સૉલો પોલયામરી : અઢળક સાથીદારો સાથે સંબંધ રાખતા 'સિંગલ' લોકોની કહાણી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પાંત્રીસ વર્ષની વયના ક્રિસે ત્રણ વર્ષ પહેલાં બાયસેક્સ્યુઅલ વ્યક્તિ તરીકે બહાર આવ્યા પછી નક્કી કર્યું હતું કે “હવે હેટરોનોર્મેટિવ એટલે કે સર્વસામાન્ય રીતે સ્વીકાર્ય લૈંગિક જીવન જીવવું નથી.”

ક્રિસે કહ્યું હતું કે “હું બાકીનું આખું જીવન પુરુષો તથા સ્ત્રીઓ બન્ને સાથે ડેટિંગ કરવા ઇચ્છતો હતો. મને એવું લાગતું હતું કે એકપત્નીત્વ મને કશાકથી વંચિત રાખશે.”

કોવિડ રોગચાળા દરમિયાન ક્રિસ ન્યૂયૉર્કના બ્રુકલિનમાં એક સેક્સ-પૉઝિટિવ સમુદાયમાં ઈરાદાપૂર્વક ગયા હતા. એક સલામત સ્થાન, જ્યાં તેઓ કામ (સેક્સ) અને કામુકતા (સેક્સ્યુએલિટી) સાથેના પોતાના સંબંધને વધારે જાણી શકે. એ સમુદાયમાંથી તેમને ઓપન સ્માર્ટર નામના એક અભ્યાસક્રમ વિશે જાણવા મળ્યું હતું. તે અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના, નૈતિક રીતે બહુવિધ સંબંધોમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપવામાં આવતું હતું. ત્યાં જ તેમણે ‘સૉલો પોલયામોરી’ શબ્દ પહેલી વખત સાંભળ્યો હતો. તેમને ઝડપથી સમજાઈ ગયું હતું કે એ તેમની ડેટિંગ સ્ટાઈલને એકદમ અનુરૂપ છે.

ગ્રે લાઇન

સૉલો પોલયામરી શબ્દનો ઉપયોગ ડેટિંગ માટે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મૂળભૂત રીતે સૉલો પોલયામરી શબ્દનો ઉપયોગ ડેટિંગ માટે અથવા એકમાત્ર પ્રતિબદ્ધ સાથી વિના બહુવિધ અર્થપૂર્ણ સંબંધમાં જોડાવા તૈયાર હોય એવા લોકો માટે કરવામાં આવે છે. સૉલો પોલયામરીસ્ટ વ્યક્તિ ખુદને જ પોતાનો પ્રાઈમરી પાર્ટનર ગણી શકે છે અને પાર્ટનર સાથે એક જ ઘરમાં રહેવા, પરણવા તથા સંતાનો પેદા કરવા જેવાં રિલેશનશીપના લાક્ષણિક લક્ષ્યોથી દૂર રહી શકે છે.

અમેરિકાના ફિલાડેલ્ફિયાસ્થિત સેક્સ ઍજ્યુકેટર અને ચિકિત્સક લિઝ પોવેલે જણાવ્યું હતું કે પોલયામરીસ્ટ લોકો પૈકીના ઘણા સામાન્ય રીતે પ્રાઈમરી પાર્ટનર સાથે જીવન જીવવાનું વલણ ધરાવતા હોય છે અને સૉલો પોલયામરીસ્ટ લોકો આવા પોલયામરીસ્ટ લોકોનો જ એક નાનકડો હિસ્સો છે. તેથી કુલ કેટલા ટકા લોકો સૉલોપોલયામરીસ્ટ છે એ નક્કી કરવું મુશ્કેલ છે. જોકે, કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જૂની પેઢીના લોકોની સરખામણીએ નવી પેઢીના લોકો કોઈક પ્રકારના બહુવિધ સંબંધમાં પ્રવેશે તેવી શક્યતા વધારે છે.

