વાયુ પ્રદૂષણને લીધે છોકરીઓને પહેલું માસિક વહેલું આવી જાય?

પિરિયડ પોલયુશન, શું વાયુ પ્રદૂષણના કારણે માસિક જલ્દી આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ડેવિડ કોક્સ
    • પદ, બીબીસી ફ્યુચર

એક નવું સંશોધન દર્શાવે છે કે અમેરિકામાં છોકરીઓને તેમનું પહેલું માસિક વહેલું આવે છે. તેના માટે ઝેરીલી હવા આંશિક રીતે જવાબદાર છે.

અગાઉની પેઢીની સરખામણીએ તાજેતરનાં વર્ષોમાં છોકરીઓ ઘણી નાની વયે તરુણાવસ્થામાં પ્રવેશી રહી હોવાના સંકેતોથી વિશ્વભરના વિજ્ઞાનીઓ કેટલાક દાયકાથી ચિંતિત છે.

છોકરીઓને પહેલી વાર માસિક આવે છે ત્યારથી, સ્તનવિકાસની શરૂઆત સુધી, કિશોરાવસ્થાના પ્રારંભના સંકેતો દર્શાવતું આ મૌલિક પરિવર્તન ઉત્તરોત્તર વહેલું જોવા મળે છે.

અમેરિકાની આજની છોકરીઓમાં, એક સદી પહેલાંની અમેરિકન છોકરીઓની સરખામણીએ ચાર વર્ષ વહેલી પીરિયડ્ઝની શરૂઆત થઈ જતી હોવાનું અનુમાન છે.

મે મહિનાના નવા ડેટામાંથી જાણવા મળ્યું છે કે 1950 અને 1969 દરમિયાન જન્મેલી છોકરીઓને પહેલી વખત સામાન્ય રીતે સાડા બાર વર્ષની વયે પહેલીવાર માસિક આવતું હતું, જ્યારે 2000ના દાયકાની શરૂઆતમાં જન્મેલી છોકરીઓમાં આ સરેરાશ 11.9 વર્ષ સુધી ઘટી ગઈ છે.

આવો ટ્રેન્ડ સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો છે. સ્તનવિકાસ અથવા આઠ વર્ષની વય પહેલાં માસિકનાં લક્ષણો જોવાં મળતાં હોય તેવી છોકરીઓની સંખ્યામાં 2008થી 2020 દરમિયાન 16 ગણો વધારો થયો હોવાનું દક્ષિણ કોરિયાના વિજ્ઞાનીઓએ થોડી ચિંતા સાથે જણાવ્યું છે.

અમેરિકાના એટલાન્ટાની એમોરી યુનિવર્સિટીના ઍસોસિએટ પ્રોફેસર ઔડ્રે ગેસ્કિન્સ કહે છે, “છોકરીઓમાં કિશોરાવસ્થામાં પ્રવેશવાની ઘટતી વય, નિમ્ન સામાજિક-આર્થિક દરજ્જાના સમૂહો અને વંશીય લઘુમતી જૂથોમાં વધારે સ્પષ્ટ છે. તેનો દીર્ઘકાલીન આરોગ્ય પર વ્યાપક પ્રભાવ પડે છે.”

માસિક સમય કરતાં વહેલા આવે તો...

વાયુ પ્રદૂષણ, માસિક

ઇમેજ સ્રોત, Getty Images

છોકરીઓમાં માસિકના વહેલા આરંભથી ઘટનાઓનો એક સિલસિલો શરૂ થઈ શકે છે, જેના પુખ્તાવસ્થામાં દૂરગામી પરિણામ હોઈ શકે છે, એ વાતથી ગેસ્કિન્સ જેવા સંશોધકો ચિંતિત છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વધતા ડેટા જણાવે છે કે તેનાથી પ્રજનન ક્ષમતા ઘટી શકે છે એટલું જ નહીં, ખાસ કરીને આ મહિલાઓને વહેલી રજોનિવૃત્તિ આવે તો તેમનું જીવન પણ ટૂંકું થઈ શકે છે. સમય પહેલાં કિશોરાવસ્થામાં પ્રવેશને સ્તન તથા અંડાશયનાં કૅન્સર, મેદસ્વિતા તથા ડાયાબિટીસ ટાઇપ ટુ જેવા મેટાબોલિક સિન્ડ્રોમ અને હૃદય સંબંધી રોગોના ઊંચા જોખમ સાથે વારંવાર સાંકળવામાં આવે છે.

