‘મારે લગ્નની જરૂર નથી, પ્રેમ જ પૂરતો છે’, લિવ-ઇનમાં રહેનાર મહિલાની કહાણી

ઇમેજ સ્રોત, KAVITHA GAJENDRAN
- લેેખક, શિવકુમાર રાજાકુલમ
- પદ, બીબીસી સંવાદદાતા
કવિતા ગજેન્દ્રન કહે છે કે, “હું એક એવો સંબંધ અને જીવન જીવવા ઇચ્છતી હતી, જેમાં મારી સ્વતંત્રતા અને હિલચાલ પર પ્રતિબંધ ન હોય. આ રીતે દસ વર્ષના લિવ-ઇન જીવને મને સમજ અને આત્મીયતા આપી છે.”
કવિતા ચેન્નઈના એક મધ્યમવર્ગીય પરિવારની મહિલા છે અને કવિતા ચારેક વર્ષથી ડાબેરી લેખક રાજા સંગીત સાથે રહે છે. તેઓ યુવાવસ્થાથી જ ડાબેરી રાજકીય મંચ પર સક્રિય છે.
આપણો રૂઢિવાદી અને પિતૃસત્તાક સમાજ એક પુરુષ તથા એક મહિલા વચ્ચેના સ્વાભાવિક પ્રેમને સ્વીકારવાનો ઇનકાર કરે છે, પરંતુ કવિતાએ તેનાથી વિપરીત જઈને ‘લિવિંગ ટુગેધર’ની સ્થાપના કરી, કારણ કે તેઓ રોમાન્ટિક વિવાહિત જીવન ઇચ્છતાં ન હતાં.
પોતાની રાજકીય વૈચારિક સ્પષ્ટતા અને જીવનની સમજ ઉપરાંત કવિતાએ બીબીસી સાથે પ્રેમ, વિવાહ અને સહજીવનના અનુભવની તથા આ બધા વિશે માત્ર પરિવાર જ નહીં, પરંતુ સામાજિક પ્રતિભાવ કેવો હોય છે તેની વાતો કરી હતી.
“ઉત્તર ચેન્નઈના મૂળ નિવાસી તરીકે મારા પિતાની પારિવારિક પૃષ્ઠભૂમિકા આરામદાયક હતી, પરંતુ તેમનું જીવન આરામદાયક ન હતું. તેમણે આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને ટ્રકચાલક તરીકે કામ કર્યું હતું. માતા, પિતા અને ભાઈ સાથેનો અમારો નાનો પરિવાર છે.
મેં કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં સુધીમાં રાજકીય સ્પષ્ટતા મળી ગઈ હતી. મારું રાજકીય ક્ષેત્ર અને કાર્યમંચ નક્કી કર્યાં પછી હું મારું સ્વાતંત્ર્ય કાર્યમંચ કોઈ પણ ભોગે નહીં છોડવા કૃતનિશ્ચય હતી.

લગ્ન માટે મજબૂર કરી

ઇમેજ સ્રોત, KAVITHA GAJENDRAN
હું 26 વર્ષની થઈ ત્યારે તેમણે મને લગ્ન માટે મજબૂર કરી હતી. સંબંધ માત્ર ઓળખાણથી નહીં, લગ્ન મારફત પણ બંધાતો હોય છે, પરંતુ જેને હું જાણતી ન હોઉં તેની સાથે હું અને જે મને જાણતો ન હોય એવો પુરુષ મારી સાથે લગ્ન કેવી રીતે કરી શકે?
દસેક વર્ષથી મારા એક દોસ્ત અને મારી વિચારધારા લગભગ સમાન હતી. અમારી વચ્ચે દોસ્તી જ નહીં, પ્રેમ પણ હતો. અમે એક જ સ્કૂલ, કૉલેજમાં ભણ્યાં હતાં. એકમેકને સારી રીતે ઓળખતાં હતાં. એક એવો સમય પણ હતો કે જ્યારે અમે બન્ને પ્રેમમાં હતાં અને અલગ થઈ ગયાં હતાં. અલબત, અમારી વચ્ચે સ્વસ્થ મૈત્રી યથાવત્ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દોસ્તોએ જીદ કરી હતી કે તમારાં બન્નેનાં મન એક જ છે તો તમારે લગ્ન કરી લેવાં જોઈએ. એ પછી અમે લગ્નનો નિર્ણય કર્યો હતો. અમારું લગ્નજીવન બહુ મુશ્કેલ હતું.
અમારું લગ્નજીવન અપેક્ષા અનુસારનું નહોતું. અમે બન્ને પરિપકવ હતાં, પરંતુ લગ્નની સંસ્થામાં પરિવાર, સંબંધીઓ અને સમાજનો હસ્તક્ષેપ વધારે હતો.
લગ્નએ મારા સ્વાતંત્ર્ય અને ગતિશીલતા પર લગામ તાણી હતી. પારિવારિક વ્યવસ્થાના દબાણને કારણે એક સમયે મારા પતિએ પણ મારા પર નિયંત્રણનો પ્રયાસ કર્યો હતો. તેથી અમારા બન્ને વચ્ચે મતભેદ સર્જાયા હતા.

