એ રહસ્યમય બીમારી જેના કારણે દર વર્ષે 70 હજારથી વધારે ગર્ભવતી મહિલાઓનાં મૃત્યુ થાય છે

ગર્ભવતી મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગર્ભવતી મહિલાની પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ડૅવિડ કૉક્સ
    • પદ, બીબીસી સંવાદદાતા

આ બીમારીના કારણે દર વર્ષે લગભગ 70 હજારથી વધારે ગર્ભવતી મહિલાઓનાં મોત થાય છે, પરંતુ તેનાં કારણો વૈજ્ઞાનિકોને હજુ સુધી સમજાયાં નથી.

ઍલિસન ફૅલિક્સ એક ખેલાડી છે, જેમની ટ્રૅક ઍન્ડ ફિલ્ડમાં શાનદાર કારકિર્દી રહી છે. તેમણે સાત ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મૅડલ મેળવ્યા છે અને સાથે તેઓ 14 વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મૅડલ વિજેતા છે. તેમને લાગતું હતું કે તેઓ જે રીતે આસાનીથી દોડી શકે છે, તેવી જ રીતે ગર્ભાવસ્થામાં પણ કોઈ વાંધો નહીં આવે.

ફૅલિક્સ કહે છે કે "મારા આખા જીવન દરમિયાન મેં મારા શરીરનું ધ્યાન રાખ્યું છે. મારું શરીર જ મારું સાધન છે. તેણે મને ક્યારેય નિરાશ નથી કરી."

તેઓ ઉમેરે છે, "મેં તાલીમ લીધી છે અને શરીર પાસે સખત કામ કરાવ્યું છે અને હંમેશાં તેણે અપેક્ષા પૂરી કરી છે. તેથી હું એક સુંદર કુદરતી પ્રસૂતિનો વિચાર કરતી હતી. હું સંમોહન અને એવી બધી ચીજોમાં જતી રહી હતી."

પરંતુ ફૅલિક્સે ગર્ભાવસ્થાના 32મા સપ્તાહમાં રુટિન ચૅક-અપ કરાવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેમને ગંભીર પ્રિ-ઍક્લૅમ્પશિયા છે. આ એક ગર્ભાવસ્થાને લગતી એક સમસ્યા છે, જેમાં બ્લડ પ્રૅશર જોખમી સ્તરે વધી જાય છે અને અંગોને નુકસાન થઈ શકે છે. તેમાં તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.

બીજા જ દિવસે ડૉક્ટરોએ ઇમર્જન્સી સિઝેરિયન કરાવ્યું અને તેમની દીકરી કેમરિનનો બે મહિના વહેલો જન્મ થયો. ત્યાર પછી બાળકીએ પોતાના જીવનનો પહેલો મહિનો શિશુના આઈસીયુમાં કાઢવો પડ્યો.

ત્યાં સુધી એવા કોઈ સંકેત મળ્યા ન હતા કે ફૅલિક્સ અને તેના ગર્ભમાં રહેલા બાળકને કોઈ મુશ્કેલી છે. ફૅલિક્સને માત્ર પગમાં સોજો રહેતો હતો. તે કહે છે, "મને તેની બહુ ચિંતા ન હતી, પરંતુ મને જાણવા મળ્યું કે શરીરમાંથી પ્રોટીન જતું હતું અને બ્લડ પ્રૅશરને લગતી બધી વાતોની ખબર પડી. તે બહુ ડરામણું હતું. પરંતુ અમે સપરિવાર ઘરે જઈ શક્યા."

કેમરિન હવે પાંચ વર્ષની તંદુરસ્ત બાળકી છે, ત્યારે ફૅલિક્સને ખબર છે કે ઘણી મહિલાઓ તેમના જેટલી નસીબદાર નથી હોતી.

આ અહેવાલના કેટલાક અંશ અમુક લોકોને ચિંતિત કરી શકે છે.

