“હું પહોંચી તે પહેલાં જ તેઓ ડ્રગ્સ લઈ રહ્યા હતા અને મને લાગ્યું કે હું બચી નહીં શકુ,” એક સેક્સવર્કરની કહાણી

- લેેખક, હેલે કૉમ્પટન
- પદ, બીબીસી ઇન્વેસ્ટીગેશન
ઐતિહાસિક રૂપે સેક્સવર્કરો પર થયેલા ગુનાઓના રિપોર્ટ ઓછા દાખલ કરવામાં આવે છે. જોકે, સેક્સવર્કર્સ, શોધકર્તાઓ અને એક ચૅરિટીએ સાથે મળીને આ બદલાવ માટે લડાઈ શરૂ કરી છે.
અલાના ઇન્ટરવ્યુ માટે પોતાની સાથે એક બૅગ લઈને આવે છે, જેમાં લેસદાર અન્ડરવેર, ગોઠણ સુધી લાંબા બૂટ અને એક ચામડાની ચાબુક છે.
અલાના શરૂઆતમાં થોડાં ગભરાયેલાં હતાં પણ અમે જ્યારે તેમની નોકરી વિશે વાત શરૂ કરી તો તેઓ સહજ થઈ ગયાં.
તેમણે પોતાને અલાના નામ આપ્યું છે. આ ઓળખાણ તેમણે પોતાનાં કામકાજી વ્યક્તિત્વ અને એક માતા તરીકે સામાન્ય જીવનને અલગ રાખવા માટે આપી છે.
તેમણે કહ્યું કે અમે દિવસના અંતે અમારો મેક-અપ ઉતારી નાખીએ છીએ અને ખરીદી કરવા માટે અસ્દા જઈએ છીએ અથવા શાળાએ જઈએ છીએ.
બ્રિટેનમાં આવેલાં ડર્બીશાયરમાં રહેતાં અલાના પાસે એનએચએસ અને લેજર ઉદ્યોગમાં નોકરીઓ હતી. જોકે, તેઓ હવે સેક્સવર્કર તરીકે કામ કરે છે.
અલાના આ વાતનો સ્વીકાર કરે છે કે આ પ્રકારનું કામ તેમને અને અન્ય લોકોને અસુરક્ષિત બનાવી શકે છે, કારણ કે કેટલાક સેક્સવર્કરો પાસે સમાન વિકલ્પો નથી.
અલાના પોતાને ભાગ્યશાળી ગણે છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં તેમના પર એક જ વખત હુમલો થયો હતો. એક ગ્રાહકે જ્યારે તેમની સહમતિ વગર તેમને ડ્રગ્સ આપ્યું હતું.
“દૂર લઈ જવામાં આવ્યાં”

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ બુકિંગ તેમના ઘર તરફ જતા રસ્તે જ હતી. જોકે, અલાનાએ કહ્યું કે મને અંદરથી એવું લાગી રહ્યું હતું કે કંઈક બરાબર નથી.
અલાનાએ કહ્યું કે સામાન્ય દેખાતી મધ્યમ ઉંમરની વ્યક્તિ હું આવી તે પહેલાં જ ડ્રગ્સ લઈ રહી હતી, એ સ્પષ્ટ હતું.
તેઓ મારી સાથે વધારે આક્રમક થઈ ગયા હતા. જોકે, અલાનાએ કહ્યું કે તેમને ગુસ્સો ન આવે તે માટે હું બુકિંગનો પુરો સમય એટલે કે એક કલાક સુધી ત્યાં રહી હતી.
અલાનાએ કહ્યું કે આ એક એવી પરિસ્થિતિ હતી, જેમાંથી સુરક્ષિત રીતે નીકળી શકું તેવી શક્યતા નહોતી.
અલાનાને આ હુમલા પછી સારવાર લેવાની જરૂર પડી હતી. જોકે, સેક્સવર્કર સાથે થતાં અન્ય ગુનાઓની જેમ જ અલાનાએ પણ ફરિયાદ દાખલ કરી હતી.
તેમણે કહ્યું કે મને લાગતું નથી કે પોલીસ ફરિયાદને કારણે કોઈ કાર્યવાહી થઈ હોત.
અલાનાએ કહ્યું કે મારાં કામ સાથે એક પ્રકારનું કલંક જોડાયેલું છે અને મને લાગે છે કે આ પરિસ્થિતિમાં ફસાવવા માટે લોકો મને જ જવાબદાર ગણશે.