અલગ થવાનો નિર્ણય

ઇમેજ સ્રોત, KAVITHA GAJENDRAN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમે સૌહાર્દપૂર્ણ રીતે અલગ થવાનો નિર્ણય કર્યો હતો. અદાલતે અમારા છૂટાછેડાને મંજૂરી આપી હતી. અમારાં લગ્નનો ત્રણ જ વર્ષમાં અંત આવ્યો હતો. હું મારાં સર્ટિફિકેટ્સ, થોડાં વસ્ત્રો અને રૂ. 1,500 રોકડા લઈને પતિના ઘરમાંથી નીકળી ગઈ હતી.
એ પછી એક મહિનો હું મારા પિતરાઈ ભાઈના ઘરે રોકાઈ હતી. પછી કેટલીક સખીઓ સાથે એક ઍપાર્ટમેન્ટમાં રહેવા ચાલી ગઈ હતી. હું ચેન્નઈમાં જ રહેતી હતી, પરંતુ માતા-પિતાની સાથે રહેવાને બદલે એકલી રહેતી હતી. બે વર્ષના એવા જીવને મને સમજાવી દીધું હતું કે હું કોણ છું.
હું મને ગમતા ડાબેરી રાજકીય ક્ષેત્રે સક્રિય હતી. સમાન વિચારધારા ધરાવતા લેખત રાજસંગીતન સાથે મારો પરિચય સોશિયલ મીડિયાના માધ્યમથી થયો હતો. તેઓ પણ ડાબેરી રાજકીય ક્ષેત્રે જ કાર્યરત હતા.
પેરિયારના જન્મદિવસે અમે પહેલીવાર વ્યક્તિગત રીતે મળ્યાં હતાં. એ પછી લગભગ એક સપ્તાહ સુધી અમે બહુ બધી વાતો કરી હતી. એ પછીના બે-ત્રણ મહિના મેં ઉત્તર ભારતમાં પ્રવાસ તથા ચૂંટણીપ્રચાર કર્યો હતો. એ પછી પણ તેઓ થોડા-થોડા સમયે પ્રવાસ કરતા રહ્યાં હતાં.
અમારી રાજકીય વૈચારિક પૃષ્ઠભૂમિ સમાન હતી. તેથી સમજવાનું આસાન હતું. મેં મારી મનની વાત કહેવાનું નક્કી કરી લીધું હતું. મેં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભૂતકાળના કડવા અનુભવને લીધે લગ્ન જરૂરી નથી.
અમે લગભગ ચાર વર્ષ સાથે રહીને, અમે જેવું ઇચ્છતા હતાં તેવું જીવન જીવ્યાં. અમારા સંબંધનો આધાર પ્રેમ હતો, પણ લગ્ન કરવા જરૂરી ન હતાં.
પાસપોર્ટ તથા વિઝાની જરૂરિયાતને કારણે અમે ગયા વર્ષે રજિસ્ટર્ડ લગ્ન કર્યાં. તેનાથી અમારું અંગત જીવન કોઈ પણ રીતે બદલાયું નથી.

લગ્ન ન કરવાનો નિર્ણય શા માટે?

ઇમેજ સ્રોત, KAVITHA GAJENDRAN
લગ્ન મહિલાઓ માટે સતામણીનું સ્થાન બની ગયાં છે. એક સ્ત્રી કેવી હોવી જોઈએ અને તેણે કેવી રીતે રહેવું જોઈએ, તેને લગ્ન પરિભાષિત કરે છે. તેથી પિતૃસત્તાક સમાજમાં લગ્નની પ્રત્યેક વિધિ સ્ત્રીના પગમાં બેડી બાંધવા જેવી છે.
આખો પરિવાર એક સ્ત્રીના જીવનને નિયંત્રિત કે નિર્ધારિત કરવાનો પ્રયાસ કરતો હોય છે. 1,000થી વધુ વર્ષથી ચાલતો લગ્નનો ઉન્માદ સ્ત્રી-પુરુષને સાથે રહેવાની ફરજ પાડે છે. તેમાં આયખું ખતમ થઈ જાય છે. લગ્ન મને એક વ્યક્તિ તરીકે કામ કરતાં અટકાવે છે.
એક દોરી, કાગળનો એક ટુકડો કે હસ્તાક્ષર એક પુરુષ તથા એક સ્ત્રીના સહજીવનનો નિર્ણય કરી શકે નહીં. એક વયસ્ક પુરુષ અને સ્ત્રી વચ્ચે સંવાદ થવો જોઈએ. બન્ને વચ્ચેની આત્મીય સમજ અને નિકટતા તેમના જીવનને નિર્ધારિત કરતી હોય છે.
‘ઓ પૅસેજ’ના લેખક જ્ઞાનીના કામથી પ્રભાવિત થઈને મેં તેમની સાથે નાટકમાં કામ કર્યું હતું. 10 વર્ષના સહજીવન પછી તેમણે માત્ર ઔપચારિકતા ખાતર જયમાલાનું આદાનપ્રદાન કર્યું. તેમના લેખન અને જીવનશૈલીથી હું પ્રભાવિત છું.
કૉલેજ પછી મને સમજાયું હતું કે લગ્નની સંસ્થા મારું મનગમતું જીવન બનાવવામાં એક અડચણ હતી. એ પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચી હતી કે મારી સ્વતંત્રતા અને અબાધિત જીવન માટે એક સમજદાર સાથી સાથે સમાધાન કરવું બહેતર છે.

