ઉઝબેકિસ્તાનમાંથી નોકરીના નામે યુવતીઓને ભારત લાવી કઈ રીતે સેક્સ રૅકેટમાં ધકેલી દેવાય છે? બીબીસી ઇન્વેસ્ટિગેશન

- લેેખક, દિલનવાઝ પાશા અને દીપક જસરોટિયા
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હીથી
દક્ષિણ દિલ્હીના એક ભીડભાડવાળા રસ્તા પર જેવી એક ગાડી ઉઝબેક લોકો દ્વારા ચલાવવામાં આવતી દુકાન પાસેથી પસાર થાય છે કે તરત જ અફરોઝાને એ રસ્તાઓ ફરીથી યાદ આવવા લાગે છે જ્યાંના ફ્લૅટ્સમાં તેને ક્યારેક બંદી બનાવવામાં આવી હતી.
મૂળ અફઘાનિસ્તાનના અંદીજાનનાં અફરોઝા જાન્યુઆરી 2022માં દિલ્હી પહોંચ્યાં હતાં. માનવ તસ્કરો તેમને દુબઈ-નેપાળના રસ્તે દિલ્હી લાવ્યા હતા.
અહીં તેમને અલગ-અલગ મકાનો અને હોટલોમાં રાખવામાં આવ્યાં હતાં અને જબરદસ્તી કરીને ‘સેક્સ વર્ક’ કરાવવામાં આવ્યું.
ઑગસ્ટ, 2022માં દિલ્હી પોલીસ અને એક એનજીઓ ‘ઍમ્પાવરિંગ હ્યુમેનિટી’ના એક અભિયાન પછી તેમને આ રેકેટમાંથી છોડાવવામાં આવ્યાં હતાં.
અફરોઝા ત્યારથી એક એનજીઓની દેખરેખમાં રહે છે. તેઓ એ માનવ તસ્કરો સામે કાયદાકીય લડાઈ લડી રહ્યાં છે જે તેમને ઉઝબેકિસ્તાનથી દિલ્હી લાવ્યા હતા.

અફરોઝાને મકાનોના નંબર યાદ ન હતા, પરંતુ ઘણું યાદ કર્યા બાદ તેઓ અનેક ગલીઓમાંથી પસાર થઈને, ઘણીવાર રસ્તાઓ ભૂલી જઈને અંતે દિલ્હીના નેબ સરાય વિસ્તારની એક ઊંચી ઇમારત પાસે જઈને થોભે છે. નેપાળથી લાવીને તેમને પહેલીવાર અહીં જ રાખવામાં આવ્યા હતા.
તેમની આંખોમાં આંસુ હતાં, શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો. થોડી મિનિટો બાદ જ તેમની આંખોની ભીનાશ ગુસ્સામાં બદલાઈ ગઈ. ઝડપથી ચાલીને તેઓ થોડા પગથિયાં ચડ્યાં. પછી તેઓ એ ઓરડાના દરવાજાની બહાર ઊભાં રહી ગયાં જ્યાં તેમના પર અત્યાચાર થયો હતો.
અફરોઝા કહે છે કે, “મને જયારે અહીં લાવવામાં આવી ત્યારે અહીં પાંચ છોકરીઓ પહેલેથી જ હતી. મને ઉઝબેકિસ્તાનથી પહેલા દુબઈ લઈ જવામાં આવી હતી. પછી ત્યાંથી નેપાળ અને પછી સડકમાર્ગે મને તેઓ દિલ્હી લઈ આવ્યા. હું થાકેલી હતી અને બે દિવસ મને આરામ કરવા દેવામાં આવ્યો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“મને શોપિંગ કરાવવામાં આવ્યું. ગિફ્ટ છે તેમ કહીને ટૂંકા કપડાં અપાવવામાં આવ્યા. બે દિવસ પછી બળજબરીપૂર્વક મને સેક્સ કરવા કહેવાયું. મેં ના પાડી તો મને માર મારવામાં આવ્યો.”
અફરોઝા કહે છે, “દિલ્હી પહોંચ્યા પછી પહેલા બે દિવસ મેં આરામ કર્યો. ત્યારબાદ એક દિવસ પણ મને તેમણે શાંતિથી બેસવા પણ દીધી નથી. ક્યારેક કોઈ ફ્લૅટમાં રાખવામાં આવી, તો ક્યારેક કોઈ હોટલમાં રાખવામાં આવી.”