ઘાતક રહસ્યોદ્ધાટન

ગર્ભાવસ્થા દરમિયાન તબીબ પાસે પરીક્ષણ કરાવી રહેલાં મહિલાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રિ-ઍક્લૅમ્પસિયાના કારણે આખી દુનિયામાં દર વર્ષે લગભગ 70,000થી વધારે મહિલાઓ બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામે છે અને પાંચ લાખથી વધારે શિશુઓનાં મોત થાય છે. અત્યંત ઊંચા બ્લડ પ્રૅશરના કારણે ઘણાં મૃત્યુ માટે સ્ટ્રૉક અથવા ફિટિંગ જવાબદાર હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન તે કોઈ પણ સમયે, કોઈ પણ જાતની પૂર્વ ચેતવણી વગર થઈ શકે છે. કેટલીક મહિલાઓને 34 અઠવાડિયાં અગાઉથી પ્રિ-ઍક્લૅમ્પસિયા થઈ જાય છે. અન્યને આવી સ્થિતિ મોડેથી અનુભવાય છે. બાળકને જન્મ આપ્યાનાં છ અઠવાડિયાં પછી પણ મહિલાઓને પ્રસૂતિ પછીનું પ્રિ-ઍક્લૅમ્પસિયા થઈ શકે છે.

આવું શા માટે થાય છે તેને લઈને વૈજ્ઞાનિકોએ કેટલીક કડીઓ મેળવી છે. ગર્ભાશયમાં જ્યારે વધારે પડતો સોજો આવે ત્યારે માતાનાં શરીર અને તેનાં ભ્રૂણ વચ્ચે થતા નાજુક સંચારની પૅટર્નને અસર કરે છે.

ખાસ કરીને તે પ્લૅસેન્ટા (ગર્ભનાળ) બનાવા માટે ગર્ભાશયની અંદર રક્તવાહિનીઓના પુનઃઆકારને પ્રભાવિત કરે છે. ગર્ભનાળ એ ભ્રૂણને આવશ્યક પોષકતત્ત્વો અને ઑક્સિજન પૂરું પાડવા માટે સર્જાયેલું અંગ હોય છે.

ગર્ભનાળના માધ્યમથી રક્ત પ્રવાહ અસામાન્ય હોય છે, તેથી અંતે તે માતાનું શરીર બ્લડ પ્રૅશરને કઈ રીતે નિયંત્રિત કરશે તેના પર અસર પાડે છે. તેના કારણે ધીમે ધીમે હાઇપર ટેન્શન અને આખરે પ્રિ-ઍક્લૅમ્પસિયા થાય છે.

ગર્ભવતી મહિલાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ક્લિનિકલ ફાર્માકૉલૉજિસ્ટ અને થૅરાપ્યુટિક્સના પ્રોફેસર ઇયાન વિલ્કિન્સન કહે છે, "મહિલા જ્યારે ગર્ભવતી થાય ત્યારે તેના હૃદયે બાળક અને ગર્ભનાળ (પ્લૅસેન્ટા) માટે વધારે લોહીને પંપ કરવું પડે છે. તેણે દર મિનિટે સામાન્ય કરતા દોઢ કે બે ગણું વધારે (સામાન્ય પ્રસૂતિમાં) લોહી પંપ કરવાનું હોય છે."

ઇયાન વિલ્કિન્સન યુકેમાં પ્રિ-ઍક્લૅમ્પસિયા પર સંશોધન કરે છે જેને 'પૉપી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

પહેલેથી ઑટોઇમ્યૂન વિકાર ધરાવતી મહિલાઓ, 40 વર્ષથી વધારે ઉંમરની અને વધારે બૉડી માસ ઇન્ડેક્સ ધરાવતી મહિલાઓમાં તેનું જોખમ વધારે હોય છે. તેનું કારણ કદાચ એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના શરીર પર પડનારી શારીરિક અસરને તેઓ કદાચ અનુકૂલન નથી કરી શકતાં.

પરંતુ ચોક્કસ મહિલાઓને કોઈ પણ જાતની પૂર્વચેતવણી વગર પ્રિ-ઍક્લૅમ્પસિયા શા માટે થાય છે અને અમુક મહિલાઓને કેમ નથી થતું, તેના વિશે હજુ ઘણાં રહસ્યો છે. ખાસ કરીને અશ્વેત મહિલાઓમાં તે 60 ટકા સુધી વધારે જોવા મળે છે, જેમને આ સમસ્યાનું ગંભીર સ્વરૂપ જોવા મળે તેવી શક્યતા વધારે હોય છે.

કેટલાક સંશોધનકર્તાઓનું માનવું છે કે સારું પોષણ ન મળવાના કારણે અથવા આરોગ્ય વીમાની સુવિધા ન હોવાના કારણે કદાચ અશ્વેત મહિલાઓમાં તે વધારે જોવા મળે છે.