ત્યજેલા સંબંધ અને મૈત્રી

ઇમેજ સ્રોત, KAVITHA GAJENDRAN
હું મારા ભૂતપૂર્વ પતિ સાથે દસ વર્ષથી પ્રેમમાં હતી. અમે બન્ને અલગ-અલગ જ્ઞાતિનાં હતાં એટલે પરિવારજનો જોરદાર વિરોધ કરતા હતા. એ માટે ઘરમાં સખત ઝઘડા પણ થયા હતા. પરિવારજનો અને સગાં-સંબંધીઓએ સાથે મળીને પંચાયત યોજી હતી. મને માર પણ મારવામાં આવ્યો હતો.
હું મારાં મમ્મી સાથે બેસીને બધી વાત કરતી હતી. મેં તેમને સમજાવ્યું હતું કે પ્રેમ ભાગેડુ હોતો નથી. એ પછી મારાં જીવનમાં જે કંઈ બન્યું છે તેની વાત મારાં મમ્મીને કરી છે. મારા પ્રેમ, લગ્ન અને છૂટાછેડા વિશે મારાં મમ્મી બધું જ જાણે છે.
મેં તેમને એ પણ સમજાવ્યું છે કે કોઈ વ્યક્તિ સિંગલ અને પરિણીત એક સાથે રહી શકે નહીં. અમારા જીવનમાં સૌથી મહત્વનું કોણ છે અને અમારી સાથે કોણ રહેશે તેની સ્પષ્ટતા પણ મેં કરી છે.
મારે ભણવું હતું એ રીતે મને ભણવા દેવામાં આવી ન હતી અને મારું લગ્નજીવન અસફળ રહ્યું તેથી ચિંતિત મારાં મમ્મીએ મને એમ કહીને ટેકો આપ્યો હતો કે તું નીતિમય જીવન આગળ ધપાવજે.
માત્ર મારાં મમ્મીએ જ નહીં, બધી મમ્મીઓ તેમના સંતાનોની સમસ્યાને સમજે છે, પરંતુ સંબંધ અને સમાજનું દબાણ તેમને ચૂપ કરી દે છે. જોકે, મારાં મમ્મીએ મને બહાદૂરીપૂર્વક ટેકો આપ્યો હતો અને આજે પણ આપે છે. મારો ભાઈ અગાઉ મારી મારી લિવ-ઇન રિલેશનશિપનો વિરોધી હતો, પરંતુ હવે તે મને સમજે છે અને ટેકો આપે છે.
સગાં-સંબંધીઓ અને દોસ્તોએ મારા નિર્ણયનો સ્વીકાર કર્યો નથી. મને ટેકો આપવા બદલ તેઓ મારાં મમ્મીની પણ અવગણના કરી રહ્યા છે. તેઓ મારી સાથે વાત નથી કરતા. તેનાથી મારાં મમ્મીને દુઃખ થાય છે. મારાં મમ્મી મારી સાથે છે, માત્ર એ કારણસર જ અમારા નજીકનાં સગાંઓએ મારાં મમ્મીને મળવાનું ટાળ્યું હોય એવી ઘટનાઓ પણ ઘટી છે.
એક લિવ-ઇન યુગલ તરીકે અમને મકાન ભાડેથી લેવામાં કોઈ માઠો અનુભવ થયો નથી. મેં એવા માઠા અનુભવો વિશે સાંભળ્યું છે, પરંતુ અમારા કિસ્સામાં કોઈએ ઇનકાર કર્યો નથી.