માનવ તસ્કરો મધ્ય એશિયાથી દર વર્ષે નોકરીની લાલચ આપી સેંકડો છોકરીઓને નેપાળના રસ્તે ભારત લઈ આવે છે અને સેક્સ વર્કમાં ધકેલી દે છે.
અનેક છોકરીઓને મેડિકલ વિઝા અને ટુરિસ્ટ વિઝા પર પણ લાવવામાં આવે છે.

કૉર્ટ સામે આપવામાં નિવેદન પ્રમાણે અફરોઝાનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને દુબઈમાં નોકરીની ઑફર કરવામાં આવી હતી. માનવ તસ્કરોને તેમનાં બીમાર માતા અને પરિવારની ખરાબ આર્થિક હાલતની જાણકારી હતી.
અફરોઝા કહે છે કે, “દુબઈમાં નોકરીની ઑફરને મેં સ્વીકારી લીધી. દિલ્હી પહોંચ્યા સુધી મને ખ્યાલ ન હતો કે મને આ કામ માટે લાવવામાં આવી છે. જો મને જરા પણ અહેસાસ હોત તો હું ક્યારેય અહીં ન આવી હોત.”
સેક્સ રૅકેટનું આ ગેરકાનૂની કામ અફરોઝા જેવી શોષિત મહિલાઓના ‘નિયમિત સપ્લાય’ અને શોષણ કરનાર દલાલો, બ્રોકરો અને માનવ તસ્કરોના સંગઠિત નેટવર્કના માધ્યમથી ચાલે છે.
માનવ તસ્કરી મુદ્દે કામ કરનાર હેમંત શર્મા સવાલો ઊઠાવે છે કે, “એ મોટો સવાલ છે કે ભારતમાં ગેરકાનૂની ઢબે ઘૂસ્યા બાદ, વિઝા પૂરા થયા બાદ પણ લોકો રોકાય છે તો પણ એ લોકો પોલીસ અને રાજકારણીઓની નજરથી કેવી રીતે દૂર રહે છે. ”
મધ્ય એશિયાથી તસ્કરી કરીને લાવવામાં આવેલી છોકરીઓ સામે એક મોટો પડકાર એ હોય છે કે તેમને ભારતની સ્થાનિક ભાષા પણ આવડતી નથી અને તેઓ કોઈને ઓળખતા પણ હોતાં નથી.
બીબીસીએ માનવ તસ્કરીનો ભોગ બનેલી જે છોકરીઓ સાથે વાત કરી હતી તેમણે એવો દાવો કર્યો હતો કે તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા હતા અને તેમને 'જેલમાં મોકલવા'ની ધમકી પણ આપવામાં આવી હતી.
અફરોઝાને ભારત લાવનાર કથિત માનવ તસ્કર અઝીઝા શેર – જેને બીજા ઘણાં નામોથી પણ ઓળખવામાં આવે છે, તે ઑગસ્ટ 2022માં દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ ફરાર થઈ ગઈ હતી.
લાંબા ઑપરેશન બાદ દિલ્હી પોલીસે મૂળ તુર્કમેનિસ્તાનની અઝીઝા શેર અને તેના અફઘાનિસ્તાન મૂળના પતિ શેરગેટ અફઘાનની ગોવાથી ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં અઝીઝાનાં અન્ય નામે બનેલાં ઘણાં ભારતીય ઓળખપત્રો અને બૅન્ક ખાતાં પણ સામે આવ્યાં છે.

પૂર્વી દિલ્હીનાં ડીસીપી અમૃતા ગુલુગોથ કહે છે, “અઝીઝા ઘોષિત અપરાધી છે. દિલ્હી પોલીસ તેમને પકડવા માટે એક વર્ષથી પ્રયત્ન કરી રહી હતી. અમારી ટીમને ટૅક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તેમના ગોવામાં હોવાની જાણકારી મળી હતી. એક ઓપરેશન પછી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.”