ફૅરફૅક્સ, વર્જિનિયા ખાતે હૅલ્થકેર કંપની ઇનોવા હૅલ્થ સિસ્ટમ ખાતે મહિલાઓના આરોગ્યમાં કાર્ડિયો-ઓબ્સ્ટેટ્રિક્સ અને કાર્ડિયોવેસ્ક્યુલરના ડાયરેક્ટર ગરિમા શર્મા કહે છે કે, "તેમાં એક પ્રકારનો સ્ટ્રક્ચરલ વંશવાદ છે. કેટલાક દર્દીઓ અને સમુદાયોને વહેલાસર નિદાન કે સારવારની સગવડ નથી મળતી, કારણ કે તેઓ ક્યાંથી હૅલ્થકેર મેળવે છે તેના પર બધો આધાર હોય છે."

ગરિમા શર્મા એવું પણ કહે છે કે આનાથી એ બિલકુલ સ્પષ્ટ નથી થતું કે આવી સ્થિતિ કેમ પેદા થાય છે. ડૉક્ટરો હજુ પણ તેનું આકલન કરવા માટે ઉંમર, વંશ અને તબીબી ઇતિહાસ જેવા ક્લિનિકલ જોખમનાં પરિબળો પર આધાર રાખે છે અને કોને પ્રિ-ઍક્લૅમ્પસિયા થઈ શકે તેનો અંદાજ કાઢતા હોય છે.

આમ છતાં તેના આધારે સચોટ તારણ કાઢી શકાતું નથી અને તેની વિશ્વસનીયતા બહુ ઓછી છે. શર્મા કહે છે કે, ''ક્લિનિકલ જોખમનાં પરિબળોની સંવેદનશીલતા ઘણી ઓછી છે."

પરંતુ નવી અને વધુ સારી નિદાનપદ્ધતિઓના કારણે વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં એ બાબત જાણી શકશે કે કોના પર જોખમ વધારે છે અને શા માટે છે.

પ્રિ-ઍક્લૅમ્પસિયાનું નિદાન

વીડિયો કૅપ્શન, પેરિમેનોપોઝના સામાન્ય લક્ષણો એ મેનોપોઝ જેવા જ હોય છે.

કૅન્સર કે પછી ક્રૉનિક ઇન્ફૅક્શન જેવી બીમારીઓની સારવાર કરતા નિષ્ણાતો ઘણી વખત વિશેષ વિશ્લેષણ માટે આંતરિક ટિશ્યૂની બાયૉપ્સી કરે છે. પરંતુ ગર્ભવતી મહિલાના ગર્ભાશયમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવાની કોઈ સરળ પદ્ધતિ નથી.

યુનિવર્સિટી ઑફ ટૅક્નૉલૉજી, સિડની ખાતે ઍસોસિયેટ પ્રોફેસર લાના મૅકક્લેમૅન્ટ કહે છે, "આપણે નિયમિત રીતે જઈને ગર્ભવતી મહિલાની ગર્ભનાળનાં સૅમ્પલ્સ ન લઈ શકીએ, કારણ કે તેનાથી ગર્ભપાત (મિસકૅરેજ) થવાનો ખતરો વધી જાય છે. પ્રાણીઓમાં ઍક્લૅમ્પસિયા પેદા નથી થતા. તેથી ઉદાહરણ તરીકે ઉંદરના મૉડલ વિકસાવવા બહુ મુશ્કેલ છે."

તેના બદલે સંશોધકોએ લોહીમાં કેટલાક મૉલેક્યુલના અસામાન્ય સ્તરની જાણકારી મેળવવા પ્રયાસ કરવો પડ્યો, જેથી કરીને ખબર પડે કે કોઈ સમસ્યા છે કે કેમ. વિશેષ કરીને સંશોધન પરથી જાણવા મળ્યું છે કે ગર્ભાશયમાં ભારે સોજો ધરાવતી મહિલાઓમાં ગર્ભનાળની કોશિકાઓ સોલ્યુબલ fms જેવા ટાઇરોસિન કિનેસ 1 (sFlt-1) નામનું પ્રોટીન રિલીઝ કરીને ખરાબ રક્તના પુરવઠાનો પ્રતિભાવ આપે છે. જેના કારણે માતા અને ભ્રૂણની વચ્ચે નાજૂક અવરોધની સોજા પ્રત્યે સંવેદનશીલતા વધી જાય છે.

