બિલકીસબાનો કેસ : ‘દોષિતોની સજા માફ થઈ એટલે અમારી બધી મહેનત એળે ગઈ’, બિલકીસબાનોના પતિએ બીજું શું કહ્યું?

બિલકીસબાનો
ઇમેજ કૅપ્શન, બિલકીસબાનોના પતિ યાકુબભાઈ
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • વર્ષ 2002માં થયેલા રમખાણો દરમિયાન બિલકીસબાનો પર થયો હતો સામૂહિક બળાત્કાર
  • ન્યાય માટેની લાંબી લડત બાદ અંતે 11 દોષિતોને સજા ફટકારવામાં આવી હતી
  • 15 ઑગસ્ટે તમામ દોષિતોને ગોધરા સબજેલમાંથી છોડી દેવામાં આવ્યા હતા
  • બિલકીસના પતિનું કહેવું છે, "અમે લોકો દુખી છે, અમને હવે ડર લાગે છે"
લાઇન

"અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હતો. ન્યાય માટે ઘણા સમય સુધી લડ્યા અને ન્યાય મળ્યો પણ આ લોકોની સજા માફ થઈ એટલે બધું જ શૂન્ય થઈ ગયું."

ગુજરાત 2002 રમખાણો દરમિયાન બળાત્કારનો ભોગ બનનારાં અને આંખ સામે પોતાની ત્રણ વર્ષીય બાળકીને મરતાં જોનારાં બિલકીસબાનોના પતિ યાકુબભાઈના આ શબ્દો છે.

બિલકીસબાનો ગૅંગરેપ કેસના 11 દોષિતોને ગુજરાત સરકારની સજામાફી નીતિ હેઠળ 15 ઑગસ્ટે ગોધરા સબજેલમાંથી છોડી દેવામાં આવ્યા હતા.

આ દોષિતોએ 15 વર્ષથી વધુ સમય જેલમાં કાપ્યો હતો અને એક દોષિતે સુપ્રીમ કોર્ટમાં પ્રિમૅચ્યોર રિલીઝ માટે અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે સજામાફી અંગે વિચારણા કરવા કહ્યું હતું અને એક કમિટીની રચના કરી હતી.

આ કમિટીએ દોષિતોના પક્ષમાં નિર્ણય આપ્યા બાદ તેમને છોડવામાં આવ્યા હતા. દોષિતો સજામુક્ત થતાં બિલકીસબાનો અને તેમનું પરિવાર દુખી છે. તેમના પતિ યાકુબભાઈના જણાવ્યા પ્રમાણે, તેઓ હાલ ડરી ગયા છે અને હવે આગળ શું કરવું તેનાંથી અજાણ છે.

line

'અમને ખ્યાલ પણ નથી કે તેમને ક્યા આધારે છોડ્યા'

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, Getty Images

બિલકીસબાનોના પતિ યાકુબભાઈએ બીબીસીને જણાવ્યું કે તેમને દોષિતો છૂટી ગયા હોવા અંગેની સમાચાર માધ્યમોથી જાણ થઈ હતી.

તેઓ કહે છે, "અમને કોઈએ કહ્યું પણ નહીં કે આ લોકોને છોડવામાં આવી રહ્યા છે. એ તો ઠીક, અમને એ પણ ખ્યાલ નથી કે તેમને ક્યા આધાર પર છોડવામાં આવ્યા છે."

બિલકીસૂાનો પર બળાત્કાર થયો તે સમયે તેમની ઉંમર લગભગ 20 વર્ષની હતી. બળાત્કાર બાદ કેટલાક પોલીસકર્મીઓએ બિલકીસને ડરાવવા તેમજ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત તેમની શારીરિક તપાસ કરનારા તબીબે તેમનાં પર બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું.

બિલકીસબાનોને ઘણાં વર્ષો સુધી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેમ છતાં તેમણે ન્યાય માટે 17 વર્ષ સુધી લડત ચાલુ રાખી હતી.

અંતે સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી બાદ 11 દોષિતોને સજા મળી હતી. જેમની સજા હવે માફ થઈ ચૂકી છે.

દોષિતોની સજામાફી બાદ તેઓ આગળ શું કરશે? આ પ્રશ્નના જવાબમાં યાકુબભાઈ કહે છે, "અમને અત્યારે કંઈ ખબર નથી કે હવે આગળ શું કરીશું."

યાકૂબ કહે છે કે તેમનો પરિવાર શાંતિથી જીવવા માગે છે.