આવું શા માટે થાય છે તે સમજવાનો પ્રયાસ વિજ્ઞાનીઓ કરી રહ્યા છે, પરંતુ યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, બર્કલે ખાતેના જાહેર આરોગ્યના પ્રોફસર બ્રેન્ડા એસ્કેનાઝીના કહેવા મુજબ, એક સિદ્ધાંત સૂચવે છે કે એસ્ટ્રોજન જેવા સેક્સ હોર્મોન્સ શરીરના સર્ક્યુલેટિંગ લેવલ્સના સંપર્કમાં લાંબા સમય સુધી રહે તો તેનાથી ટ્યુમર વિકસવાનું જોખમ વધી શકે છે, કારણ કે આ હોર્મોન્સ કોષની વૃદ્ધિને ઉત્તેજિત કરે છે.

બ્રેન્ડા કહે છે, “કેટલીક થિયરી એવું પણ સૂચવે છે કે હોર્મોન્સના સંપર્કમાં લાંબો સમય સુધી રહેવાથી પ્રજનન કૅન્સરોનું જોખમ વધી શકે છે.”

એ પછી તેની સામાજિક અસર હોય છે. એસ્કેનાઝી જણાવે છે કે જે છોકરીઓને વહેલું માસિક આવતું થઈ જાય એ છોકરીઓ જાતીય રીતે પણ વહેલી સક્રિય થઈ જતી હોય છે. એસ્કેનાઝી કહે છે, “અમેરિકામાં ગર્ભપાત ગેરકાયદે ગણાવવાનું વલણ છે અને ગર્ભનિરોધકો ઉપલબ્ધ નથી ત્યારે આવી ડરામણી પરિસ્થિતિ છે. તેને પરિણામે વધારે તરુણીઓ અવાંચ્છિત ગર્ભવતી થવાની સ્થિતિ સર્જાશે. પરિબળોનો એ સંગમ ખૂબ જ ભયાનક છે.”

સવાલ એ છે કે બાળવિકાસ આ રીતે કેમ ઝડપી થઈ રહ્યો છે?

સ્થૂળતાથી વાયુ પ્રદૂષણ સુધી

વાયુ પ્રદૂષણ

ઇમેજ સ્રોત, ani

તરુણાવસ્થાની શરૂઆત હાયપોથેલેમિક-પીટ્યુટરી-એડ્રિનલ (એચપીએ) અને હાયપોથેલેમિક-પીટ્યુટરી-ગોનાડલ (એચપીજી) એક્સિસ તરીકે ઓળખાતા શરીરમાંના બે વ્યાપક કૉમ્યુનિકેશન નેટવર્ક્સ દ્વારા થાય છે. તેઓ મગજના હાયપોથાલેમસ નામના પ્રદેશને જોડે છે. તે વિવિધ હોર્મોન-સ્રાવ ગ્રંથિઓ સાથે ભૂખથી લઈને તાપમાન નિયંત્રણ સુધીના વિવિધ આવશ્યક શારીરિક કાર્યોને નિયંત્રિત કરે છે.

ગાસ્કિન્સના કહેવા મુજબ, 10થી 20 વર્ષ પહેલાં સુધી વિજ્ઞાનીઓ એવું માનતા હતા કે અકાળ તરુણાવસ્થાનું એકમાત્ર કારણ બાળપણની સ્થૂળતા હોય છે. તેમાં એડિપોકાઇન્સ નામના ચરબીના કોષો દ્વારા ઉત્પાદિત પ્રોટીન એચપીએ અને એચપીજી એક્સિસને ઉત્તેજિત કરવામાં ભૂમિકા ભજવે છે.