યુનિવર્સિટી ઑફ મૅસેચ્યુસેટ્સ મેડિકલ કૉલેજ ખાતે બાયૉલૉજિસ્ટ ક્રૅક મેલોને ફિઝિયૉલૉજી અથવા મેડિસિનમાં 2006નો નોબલ પુરસ્કાર મળ્યો હતો. તેઓ કહે છે, "પ્રિ-ઍક્લૅમ્પસિયાના દર્દીઓમાં આ પ્રોટીન સામાન્ય કરતાં લગભગ 100 ગણું વધારે એકઠું થાય છે. તેથી તેનો ઉપયોગ ઑર્ગન ફૅલ્યરના ખતરાનું પહેલેથી નિદાન કરવા માટે થઈ શકે છે જે તમને પ્રિ-ઍક્લૅમ્પસિયાથી થઈ શકે છે."

ગયા વર્ષે લાઇફ સાયન્સ અને ક્લિનિકલ રિસર્ચ કંપની થર્મો ફિશર સાયન્ટિકિફકે પ્રિ-ઍક્લૅમ્પસિયાના એક નવા નિદાન માટે યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ)નો સંપર્ક કર્યો હતો. આ પ્રક્રિયા ગંભીર સ્થિતિનો ઇલાજ અથવા નિદાન કરતી મેડિકલ ટૅક્નૉલૉજીને ઝડપી બનાવવામાં મદદ કરે છે.

ગર્ભવતી કાળાં મહિલાના આરોગ્યની તપાસ કરી રહેલી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અશ્વેત મહિલાઓમાં પ્રિ-ઍક્લૅમ્પસિયાનું પ્રમાણ 60 ટકા વધારે, પરંતુ કોઈ નથી જાણતું કેમ?

આ મામલામાં ડાયગ્નોસ્ટિક ટૂલ દ્વારા અન્ય પ્રોટીનની તુલનામાં sFlt-1ના ઉચ્ચ સ્તરને શોધવામાં આવે છે.

આ પરીક્ષણનો ઉપયોગ કરીને ઝડપથી જાણી શકાશે કે હાઇપર ટેન્શનનાં લક્ષણો સાથે હૉસ્પિટલમાં દાખલ થયેલી ગર્ભવતી મહિલામાં હવે પછીનાં બે અઠવાડિયાંની અંદર ગંભીર પ્રિ-ઍક્લૅમ્પસિયા પેદા થશે કે નહીં.

જુદી-જુદી 18 હૉસ્પિટલોમાં 700થી વધારે ગર્ભવતી મહિલાઓની તપાસ કરીને 2022માં થયેલા એક સંશોધનમાં તેની અસરકારકતા દેખાડવામાં આવી હતી, જેમાં જે મહિલાના રિપૉર્ટ પૉઝિટિવ આવ્યા હોય તેઓ પોતાનાં લક્ષણ બગડે તે અગાઉ વધારે દેખરેખ અને તાત્કાલિક સારવાર પ્રાપ્ત કરવામાં સક્ષમ હતી.

નવી નિદાન પદ્ધતિથી ઘણા જીવ બચી શકશે એવું માનવામાં આવે છે, ત્યારે ઓહાયો સ્ટૅટ યુનિવર્સિટી કૉલેજ ઑફ નર્સિંગમાં મેટર્નલ ઇનફન્ટ હૅલ્થનાં પ્રોફેસર સિન્ડી ઍન્ડરસન માને છે કે વધારે આધુનિક નિદાન સુવિધાની હજુ પણ જરૂરિયાત છે જે ગર્ભાવસ્થાના બહુ શરૂઆતના તબક્કામાં પ્રિ-ઍક્લૅમ્પસિયાના ચેતવણીના સંકેતોને ઓળખી શકે. ગર્ભનાળનો સંપૂર્ણ વિકાસ થયો ન હોય તે તબક્કે જ પ્રિ-ઍક્લૅમ્પસિયાના સંકેતોને ઓળખી શકાય, તો તે સ્થિતિ પેદા થતી રોકી શકાય છે.

ઍન્ડરસન કહે છે, "નવ અઠવાડિયાં પછી ગર્ભનાળ વિકસિત થઈ ગઈ છે. તો શું આપણે આ સંકેતોને પહેલાં જોઈ શકીએ છીએ? અને પછી શું અમે તેને રોકવા અથવા સુધારવા માટે ઉપચારમાં હસ્તક્ષેપ કરી શકીએ?"