અમેરિકામાં 2020માં પુખ્ત વયના 1,300 લોકોને આવરી લેતો એક સર્વે YouGov દ્વારા કરવામાં આવ્યો હતો. 1980ના દાયકાની શરૂઆત અને 1990ના દાયકામાં જન્મેલા 43 ટકા લોકો(મિલેનિયલ્સ)એ તેમાં જણાવ્યુ હતું કે તેમના માટે બહુવિધ રિલેશનશીપ આદર્શ છે, પરંતુ જનરેશન એક્સ એટલે કે 1965થી 1980ની વચ્ચે જન્મેલા માત્ર 30 ટકા લોકોએ આવું જણાવ્યુ હતું. વિવિધ અમેરિકન અભ્યાસો પર આધારિત 2016નું એક સંશોધન જણાવે છે કે એકંદર 20 ટકા ઉત્તરદાતાઓ કોઈ તબક્કે પારસ્પરિક સંમતિથી બહુવિધ રિલેશનશીપમાં હતા. આ અભ્યાસોમાં બહુવિધ રિલેશનશીપને આંકડાકીય રીતે વર્ગીકૃત કરવામાં આવી નથી. તેથી સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલા લોકો પૈકીના કેટલાને સૉલો પોલયામરી કહેવા તે અશક્ય છે.

સૉલો પોલયામરીસ્ટ લોકો લઘુમતીમાં હોવાથી તેમની જીવનશૈલી વિશે અનેક ગેરસમજ પ્રવર્તે છે. ઘણા લોકો તેમને ચાલાક ગણે છે, જ્યારે ઘણા તેમને સ્વાર્થી અને લોભી માને છે. તેને વિષમલૈંગિક ‘સંબંધની સીડી’ ગણવામાં આવે છે. સૉલો પોલયામરીસ્ટ શબ્દના ખરા અર્થની વ્યાપક અવગણના કરવામાં આવે છે. આખરે તે પરંપરાગત રિલેશનશીપ સિવાયની રોમાન્ટિક અને સેક્સ્યુઅલ પાર્ટનરશિપમાં સંકળાવાનો વૈકલ્પિક માર્ગ છે.

ગ્રે લાઇન

‘સંબંધની સીડી’

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સૉલો પોલયામરી શબ્દને Solopoly.net નામના બ્લૉગને લીધે લોકપ્રિયતા સાંપડી હતી. આ બ્લૉગનું લેખન ‘એમી સેઝ’ ઉપનામ હેઠળ પત્રકાર એમી ગાર્હન કરે છે. 2012માં પ્રકાશિત તેમની પહેલી બ્લૉગ પોસ્ટનું શિર્ષક હતું, “સંબંધની સીડી પર સવારી (કરવી કે નહીં)”. તેના લગભગ પાંચેક વર્ષ પછી એમીએ આ વિષય પર ‘સ્ટેપિંગ ઑફ ધ રિલેશનશિપ ઍસ્કેલેટરઃ અનકોમન લવ ઍન્ડ લાઇફ’ નામનું પુસ્તક લખ્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઍમી ગાર્હન આ ‘સંબંધની સીડી’ને “ઘનિષ્ઠ સંબંધના યોગ્ય આચરણ માટેના સામાજિક રિવાજોના મૂળભૂત સમૂહ” તરીકે વ્યાખ્યાયિત કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એવા સંબંધો જે પાર્ટનર સાથે આગળ વધવું કે નહીં, બન્નેની કમાણી ભેળવવી કે નહીં, સગાઈ કે લગ્ન કરવાં કે નહીં અને સંતાનને જન્મ આપવો કે નહીં તેવી બાબતો વિશે નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે.

‘ઑપનઃ ઍન અનસેન્સર્ડ મેમ્વાર ઑફ લવ, લિબરેશન ઍન્ડ નોન-મોનોગામી – એ પોલયામરી મેમ્વાર’ પુસ્તકનાં કેલિફોર્નિયાસ્થિત 34 વર્ષીય લેખિકા રશેલ ક્રાન્ત્ઝે કહ્યું હતું કે “સંબંધ ગંભીર હોવાના આ સામાન્ય માપદંડો અથવા સંકેતો આપણે ત્યાં છે. સૉલો પોલયમરીસ્ટ લોકો તેમનું જીવન કોઈ અન્ય વ્યક્તિ સાથે જોડવાનું ટાળતા હોય છે.”

વ્યાખ્યા ભલે સંકુચિત લાગતી હોય, પરંતુ સૉલો પોલયામરીસ્ટ બનવાની અનેક રીત છે. ‘ઘ પોલયામરીસ્ટ નેક્સ્ટ ડોર’ સહિતનાં અનેક પુસ્તકોના કોલારાડોસ્થિત લેખિકા એલિઝાબેથ શેફે કહ્યું હતું કે “સૉલો પોલયામરીસ્ટ્સ લોકો એલોસેક્સ્યુઅલ હોય છે. એટલે કે તેઓ જાતીય ઇચ્છા અનુભવે છે, પરંતુ કેટલાક જાતીય સંબંધમાં સંકળાતા નથી અને બહુવિધ, નોન-સેક્સ્યુઅલ સંબંધ જાળવી રાખે છે.” કેટલાક લોકો પોતાની જાતને બહુ પ્રેમ કરતા હોય છે અને એ તેમના માટે સર્વોચ્ચ હોય છે, એમ જણાવતાં એલિઝાબેથ શેફે ઉમેર્યું હતું કે “પોતાના સંતાનને સર્વોચ્ચ અગ્રતા આપતા સિંગલ પેરન્ટ સૉલો પોલયામરીસ્ટ હોઈ શકે છે એવી જ રીતે કોઈ વિકલાંગની સારસંભાળ રાખતી વ્યક્તિ પણ એવી હોઈ શકે છે.”

ગ્રે લાઇન

સૉલો પોલયામરી કાયમ માટે હોય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂયૉર્કસ્થિત સેક્સ રિસર્ચર અને સલાહકાર ઝાના વરાંગલોવાના જણાવ્યા મુજબ, સૉલો પોલયામરી કાયમ માટે હોવી જરૂરી નથી. આજે કોઈ વ્યક્તિ સૉલો પોલયામરી હોય તે ભવિષ્યમાં વધારે પરંપરાગત સંબંધ બાંધી શકે છે. એ માટે કાયમી ઓળખ જરૂરી નથી.

વાસ્તવમાં ક્રિસને કાયમી જીવનસાથી શોધવામાં રસ છે, પરંતુ તેમણે કહ્યુ હતું કે “કાયમી જીવનસાથી ન મળે ત્યાં સુધી સૉલો પોલયમરીસ્ટ બની રહેવાથી મને ડેટિંગનો અનુભવ મળે છે, વિવિધ પ્રકારના લોકોને જાણવાની તક મળે છે અને મારી કેટલીક જરૂરિયાત પણ સંતોષાય છે. મારો હેતુ સ્પષ્ટ કરવા માટે મેં મારી જાત પર લેબલ લગાવ્યું છે.”

રાંગાલોવા મૂળ મૅસેડોનિયાનાં છે અને તેઓ ઓપન સ્માર્ટર કોર્સ ભણાવે છે, જેનો અભ્યાસ ન્યૂયોર્કમાં ક્રિસે કર્યો હતો. રાંગાલોવાનો અંદાજ છે કે તેમના લગભગ બે-તૃતિયાંશ લોકો રિલેશનશિપમાં છે અને એ પૈકીના અડથા થોડાક વધારે એક જ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે, પરંતુ “બહુવિધ રિલેશનશિપમાં રહેવું તેમના માટે યોગ્ય છે કે કેમ એ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે.” બાકીના લોકો કાં તો બહુવિધ રિલેશનશિપમાં છે તથા એ રિલેશનશિપમાં સારી રીતે કેમ આગળ વધી શકાય તેના પ્રયાસ કરી રહ્યા છે અથવા તો તેઓ સિંગલ છે અને યોગ્ય પાર્ટનર શોધી રહ્યા છે.

