પ્રેગનેન્સી ટૂરિઝમ : 'તેઓ ગર્ભવતી થવાં અમારી મુલાકાત લે છે', લદ્દાખમાં વસેલા 'શુદ્ધ આર્યો' સાથે એક મુલાકાત

ઇમેજ સ્રોત, Rajesh Joshi
- લેેખક, દીપક શર્મા
- પદ, બીબીસી સંવાદદાતા, લદ્દાખથી
લદ્દાખના અંચલ ખાતે વસેલા લગભગ પાંચ હજાર બ્રોકપા લોક પોતાને દુનિયાના છેલ્લા બચેલા શુદ્ધ આર્ય માને છે. શું આ ખરેખર એ જાતિ છે? જેમને નાઝી 'માસ્ટર રેસ' માનતા હતા? અથવા તો આ દાવો માત્ર એક મિથ છે જેને આ લોકો ફાયદા માટે જાણવી રાખે છે.
લેહના ઉત્તર-પશ્ચિમ તરફ વધીએ તો પ્રથમ વિચાર કારગિલ વિશે આવે છે પરંતુ બીબીસીની ટીમ કંઈક બીજું જ શોધી રહી હતી.
લગભગ ચાર કલાક સુધી લેહથી બટાલિકનો રસ્તો બિલકુલ હાઈવે જેવો છે. ત્યારબાદ રસ્તો સાંકડો થઈ સિંધુ નદીના કિનારે કિનારે આગળ વધે છે.
કાચા-પાકા રસ્તે બે કલાક સુધી મુસાફરી કરીએ એટલે ગારકોન ગામ આવે છે.

શા માટે બ્રોકપા ખાસ છે?

ઇમેજ સ્રોત, Rajesh Joshi
ગારકોનનાં બાળકો, વૃદ્ધો અને જવાન લોકો શહેરીઓને જોઈને ચોંકતા નથી.
તેમને ખ્યાલ છે કે કઈ જિજ્ઞાસાને લીધી આ લોકો અહીં આવી પહોંચ્યા છે.
ચંદીગઢમાં અભ્યાસ કરતાં સોનમ લ્હામો જણાવે છે કે શુદ્ધ આર્ય હોવાની વાત તેમના સમુદાયમાં પેઢી દર પેઢી ચાલી આવે છે.
તેઓ કહે છે, "તમે વાંચ્યું હશે કે આર્યો લાંબા અને ગોરા હતા. તમે અહીંની આબાદીમાં પણ એ બાબત જોઈ શકશો.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''અમે લોકો પણ પ્રકૃતિની પૂજા કરીએ છીએ. અમે અમારી સંસ્કૃતિને અમારા સાચા આર્યો હોવાના પુરાવા તરીકે જોઈએ છીએ."
એ જોઈ શકાય છે કે બિયામા, ગારકોન, દારચિક, દાહ અને હાનુનાં લોકોના ચહેરાં લદ્દાખના અન્ય લોકોથી અલગ છે.
બ્રોકપા નામ તેમને લદ્દાખની અન્ય આબાદી તરફથી મળ્યું છે. સ્થાનિક ભાષામાં તેનો અર્થ 'વિચરતું' થાય છે.
બૌદ્ધ હોવા છતાં બ્રોકપા દેવી-દેવતાઓમાં વિશ્વાસ રાખે છે અને આગની પૂજા કરે છે.
તે લોકોમાં બલિ ચઢાવવાની પ્રથા પણ છે પરંતુ આજની પેઢી તેનો વિરોધ કરી રહી છે.
આગ અને પ્રકૃતિની પૂજા અને બલિ ચઢાવવા જેવી બાબતોનો ઉલ્લેખ વેદોમાં પણ જોવા મળે છે.
જોકે, બ્રોકપા સંસ્કૃતિમાં બકરીઓને ગાય કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવે છે.
બદલતા સમય સાથે ક્યાંક-ક્યાંક ગૌવંશ નજરે પડે છે પરંતુ બકરીનું દૂધ અને ઘી આ લોકોની પહેલી પસંદ છે.

ઇમેજ સ્રોત, Rajesh Joshi
ઉલ્લેખનીય છે કે અન્ય લદ્દાખી સંસ્કૃતિથી અલગ હોવું એ શુદ્ધ આર્ય હોવાનો પુરાવો નથી.
આ સમુદાય સાથે સંબંધ ધરાવતા સ્વાંગ ગેલસન કારગિલની કૉલેજમાં ભણાવે છે.
તેમની ઇચ્છા પોતાના ઇતિહાસમાં ઊંડે ઊતરવાની છે.
તેઓ જણાવે છે, "ઘણા ઇતિહાસકારોએ આ વાતના સંકેતો આપ્યા છે. જર્મન નિષ્ણાત ફ્રૅંકીએ તેમના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઑફ વેસ્ટર્ન તિબેટ'માં અમારી આબાદીને આર્યન સ્ટૉકનું નામ આપ્યું છે."
હાલમાં જ પોતાની ભાષાનો શબ્દકોષ છપાવી ચૂકેલા ગેલસન સંસ્કૃતની સાથે તેમની ભાષાની સમાનતાઓ ગણાવે છે.
તેમના મુજબ અન્ય લદ્દાખી ભાષાઓની સરખામણીએ તેમની ભાષામાં સંસ્કૃતના ઘણા શબ્દો મળી આવે છે. ઉદાહરણ તરીકે ઘોડા માટે અશ્વ, સૂરજ માટે સૂર્ય, મંદિર વગેરે.
ગેલસન મુજબ એક દંતકથા એવી પણ છે કે તેમનો સમુદાય સમ્રાટ સિકંદરના સૈનિકોનો વંશજ છે.
જોકે, પાકિસ્તાનની કલાશ જાતિ, હિમાચલ પ્રદેશની મલાણા અને બડા ભંગાલ વિસ્તારના લોકો પણ આવો દાવો કરે છે.
બ્રોકપા લોકગીતોમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે તેમના પૂર્વજો લગભગ સાતમી સદીમાં ગિલગિટ-બલુચિસ્તાનથી આવીને બટાલિક નજીકના વિસ્તારમાં વસ્યા હતા.
તેમનો સૌથી મોટો તહેવાર ઑક્ટોબરમાં પાકની કાપણી સમયે મનાવવામાં આવતો બોનોના છે. દરેક બ્રોકપા ગામ વારાફરથી આનું આયોજન કરે છે.

શું છે આર્યોનો ઇતિહાસ?

ઇમેજ સ્રોત, Rajesh Joshi
આજના ભારતમાં એ સવાલ રાજનીતિથી ઉપર નથી પરંતુ એ સાચું છે કે આર્યોને લઈને કોઈ એક મત નથી.
20મી સદી સુધી એવું માનવામાં આવતું હતું કે ઇન્ડો-યુરોપીયન ભાષા બોલનારો આ સમૂહ મધ્ય એશિયાથી લગભગ 2000-1500 ઈ.સ. પૂર્વે ભારત આવ્યો હતો.
મતભેદ એ વાત પર છે કે આ લોકો હુમલાખોર હતા કે પછી ભોજનની સારી તક શોધનારા લોકો?
છેલ્લા બે દાયકાઓથી આર્યોને ભારતીય મૂળ નિવાસી ગણાવનારી થિયરીએ પણ જોર પકડ્યું છે.
બ્રિટનની હડર્સફીલ્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માર્ટિન પી. રિચર્ડ્સની આગેવાનીમાં 16 વૈજ્ઞાનિકોના દળે વાસ્તવિકતા જાણવા માટે મધ્ય એશિયા, યુરોપ અને દક્ષિણ એશિયાની આબાદીના વાઈ-ક્રોમોઝોમનું અધ્યયન કર્યું. વાઈ-ક્રોમોઝોમ માત્ર પિતાથી પુત્રને મળે છે.
આ શોધ મુજબ કાંસ્ય યુગ (3000-1200 ઈસા પૂર્વ)માં પલાયન કરનારાઓમાં માટા ભાગે પુરુષો હતા.
વર્ષ 2017માં માર્ચમાં છપાયેલા એક રિસર્ચ પેપરમાં લખ્યું હતું, "અમારા વિશ્લેષણ પરથી માલૂમ પડે છે કે સ્ત્રીઓના જિન્સ લગભગ સંપૂર્ણ રીતે દેશી છે અને 55 હજાર વર્ષ પહેલાં અહીં વસેલા માણસો સાથે સંપૂર્ણ મળી આવે છે."
"પરંતુ પુરુષોના જિન્સ અલગ છે. તેનો સંબંધ દક્ષિણ-પશ્ચિમ એશિયા અને મધ્ય એશિયા સાથે રહ્યો છે."
જોકે, શોધનો દાવો છે કે પલાયનનો આ સમય હજારો વર્ષો સુધી ચાલ્યો હશે.

ઇમેજ સ્રોત, Dipak Sharma
જો આર્યો ખરેખર મધ્ય એશિયાના કાસ્પિયન સાગરના આસપાસ સ્થિત ઘાસના મેદાનોથી નીકળીને દક્ષિણ એશિયા આવ્યા હોય, તો એવું બની શકે કે તેમનો રસ્તો ગિલગિટ-બલુચિસ્તાન થઈને નીકળ્યો હશે.
ગેલસન પણ બ્રોકપાઓના ડીએનએની તપાસ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
તેમનું માનવું છે કે આ વિષય પર તપાસ થવી જોઈએ.
તેમનું માનવું છે, "આર્યોની ઐતિહાસિક છબી વિજેતાઓની રહી છે. એ જ કારણ છે કે આજે બ્રોકપા યુવાઓમાં આ ઓળખને લઈને ઉત્સાહ વધ્યો છે અને અમે માનીએ છીએ કે આ દાવાની વધુ તપાસ થવી જોઈએ."

પ્રસૂતિ અને પર્યટન

ઇમેજ સ્રોત, Rajesh Joshi
ઇન્ટરનેટ આવ્યા બાદ બ્રોકપાઓની આ ઓળખે દુનિયાભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
આ ગામમાં જર્મન મહિલાઓના 'શુદ્ધ આર્યબીજ'ની ચાહમાં અહીં આવવાના કિસ્સા પ્રખ્યાત છે.
વર્ષ 2007માં ફિલ્મકાર સંજીવ સિવનની ડૉક્યુમેન્ટરીમાં એક જર્મન મહિલાએ કૅમેરા પર આ વાતનો સ્વીકાર કર્યો હતો.
મોટા ભાગે બ્રોકપા આ અંગે ચર્ચા કરવાનું ટાળે છે.
પરંતુ બટાલિકમાં દુકાન ચલાવનારી એક વ્યક્તિએ નામ ન જણાવવાની શરતે કહ્યું, "એક જર્મન મહિલાએ ઘણાં વર્ષો સુધી મને હોટલમાં તેની સાથે રાખ્યો હતો.''
''ગર્ભવતી થયા બાદ તે જર્મની જતી રહી હતી. થોડાં વર્ષો બાદ તે તેનાં બાળક સાથે મને મળવા આવી હતી."

શું ઇચ્છે છે આજના બ્રોકપા?

ઇમેજ સ્રોત, Rajesh Joshi
બ્રોકપાઓની હાલની પેઢીમાં અભ્યાસનું મહત્ત્વ વધ્યું છે. યુવતીઓને અભ્યાસ અને કરિયર બનાવવા માટે બરાબરની તક મળે છે પરંતુ નોકરીઓ સીમિત છે.
કમાણીનો સૌથી મોટો રસ્તો જરદાળુની ખેતી અથવા સેના કે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશનથી મળતી મજૂરી છે.
અહીં વીજળી સવાર-સાંજ માત્ર એક કલાક જ રહે છે. પરંતુ જેમ-જેમ પર્યટકોની સંખ્યા વધી રહી છે, સમૃદ્ધિના નવા રસ્તાઓ પણ ખૂલી રહ્યા છે.
મોબાઇલની સંખ્યા વધવાથી બ્રોકપા યુવાનોએ સરહદ પાર ગિલગિટના યુવાઓ સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક બનાવી રાખ્યો છે.
લ્હામો કહે છે, "તે લોકો પણ અમારી ભાષામાં વાત કરે છે અને ગર્વથી કહે છે કે તેઓ આર્ય છે."
આજની પેઢીના ઘણા બ્રોકપાઓને અમે પૂછ્યું કે શું તેઓ ગામમાં મળતી રોજગારીને પ્રાથમિકતા આપશે કે તક મળશે તો કોઈ શહેરમાં વસી જશે. આ સવાલનો જવાબ મિશ્ર હતો.
21મી સદીના આ શુદ્ધ આર્યોનો સંઘર્ષ સત્તા માટે નહીં પરંતુ રોજગારી માટે છે. પરંતુ રોજગારી ઓળખ ગુમાવીને મળશે તો સંઘર્ષ અધૂરો રહેશે.
(મૂળ લેખ 2 ઑક્ટ્બર, વર્ષ 2018માં છપાયો હતો)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