આ અભિયાનમાં સામેલ મયૂર વિહાર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ એસએચઓ પ્રમોદ કુમાર અને તેમની ટીમે 200થી વધુ સંપર્કોને ટ્ર્રૅક કર્યા અને અંતે તેઓ અઝીઝા શેર સુધી પહોંચી ગયા. આ માનવ તસ્કરોને પકડવા માટે પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે છૂપા નેટવર્કનો સહારો પણ લેવો પડ્યો.
અફરોઝા એ અઝીઝાનો શિકાર બનેલાં એકમાત્ર મહિલા નથી. તેમના જેવી અનેક છોકરીઓને અઝીઝાની ચુંગાલમાંથી છોડાવવામાં આવી હતી.
તહમીના પણ એ મહિલાઓમાંથી જ એક છે. વર્ષ 2020માં દિલ્હી આવેલાં તહમીનાને પણ નોકરીની લાલચ આપવામાં આવી હતી. પરંતુ અહીં આવ્યા બાદ તેમને પણ સેક્સ વર્કમાં ઘકેલી દેવામાં આવ્યાં હતાં.

તહમીનાનો એક વીડિયો પણ દિલ્હી પોલીસની તપાસનો ભાગ છે. આ વીડિયોમાં તહમીનાને ખરાબ રીતે મારવામાં આવી રહી છે. આ વીડિયો ઑગસ્ટ 2022 પહેલાનો છે અને પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યો છે.
આ વીડિયોની પુષ્ટિ કરતાં તહમીના કહે છે, “હું બૉસ અઝીઝાની ચુંગાલમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. એકવાર એક સારો ગ્રાહક મારી પાસે આવ્યો અને મેં તેને વિનંતી કરી કે મને આ ચુંગાલમાંથી બહાર કાઢો."
"તે મારી મદદ કરવા અઝીઝા શેર પાસે પહોંચ્યો હતો. ત્યારપછી મને ખરાબ રીતે મારવામાં આવી હતી અને એક વીડિયો બનાવવામાં આવ્યો. આ વીડિયો અન્ય છોકરીઓને બતાવવામાં આવ્યો જેથી તેઓ પણ ડરી જાય."
હાલમાં, તહમીના વિરુદ્ધ ગુરુગ્રામ કૉર્ટમાં ફૉરેનર્સ ઍક્ટ (વિઝા વિના ભારતમાં રહેવા માટે) હેઠળ કેસ નોંધાયેલ છે. તેમનો દાવો છે કે બ્રૉકરે તેની સામે આ કેસ દાખલ કરાવ્યો જેથી તેઓ ભારતમાં જ ફસાયેલાં રહે.

અઝીઝા શેરની ધરપકડ પછી તહમીનાને થોડી રાહત મળી છે. એ પહેલાં તેઓ કાયમ માટે ભયના ઓથાર નીચે જીવતાં હતાં.
તહમીના કહે છે કે, “તે મને હંમેશાં ડરાવીને રાખતી હતી. મને એટલી ડરાવી દીધી હતી કે હું હજુ સુધી એ ભયમાંથી બહાર આવી શકી નથી. મને માર મારીને વીડિયો વાઇરલ કર્યો. મારા પર લેણું પણ ચઢાવ્યું.”
સેક્સ વર્કના કારણે તહમીનાની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી અને તેમને ગર્ભાશયનું ઑપરેશન પણ કરાવવું પડ્યું. તહમીના કહે છે કે તેઓ જ્યારે હૉસ્પિટલમાં હતા ત્યારે તેમને એકલાં છોડી દેવામાં આવ્યા હતા અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થાય એ પહેલા જ તેમને કામ કરવા મજબૂર કરવામાં આવ્યાં હતાં.
તહમીના અને અફરોઝા જેવી છોકરીઓને ક્યારેક એક દિવસમાં છથી નવ ગ્રાહકો પાસે બળજબરીપૂર્વક મોકલવામાં આવતી.
બીબીસીએ તસ્કરો અને દલાલોની ડાયરીનાં પાનાં પણ જોયાં છે જે ચાર્જશીટનો ભાગ છે. જેમાં આ યુવતીઓએ કરેલા કામ અને રોજની લાખોની કમાણીનો હિસાબ પણ છે.