ગ્રે લાઇન

સૉલો પોલયામરી વિશેની ઘણી ગેરસમજણ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, પોતાને સૉલો પોલયામરીસ્ટ તરીકે ઓળખાવતી કોઈ વ્યક્તિ માટે, એક જ વ્યક્તિ સાથે લાંબા ગાળાથી રિલેશનશિપ ધરાવતી વ્યક્તિ જેટલી જ સલામતી હોવી જરૂરી નથી. તેનો અર્થ એવો નથી કે તેઓ ગાઢ, સ્થાયી સંબંધ સ્થાપી શકતા નથી અથવા સ્થાપી શકશે નહીં. ખુદને સૉલો પોલયામરીસ્ટ તરીકે ઓળખાવતા સેક્સ-એજ્યુકેટર પોવેલે જણાવ્યુ હતું કે પાર્ટનર્સ સાથે ભરોસાપાત્ર સંબંધ બાંધવાની બાબતમાં, પોતાની ઇચ્છાઓ તથા જરૂરિયાતોના સંદર્ભમાં તેઓ એકદમ સ્પષ્ટ છે. “તમે ના કહેશો એમ ધારીને હું, મારે આ સંબંધમાંથી શું જોઈએ છે તે પૂછતાં હું ખચકાઇશ નહીં. લોકો ના કહે તેનો સ્પષ્ટ અર્થ ના જ છે. એ પછી ક્યાં જવું તે આપણે નક્કી કરવાનું હોય છે.”

રાંગાલોવાના જણાવ્યા મુજબ, સૉલો પોલયામરી વિશેની ઘણી ગેરસમજણ, કોઈ કહેવાતા ગંભીર, પરંપરાગત સંબંધમાં બંધાવા શા માટે નથી ઇચ્છતું એ વિશેની સામાન્ય સમજણના અભાવને કારણે સર્જાય છે. સૉલો પોલયામરીસ્ટ લોકોને સ્વાર્થી, વાસ્તવિકતાથી દૂર ભાગતા અથવા અત્યંત અવ્યવસ્થિત માનવામાં આવે છે.

એ ઉપરાંત સૉલો પોલયામરીમાં લગ્ન અને સંતાન ઉત્પત્તિ જેવા સંબંધના માપદંડને કોઈ સ્થાન નથી. પોવેલે કહ્યું હતું કે “પરિણીત, સંતાનો ધરાવતા, એક ઘરમાં રહેતા લોકોને આપણે પુખ્ત માનીએ છીએ, જ્યારે મારા જેવા મનમોજી પુખ્ત લોકો અપરિણીત હોય છે, એકલા રહે છે. આ બધાં સમાજમાં કશીક ખામી હોવાનાં ઉદાહરણ છે.”

ગ્રે લાઇન

ખુદને સોલો પોલયામરીસ્ટ ગણાવતા લોકો

પ્રતીકાત્મક તસવીર

શેફના જણાવ્યા અનુસાર, પુખ્ત વયના લોકો બહુ સફળ જીવન જીવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. ખુદને સૉલો પોલયામરીસ્ટ ગણાવતા લોકો “અન્યોની પરવા નથી કરતા એવું નથી, પણ તેઓ તેમનું જીવન તેમના રોમેન્ટિક પાર્ટનરની આસપાસ જ કેન્દ્રીત કરવા ઇચ્છતા નથી.”