તેઓ કહે છે, “તાજેતરમાં જ લોકો એવું કહેતા થયા છે કે વાસ્તવમાં આટલી બાબતો તે સમજવા માટે પૂરતી નથી. તેમાં અન્ય પરિબળો પણ સામેલ હોવાં જોઈએ.”

છેલ્લાં ત્રણ વર્ષમાં થયેલા સંખ્યાબંધ અભ્યાસોએ વધુ આશ્ચર્યજનક કારણ તરફ ધ્યાન દોર્યું છે અને તે છે વાયુ પ્રદૂષણ.

આ પૈકીનું મોટા ભાગનું સંશોધન દક્ષિણ કોરિયાના વિજ્ઞાનીઓએ કર્યું છે. એક્યુએર ઇન્ડેક્સ અનુસાર, વિશ્વનાં 100 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં સોલ, બુસાન અને ઈંચિઓનનો સમાવેશ થાય છે. સોલની ઈવા વીમેન્સ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલી સમીક્ષામાં વિવિધ પ્રદૂષકોના સંપર્ક અને તરુણાવસ્થાની વહેલી શરૂઆત વચ્ચે પુનરાવર્તિત સંબંધ હોવાનું જણાવવામાં આવ્યું છે.

તેના કેટલાક મુખ્ય કારકોમાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને ઓઝોન જેવા ઝેરી વાયુઓ સામેલ છે. આ તમામ વાયુઓ વાહનોના ઉત્સર્જન અથવા મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ્સ દ્વારા ઉત્પાદિત કચરો હવામાં છોડવામાં આવે છે. ઈંધણ તરીકે કોલસાનો ઉપયોગ કરતી સંખ્યાબંધ ફેક્ટરીઓ હોવાને કારણે પોલૅન્ડ નબળી ગુણવત્તાવાળી હવા માટે જાણીતું છે. પોલૅન્ડમાં 1,257 મહિલાઓના ડેટાની તપાસ કરવામાં આવી હતી અને નાઇટ્રોજન વાયુઓના સંપર્ક તથા 11 વર્ષની વય પહેલાં છોકરીઓમાં શરૂ થઈ જતા માસિક વચ્ચે કડી હોવાનું તેમાં જાણવા મળ્યું હતું.

શરીર પર થતી અસરો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કદાચ તેનાથી પણ મોટી ચિંતા અતિ સુક્ષ્મ પાર્ટિક્યુલેટ મેટર્સ (પીએમ) કણો છે. તે અત્યંત સુક્ષ્મ હોય છે, પરંતુ બાંધકામ સ્થળોથી માંડીને જંગલની આગ, વીજળી ઉત્પાદક એકમો, વાહનોના એન્જિન અને ધૂળિયા તેમજ પાકા રસ્તાઓ સુધીના સ્રોતોમાંથી હવામાં છોડવામાં આવે છે.

ગાસ્કિન્સ અને તેમના સહકર્મીઓએ ઑક્ટોબર, 2023માં શોધી કાઢ્યું હતું કે અમેરિકાની છોકરીઓ મોટા પ્રમાણમાં (2.5 યુએમ કરતા ઓછા વ્યાસવાળા કણો તરીકે વ્યાખ્યાયિત) પીએમ 2.5 અને પીએમ 10ના સંપર્કમાં મોટા પ્રમાણમાં આવે છે. આ બંને તેમનાં માતાના ગર્ભાશયમાં અને તેમના બાળપણ દરમિયાન હોય છે. આ કણોના વ્યાપક સંપર્કમાં આવવાને કારણે તેમને નાની વયે પહેલું માસિક આવે તેવી સંભાવના વધુ હોય છે.

ગાસ્કિન્સ કહે છે, “પીએમ 2.5ના કણો લોહીના પ્રવાહમાં ખૂબ જ સરળતાથી પ્રવેશી શકે છે. તે કણો આપણા શ્વાસમાંથી ફેફસામાં જતા હોય છે, પરંતુ કેટલાક મોટા કણોની માફક ફિલ્ટર થતા નથી. પછી તે જુદા જુદા અવયવો સુધી પહોંચી શકે છે. અમે પીએમ 2.5ના અમુક કણોને પ્લેસેન્ટામાં-ગર્ભની પેશીઓમાં, અંડાશયમાં એકઠા થતા જોયા છે. તેઓ દરેક જગ્યાએ પહોંચી શકે છે.”

ઈન્ડોર હવાના નમૂનાઓમાંથી મળેલા કણોના મિશ્રણનો ઉપયોગ કરીને હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ સુક્ષ્મ કણોમાંના રસાયણો શારીરિક વિકાસમાં સામેલ વિવિધ હોર્મોન્સ-ખાસ કરીને એન્ડ્રોજન અને એસ્ટ્રોજનના રીસેપ્ટર્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવામાં સક્ષમ હોય છે. તે ચેઇન રીઍક્શનને ટ્રિગર કરી શકે છે અને તરુણાવસ્થાની વહેલી શરૂઆત ભણી દોરી જાય છે.

ગાસ્કિન્સ કહે છે, “શરૂઆતમાં અમારી ધારણા એવી હતી કે જે છોકરીઓ પીએમ 2.5ના વધુ સંપર્કમાં આવી હતી, તે એસ્ટ્રોજન જેવા જ અથવા સામાન્ય રીતે એચપીએ એક્સિસ તથા તેના નિયમિત સંકેતોને બાધિત કરતાં રસાયણોના સંપર્કમાં પણ વધારે આવી હતી. તેને લીધે તેમને પહેલું માસિક વહેલું આવી ગયું હતું.”

પ્રીમેચ્યોર પ્યુબર્ટી સાથે અન્ય કારણો સંકળાયેલા હોવાની શક્યતા પણ છે. ગાસ્કિન્સના જણાવ્યા મુજબ, પીએમ 2.5 અને અન્ય પ્રદૂષકો સંબંધી ઉભરતા પુરાવા એ હકીકતનું ઉદાહરણ છે કે હાનિકારક પર્યાવરણીય રસાયણો શરીરમાં કેવી રીતે પ્રવેશે છે અને તેનાથી કેટલાક દૂરગામી હોર્મોનલ પરિવર્તન થઈ શકે છે.

ગાસ્કિન્સ કહે છે, “પ્રિ-પ્યુબર્ટન છોકરીઓ એક રસપ્રદ જૂથ છે, કારણ કે હોર્મોનલ પ્રક્રિયાઓને વિક્ષેપિત કરતું બીજું મુખ્ય કારણ પર્સનલ કેર પ્રોડક્ટ્સ છે. હવે ઘણી કંપનીઓ સક્રિયપણે એવી છોકરીઓને ધ્યાનમાં રાખીને પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરી રહી છે.”

એસ્કેનાઝીના કહેવા મુજબ, આપણી બદલાતી દુનિયા અને તેમાં થતા ફેરફારોની અસર બાળકોના વિકાસ પર કેવી રીતે થાય છે તેની વચ્ચે સંબંધ વિશે આપણે ઘણું જાણતા નથી. તેમાં માઇક્રોપ્લાસ્ટિક્સ અને આબોહવા પરિવર્તન જેવાં પરિબળોની ભૂમિકાથી આપણે જ્ઞાત નથી.

તેઓ કહે છે, “મને લાગે છે કે આપણે તો હજુ હિમશીલાની ટોચ પર જ છીએ. ગરમ હવામાન માસિક ચક્રને કેવી રીતે અસર કરે છે અથવા છોકરીઓના વહેલા મોટા થઈ જવા માટે કયાં સામાજિક પરિબળો દબાણ કરે છે તે આપણે જાણતા નથી. તે પર્યાવરણીય રસાયણો, સ્થૂળતા અને મનોસામાજિક મુદ્દાઓનું મિશ્રણ હોઈ શકે છે. આ બધાને લીધે છોકરીઓને વહેલા પીરિયડ્ઝ આવી રહ્યા છે.”