તેને અજમાવવા અને સક્ષમ બનાવવા માટે વૈજ્ઞાનિકોનું એક જૂથ એક નવી ટૅક્નૉલૉજી તરફ જઈ રહ્યું છે જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહુ ઝડપથી વિકસી છે.

ઑસ્ટ્રેલિયામાં નવું સંશોધન

આઈસીયુમાં રહેલા બાળકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રિ-ઍક્લૅમ્પસિયાને કારણે શિશુનો અધૂરા મહિને જન્મ થવાની શક્યતા વધી જાય છે

સિડનીની એક લૅબોરેટરીમાં મૅકક્લેમૅન્ટ્સ અને તેમની ટીમ કુદરતી ટિશ્યૂ જેવાં સ્ટ્રક્ચર બનાવવા માટે જીવંત પ્લૅસેન્ટ્સ (ગર્ભનાળ)ની કોશિકાઓના સ્તરને એકત્ર કરવામાં આવે છે જેમાં કોશિકાઓને સહાયક જેલથી ચોંટાડવામાં આવે છે.

તેમનો વિચાર કેટલીક એવી પ્રક્રિયાઓનું મૉડલ તૈયાર કરવાનું છે જે માનવ શરીરની બહાર પ્રિ-ઍક્લૅમ્પસિયાના પ્રારંભિક તબક્કામાં બની શકે છે. અગાઉ ક્યારેય આવું નથી થયું. ટીમે સ્નેહપૂર્વક આ ટૅક્નૉલૉજીને 'પ્લૅસેન્ટા ઑન ચિપ' નામ આપ્યું છે.

મૅકક્લેમૅન્ટ્સ કહે છે, "અમે એવાં મૉડલ વિકસાવવાનો પ્રયાસ કરીએ છીએ જે પ્રિ-ઍક્લૅમ્પસિયાની સ્થિતિમાં માનવ પ્લૅસેન્ટામાં શું થાય છે તેની નકલ કરી શકે છે."

"ઉદાહરણ તરીકે અમે પહેલાં ત્રણ મહિનામાં જ ટ્રૉફોબ્લાસ્ટનો ઉપયોગ કર્યો છે, જે કોષના પડ હોય છે અને પ્લૅસેન્ટાની રચનાને નિર્દેશિત કરે છે. અમે એ સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે સોજો, ઑક્સિડેટિવ સ્ટ્રૅસ, ઑક્સિજનનો અભાવ અને ગર્ભાવસ્થામાં પ્રિ-ઍક્લૅમ્પસિયા અગાઉ જોવા મળતા રક્તવાહિનીના નિયંત્રિત વિકાસની સ્થિતિમાં તેની સાથે શું થાય છે."

મૅકક્લેમૅન્ટ્સ મુજબ એવી આશા છે કે એક દિવસ સંશોધન નવાં બાયૉમાર્કર પેદા કરી શકે છે જે નવી ગર્ભવતી માતાઓ માટે ભવિષ્યમાં બ્લડ ટેસ્ટનો આધાર બની શકે છે.

આમ છતાં પ્રિ-ઍક્લૅમ્પસિયાનું વધારે વાસ્તવવાદી મૉડલ હોવાથી સંશોધનકર્તાઓ માટે સંભવિત ઉપચારોનું પરીક્ષણ કરવું પણ આસાન બની શકે છે, જે વાસ્તવમાં બીમારીની દિશા જ બદલી શકે છે.

મૅકક્લેમૅન્ટ્સ કહે છે, "ગર્ભાવસ્થામાં પ્રિ-ઍક્લૅમ્પસિયામાંથી પસાર થનારી ત્રણમાંથી બે મહિલાઓ હાર્ટ ઍટેક અને હૃદયને લગતી બીમારીઓથી અકાળે મૃત્યુ પામશે. તેથી ગર્ભાવસ્થા ગર્ભાવસ્થા પછીની બીમારીઓ રોકવા માટે નવી ઉપચાર પદ્ધતિઓ શોધવાની વાસ્તવિક જરૂરિયાત છે."

