‘મારા પિતાએ કર્યો હતો મારી હત્યાનો પ્રયાસ’ – જ્ઞાતિ, ગૌરવ અને પ્રેમની કથા

- લેેખક, વિષ્ણુપ્રિયા
- પદ, બીબીસી તામિલ
- લેેખક, નિત્યા પાંડિયન
- પદ, ધ ન્યૂઝ મિનિટ

- આપણી આસપાસ ઘણી વાર લગ્ન કરવા માગતાં યુવક-યુવતીઓ પર માત્ર જ્ઞાતિને કારણે બળજબરી કરાયાની ઘટનાઓ જોવા મળે છે
- આવું ભારતના અમુક વિસ્તારોમાં વધુ પ્રમાણમાં થતું જોવા મળે છે
- પરંતુ જ્ઞાતિવાદને જાકારો આપવા માટે જાણીતા એવા તામિલનાડુમાં પણ આ દૂષણ જોવા મળે છે
- અહીં પણ યુગલોને પોતાની જ્ઞાતિમાંથી અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા બદલ ધમકીઓ અપાય છે અને ઘણી વખત હત્યા પણ કરી દેવાય છે
- એ પણ પારકા લોકો નહીં પોતાના જ પરિવારજનો દ્વારા
- આવાં જ યુગલોની કહાણી બીબીસીએ આ અહેવાલમાં રજૂ કરી છે, તેમની સ્ટોરી જાણવા માટે વાંચો આ સંપૂર્ણ અહેવાલ

“મારી માતાએ મને હાથ અને લાકડી વડે માર માર્યો હતો. તેમણે મારા પગના તળિયા પર ડામ આપ્યા હતા અને મારા પિતાએ શાકભાજી કાપવાની છરી વડે મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.”
વન્નિયાર જ્ઞાતિનાં કીર્તિ(નામ બદલ્યું છે)એ તેમનાં માતાપિતાને જણાવ્યું કે તે સુંદર (નામ બદલ્યું છે) નામના દલિત યુવક સાથે લગ્ન કરવા ઇચ્છે છે ત્યારે તેમનાં માતાપિતા કેટલાં ક્રોધે ભરાયાં હતાં એ યાદ કરતાં કીર્તિ આજે પણ કંપી ઊઠે છે. વન્નિયાર જ્ઞાતિને તામિલનાડુમાં આજે પણ સૌથી પછાત ગણવામાં આવે છે.
દીકરીની વાત સાંભળીને માતાપિતાનાં જ્ઞાતિ ગૌરવને ઠેસ પહોંચી હતી અને કીર્તિએ 2018માં લગભગ છ મહિના સુધી જોરદાર ભાવનાત્મક તથા શારીરિક અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો.
માતાપિતાનું આવું વર્તન કીર્તિ માટે આઘાતજનક હતું, પરંતુ સુંદર લગ્નની પરવાનગી લેવા કીર્તિના પરિવારજનો પાસે આવ્યા ત્યારે પરિસ્થિતિએ વરવો વળાંક લીધો હતો.
સુંદરે કહ્યું હતું કે, “કીર્તિના પિતાએ મને સવાલ કર્યો હતો કે તું ન્યૂઝ ચેનલો જુએ છે? તું ખુલ્લા રસ્તા પર લોહીના ખાબોચિયામાં અથવા રેલવેના પાટા પર મરવા ઇચ્છે છે?”

ધ ન્યૂઝ મિનિટના સહયોગમાં કરવામાં આવેલી આ સ્ટોરી બીબીસી શી પ્રોજેક્ટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ હેઠળ અમે મહિલાઓ માટેના પત્રકારત્વ પર કામ કરીએ છીએ
બીબીસી શી વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

કીર્તિના જણાવ્યા મુજબ, સુંદર પાછો ગયો પછી, કીર્તિના પિતાએ સુંદર તથા તેમના પિતા જેના પર બેઠા હતા તે ખુરશીઓ ઘરની બહાર ફેંકી દેવા કીર્તિનાં માતાને કહ્યું હતું. સુંદર ફૂલ,ફળ અને મીઠાઈ લાવ્યા હતા એ પણ કચરાના ડબ્બામાં ફેંકી દેવામાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી તેમણે કીર્તિને આપઘાત પૂર્વેની ચિઠ્ઠી લખવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
સુંદરે કહ્યું હતું કે, “તેમણે એ ચિઠ્ઠીનો બાદમાં ઉપયોગ કરવા વિચાર્યું હશે. કીર્તિ સમજી ગઈ હતી કે અમે બચવાનાં નથી. તેથી સૌથી સલામત માર્ગ પરણી જવાનો છે.”
તેમના જીવન પરનું જોખમ એકદમ વાસ્તવિક લાગવા માંડ્યું હતું.