તેમણે કહ્યું કે આ દિવસની અસર મારાં પર ખૂબ જ લાંબા સમય માટે રહી હતી.
અલાનાએ કહ્યું કે મને એવું લાગ્યું કે મારી પાસેથી કંઈક છીનવી લીધું.
આ કહાણી એકલી અલાનાની જ નથી.
રિસર્ચ પરથી જાણવા મળે છે કે સામાન્ય લોકોની સરખામણીમાં સેક્સવર્કરો સાથે ગુનાઓ થવાની શક્યતા વધારે છે, ખાસ કરીને હિંસક ગુનાઓ.
2016માં થયેલી એક રિસર્ચના સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે 47 ટકા ઑનલાઇન સેક્સવર્કર્સ સાથે કોઈને કોઈ પ્રકારે ગુનાઓ થાય છે. જેમાં ઉત્પીડન, બળાત્કાર, શારીરિક હુમલાઓ, લૂંટ અને અપહરણના પ્રયાસો પણ સામેલ છે.
વર્ષ 1999માં સેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી અન્ય એક રિસર્ચને 'રિસ્કી બિઝનેસ: સ્વાસ્થય અને સુરક્ષા' નામ આપવામા આવ્યું હતું. આ રિસર્ચ માટે નવ વર્ષના સમયગાળામાં 402 સેક્સવર્કર્સનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જાણવા મળ્યું કે સેક્સવર્કરનો મૃત્યુદર તેમની સમાન ઉંમરની મહિલાઓની સરખામણીમાં 12 ગણો વધારે હતો.
અલાનાએ કહ્યું કે અમારાં વ્યવસાયને કલંક તરીકે જોવામાં આવે છે અને આ કારણે અમે હિંસાનો ભોગ બનીએ છીએ.
જોકે, અલાના હવે આ સ્થિતિઓમાં પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરી રહી છે.
તેઓ કેટલાંક સેક્સવર્કરો પૈકી એક છે જેમને સેક્સવર્કરોની સુરક્ષામાં સુધારો કરવાના હેતુથી સંશોધન માટે બનાવેલી સલાહકાર પૅનલમાં નિમણૂક કરાઈ હોય.
નૉટિંઘમ યુનિવર્સિટી સેક્સવર્કરો માટે એક રિપોર્ટિંગ સિસ્ટમ બનાવી રહી છે. સેક્સવર્કરો જ્યારે જાતિય સતામણી કે હિંસાનો ભોગ બને ત્યારે આ રિપોર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે.
આ રિપોર્ટિંગ સિસ્ટમ લગભગ તૈયાર થઈ ગઈ છે અને આશા છે કે આ વર્ષના અંતે આ સિસ્ટમ પોલીસ સહિત અન્ય એજન્સીઓને આપવામાં આવશે.
ક્રિમિનોલૉજીના આસિસ્ટંટ પ્રોફેસર ડૉ. લારિસા સૈન્ડી આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યાં છે.
તેમણે પોતાનાં મૂળવતન ઑસ્ટ્રેલિયામાં પણ સેક્સ વર્કને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાની માંગણી કરી હતી.
જર્મની અને ન્યૂઝીલૅન્ડ જેવા દેશોએ સેક્સ વર્કને લાગતા નિયમો હળવા કર્યા છે. જોકે, તેની ટીકા કરવામાં આવી હતી કે તેને કારણે સેક્સ ટૂરિઝમ અને માનવ તસ્કરીમાં વધારો થયો છે.
જોકે, ડૉ. સેન્ડીએ કહ્યું, “પોલીસ કાયદાઓને લાગુ કરે છે. જો સેક્સ વર્કને ગુનાઓની શ્રેણીમાંથી દૂર કરવામાં આવે તો સેક્સવર્કરોને તેમની વિરુદ્ધ થયેલી ગુનાની ફરિયાદ કરતાં પહેલાં વિચારવું નહીં પડે, જે તેમને સુરક્ષા પુરી પાડશે.”
તેમણે ઉમેર્યું કે ગુંચવણભર્યા કાયદાઓ પણ ફરિયાદની નોંધણી કરવા માટે અડચણ ઊભી કરે છે.
