બિલકીસબાનોની ન્યાયની લડતમાં તેમનો સાથ આપનારી ત્રણ મહિલાઓ કોણ હતી?

- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"સોમવારે જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો ત્યારે અંધારામાં ઉજાસનું એક કિરણ દેખાયું અને લાગ્યું કે એ કિરણોને અમે પોતાની તરફ ખેંચી લઈશું."
રેવતી લાલના શબ્દો છે આ. તેઓ ગુજરાતનાં રમખાણો પર 'ધ એનાટૉમી ઑફ હેટ' નામનું પુસ્તક લખ્યું છે અને તે બિલકીસબાનો કેસમાં અરજદાર છે.
વ્યવસાયે પત્રકાર રેવતી લાલ કહે છે કે તેમને એક સહયોગી પત્રકારનો એક સાંજે ફોન આવ્યો હતો. તેમને પૂછવામાં આવેલું કે શું તેઓ આ મામલે એક જનહિતની અરજી કરવા ઇચ્છશે અને રેવતીએ તરત જ આ માટે હા પાડી દીધી.
મૂળ દિલ્હીમાં રહેતાં રેવતી લાલ કહે છે, " ગુજરાત રમખાણો પછી મેં એક ખાનગી ચૅનલ માટે ત્યાં પત્રકાર તરીકે કામ કર્યું અને મારા મનમાં આ મુદ્દો હતો. જ્યારે આ મામલામાં 11 લોકોને દોષિત ઠેરવાયા તો હું ત્યાં હતી અને હું બિલકીસની પ્રેસ કૉન્ફરન્સમાં હતી."
રેવતી લાલે જણાવ્યું, “હું વ્યક્તિગત રીતે ક્યારેય બિલકીસબાનોને નથી મળી કારણ કે હું એમની તકલીફ વધારવા નહોતી માગતી. તેમની ધીરજ કલ્પના બહાર છે. એટલે જેવો મને ફોન આવ્યો, મેં તરત જ હા કહી દીધું અને મેં વિચાર્યું કે આ વિચાર મને કેમ ના આવ્યો.”
મામલો શું હતો?

ઇમેજ સ્રોત, FB/REVATI LAUL
રેવતી લાલ ઉત્તર પ્રદેશના શામલીમાં એક સ્વયંસેવી સંસ્થા ‘સરફરોશી ફાઉન્ડેશન’ ચલાવે છે અને જણાવે છે કે આ મામલાથી સુભાષિની અલી અને રૂપરેખા વર્મા પહેલાથી જ જોડાયેલાં હતાં.
તેઓ આ પહેલ માટેનો શ્રેય સુભાષિની અલીને આપે છે.
સોમવારે સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો બળાત્કાર કેસ અને તેમના પરિવારજનોની હત્યાના કેસમાં ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કરતા દોષિતોને બે અઠવાડિયાની અંદર જેલ અધિકારીઓને રિપોર્ટ કરવાનો નિર્દેશ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે આ મામલામાં સજા માફીની અરજી કે રેમિશન પૉલિસી પર વિચાર કરવો એ ગુજરાત સરકારના અધિકારક્ષેત્ર બહાર હતું.
આ ચુકાદા પછી એક નિવેદન થકી પોતાની પ્રતિક્રિયા આપતા બિલકીસબાનોએ કહ્યું, “આવો હોય છે ન્યાય. હું સર્વોચ્ચ અદાલતને ધન્યવાદ આપું છું કે તેમણે મને, મારા બાળકોને અને બધી જ મહિલાઓને સમાન ન્યાયની આશા આપી.”
બિલકીસબાનો મામલામાં વર્ષો સુધી ચાલેલી સુનાવણી પછી સીબીઆઈ કોર્ટે 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને ઉંમરકેદની સજા સંભળાવી હતી.
પણ દોષિતો તરફથી રિમિશન પૉલિસી હેઠળ તેમને મુક્ત કરવાની અપીલ કરાઈ હતી. જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
આ પછી દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આના પર નિર્ણય લેવા કહ્યું હતું.
આ મામલે ગુજરાત સરકારે એક કમિટી બનાવી હતી અને કમિટીની ભલામણ પછી ગુજરાત સરકારે 2022માં 11 દોષિતોને છોડી મૂક્યા હતા.
ગુજરાત સરકારના નિર્ણય સામે બિલકીસબાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
બિલકીસબાનો સાથે મુલાકાત