પ્રતિષ્ઠા જાળવવાના નામે હત્યા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લતા સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યના 2006ના એક કેસના સીમાચિહ્નરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ‘ઑનર કિલિંગ’(પરિવારની પ્રતિષ્ઠા જાળવવા માટે કરાતી હત્યા)માં કશું જ પ્રતિષ્ઠાજનક નથી. સુપ્રીમ કોર્ટે તેને “ક્રૂર, સામંતવાદી માનસિકતા ધરાવતી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું હત્યાનું શરમજનક કૃત્ય ગણાવ્યું હતું, જે આકરી સજાને પાત્ર છે.”
સર્વોચ્ચ અદાલતે આંતરજ્ઞાતીય યુગલોને ધમકી આપતા કે હેરાન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
એ ચુકાદાનાં 17 વર્ષ પછી પણ ધાકધમકી અને ક્રૂર હિંસા દેશમાં સર્વવ્યાપક છે.
સલામત રહેવા માટે કીર્તિ અને સુંદરે રજિસ્ટ્રારની ઑફિસે જઈને પોતાનાં લગ્નની નોંધણી કરાવવાનો નિર્ણય લીધો હતો અને બીજા કોઈને કશું જણાવ્યા વિના પોતપોતાની નોકરીએ લાગી ગયાં હતાં.
જોકે, તેમનાં લગ્નની વાત કોઈક રીતે જાહેર થઈ ગઈ હતી અને તેનું પરિણામ આકરું આવ્યું હતું.
કીર્તિએ કહ્યું હતું કે, “મારા પિતાએ મને લોખંડના સળિયા વડે માર માર્યો હતો અને મારા શરીરમાંથી કલાકો સુધી લોહી વહેતું રહ્યું હતું.”
કીર્તિને એવો પત્ર લખવાનું કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમનાં માતાપિતાની મિલકત પર હક-દાવો ક્યારેય કરશે નહીં અને તેમનાં લગ્ન નિષ્ફળ જશે તો માતાપિતાને ફરી મળવાનો પ્રયાસ ક્યારેય કરશે નહીં.
કીર્તિના હાથમાં માત્ર રૂ. 100 પકડાવી દેવામાં આવ્યા હતા અને માતાપિતાનું ઘર છોડી દેવા કહેવામાં આવ્યું હતું. કીર્તિ અને સુંદર બન્ને સરકારી નોકરી કરતાં હતાં. આ આર્થિક સ્વાતંત્ર્યને કારણે તેઓ લગ્નનું પગલું ભરી શક્યાં હતાં.
તેઓ બચી ગયાં હતાં. પરંતુ કન્નગી, મુરુગેસન, વિમલાદેવી, શંકર અને ઇલાવરસન માટે પરિસ્થિતિ વિપરીત હતી. તામિલનાડુમાં ‘જ્ઞાતિના ગૌરવ’ અને ‘પરિવારની પ્રતિષ્ઠા’ના નામે મારી નાખવામાં આવેલા લોકોની યાદી બહુ લાંબી છે.
યુગલ પૈકીની કોઈ એક વ્યક્તિ દલિત સમુદાયની હોય તેવા મોટાભાગનાં આંતરજ્ઞાતીય લગ્નના કિસ્સાઓમાં હુમલા અને હિંસા કરવામાં આવે છે.