“લોકો પૈસા માટે સેક્સ કરે તો તેમને અલગ નજરે કેમ જોવાય છે?”

મેટ્રોપૉલિટન પોલીસ પ્રમાણે, ઉત્તર આયરલૅન્ડ સિવાય યુકેમાં પૈસા માટે સેક્સુયલ સર્વિસ આપવી કાયદેસર છે. ઉત્તર આયરલૅન્ડમાં સેક્સ માટે પૈસા ચુકવવા ગેરકાનુની છે.
જોકે, યુકેમાં સેક્સ સંબંધિત પ્રવૃત્તિઓ જેવી કે સેક્સુયલ સર્વિસની જાહેરાત અને વૈશ્યાઘર ચલાવવા ગેરકાયદેસર છે.
ધી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે (સીપીએસ) કહ્યું કે અમે સેક્સવર્કસ પર કાર્યવાહી કરવા નથી માંગતા અને અમારૂં ધ્યાન સેક્સવર્કરો પર દબાણ કરવા કરતા અને તેમનું શોષણ કરતા લોકો પર વધારે છે.
સીપીએસનું કહેવું છે કે ગુનેગારો જાણી જોઈને સેક્સવર્કરોને નિશાન બનાવે છે. કારણ કે તેમને વિશ્વાસ છે કે સેક્સવર્કર મોટા ભાગે ગુનાની ફરિયાદ નહીં કરે અને કરશે તો પણ તેમને સમર્થન મળશે નહીં.
જોકે, અલાના કહે છે કે આ કારણે સેક્સવર્કરો શરમ અનુભવે છે.
તેમણે કહ્યું કે મોટા ભાગના લોકો સેક્સ કરે છે, તો લોકો જ્યારે પૈસા માટે સેક્સ કરે તેમને અલગ નજરે કેમ જોવાય છે?
“અમે સેક્સવર્કને એક કામ તરીકે જ ગણીએ છીએ”

નૉટિંઘમમાં પ્રોસ્ટિટ્યૂશન આઉટરીચ સર્વિસ (પીઓડબલ્યુ) ચલાવનાર જેસિકા બ્રેનને કહ્યું કે સેક્સવર્ક ગેરકાયદેસર નથી, પરંતુ તેને સામાન્યરીતે અનૈતિક ગણવામાં આવે છે.
તેમણે કહ્યું કે સેક્સવર્કરો પોતાની સાથે થઈ રહેલાં ગુનાઓની ફરિયાદ નોંધાવતાં નથી. કારણે કે સેક્સવર્કરને બીક છે કે પોતાને જ સજા થશે, લોકો વિશ્વાસ નહીં કરે અને તેઓ ફરિયાદ નોંધવતાં શરમ પણ અનુભવે છે.
પીઓડબલ્યુ રસ્તા પર કામ કરતા આ પ્રકારના વર્કરો સાથે 1990થી કામ કરી રહ્યું છે. જોકે, કેટલાક મામલાઓમાં ગુનેગારોને સજા અપાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જેસિકા બ્રેનને કહ્યું, “એક પણ અઠવાડીયું એવું નથી જતું કે જેમાં પીઓડબલ્યુ દ્વારા સમર્થિત મહિલા અને પુરુષો પર હુમલો ન થયો હોય. જોકે, એકપણ મામલો કોર્ટ સુધી પહોંચ્યો નથી.”
તેમણે ઉમેર્યું કે અમે સેક્સવર્કને એક સામાન્ય કામ તરીકે જ જોઈએ છીએ. અમે અમારાં ક્લાયન્ટને કહીએ છીએ કે પોતાનાં અનુભવો વિશે સાચું બોલે.
અલાના પણ આ વાત સાથે સહમત છે. તેઓ પોતાને વર્કફોર્સના એક મૂલ્યવાન, યોગદાન આપનાર સભ્ય તરીકે જોવા માંગે છે. તેઓ કહે છે કે સમાજે સેક્સવર્કરો સાથે સારી રીતે વર્તન કરવું જોઈએ.
તેમણે કહ્યું કે હું ટૅક્સ અને નેશનલ ઇન્સ્યોરન્સ પે કરું છું.
"સેક્સ વર્કર નિકાલજોગ નથી. જો તેને સામાન્ય કામ તરીકે ગણવામાં આવે તો તે ઘણું સારું રહેશે."








