'માસીએ મને ગુજરાતમાં વેચી દીધી, રોજ મારે શરીર વેચવું પડતું', બાંગ્લાદેશી સગીરાની આપવીતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"બાંગ્લાદેશમાં અમારા ઘરે ખાવાના વખા હતા. એકવાર ઈદના સમયે ભારતથી બાંગ્લાદેશ આવેલી મારી માસીએ મારી માને કહ્યું કે તે મને ભારત લઈ જશે અને નોકરી અપાવશે; જેથી અમારી ગરીબી દૂર થશે, પણ અહીં લાવીને તેણે મને વેચી દીધી. રોજ દસ લોકો મારું શરીર ચૂંથતા હતા."
આ શબ્દો હતા ગુજરાતથી બાંગ્લાદેશ ગયેલી એક સગીરાના. સગીરા હોવાને કારણે આપણે તેને તેના અસલ નામને બદલે સલમા તરીકે સંબોધીશું.
સલમા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે તેણે નાની ઉંમરમાં જિંદગીનો કદરૂપો ચહેરો જોઈ લીધો છે હતો.
સલમા લાપત્તા તરીકે આણંદમાં આવેલા 'જાગૃત મહિલા સંગઠન'માં બે વર્ષ સુધી રહી હતી અને આ સંસ્થાએ તેને પગભર થતાં શીખવ્યું હતું.
નોકરી મેળવી પૈસા કમાવાની લાલચે ગેરકાયદે ભારત ઘૂસી આવેલી સલમાનું અહીં કાઉન્સેલિંગ પણ થયું અને સારવાર પણ. આ જ સંસ્થાએ તેનો માતા સાથે મેળાપ પણ કરાવ્યો. હવે સલમા ગુજરાતથી બાંગ્લાદેશ જવા રવાના થઈ ચૂકી છે પણ નાની વયમાં તન અને મન પર થયેલા હુમલાઓના જખમોને રૂઝ આવતાં કદાચ વાર લાગશે.
પોતાના ઘરે જતાં પહેલાં બીબીસી ગુજરાતી સાથે તેણે તેની જે દર્દભરી કહાણી સંભળાવી તેને સાંભળતાં કોઈનું પણ હૃદય દ્રવી ઊઠે.

‘માસીએ જ મારો સોદો કર્યો’

ઇમેજ સ્રોત, Getty Images
આણંદ ખાતેના જાગૃત મહિલા સંગઠનનાં અધ્યક્ષ આશાબહેન દલાલના જણાવ્યા પ્રમાણે અઢી વર્ષ પહેલાં સ્થાનિક પોલીસ સલમાને સંસ્થામાં મૂકી ગઈ હતી. પોલીસને તે બસસ્ટેન્ડ પાસે એકલી અને બેચેનીની હાલતમાં મળી આવી હતી.
આશાબહેન કહે છે, "જ્યારે તે સંસ્થામાં આવી ત્યારે કંઈ બોલતી નહોતી. એક ખૂણામાં ચૂપચાપ બેસી રહેતી. અમે તેની સારવાર કરાવી, અમારાં કાઉન્સિલર તેને ટ્રીટમેન્ટ આપતાં હતાં. ઘીમે-ધીમે તે વાતચીત કરવા લાગી. જ્યારે તેણે તેની આપવીતી અમને જણાવી તો અમે પણ ચોંકી ઊઠ્યાં હતાં."
સલમાને તેમનાં માતા બાંગ્લાદેશથી આણંદ તેડવા આવ્યાં હતાં. સલમા માતાને મળીને એટલી ખુશ હતી કે જાણે અઢી વર્ષનાં બધાં જ દર્દ થોડીવાર માટે ભૂલી ગઈ હોય. તેમનાં માતા અમારી સાથે વાતચીત માટે તૈયાર નહોતાં પણ સલમાએ કાંપતા-કાંપતા તેની દર્દનાક કહાણી જણાવી હતી. કહાણી બયાન કરતી વેળા ઉદાસીનું આવરણ તેના માસૂમ ચહેરા પર છવાયેલું હતું.

