્યતા છે.
નૉર્વેમાં 2021ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સૌથી ઓછું કમાતા પુરુષોમાં નિઃસંતાનતાનો દર 72 ટકા હતો, પરંતુ સૌથી વધુ કમાણી કરતા પુરુષોમાં તે પ્રમાણ માત્ર 11 ટકા હતું. તે અંતર છેલ્લાં લગભગ 30 વર્ષોમાં 20 ટકા પૉઇન્ટ્સ વધ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રોબિન હેડલી આયુષ્યની ત્રીસીના દાયકામાં હતા ત્યારે પિતા બનવા આતુર હતા. તેમણે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો ન હતો, પરંતુ તેઓ ઉત્તર ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી લૅબમાં ટેકનિકલ ફોટોગ્રાફર તરીકે નોકરી કરતા હતા.
આયુષ્યની વીસીના દાયકામાં તેમણે લગ્ન કર્યાં હતાં અને છૂટાછેડા લીધા એ પહેલાં તેમણે અને તેમની પત્નીએ બાળકને પેદા કરવાના પ્રયાસ પણ કર્યા હતા.
તેમના પર લોનનો બોજ હતો. એ ચૂકવવા તેઓ સંઘર્ષ કરતા હતા અને બહાર જવાનું શક્ય ન હતું. તેથી તેમના માટે ડેટિંગ એક ચેલેન્જ હતી. દોસ્તો અને સહકર્મીઓ પિતા બની ગયા હોવાથી તેઓ કશુંક ખૂટતું હોવાની લાગણી અનુભવતા હતા.
તેઓ કહે છે, “બાળકો માટેના બર્થડે કાર્ડસ અથવા ન્યૂ બેબીઝ માટે કલેક્શન્શ, એ બધું તમને યાદ અપાવે છે કે તમારી પાસે શું નથી અને તમારી પાસેથી શેની અપેક્ષા હતી. તેની સાથે પીડા સંકળાયેલી છે.”
પોતાના અનુભવે રોબિન હેડલીને પુરુષ નિઃસંતાનતા વિશે પુસ્તક લખવાની પ્રેરણા આપી હતી. તેમણે લખ્યું છે તેમ, “ફર્ટિલિટીના પરિણામને અસર કરતી અર્થશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ઘટનાઓનો સમય અને સંબંધની પસંદગી જેવી તમામ બાબતોનો પ્રભાવ” તેમના પર પડ્યો હોવાનું તેમને સમજાયું છે.
તેમણે વાંચેલી વૃદ્ધાવસ્થા અને પ્રજનન વિશેની મોટા ભાગની સ્કૉલરશિપમાં જોયું હતું કે બાળકો વિનાના પુરુષોની કોઈ નોંધ ન હતી. રાષ્ટ્રીય આંકડાઓમાં તો તેમનો કોઈ ઉલ્લેખ જ ન હતો.
‘સામાજિક વ્યંધ્યત્વ’માં વધારો

સામાજિક વ્યંધ્યત્વનાં સંખ્યાબંધ કારણો છે. તેમાં બાળકો પેદા કરવા માટેનાં સંસાધનોના અભાવથી માંડીને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને મળવાની નિષ્ફળતા સુધીનાં કારણોનો સમાવેશ થાય છે.
જોકે, ફિનલૅન્ડની પૉપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સમાજશાસ્ત્રી અને વસ્તીવિદ્ અન્ના રોટકિર્ચ દલીલ કરે છે કે તેના મૂળમાં બીજું કંઈક છે.
અન્ના રોટકિર્ચ યુરોપ અને ફિનલૅન્ડમાં પ્રજનન હેતુનો અભ્યાસ 20થી વધુ વર્ષથી કરતા રહ્યા છે. બાળકો પ્રત્યેના આપણા દૃષ્ટિકોણમાં તેમણે ગહન પરિવર્તન જોયું છે.
એશિયાની બહાર, વિશ્વમાં નિઃસંતાનતાનો સૌથી મોટો દર ફિનલૅન્ડમાં છે, પરંતુ 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં બાળકો પ્રત્યે મૈત્રીપૂર્ણ હોય તેવી નીતિઓ સાથે, ઘટતા પ્રજનન દર સામે ઝીંક ઝીલવા બદલ તેની પીઠ થાબડવામાં આવી હતી.
અહીં ઉદારતાથી પેરંટલ લિવ મળે છે. બાળઉછેર પોસાય તેવો છે અને પુરુષો તથા સ્ત્રીઓ સમાન હિસ્સામાં ઘરકામ કરે છે.
જોકે, 2010થી દેશમાં પ્રજનનદરમાં લગભગ ત્રીજા ભાગનો ઘટાડો થયો છે.
પ્રોફેસર રોટકિર્ચના કહેવા મુજબ, લગ્નની માફક એક બાળક હોવું તે પણ એક વખત પાયાની ઘટના ગણવામાં આવતું હતું. યુવા લોકો પુખ્ત જીવનની શરૂઆત કરતાં પહેલાં કશુંક કરે તેવું હતું. હવે તેને કેપસ્ટૉન ઇવેન્ટ ગણવામાં આવે છે. એટલે કે તમારા અન્ય લક્ષ્યાંક હાંસલ થઈ જાય પછી તમે જે કરો તેવી બાબત છે.
પ્રોફેસર રોટકિર્ચ સમજાવે છે, “વિવિધ વગ્રોના લોકો એવું વિચારતા લાગે છે કે બાળક હોવું એ પોતાના જીવનની અનિશ્ચિતતામાં વધારો કરવા જેવું છે.”
તેમને જાણવા મળ્યું છે કે ફિનલૅન્ડમાં સૌથી ધનાઢ્ય હોય તેવી સ્ત્રી અનૈચ્છિક રીતે નિઃસંતાન રહે તેવી સંભાવના બહુ ઓછી હોય છે.
બીજી તરફ ઓછી આવક ધરાવતા પુરુષોમાં નિઃસંતાન રહેવાની સંભાવના વધારે હોય છે. તે ભૂતકાળથી એક મોટું પરિવર્તન છે. અગાઉ ગરીબ પરિવારના લોકો પુખ્તાવસ્થા પૂર્વેથી જ સંક્રમણ કરતા હતા. તેમણે અભ્યાસ કરવાનું છોડી દીધું હતું, નોકરી મેળવી હતી અને નાની વયે પરિવાર શરૂ કર્યો હતો.
પુરુષો માટે નાણાકીય અનિશ્ચિતતાની અસર જટિલ હોય છે. તેના કારણે તેમને સંતાન થવાની શક્યતા ઘટી જાય છે. સમાજશાસ્ત્રીઓ તેને “સિલેક્શન ઇફેક્ટ” કહે છે. તેમાં સ્ત્રીઓ જીવનસાથી પસંદ કરતી વખતે સમાન સામાજિક વર્ગ અથવા તેનાથી ઉપરના વર્ગના જીવનસાથીની પસંદગી કરે છે.
ત્રીસીના દાયકામાં તૂટી ગયેલા સંબંધ વિશે રોબિન હેડલી કહે છે, “હું મારા વર્ગના લોકોમાં બૌદ્ધિક રીતે અને આત્મવિશ્વાસની દૃષ્ટિએ અલગ વિચારતો હતો. પાછળ જોતાં લાગે છે કે પસંદગીની અસર એક પરિબળ હોઈ શકે છે.”
તેઓ 40 વર્ષના હતા ત્યારે તેમની વર્તમાન પત્નીને મળ્યા હતા. તેમની પત્નીએ તેમને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ટેકો આપ્યો હતો. “મારી પત્ની ન હોત તો હું આજે છું ત્યાં ન હોત.” તેમણે સંતાન પેદા કરવાનું વિચાર્યું ત્યાં સુધીમાં તેઓ આયુષ્યની ચાલીસીના દાયકામાં પહોંચી ગયા હતા અને ઘણું મોડું થઈ ગયું હતું.
વિશ્વભરના 70 ટકા દેશોમાં મહિલાઓ શિક્ષણના ક્ષેત્રમાં પુરુષોને પાછળ છોડી રહી છે. યેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી માર્સિયા ઈનહોર્ન તેને “સમાગમનું અંતર” કહે છે. યુરોપમાં એ કારણે પુરુષો યુનિવર્સિટીની ડિગ્રી વિનાના રહી ગયા છે, કારણ કે તે મોટા ભાગે નિઃસંતાન જૂથ હોવાની શક્યતા છે.
અદૃશ્ય વસ્તી

ઇમેજ સ્રોત, Getty Images
મોટા ભાગના દેશો પાસે પુરુષ પ્રજનન ક્ષમતા બાબતે સારો ડેટા નથી, કારણ કે તેઓ જન્મની નોંધણી કરતી વખતે માત્ર માતાની પ્રજનન ક્ષમતાનો ઇતિહાસ જ નોંધે છે. તેનો અર્થ એવો થાય કે નિઃસંતાન પુરુષોનું માન્ય “શ્રેણી” તરીકે અસ્તિત્વ નથી.