તામિલનાડુમાં જ્ઞાતિગત હિંસા, આત્મસન્માન આંદોલનનું ઘર

તામિલનાડુમાં આંતરજ્ઞાતીય લગ્ન કરતા લોકોની સંખ્યા અત્યંત ઓછી છે. 2015માં પ્રકાશિત એક અભ્યાસના તારણ અનુસાર, રાજ્યની કુલ વસ્તીના માત્ર ત્રણ ટકા લોકોએ જ્ઞાતિ બહાર લગ્ન કર્યાં હતાં.
વરિષ્ઠ શિક્ષણવિદ અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉપ્યુલેશન સાયન્સીસ(આઇઆઇપીએસ)ના ભૂતપૂર્વ ડિરેક્ટર કે. શ્રીનિવાસન દ્વારા સહ-લિખિત આ અભ્યાસમાં જણાવ્યા અનુસાર, જ્ઞાતિ બહાર લગ્ન કરતા લોકોનું પ્રમાણ રાષ્ટ્રીય સ્તરે દસ ટકાથી વધારે હતું.
તામિલનાડુમાં પેરિયારની જ્ઞાતિવિરોધી આત્મસન્માન ચળવળ છતાં આ પરિસ્થિતિ છે. આ સમાનતાવાદી ચળવળમાં બધા માટે સમાન અધિકારોનો આગ્રહ રાખવામાં આવ્યો હતો અને જ્ઞાતિના ભેદભાવ નાબૂદ કરવાના પ્રયાસ થયા હતા.
નાતજાતના ભેદભાવને દૂર કરવા માટે આ ચળવળ હેઠળ આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને 1968માં હિન્દુ લગ્ન (તામિલનાડુ ઍમેન્ડમૅન્ટ) કાયદા મારફત આવાં લગ્નોને કાયદેસર રીતે માન્ય કરવામાં આવ્યાં હતાં.
આજે તામિલનાડુમાં ઘણા લોકો, જૂની વિધિઓને ફગાવી દઈને આ રીતે લગ્ન કરી રહ્યા છે, પરંતુ આંતરજ્ઞાતીય યુગલોને હિંસાનો ભોગ બનતાં અટકાવવાના કોઈ પ્રયાસ થયા નથી.
આંતરજ્ઞાતીય લગ્નોની નોંધણીમાં મદદરૂપ થતા વકીલ રમેશના જણાવ્યા મુજબ, આવાં યુગલોની અસલામતીનું એક કારણ એ છે કે તેઓ તેમનાં લગ્નની સત્તાવાર નોંધણી કરાવતાં નથી. પરિવારના ક્રોધથી બચવા માટે ઘણાં યુગલ અન્ય ગામ કે શહેરમાં જાય છે અને મંદિરમાં લગ્ન કરી લે છે.
“તેનું પરિણામ એ આવે છે કે પ્રભાવશાળી જ્ઞાતિની યુવતીનાં માતાપિતા તેમની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે ત્યારે પોલીસ આ રીતે લગ્ન કરી ચૂકેલાં યુગલને શોધી કાઢે છે અને યુવતીને તેના પરિવાર પાસે મોકલી આપે છે. તેનું કારણ એ છે કે આ પ્રકારનાં લગ્ન કાયદેસર રીતે માન્ય નથી,” એમ રમેશે કહ્યું હતું.

આંતરજ્ઞાતીય લગ્ન માટેની વેબસાઇટ

આંતરજ્ઞાતીય લગ્નની નોંધણી કરાવવી આસાન નથી. રમેશના જણાવ્યા મુજબ, લગ્નના કાયદા હેઠળ યુવક-યુવતીનાં માતાપિતાને રજિસ્ટ્રારની ઑફિસમાં લાવવાં અનિવાર્ય નથી. તેમ છતાં રજિસ્ટ્રાર ઑફિસના અધિકારીઓ યુગલોને આવું કરવાનું કહે છે.
માહિતી મેળવવાના અધિકારના કાયદાની શક્તિથી સજ્જ રમેશ લગ્ન રજિસ્ટર કરાવવા ઇચ્છતાં અનેક યુગલોને આ પ્રક્રિયામાં મદદ કરવાની સાથે અધિકારીઓને એ સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે લગ્નની નોંધણી માટે યુવક-યુવતીનાં માતાપિતાની સંમતિ એકેય કાયદામાં ફરજિયાત નથી.
જોકે, આ તો આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવાની અને યુગલોની સલામતી સુનિશ્ચિત કરવાની દિશામાં એક નાનકડું પગલું છે. રમેશ તેનાથી કશું વિશેષ કરવા ઇચ્છતા હતા. રમેશ એવાં અલગ-અલગ જ્ઞાતિનાં લગ્નોત્સુક યુવક-યુવતી એકમેકને મળી શકે, જીવનસાથી શોધી શકે એ માટે એક સલામત વ્યવસ્થા કરવા ઇચ્છતા હતા.
તેથી તેમણે મણિદમ નામની એક લગ્નવિષયક વેબસાઇટ બે મહિના પહેલાં શરૂ કરી છે. મણિદમનો અર્થ થાય છે માનવતા. એ વેબસાઇટ પર આશરે 100 લોકો નામ રજિસ્ટર કરાવી ચૂક્યા છે.

વ્યાપક સમસ્યાના સામના માટે નાનકડી શરૂઆત
દલિત લેખક અને કર્મશીલ જેયરાનીએ જણાવ્યું હતું કે તામિલનાડુમાં લોકો સગોત્ર વિવાહ માટે પ્રતિબદ્ધ હોય છે. પરિવારની છોકરીઓને નાત બહારના છોકરા સાથે લગ્ન કરતાં રોકવા માટે તેમને મામા તથા કાકાના ભાઈઓ સાથે પરણાવવાની પ્રથા પણ અહીં છે.
નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ-5) 2019-21 અનુસાર, તામિલનાડુમાં 28 ટકા મહિલાઓના સગોત્ર લગ્ન થયાં છે. આ પ્રમાણ દેશમાં સૌથી વધારે છે.