શા માટે છોડ્યું વતન?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કહાણીની શરૂઆત બાંગ્લાદેશથી શરૂ થાય છે. દારુણ ગરીબીમાં જીવતી સલમાને ભારતમાં રહેતી માસીએ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી.
"મારી માસી જ્યારે ઈદ પર ઘરે આવી ત્યારે તેણે મારી માને ઘણી ભેટસોગાદ આપી હતી. મારી માતા અને હું તેમનાથી અંજાઈ ગયાં હતાં. માસીએ મારી માતાને કહ્યું કે જો 'હું તેમની સાથે ભારત જઉં તો તે મને નોકરી અપાવશે.' તેણે ભારતમાં બહુ પૈસા મળતા હોવાની ડંફાશો પણ મારી. તેણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં બંગાળથી આવેલા ઘણા લોકોને ખાવાની તકલીફો હોય છે, બસ તેમને ત્યાં ઘરકામ કરીને લોકો ઘણા પૈસા કમાય છે. સાથે રહેવાનું અને ખાવાનું મફત."
"અમે પહેલાંથી જ માસીથી અંજાયેલાં હતાં. અમને હતું કે કામ મળવાને કારણે અમારી ગરીબી દૂર થશે અને તેથી અમે હા પાડી." તે સમયે સલમા 15 વર્ષની હતી. માસી તેને ગેરકાયદે ભારત લઈ આવી. સલમા કહે છે કે ભારત આવ્યા બાદ માસીનું વર્તન જ બદલાઈ ગયું.
સલમાને એની માસીએ ચીમકી આપતાં કહ્યું હતું, "તારી પાસે પાસપોર્ટ નથી. તું ગેરકાયદે અહીં આવી છે. હું તને જ્યાં કામ અપાવું ત્યાંથી તારે બહાર નીકળવું નહીં, નહીંતર પોલીસ તને જેલમાં પૂરી દેશે. તું તારી માતાને પૈસા નહીં મોકલી શકે અને તારી માતા ગરીબીમાંથી બહાર નહીં નીકળી શકે."
સલમા માસીની વાત સાંભળી ગભરાઈ ગઈ. કહાણી આગળ વધારતાં તેણે કહ્યું, "મને ખબર નહોતી કે માસી મને ક્યાં લાવ્યાં હતાં; પરંતુ મને થોડું હિંદી આવડતું હોવાથી ખબર પડી કે હું ગુજરાતના વાપીમાં છું."
"મારી માસી મને વાપીની એક હોટલમાં લઈ ગઈ. શું વાત કરી તે મને ખબર પડી નહીં પરંતુ ત્યાં એણે એક પુરુષ સાથે ઓળખાણ કરાવી. માસીએ એ પુરુષ બતાવીને કહ્યું કે કામનો પગાર તેને જ આપવાનો કારણકે હું ગેરકાયદે ભારત આવી છે અને મારું બૅન્ક એકાઉન્ટ નહોતું."
સલમાને ચિંતા થવા લાગી કે જો તેને પગાર નહીં મળે તો તે તેનાં માતાને પૈસા કેવી રીતે મોકલશે?

‘ક્યારેક તો મારે 18-18 પુરુષો સાથે રાત વિતાવવી પડતી’