તેઓ કહે છે, ''અમે શાંતિથી જીવવા માગીએ છીએ, પહેલાં પણ આ લોકો જ્યારે પેરોલ પર છૂટી આવતા હતા ત્યારે પણ ડર લાગતો હતો, હવે ફરી ડર વધી ગયો છે. અમે બહુ કહેવા નથી માગતા કારણ કે અમને ખબર પણ નથી એ લોકો કેવી રીતે છૂટ ગયા. અમે અમારો પરિવાર ગુમાવ્યો છે. અમે દરરોજ પરિજનોને યાદ કરીએ છીએ. ત્રણ વર્ષની પુત્રીને ગુમાવી, અમે લોકો દરરોજ તેમના માટે દુઆ કરીએ છીએ. અમે વિચારતા હતા કે અમે ચેન-શાંતિથી રહીશું પરંતુ હવે.."

line

'વળતર તો મળ્યું પણ ઘર અને નોકરી મળી નથી'

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, Getty Images

એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેઠે રૂ. 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે આ વચગાળાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે બિલકીસબાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું.

આ સહાય બિલકીસના પરિવારને મળી છે કે કેમ? તે વિશે વાત કરતા યાકુબભાઈ જણાવે છે, "સરકારે વળતર તો ચૂકવી દીધું છે પણ ઘર અને નોકરી હજી સુધી મળ્યા નથી."

તેઓ જણાવે છે, "નોકરીની બાબતમાં એમ થયું કે બિલકીસ હાલમાં ક્યાંય નોકરી કરી શકે તેવી હાલતમાં નથી. જેથી અમે રજૂઆત કરી કે નોકરીનો ઑર્ડર બિલકીસના નામે નહીં પરંતુ મારા અથવા પરિવારના અન્ય કોઈ સભ્યના નામે તૈયાર કરવામાં આવે, પણ હજી સુધી એમ થયું નથી. જ્યારે ઘરની પ્રોસેસ જ ઘણા સમયથી આગળ વધી નથી."

બિલકીસબાનો કોણ છે અને તેમની સાથે ગૅંગરેપ કરનારા 11 દોષિતો કેવી રીતે મુક્ત થયા?

બિલકીસબાનો અને પતિ યાકૂબ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/Getty

ઇમેજ કૅપ્શન, બિલકીસબાનો અને પતિ યાકૂબ (ફાઇલ ફોટો)

ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનો સાથે ગૅંગરેપ અને તેમના પરિવારના સભ્યોની હત્યાના આરોપમાં સજા કાપી રહેલા બધા 11 દોષિતોને મુક્ત કરાયા છે. ગુજરાત સરકારની સજામાફી નીતિ હેઠળ 15 ઑગસ્ટેના જસવંતભાઈ, ગોવિંદભાઈ, શૈલેશ ભટ્ટ, રાધેશ્યામ શાહ, વિપિનચંદ્ર જોશી, કેશરભાઈ વોહાનિયા, પ્રદીપ મોઢડિયા, બાકાભાઈ વોહાનિયા, રાજૂભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચાંદનાને ગોધરા સબજેલમાંથી મુક્ત કરાયા હતા.

મુંબઈમાં સીબીઆઈની વિશેષ અદાલતે 2008માં બિલકીસબાનો સાથે ગૅંગરેપ અને પરિવારના સભ્યોની હત્યાના કેસમાં આજીવન જેલની સજા સંભળાવી હતી. પછી બૉમ્બે હાઈકોર્ટે આ સજા પર પોતાની સહમતી આપી હતી.

બધા દોષિતો 15 વર્ષથી વધારે સમય જેલમાં સજા કાપી ચૂક્યા હતા. આ આધારે આમાંથી એક દોષિત રાધેશ્યામ શાહે પ્રિમૅચ્યોર રિલીઝની માગ કરી હતી.

ગુજરાતના અતિરિક્ત મુખ્ય સચિવ (ગૃહ) રાજકુમારે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે જેલમાં "14 વર્ષ પૂરા થવા" અને અન્ય કારકો જેમકે ઉંમર, અપરાધની પ્રકૃતિ, જેલમાં વ્યવહાર વગેરે" ને કારણે સજામાં છૂટ પર આવેદન પર વિચાર કરવામાં આવશે."

line

સજાથી સજામુક્તિ સુધી

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો દરમિયાન બિલકીસબાનોની ત્રણ વર્ષીય પુત્રી સહિત પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમનાં પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કાર થયો તે સમયે બિલકીસ ગર્ભવતી પણ હતાં.

ઘટના બાદ તેના પર પડદો પાડવા અને રફેદફે કરવા ઘણા પ્રયાસો થયા હતા. જોકે, તેઓ ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી જતાં કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યો હતો. ત્યાર બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.

ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.

આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.

આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન