મૅરિટલ રેપ શું છે? ભારત સરકાર તેને ગુનાની શ્રેણીમાં કેમ મૂકતી નથી?

લગ્ન, વિવાહ, દામ્પત્ય, કાયદો, ભારત, બળાત્કાર, દુષ્કર્મ, બંધારણ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

મૅરિટલ રેપ - વૈવાહિક બળાત્કારને અપવાદ તરીકે ગણવા અંગેના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આઠ અરજી પડતર છે. ત્રણ ઑક્ટોબરે કેન્દ્ર સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ-સોગંદનામું દાખલ કર્યું છે.

વૈવાહિક બળાત્કાર શું છે? ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ જો કોઈ પુરુષ કોઈ મહિલા સાથે તેમની સહમતિ વગર સેક્સ કરે તો તે બળાત્કાર છે.

જેમાં ઓછામાં ઓછી દસ વર્ષની સજાની જોગવાઈ છે અને કેટલાક કેસમાં આજીવન કેદ પણ થઈ શકે છે.

જોકે, કોઈ વ્યક્તિ તેમની પત્ની સાથે તેની સહમતિ વગર સેક્સ કરે છે અને જો પત્નીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તો તે કાયદાકીય રીતે બળાત્કાર નથી. ભારતના અગાઉના ફોજદારી કાયદા, ભારતીય દંડ સંહિતામાં આ જ પ્રકારે અપવાદ હતો.

જોકે, ઑલ ઇન્ડિયા ડેમૉક્રેટિક વીમેન્સ ઍસોસિયેશન સહિતની કેટલીક સંસ્થાઓ દલીલ કરે છે કે આ અપવાદ ગેરબંધારણીય છે.

પરંતુ ફેમિલી હાર્મનીની હૃદય નેસ્ટ જેવાં કેટલાંક પુરુષ સંગઠનોએ આ અપવાદના સમર્થનમાં અરજી દાખલ કરી છે.

તો પતિ, પત્ની પર બળજબરી કરે તો કોઈ સજા ન થાય?

લગ્ન, વિવાહ, દામ્પત્ય, કાયદો, ભારત, બળાત્કાર, દુષ્કર્મ, બંધારણ

ઇમેજ સ્રોત, AFP

કેટલાંક મહિલા અધિકાર જૂથ અને મહિલા કાર્યકરો લાંબા સમયથી આ અપવાદને નાબૂદ કરવાની માગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે 100થી વધુ દેશોમાં વૈવાહિક બળાત્કારને ગુનો ગણવામાં આવે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારત એવા ત્રણ ડઝન દેશમાંનો એક છે જ્યાં લગ્ન પછી પત્નીની સહમતિ વગર તેની સાથે સેક્સ કરવું બળાત્કાર માનવામાં આવતું નથી.

2022ના નૅશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, 18થી 49 વર્ષની વયની 82 ટકા પરિણીત મહિલાઓ તેમના પતિ દ્વારા જાતીય શોષણનો ભોગ બને છે.

સુપ્રીમ કોર્ટમાં હજુ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ નથી. આ મુદ્દા પર દિલ્હી હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી અને કેટલીક દલીલો આપવામાં આવી છે. જે આ મુજબ છે.

• અરજદારે દલીલ કરી હતી કે આ જોગવાઈ ગેરબંધારણીય છે, કારણ કે તે શરીરની સ્વાયત્તતા અને ગૌરવના અધિકારોનું હનન કરે છે.

• તેમણે કહ્યું હતું કે પરિણીત અને અપરિણીત મહિલા વચ્ચે બળાત્કારની બાબતમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. અરજદારોએ દલીલ કરી હતી કે, "એક મહિલાને તેના પતિ સાથે શારીરિક સંબંધ માટે ના કહેવાના અધિકારને નકારીને તેને કોઈ વસ્તુની જેમ ગણી શકાય નહીં."

• અરજદારોએ દલીલ કરી હતી કે આ અપવાદ ઉપનિવેશક સમયથી ચાલ્યો આવે છે, જ્યારે લગ્ન પછી મહિલાઓના અધિકાર તેમના પતિઓ દ્વારા છીનવી લેવામાં આવતા હતા અને પતિની પરવાનગી વગર તે ન તો કોઈ મિલકત ખરીદી શકતી હતી કે ન તો કોઈ વ્યવહાર કરી શકતી હતી.

• તેમણે એવી પણ દલીલ કરી હતી કે બળાત્કાર એ 'ગંભીર અને જઘન્ય' અપરાધ છે, તેના માટે હાલની સજા ઘણી ઓછી છે.

• તર્ક એવો પણ આપવામાં આવ્યો હતો કે એક વખત અદાલત વૈવાહિક બળાત્કારના અપવાદને ખતમ કરી દેશે તો, ટ્રાયલ કોર્ટ વ્યક્તિગત કેસોને સંભાળી શકે છે, જેથી એ નિર્ધારિત કરી શકાય કે કાયદાનો દુરુપયોગ ન થાય.

• મે 2022માં, દિલ્હી હાઈકોર્ટની બે જજની બેન્ચે વૈવાહિક બળાત્કારની બંધારણીયતાને લગતા કેસમાં અલગઅલગ ચુકાદો આપ્યો હતો. તેથી હવે સુપ્રીમ કોર્ટ તેની બંધારણીયતા અંગે નિર્ણય કરશે.

કેન્દ્ર સરકારે શું કહ્યું?

લગ્ન, વિવાહ, દામ્પત્ય, કાયદો, ભારત, બળાત્કાર, દુષ્કર્મ, બંધારણ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

3 ઑક્ટોબરે કેન્દ્ર સરકારે એક સોગંદનામામાં કહ્યું હતું કે મતભેદના કારણે પરિણીત યુગલ વચ્ચે શારીરિક સંબંધ બળાત્કાર નથી. લગ્ન એ સંબંધોની એક અલગ શ્રેણી છે અને તેને અન્ય બાબતોની જેમ ગણી શકાય નહીં.

તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ દામ્પત્ય જીવનમાં પતિ અને પત્ની સતત એકબીજા પાસેથી યોગ્ય જાતીય સંબંધોની અપેક્ષા રાખે છે.

જોકે, આનો અર્થ એ નથી કે પતિ તેની પત્નીના શરીરની સ્વાયત્તતાનું ઉલ્લંઘન કરી શકે છે. તેથી, સરકારે કહ્યું છે કે જેના માટે ઘરેલુ હિંસા અને યૌન ઉત્પીડન સંબંધિત કાયદા હેઠળ સજાની જોગવાઈ છે.

સરકારે કહ્યું છે કે સહમતિ વિના પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધને બળાત્કાર તરીકે જાહેર કરવાથી લગ્નસંસ્થા પર દૂરગામી અસર પડશે.

જો આમ થશે તો લગ્ન જેવી સંસ્થામાં ભારે ઊથલપાથલ સર્જાશે.

અગાઉ, કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે વૈવાહિક બળાત્કારને અપરાધની શ્રેણીમાં મૂકવાથી ખોટા ઉદ્દેશ સાથે થતા કેસનો ઢગલો થશે.

રાજ્ય સરકારોએ શું કહ્યું?

લગ્ન, વિવાહ, દામ્પત્ય, કાયદો, ભારત, બળાત્કાર, દુષ્કર્મ, બંધારણ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

કેન્દ્ર સરકારે આ મામલે કરેલા સોગંદનામામાં વિવિધ રાજ્ય સરકારોના જવાબો પણ સામેલ કર્યા છે. 19 રાજ્યોએ તેમના જવાબો મોકલ્યા હતા.

દિલ્હી, ત્રિપુરા અને કર્ણાટકના વૈવાહિક બળાત્કારના કેસો ભારતીય કાયદામાં અપવાદની વિરુદ્ધ હતા.

છ રાજ્યો એવાં છે કે જે આ મામલે અવઢવમાં છે. જ્યારે 10 રાજ્યો એવાં છે કે જે ઇચ્છે છે કે આ અપવાદ ચાલુ રાખવામાં આવે.

જોકે, અગાઉ જ્યારે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી માટે આવ્યો હતો ત્યારે દિલ્હી સરકારે કહ્યું હતું કે તે પણ વૈવાહિક બળાત્કારને અપવાદની શ્રેણીમાં જાળવી રાખવાના પક્ષમાં છે.

રાજ્યો ઉપરાંત, રાષ્ટ્રીય મહિલા પંચ અને મહિલા અને બાળવિકાસ મંત્રાલયે પણ કહ્યું છે કે તે અપવાદની શ્રેણીમાં રહેવો જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.