ઇમેજ સ્રોત, PA
અહીંથી સલમાની કઠણાઈ શરૂ થઈ. તેને ખબર પડી ગઈ કે તેને વેચી દેવામાં આવી છે. રોજ રાતે તેનો સોદો કરવામાં આવતો.
એ ભયાનક દિવસોને યાદ કરતાં તે કહે છે, "લોકો રોજ મારું શરીર ચૂંથતા. ક્યારેક 10 તો ક્યારેક 18 પુરુષો સાથે મારે સૂવું પડતું." બદલામાં તેને રહેવાનું અને ખાવાનું મળતું. ક્યારેક ગ્રાહક તેને ટિપ્સ આપતા અને એ જ પૈસા તેને મળતા.
તેણે કહ્યું, "એક મહિના બાદ મને નવસારી લાવવામાં આવી, ત્યારબાદ વડોદરા. મારો માલિક મને કહેતો કે પૈસા મારી માસીને મોકલ્યા છે જે મારી માતાને મોકલશે."
હકીકતમાં પૈસા તેની માતાને મળ્યા જ નહોતા. તેની ખબર સલમાને બહુ પાછળથી પડી હતી. પોલીસથી બચવા સલમા લપાતી-છુપાતી ફરતી હતી
આ કામથી તેને ગૂંગળામણ થવા લાગી હતી. તેને નાસી છૂટવું હતું પણ તે એક એવા સકંજામાં સપડાઈ ચૂકી હતી કે ત્યાંથી ભાગવું સરળ નહોતું. તે તકની રાહ જોતી હતી અને એવામાં થોડા દિવસો બાદ તેને આણંદ લાવવામાં આવી.
"એક દિવસ કોઈ ગ્રાહક આવ્યો નહોતો તેથી હું તકનો લાભ લઈને હોટલમાંથી નાસી છૂટી. હું લપાતી-છુપાતી આણંદના બસસ્ટેન્ડ પાસે પહોંચી. પોલીસથી બચવા હું સંતાતી ફરતી હતી એટલે લોકોને શક ગયો કે હું ચોર છું અને મને પોલીસના હાથે પકડાવી દીધી."
પોલીસે તેને પકડી તો લીધી પણ તેણે પોલીસ સમક્ષ મગનું નામ મરી નહોતું પાડ્યું.
"હું બોલતી નહોતી એટલે પોલીસને લાગ્યું કે હું મૂંગી છું. પોલીસને મેં ન મારું સરનામું બતાવ્યું ન મારી ઓળખ આપી. એટલે પોલીસ મને અહીંના જાગૃત મહિલા સંગઠનમાં મૂકી ગઈ."
આ સંસ્થામાં ઘણી મહિલાઓ રહે છે અને તેને આત્મનિર્ભર થવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે.
આ સંસ્થાના અનુભવો વર્ણવતાં સલમા કહે છે, "મને અહીં ઘર જેવું વાતાવરણ લાગ્યું, પણ હજૂ મને પોલીસનો ભય હતો. ધીરે-ધીરે સંગઠનના સંચાલકોનો પ્રેમાળ સ્વભાવ જોઈને મેં મારી ઓળખ આપી અને દર્દભરી કહાણી સંભળાવી. મેં તેમને કહ્યું કે હું મૂંગી નથી પરંતુ પોલીસ પકડી ના લે એવા ભયથી હું કંઈ બોલતી નહોતી."

આખરે સલમાની જિંદગીના અંધકારમાં દેખાયું આશાનું કિરણ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
આ સંસ્થાના સંચાલકોએ સલમાને તેની અંધકારમાં ડૂબેલી જિંદગીમાં આશાનું કિરણ દેખાડવાનો પ્રયાસ કર્યો. અહીં તેનું મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ કરાયું અને તેની સારવાર પણ કરવામાં આવી.
સંસ્થાનાં સંચાલક આશાબહેન દલાલ કહે છે, "સલમાની હકીકત જાણીને અમે પોલીસ, સરકાર અને બાંગ્લાદેશના દૂતાવાસને જાણ કરી તેને પરત મોકલવાની તજવીજ હાથ ધરી. બધાની મદદથી અમે તેમનાં માતાનો સંપર્ક કરી શક્યાં. તેમનાં માતાને તેમની પુત્રીની કરુણ હાલત વિશે જાણકારી મળી કે તેઓ પાસપોર્ટ બનાવીને આણંદ આવ્યાં."
બે વર્ષ આ સંસ્થામાં રહીને સલમાએ પગભર થવાની તાલીમલીધી. તેણે ભરતગૂંથણ, સિલાઈકામ, ઇમિટેશન જ્વેલરી બનાવવાનું શીખ્યું.
સલમાએ બનાવેલી ચીજવસ્તુઓનાં વેચાણ મારફતે બે લાખ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે સલમા તેમનાં માતા સાથે બાંગ્લાદેશ જવા રવાના થઈ ત્યારે સંસ્થાએ સલમાની કમાણીના બે લાખ રૂપિયા પણ એને આપ્યા હતા.
આ દરમિયાન સલમાની માસીને પકડીને એને પણ બાંગ્લાદેશ લઈ જવાઈ છે.
આજે સલમા તેના વતન પહોંચી ચૂકી છે. ગુજરાતમાં વિતાવેલા દિવસોની કટુતામાં એને અહીં જ મળેલા પ્રેમ અને સ્નેહનો સથવારો હાલ રાહત આપી રહ્યો છે.