આ છોકરીઓનું કહેવું છે કે તેમને આ કમાણીનો હિસ્સો નથી મળતો. વધુમાં તસ્કરો અને દલાલો તેમના પર લેણું ચઢાવતાં રહે છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અફરોઝા પણ આ જ પ્રકારના આરોપો લગાવે છે. તેઓ કહે છે, “મારી માતા બીમાર હતી. મને પૈસાની ખૂબ જરૂર હતી પણ મને એકપણ રૂપિયો આપવામાં આવ્યો ન હતો. હું નવ મહિના સુધી બૉસના કબજામાં રહી અને તે દરમિયાન મને એકપણ રૂપિયો આપવામાં આવ્યો ન હતો. હંમેશાં મને એમ જ કહેવામાં આવ્યું કે તારા પર લેણું છે અને તારે ચૂક્તે કરવાનું છે.”
અફરોઝાએ ઑગસ્ટ 2022માં ભાગીને ઉઝબેકિસ્તાનના દૂતાવાસ પહોંચીને મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો.
તેને મદદ મળે તે પહેલાં જ તેમને દૂતાવાસની બહારથી જ બંદૂકની અણીએ ફરીથી ઊઠાવી લેવામાં આવ્યાં હતાં. દિલ્હીના ચાણક્યપુરી પૉલીસ સ્ટેશનની પૉલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
તેના શરીર પર બ્લૅડથી કાપા મારવાના, સિગારેટના ડામ દેવાનાં નિશાન બતાવતાં અફરોઝા કહે છે, "જ્યારે પણ મેં પૈસા માંગ્યા ત્યારે મને આવાં નિશાન મળ્યાં."
જ્યારે માનવ તસ્કરો અફરોઝાને નેપાળ લાવ્યા ત્યારે તહમીના હજુ તેમની પકડમાં હતી.
તહમીના કહે છે, “મારી બૉસ નોકરીની લાલચ આપીને છોકરીઓનો અલગ-અલગ જગ્યાએ સંપર્ક કરતી હતી. હું ઇચ્છતી હોવા છતાં અફરોઝા જેવી છોકરીઓને ચેતવી શકતી ન હતી કારણ કે મારી પાસે આમ કરવાનો કોઈ જ રસ્તો ન હતો. અમારા જેવી જૂની છોકરીઓને નવી છોકરીઓથી દૂર જ રાખવામાં આવે છે."
બીબીસીએ દિલ્હીના એ વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી જ્યાં આ છોકરીઓને બળજબરીપૂર્વક સેક્સ વર્ક કરાવવામાં આવ્યું. પોલીસની કાર્યવાહી બાદ આ ગતિવિધિઓ ઓછી થઈ છે, પરંતુ હજુ આ કામ તો ચાલુ જ છે.
પૂર્વ દિલ્હીનાં ડીસીપી અમૃતા ગુલુગોથ કહે છે, "આ માનવ તસ્કરોની ધરપકડથી નોકરીના નામે છોકરીઓને ભારતમાં લાવવા અને તેમના પાસપોર્ટ છીનવીને તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના નેટવર્કની એક કડી ચોક્કસપણે તૂટી જશે."
"વિદેશથી છોકરીઓને લાવવા અને તેમને સેક્સ વર્ક કરાવવાનાં કામ પર તેનો જરૂર પ્રભાવ પડશે."
જોકે, માનવ તસ્કરી સામે કામ કરતી સંસ્થાઓનું માનવું છે કે હજુ પણ ઘણા પડકારો છે.
હેમંત શર્મા કહે છે, “પહેલો પડકાર નેપાળ બૉર્ડરનો છે જ્યાંથી છોકરીઓ ભારતમાં પ્રવેશે છે. આ છોકરીઓ વિઝા વિના દિલ્હીમાં પ્રવેશ કરે છે અને દિલ્હી પહોંચે છે. ત્યારબાદ તેમને દિલ્હી અને અન્ય મોટા શહેરોમાં સેક્સ વર્ક કરાવવામાં આવે છે. સવાલ એ છે કે આ બધું પોલીસની નજરથી કેવી રીતે દૂર રહે છે?"