‘દંપતીના અધિકારો’ નામે ઓળખાતા એક અન્ય સામાજિક બળની સાથે આવા પૂર્વગ્રહનોનું પણ અસ્તિત્વ છે. આ બહોળો શબ્દસમૂહ સિંગલ લોકોની સામે યુગલોને સમાજમાં મળતા ફાયદાઓ અને અભિગમ બન્નેનો સંદર્ભ આપે છે. દાખલા તરીકે. બહુવિધ રિલેશનશિપમાં મુખ્ય યુગલની સફળતાને અગ્રતા આપવી પડે છે. બાકીના સંબંધમાં પાર્ટનર્સે, તેમની મૂળ રિલેશનશિપને ધ્યાનમાં રાખીને બધું કરવાનું હોય છે.

આવી ગેરસમજ અને સામાજિક અપેક્ષાઓ ખુદને સૉલો પોલયામરીસ્ટ તરીકે ઓળખાવતા લોકોના માર્ગમાં અવરોધ બની શકે છે. અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના સવાન્નામાં પોવેલ 2014માં બહુવિધ રિલેશનશિપમાં હતા ત્યારે તેમણે ચિકિત્સકને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહીં. તેથી પોતાનો ખાલીપો ભરવા પ્રોત્સાહિત થયેલા પોવેલે, ખુદને નોન-મોનોગમસ, ક્વીયર, કિંકી અને ટ્રાન્સજેન્ડર લોકોના સલાહકાર તરીકે કામ શરૂ કર્યું હતું.

સૉલો પોલયામરીની વાત જવા દો, મોટા ભાગના મનોવિજ્ઞાનીઓ પણ પોલયામરી વિશે પણ પૂરતી સમજ ધરાવતા નથી. એલિઝાબેથ શેફ, કાઉન્સેલર્સ તથા થેરાપિસ્ટ્સ માટે પોલયામરી વિશેની શૈક્ષણિક સામગ્રી બનાવવાનું કામ કરતા અમેરિકન સાયકોલોજિકલ ઍસોસિએશનના ડિવિઝન-44 સાથે સંકળાયેલાં છે.

ગ્રે લાઇન

ડેટિંગ કરતાં કંઈક વિશેષ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આખરે સૉલો પોલયામરી એકલાં રહીને બહુવિધ પાર્ટનર્સ સાથે ડેટિંગ કરવાથી ઘણું વધારે છે. તે વિજાતીય સંબંધના ધારાધોરણનો અસ્વીકાર છે.

પોવેલે કહ્યું હતું કે “મારા માટે સૉલો પોલયામરી મારી તથા અન્યોની સ્વાયતતાનું જતન કરવાની તેમજ હું કોઈ રિલેશનશિપમાંથી શું ઇચ્છું છું તેને સમજવાની વાત છે.”

સૉલો પોલયામરી સંબંધને અલગ રીતે વિચારવાની, અલગ અભિગમની તક આપતી હોવાથી ક્રિસ તેના ભણી આકર્ષાયા છે. તેમણે કહ્યું હતું કે હું સંબંધની જે સૃષ્ટિમાં ઉછર્યો છું તે મને અર્થપૂર્ણ લાગી નથી. અમેરિકામાં સમલિંગીઓ વચ્ચેના વિવાહને કાયદેસર કરવામાં આવ્યા એ પહેલાં ક્રિસ, જેમની સાથે લગ્ન ક્યારેય કરી ન શકાય એવા લોકો સાથે જાતીય સંબંધ રાખતા હતા.

આજે ક્રિસ લગ્નની સંભાવનાને સંપૂર્ણપણે નકારતા નથી, પરંતુ તેઓ લગ્નની સંસ્થાના ચાહક તો નથી જ. તેમણે કહ્યું હતું કે “એક ક્વીવર, ઊભયલિંગી વ્યક્તિ તરીકે મને લગ્નનું વિજાતીય માળખું પસંદ નથી. હું તેની સામે બળવો કરવા ઇચ્છું છું.”

રેડ લાઇન
રેડ લાઇન