જોકે, કેટલાક નોર્ડિક ડેશોમાં સ્ત્રી-પુરુષ બન્નેની નોંધ લેવામાં આવે છે. શ્રીમંત અને ગરીબ પુરુષો વચ્ચે સંતાનપ્રાપ્તિમાં મોટા પાયે અસમાનતા હોવાનું જણાવતા નૉર્વેના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અસંખ્ય પુરુષો પાછળ રહી ગયા છે.
ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં પુરુષોના સ્વાસ્થ્ય અને પ્રજનનક્ષમતાનો અભ્યાસ કરતા વિન્સેન્ટ સ્ટ્રોબના કહેવા મુજબ, ઘટતા જન્મદરમાં પુરુષોની ભૂમિકાની ઘણી વાર અવગણના કરવામાં આવે છે.
તેમને પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવામાં “મેલ મલેઝ” શું ભૂમિકા ભજવે છે તેમાં રસ છે. સમાજમાં મહિલાઓના સશક્તીકરણને કારણે તેમજ પૌરુષ તથા પુરુષત્વમાં પરિવર્તનની અપેક્ષાને કારણે પુરુષો જે અસ્વસ્થતા અનુભવે છે તેને મેલ મલેઝ તરીકે ઓળખવામાં આવે છે.
તેને “પુરુષત્વની કટોકટી” તરીકે પણ ઓળખવામાં આવે છે અને એન્ડ્રુ ટેટ જેવા જમણેરી-નારીવાદ વિરોધીઓની લોકપ્રિયતાનું તે પ્રતીક છે.
બીબીસી સાથે વાત કરતાં વિન્સેન્ટ સ્ટ્રોબ કહે છે, “નીચી શૈક્ષણિક યોગ્યતા ધરાવતા પુરુષોની સ્થિતિ અગાઉના દાયકાઓ કરતાં વધારે ખરાબ છે.”
ઘણા ઉચ્ચ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ટેકનિકલ પ્રગતિએ મેન્યુઅલ નોકરીઓને ઓછી મૂલ્યવાન તથા વધુ અસલામત બનાવી છે. તેના કારણે યુનિવર્સિટીની ડિગ્રી ધરાવતા લોકો અને ડિગ્રી ન ધરાવતા લોકો વચ્ચેનું અંતર વધી ગયું છે.
તેની અસર “સમાગમના અંતર” પર પણ થાય છે અને તેનો પુરુષના આરોગ્ય પર નોંધપાત્ર પ્રભાવ પડે છે.
તેઓ કહે છે, “માદક પદાર્થોનો ઉપયોગ વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે અને પ્રજનનક્ષમ વયના પુરુષોમાં તેનું પ્રમાણ સૌથી વધારે છે, પછી તે આફ્રિકામાં હોય કે દક્ષિણ અને મધ્ય અમેરિકામાં. આ બધાની સામાજિક અને જૈવિક પ્રજનન ક્ષમતા પર અસર થાય છે.”
“મને લાગે છે કે તેમાં એક ખૂટતી કડી છે, જે ખરેખર પ્રજનન ક્ષમતા અને આ પ્રકારના સામાજિક તથા સાંસ્કૃતિક ફેરફારોને સાંકળતી નથી.”
તેની પુરુષોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર મૂળભૂત રીતે અસર થતી હોય તે શક્ય છે, એમ જણાવતાં સ્ટ્રોબ કહે છે, “સામાન્ય રીતે એકલ પુરુષોનું સ્વાસ્થ્ય કોઈ સ્ત્રીના પાર્ટનર પુરુષ કરતાં વધારે ખરાબ હોય છે.”
શું કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટ્રોબ અને હેડલીએ શોધી કાઢ્યું છે કે પ્રજનન સંબંધી તમામ સંવાદ સંપૂર્ણપણે સ્ત્રીકેન્દ્રી છે અને તેના નિરાકરણ માટેની નીતિઓમાં અડધું ચિત્ર અસ્પષ્ટ છે.
સ્ટ્રોબ માને છે કે આપણે પુરુષી સ્વાસ્થ્ય સમસ્યા તરીકે પ્રજનનક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પિતા દ્વારા સંતાનની સંભાળ રાખવાના ફાયદાઓની ચર્ચા કરવી જોઈએ.
તેઓ કહે છે, “યુરોપિયન સંઘના દેશોમાં પ્રત્યેક 100માંથી માત્ર એક જ પુરુષ બાળકની સંભાળ રાખવા માટે પોતાની કારકિર્દી પર બ્રેક મારે છે. સ્ત્રીઓમાં તે પ્રમાણ પ્રત્યેક ત્રણે એકનું છે.” બાળકનું પાલન-પોષણ કરવું તે પુરુષોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાના ઢગલાબંધ પુરાવા હોવા છતાં આ સ્થિતિ છે.