હેમંત શર્મા કહે છે, “બીજો પડકાર આ છોકરીઓનું પુનર્વસન છે. અગાઉ, ફૉરેનર્સ ઍક્ટ હેઠળ, છોકરીઓને જામીન આપી દેવામાં આવતા હતા અને ત્યાંથી તેમને ડિટેન્શન સૅન્ટરમાં મોકલવામાં આવતી નહોતી."
"ત્યારે એ વિચારવાની જરૂર હતી કે આ છોકરીઓ ભારતમાં શું કરશે, તેઓ ક્યાં રહેશે અને કાયદાકીય કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ તેમનો ખર્ચ કેવી રીતે કરશે?"

ઇમેજ સ્રોત, Getty Images
તહમીના તેમના દેશ પાછા ફરવાની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ તેમની પાસે ગુરુગ્રામની અદાલતમાં ફૉરેનર્સ ઍક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો છે. તેઓ કહે છે કે તેમને ફસાવી રાખવા માટે જ આ કેસ કરવામાં આવ્યો છે.
જ્યારે અફરોઝા ધરપકડ કરવામાં આવેલા માનવ તસ્કરોના મામલામાં સાક્ષી છે.
હકીકતમાં, માનવ તસ્કરીનો ભોગ બનેલી મોટાભાગની છોકરીઓ ફૉરેનર્સ ઍક્ટ હેઠળના કેસમાં સંડોવાયેલી હોય છે. તસ્કરીનો ભોગ બનેલી હોવાથી તેમના દેશ છોડવા પર પ્રતિબંધ નથી, પરંતુ ફૉરેનર્સ ઍક્ટ હેઠળ તેમને આરોપી બનાવવામાં આવ્યા હોવાને કારણે તેઓ કેસના અંત સુધી કાયદાકીય રીતે ભારત છોડી શકે નહીં.
જેઓ પીડિત છે તેઓ પણ અંતિમ જુબાની આપવામાં ન આવે ત્યાં સુધી દેશ ન છોડવા માટે બંધાયેલાં છે. પરંતુ આ કેસમાં આરોપીના વકીલ ઝુબેર હાશમીનો દાવો છે કે પીડિતો જ્યારે ઇચ્છે ત્યારે તેના દેશ પરત ફરી શકે છે.
ઝુબેર હાશમી કહે છે, “આ કેસમાં પીડિતોએ તેમના દેશમાં પાછા જવા માટે કૉર્ટ સમક્ષ અરજી કરી નથી. તેમને રોકવામાં આવ્યાં નથી.”
જોકે, હેમંત શર્મા કહે છે, “આરોપીને સજા અપાવવા માટે પીડિતોની જુબાની ખૂબ જ જરૂરી છે. આરોપીઓના વકીલો આ જુબાની મુલતવી રાખવાનો પ્રયાસ કરતા રહે છે, જેથી તેઓ આ કાયદાકીય લડાઈથી હતાશ થઈ જાય.”
અફરોઝા અને તહમીના પોતાના દેશ પરત ફરવાની રાહ જોઈ રહ્યાં છે. તહમીના કહે છે, "મારા દેશમાં પહોંચતા જ હું સૌથી પહેલા મારા દેશની માટીને ચુંબન કરીશ અને ક્યારેય દેશ નહીં છોડવાની શપથ લઈશ."
અફરોઝા કહે છે, “હું મારાં માતાને ગળે લગાવીને ખૂબ રડીશ. હું દરરોજ તેને ખૂબ મિસ કરું છું. મારી જીવનની હવે સૌથી મોટી ઇચ્છા મારી માતાને ગળે લગાડવાની છે.”
મધ્ય એશિયામાંથી કેટલી છોકરીઓને ભારતમાં તસ્કરી કરીને લાવવામાં આવી છે તેનો કોઈ ચોક્કસ ડેટા નથી. પરંતુ આ મુદ્દે કામ કરતા લોકો માને છે કે આ સંખ્યા હજારોમાં હોઈ શકે છે.
(સેક્સ વર્કમાં ધકેલવામાં આવેલી છોકરીઓનાં નામ તેમની ઓળખ છુપાવવા માટે બદલવામાં આવ્યાં છે.)