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૂર્વ સાંસદ અને સીપીઆઈ (માર્ક્સવાદી)નાં નેતા સુભાષિની અલી કહે છે, “અમે બધાએ જોયું કે એક બાજુ વડા પ્રધાન લાલ કિલ્લા પરથી ભાષણ કરી રહ્યા હતા અને બીજી બાજુ મુક્ત કરી દેવાયેલા આ દોષિતોને હાર પહેરાવી તેમનું સ્વાગત કરાઈ રહ્યું હતું.”
તેમના મુજબ, “આ ઘટના પછી એક મુલાકાત સમયે બિલકીસે કહ્યું હતું કે શું આ ન્યાયનો અંત છે. એ પછી એવું લાગ્યું જાણે અમને વીજળી સ્પર્શીને નીકળી ગઈ હોય.”
સુભાષિની અલીએ આ પછી સુપ્રીમ કોર્ટમાં ધા નાખવાનો વિચાર આવ્યો. તેઓ જણાવે છે કે આ લડાઈમાં કેટલાય લોકો સામેલ હતા. જેમાં વકીલ અને સાંસદ કપિલ સિબ્બલ, અપર્ણા ભટ્ટ અને અન્ય કેટલાય લોકો સાથે આવ્યા અને તેઓ આ મામલામાં પહેલા અરજકર્તા બન્યાં.
તેમણે જણાવ્યું કે 2002માં બનેલી ઘટનાના બે દિવસ પછી તેઓ બિલકીસબાનોને શરણાર્થી કૅમ્પમાં મળ્યાં હતાં અને ત્યારથી તેઓ તેમને સહયોગ કરી રહ્યાં છે.
સુભાષિની અલી કહે છે, “કેટલાંય વર્ષોમાં એવો ચુકાદો આવ્યો છે જે કોઈ સરકારના વિરોધમાં છે. હું ન્યાયાધીશોની હિંમતને દાદ દઉં છું.”
તેઓ સવાલ ઊઠાવતાં કહે છે, “એ વિચારવું જોઈએ કે કોણ આટલી લાંબી લડાઈ શકે છે અને કેટલા લોકો સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે?”
'કેટલીયે લડાઈઓ હજુ પણ બાકી છે...'

પ્રોફેસર રૂપરેખા વર્મા કહે છે, “ન્યાય મળે તેવી અમારી બધી આશાઓ પૂરી થઈ ગઈ હતી પણ હવે તે જાગી છે અને અમારી નિરાશાનાં વાદળો થોડાં વિખેરાઈ ગયાં છે.”
તેઓ લખનઉ યુનિવર્સિટીમાં ફિલૉસૉફી ભણાવતાં હતાં અને સામાજિક અને જેન્ડરના મુદ્દાઓ પર કામ કરતાં રહ્યાં છે. પ્રોફેસર રૂપરેખા વર્મા મુજબ, જેવી આ 11 દોષિતોની સજા માફીની વાત સામે આવી હતી તો તેમને ઘણો આઘાત લાગ્યો અને નિરાશા થઈ.
થોડા દિવસો પસાર થયા પછી અમે આ વિશે કંઈક કરવા મુદ્દે ચર્ચા કરી અને પછી દિલ્હીમાં અમારા લોકોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું.
તે બધાં નામો વિશે સ્પષ્ટતા કરવાનો ઇનકાર કરે છે. કારણ કે તેમનું માનવું છે કે કેટલીયે લડાઈઓ હજુ પણ બાકી છે, પણ તેઓ ખુલીને કેટલાક સહયોગીઓ જેમ કે કપિલ સિબ્બલ, વૃંદા ગ્રોવર અને ઇન્દિરા જયસિંહ સાથની વાતચીત ખુલીને જણાવે છે.
જ્યારે જનહિતની અરજી કરવાની વાત થઈ એ સમયે તેઓ દિલ્હી ઍરપોર્ટ જવાના રસ્તે હતાં. તે અરજીમાં તેમનું નામ દાખલ કરવા માટે તેમને ફોન આવ્યો હતો.
આ પછી સુપ્રીમ કોર્ટમાં સામૂહિક અરજી દાખલ કરવામાં આવી જેમાં સુભાષિની અલી, રેવતી લાલ અને પ્રોફેસર રૂપરેખા વર્માનું નામ હતું. જોકે પ્રોફેસર રૂપરેખા વર્માએ ક્યારેય બિલકીસબાનો સાથે મુલાકાત ના કરી. કારણ કે તેઓ તેમને પરેશાન કરવા નહોતાં માગતાં.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર રૂપરેખા વર્મા સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ખુશ છે. તેઓ માને છે, “કોર્ટના ચુકાદાથી ન માત્ર દોષિતોની બદનામી થઈ છે પણ તેમને એક શીખ પણ મળી છે. કારણ કે તેમણે ખોટું બોલીને મુક્તિ મેળવી લીધી હતી. પણ હવે ડર છે કારણ કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે પણ અમને કોર્ટ પર પણ ભરોસો છે.”
સુભાષિની અલી પણ આગળની રાહ આશંકા વ્યક્ત કરે છે પણ સાથે જ કહે છે કે મહિલાઓએ હિંમત ના હારવી જોઈએ અને ઘણાં સંગઠનો છે તેમની મદદ કરવા તૈયાર છે.
બિલકીસબાનોનાં અરજીકર્તા સુભાષિની અલીનું કહેવું છે કે તે સામાન્ય નાગરિકો, મીડિયા બધા જ લોકોની લડાઈ છે.
આ મામલા સાથે જોડાયેલા બધા 11 દોષિતોને આગામી બે અઠવાડિયામાં જેલ જવું પડશે. સુપ્રીમ કોર્ટમાં બિલકીસબાનોના વકીલ શોભા ગુપ્તાનું કહેવું છે કે હવે સરળતાથી સજા માફી તો નહીં મળે.
સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે કે મહારાષ્ટ્ર સરકારે 2008માં લાગુ કરેલી નીતિ મુજબ બિલકીસબાનોના દોષિતોને ઓછામાં ઓછા 28 વર્ષ જેલમાં વિતાવવા પડશે.
રાજ્ય સરકારની નીતિ કહે છે કે મહિલાઓ અને બાળકોની હત્યા કે તેમની સાથે બળાત્કારના મામલામાં 28 વર્ષની સજા પછી જ માફી આપી શકાય છે.

ઇમેજ સ્રોત, GETTYIMAGES/ANADOLU