સમજણભર્યાં સહજીવનનાં દસ વર્ષ

ઇમેજ સ્રોત, KAVITHA GAJENDRAN
પારિવારિક વ્યવસ્થાને કારણે લગ્નજીવનમાં મારા સ્વાતંત્ર્ય પર નિયંત્રણ હતું. કોઈ સ્ત્રીએ કેવી રીતે વર્તવું જોઈએ તેનું સામાજિક દબાણ મારા પર હતું. પરિવાર, સગાં-સંબંધી અને સમાજના દબાણ ઉપરાંત મારા પતિ પણ મારા સ્વાતંત્ર્ય પર તરાપ મારવા લાગ્યા હતા. બધા માણસો આવા હોય એવી ખબર ક્યાંથી હોય.
અદાલતમાંથી છૂટાછેડા મળ્યા પછી અમે બન્ને સીધા રેસ્ટોરાંમાં ગયાં હતાં અને ભોજન કર્યું હતું. અમે આજે પણ સારાં મિત્રો છીએ.
લિવ-ઇન રિલેશનશિપમાં સમજદાર પાર્ટનર મળવો મુશ્કેલ હોય છે, પરંતુ મને એવો સાથી મળ્યો છે. તે મારા સ્વાતંત્ર્ય, આત્મસન્માન અને રાજકીય વિચારધારાને સમજે છે.
તેઓ મારી કાર્યશૈલીમાં અડચણ સર્જતા નથી. તેના કારણે અમારી વચ્ચે ગજબનો આત્મીય સંબંધ બંધાયો છે. મેં તેમને કહ્યું છે કે “આપણે આજીવન સાથે રહીશું.”
લગ્નજીવનનાં 10 વર્ષે મને આવી સમજણ આપી ન હતી, પરંતુ લિવ-ઇનમાં છું ત્યારથી સહજીવનનો અર્થ સમજાયો છે.

લિવ-ઇન રિલેશનશીપ સફળ કઈ રીતે બને?
લિવ-ઇનમાં રહેતા સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ સમજણ જરૂરી છે. બન્ને વ્યક્તિ આર્થિક રીતે સ્વતંત્ર હોય એ પણ જરૂરી છે. ખાસ કરીને સ્ત્રી માટે આર્થિક સ્વાતંત્ર્ય બહુ જરૂરી છે. સ્ત્રીએ આર્થિક રીતે આત્મનિર્ભર બનવું જોઈએ, જેથી તેણે કોઈના પર આધાર ન રાખવો પડે.
મેં પહેલેથી જ નક્કી કરેલું કે હું કોઈના પર આધારિત રહીશ નહીં. તેને લીધે મને લિવ-ઇનમાં રહેવાનો વિશ્વાસ સાંપડ્યો છે.
આપણો સમાજ લિવ-ઇન રિલેશનશીપને ખરાબ જીવનશૈલી ગણે છે. તેને પશ્ચિમી સંસ્કૃતિ ગણતા કેટલાક લોકો તેના વિરોધી હોવાના દાવા પણ કરે છે.
જ્ઞાતિ અને ધર્મ, કુટુંબની સંસ્થા દ્વારા પોતાને સ્થાપિત કરે છે. સ્ત્રી પરિવારનો પાયો છે, પરંતુ તેની પવિત્રતા તથા સંસ્કૃતિ પર નિયંત્રણ લાદીને, પ્રતિક્રિયાવાદીઓ પરિવાર અને તેના દ્વારા જ્ઞાતિ તથા ધર્મવ્યવસ્થાનું પાલન થાય તેવું ઇચ્છે છે.
તેમને ડર છે કે લિવ-ઇન રિલેશનશિપને લીધે કુટુંબવ્યવસ્થા પર જોખમ સર્જાશે અને એવું થશે તો તેમનું અસ્તિત્વ પણ જોખમાશે. આ કારણથી તેઓ લિવ-ઇનનો વિરોધ કરે છે.
યુવાનીમાં પ્રેમ માટે મારે બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. મારા નજીકના અનેક સગાંઓએ મારા પ્રેમનો વિરોધ કર્યો હતો, પણ આખરે તેમણે પોતે પ્રેમલગ્ન કર્યાં હતાં. કેટલીક દુર્ઘટનાઓને બાદ કરતાં રોમેન્ટિક લગ્ન આજે વધુ સ્વીકાર્ય બની રહ્યાં છે.
એવી જ રીતે લિવ-ઇન રિલેશનશિપને સ્વીકારવામાં આવશે એ સમય હવે બહુ દૂર નથી. હું લિવ-ઇનમાં છું તેથી સમાજ મને બહારની વ્યક્તિ ગણે છે. ઘણા એવું પણ માને છે કે પરણેલી હોય એને જ સ્ત્રી ગણાય.
આજકાલ સંતાનો 20 વર્ષનાં થાય ત્યાં સુધીમાં દુનિયા વિશે જાણતા થઈ જાય છે અને જીવન વિશે સ્પષ્ટ સમજ ધરાવતાં હોય છે. તેથી તેઓ લિવ-ઇનને અસ્પૃશ્ય નહીં ગણે એવી મને આશા છે.”