ઈસાબેલ તેમની સંસ્થા નુન્કા મેડ્રેસ દ્વારા મૅક્સિકોમાં એક મોટી આંતરરાષ્ટ્રીય બૅન્કના કેટલાક પ્રતિનિધિઓને મળ્યા હતા. એ લોકોએ તેમને જણાવ્યું હતું કે નવા પિતા બનેલા તમામ પુરુષોને છ સપ્તાહની પેટરનિટી લિવ મળતી હોવા છતાં એકેય પુરુષ તે રજા લીધી નથી.
ઈસાબેલ કહે છે, “તેઓ માને છે કે એ કામ સ્ત્રીનું છે. લેટિન-અમેરિકન પુરુષોને એવું લાગે છે.”
રોબિન હેડલી કહે છે, “આ સંબંધે વધારે સારા પુરાવાની પણ જરૂર છે.” આપણે પુરુષની પ્રજનન ક્ષમતાને સારી રીતે રેકૉર્ડ નહીં કરીએ ત્યાં સુધી આપણે તેને અથવા તેના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર શું અસર થાય છે તે સંપૂર્ણપણે સમજી શકીશું નહીં.
પ્રજનન સંબંધી ચર્ચામાં પુરુષોની અદૃશ્યતા હવે રેકૉર્ડની બહાર વિસ્તરી રહી છે. હવે એ બાબતે જાગૃતિ આવી રહી છે ત્યારે યુવતીઓએ તેમની પ્રજનન ક્ષમતા કેવી રીતે ઘટે છે તે વિશે વિચારવાની જરૂર છે. એ યુવાનો વચ્ચે થતી વાતચીત માત્ર નથી.
હેડલીના કહેવા મુજબ, પુરુષો પાસે પણ જૈવિક ઘડિયાળ હોય છે. સંશોધન દર્શાવે છે કે 35 વર્ષની વય પછી શુક્રાણુઓની અસરકારકતામાં ઘટાડો થાય છે.
આ અદૃશ્ય જૂથને દૃશ્યમાન બનાવવું એ સામાજિક વંધ્યત્વનો સામનો કરવાનો એક માર્ગ છે. બીજો માર્ગ પેરેન્ટિંગની વ્યાખ્યાને વિસ્તારવાનો હોઈ શકે.
નિઃસંતાનપણા બાબતે ટિપ્પણી કરનારા તમામ સંશોધકો એ નિર્દેશ કરવા ઉત્સુક હતા કે બાળકો વિનાના લોકો હજુ પણ તેમના ઉછેરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
અન્ના રોટકિર્ચ સમજાવે છે કે બિહેવિયરલ ઇકૉલૉજિસ્ટ તેને એલોપેરન્ટિંગ કહે છે. માનવ ઉત્ક્રાંતિના મોટા ભાગના સમયગાળામાં એક બાળકનો ઉછેર કરવા એક ડઝન કરતાં વધુ લોકો હતા.
ડૉ. હેડલીએ એક નિઃસંતાન પુરુષ સાથે વાત તેમના સંશોધન દરમિયાન વાત કરી હતી. એ પુરુષે એક એવા પરિવાર વિશે વાત કરી હતી, જેને તેઓ તેમની સ્થાનિક ફૂટબૉલ ક્લબમાં નિયમિત રીતે મળતા હતા. સ્કૂલ પ્રોજેક્ટ માટે બે નાના છોકરાઓને દાદા-દાદીની જરૂર હતી, પરંતુ તેમની પાસે એ બેમાંથી કોઈ ન હતું.
એ પુરુષ તેમના સરોગેટ દાદા બન્યા હતા અને વર્ષો પછી એ બાળકોએ તેમને ફૂટબૉલ ક્લબમાં જોયા અને “દાદાજી” કહીને બોલાવ્યા ત્યારે તેમને અત્યંત આનંદ થયો હતો.
પ્રોફેસર રોટકિર્ચ કહે છે, “મને લાગે છે કે મોટા ભાગના નિઃસંતાન લોકો ખરેખર આ પ્રકારની સંભાળમાં સામેલ હોય છે. તે કોઈને દેખાતું નથી.”
“તેની બર્થ રજિસ્ટરમાં નોંધ હોતી નથી, પરંતુ એ ખરેખર મહત્ત્વપૂર્ણ છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