ઇલાજની સંભાવનાઓ

મહિલા તબીબ પાસે પરીક્ષણ કરાવી રહેલાં સગર્ભાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અત્યાર તો પ્રિ-ઍક્લૅમ્પસિયાના ઉચ્ચ જોખમમાં ગણાતી ગર્ભવતી મહિલાઓ માટે 12 અઠવાડિયાંથી લઈને બાળકના જન્મ સુધી ઍસ્પિરિનનો નીચો ડોઝ એ એકમાત્ર થૅરાપી છે. અભ્યાસમાં જોવા મળ્યું છે કે 16મા અઠવાડિયાં અગાઉ ઍસ્પિરિનની થૅરાપી શરૂ કરનાર લગભગ 60 ટકા મહિલાઓમાં પ્રિ-ઍક્લૅમ્પસિયાનાં કોઈ લક્ષણો જોવાં નથી મળતાં.

પરંતુ આમ છતાં 40 ટકા દર્દીઓ હજુ પણ અસુરક્ષિત છે. સાથે સાથે એવા ઘણા લોકો છે જેમને આ થૅરાપી બિલકુલ નથી મળતી કારણ કે તેમના ડૉક્ટરોને એ શંકા ન હતી કે તેમને પ્રિ-ઍક્લૅમ્પસિયા થઈ શકે છે.

કિંગ્સ કૉલેજ લંડન ખાતે પ્રસૂતિવિજ્ઞાનના પ્રોફેસર એન્ડ્રુ શેનન કહે છે, "એવા ઘણા લોકો છે જેમને આ સમજાતું નથી અને તેમની સાથે આ ચર્ચા પણ નથી થતી."

મૅકક્લેમૅન્ટ્સ જણાવે છે કે ગર્ભવતી મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવતી હાલની દવાઓ અથવા પડતી મૂકાયેલી દવાઓના નવા ઉપયોગ શોધવાની પદ્ધતિ અસરકારક બની શકે છે. તેનાથી પ્રિ-ઍક્લૅમ્પસિયાની સારવારમાં ઘણો સુધારો થઈ શકે છે. આ એવી પ્રક્રિયા છે જેને બાયૉપ્રિન્ટેડ પ્લૅસેન્ટલ કોષ પર આવી દવાઓના પરીક્ષણ દ્વારા તેજ કરી શકાય છે.

અપચો, છાતીમાં બળતરા અથવા પેટના અલ્સરના ઇલાજ માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ એટલે કે પ્રૉટોન પંપ અવરોધક ઉપયોગી બની શકે છે. તે કેટલીક હાનિકારક સોજાની પ્રક્રિયાને ઉલટાવવા માટે સક્ષમ ગણવામાં આવે છે, જે પ્રિ-ઍક્લૅમ્પસિયાના શરૂઆતના તબક્કાને પ્રેરિત કરે છે.

સંશોધનકર્તાઓએ એવું પણ સૂચન કર્યું છે કે લોહીના રોગના એક પ્રકારની સારવાર માટે કરવામાં આવતા એક મૉનોક્લૉનિલ ઍન્ટીબૉડી, ઇક્યુલિઝુમેબ ગર્ભાવસ્થાની શરૂઆતમાં આપવામાં આવે તો પ્રિ-ઍક્લૅમ્પસિયાના વિકાસના જોખમને ઘટાડી શકાય છે.

મૅકક્લૅનટ્સ કહે છે કે "અમે હાલમાં ડાયાબિટિસની દવા મૅટફૉર્મિન પર કામ કરી રહ્યા છીએ જે સંભવિત ઇલાજ તરીકે ઉભરી રહી છે. એક રસપ્રદ સંશોધન થયું છે કે મૅટફૉર્મિન હકીકતમાં પ્રારંભિક ગંભીર પ્રિ-ઍક્લૅમ્પસિયામાં બાળકની ડિલિવરીને વિલંબિત કરી શકે છે, તેથી તે સંભવતઃ અધુરા માસે જન્મને અટકાવી શકે છે."

અમેરિકામાં સંશોધન

વીડિયો કૅપ્શન, સ્તન કૅન્સરની એ 12 નિશાનીઓ કઈ છે, જેનાથી આપ કૅન્સર થાય તે અગાઉ જ જાણી તપાસ કરાવી શકો છો?

અન્ય એક પદ્ધતિમાં ગર્ભનાળમાં sFlt1 નું ઉત્પાદન અટકાવીને પરિસ્થિતિને તેના ટ્રૅકમાં રોકવાનો પ્રયાસ કરી શકાય છે. ગયા વર્ષે FDA એ CBP-4888 નામની એક નવી દવાની ચકાસણીને મંજૂરી આપી હતી. તેને ક્લિનિકલ પરીક્ષણોમાં ચકાસણી માટે મૅસેચ્યુસેટ્સ સ્થિત કોમેન્ચ બાયૉફાર્મા નામની કંપની દ્વારા વિકસિત કરવામાં આવી છે.

આ દવાને નાના આરએનએ (siRNA) ના રૂપમાં ઓળખવામાં આવે છે, જેમાં જિનેટિક કોડના નાના ટુકડા હોય છે જેને શરીરના અલગ અલગ ભાગમાં સચોટ રીતે નિર્દેશિત કરી શકાય છે, જ્યાં તે એક ચોક્કસ પ્રોટીનના ઉત્પાદનને રોકવા માટે જિન અભિવ્યક્તિ અને સૅલ્યુલર ફંકશનને નિયંત્રિત કરી શકે છે. આ કેસમાં આ પ્રોટીન sFlt1 હોય છે.

કોમેન્ચ બાયૉફાર્મામાં વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કામ કરતા મેલો કહે છે, "આ અણુઓ માટે એક મહત્ત્વની વાત તેનું લાંબુ આયુષ્ય છે. એક સિંગલ ડોઝની અસર છ મહિનાથી લઈને એક વર્ષ સુધી ચાલે છે. તેથી અમે આશા રાખીએ કે એક ડોઝ પૂરતો હશે."

અત્યાર સુધી કંપની પ્રસૂતિની ઉંમરની મહિલા સ્વયંસેવિકાઓમાં દવાની સુરક્ષાની ચકાસણી કરી રહી છે. જો બધું બરાબર રહેશે તો તેનું લક્ષ્ય પ્રિ-ઍક્લૅમ્પસિયાથી પીડીત 50 ગર્ભવતી મહિલાઓ પર વધુ એક પરીક્ષણ કરવાનું છે. ત્યાર પછી કદાચ અમેરિકા અને સંભવતઃ યુકે, જર્મની, ઘાના, કૅન્યા અને દક્ષિણ આફ્રિકામાં પણ વ્યાપક સંશોધન કરવામાં આવશે.

ગર્ભવતી મહિલાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બાયૉફાર્માસ્યુટિકલ કંપની કોમાંચે બાયૉફાર્માના ચીફ મેડિકલ ઓફિસર ઍલિસન ઑગસ્ટ કહે છે, "અશ્વેત મહિલાઓમાં પ્રિ-ઍક્લૅમ્પસિયાનું પ્રમાણ અત્યંત વધારે જોવા મળે છે. તેથી જ્યારે અમેરિકામાં અભ્યાસ કરીએ, ત્યારે અમે શિકાગો, ઍલાબામા, સૅન્ટ લુઇસ જેવાં સ્થળની દક્ષિણમાં આવેલાં કેન્દ્રો પર જઈએ છીએ."

"અમે જાણીએ છીએ કે ત્યાં વસતીના પ્રમાણમાં પ્રિ-ઍક્લૅમ્પસિયાની સમસ્યા ઘણી વધારે છે. કારણ કે તેઓ જ એ સમુદાય છે જેને વધારે જરૂર છે."

આ દિશામાં થયેલી કેટલીક પ્રગતિથી મૅકક્લેમૅન્ટ્સને પ્રોત્સાહન મળ્યું છે, ત્યારે તેમને આશા છે કે લોકો પર તેના વિશાળ અને ઘણી વખત ઓળખી ન શકાતા પ્રભાવને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પ્રિ-ઍક્લૅમ્પસિયાના સંશોધન માટે વધારે રોકાણ કરવામાં આવશે.

મૅકક્લેમૅન્ટ્સ કહે છે, "કૅન્સરના સંશોધનમાં કેટલો ખર્ચ થાય છે તેની સાથે તુલના કરો તો મહિલાઓના આરોગ્ય માટે તેના એક-બે ટકા જેટલો જ ખર્ચ થાય છે. પરંતુ અંતે તો આપણે બધા ગર્ભાવસ્થામાંથી જ પેદા થયા છીએ."

"મહિલાઓ એ માનવવસતીનો અડધો ભાગ છે અને બાકીના અડધા લોકોની તે માતા પણ છે. અને આપણે જાણીએ છીએ કે પ્રિ-ઍક્લૅમ્પસિયા ધરાવતી માતાની કૂખેથી જન્મ લેવાથી બાળકના આરોગ્ય પર આજીવન અસર પડે છે. તેથી તેનો ઉકેલ શોધવો જરૂરી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.