જેયરાનીએ કહ્યું હતું કે, “સગોત્ર લગ્ન પ્રત્યેની વ્યાપક પ્રતિબદ્ધતાને કારણે રાજ્યમાં પરિવારની પ્રતિષ્ઠા જાળવી રાખવાના નામે મોટા પ્રમાણમાં હત્યાઓ કરવામાં આવે છે.”
જોકે, આવા ગુનાઓ માટે બહુ ઓછા કેસ નોંધાય છે. રાજ્યની ક્રાઇમ બ્યૂરોના રેકૉર્ડ મુજબ, રાજ્યમાં 2013થી અત્યાર સુધીમાં ઓનર કિલિંગના માત્ર બે કેસ નોંધાયા છે. આ બન્ને કેસ 2017માં નોંધાયા હતા.
અલબત્ત, દલિતોના અધિકાર અને ઓનર કિલિંગ વિરુદ્ધ કામ કરતા સ્વયંસેવી સંગઠન ઍવિડન્સ દ્વારા એકઠી કરવામાં આવેલી માહિતી દર્શાવે છે કે 2020થી 2022 દરમિયાન ઓનર કિલિંગની 18 ઘટના બની હતી.

ન્યાયનો લાંબો માર્ગ

તામિલનાડુ અસ્પૃશ્યતા નિવારણ મોરચાના મહામંત્રી સેમ્યુઅલ રાજના જણાવ્યા મુજબ, સલામત આશ્રયસ્થાનો અને સરકાર તરફથી યુગલોની સલામતીના અભાવે મોટાભાગનાં ઓનર કિલિંગ થાય છે.
વિમલાદેવી નામનાં કલ્લાર જ્ઞાતિનાં એક મહિલાએ દિલીપકુમાર નામના એક દલિત પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં. એપ્રિલ, 2016માં વિમલાદેવીના મૃત્યુ પછી મદ્રાસ હાઇકોર્ટે આંતરજ્ઞાતીય લગ્ન કરતાં યુગલોની મદદ માટે રાજ્યના દરેક જિલ્લામાં ખાસ એકમ, 24 કલાક હેલ્પલાઇન નંબર, મોબાઇલ ઍપ્લિકેશન્શ અને ઓનલાઈન ફરિયાદ નોંધણીની વ્યવસ્થા કરવાનો આદેશ તામિલનાડુ સરકારને આપ્યો હતો.

અમે રાજ્યના ચાર ઝોન પૈકીના ચાર જિલ્લામાંના હેલ્પલાઇન નંબરના સંપર્કના પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.
આંતરજ્ઞાતીય લગ્નના કિસ્સાઓમાં પોલીસ યોગ્ય રીતે કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ પણ કર્મશીલો કરે છે.
સેમ્યુઅલ રાજે કહ્યું હતું કે, “માતાપિતા પોલીસનો સંપર્ક કરે ત્યારે મોટાભાગે મામલો કટ્ટા પંચાયત મારફતે અનૌપચારિક રીતે સુલટાવી નાખવામાં આવે છે અને છોકરા-છોકરીને જુદાં કરી નાખવામાં આવે છે. પ્રભાવશાળી, વગદાર જ્ઞાતિની છોકરીને તેના પરિવાર પાસે પરત મોકલી દેવામાં આવે છે અને ઘણી વાર છોકરીઓ બચી શકતી નથી.”
વિમલાદેવી 2014માં મૃત્યુ પામ્યાં હતાં. આજે લગભગ એક દાયકા પછી પણ તેમના કેસની કાર્યવાહી ચાલુ છે. અમે દિલીપકુમારનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમને આશા છે કે તેમનાં મૃત પત્નીને ન્યાય મળશે. આવા કેસોમાં આરોપીઓના દોષિત સાબિત થવાનું પ્રમાણ બહુ ઓછું હોવાનાં કારણો પણ છે.
સેમ્યુઅલ રાજે કહ્યું હતું કે, “સામાન્ય રીતે કોઈની હત્યા થાય છે ત્યારે પીડિતના પરિવાર દ્વારા ન્યાયની લડાઈ શરૂ કરવામાં આવે છે, પરંતુ જ્ઞાતિ આધારિત હત્યાના કિસ્સામાં મોટાભાગે પરિવારજનો જ હત્યારા હોય છે. આરોપીને ગુનેગાર સાબિત કરવાની વાત બાજુ પર રહી, અહીં તો ન્યાય માટે લડત શરૂ કરવાની ઇચ્છા સુધ્ધાં હોતી નથી.”

આશાનું કિરણ
કીર્તિએ સુંદરને પરણવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ 25 વર્ષની વયનાં અને આર્થિક રીતે પગભર હતાં, પરંતુ તેમનાં માતાપિતાને એવું લાગતું હતું કે કીર્તિ તેમના પોતાના નિર્ણય લેવા પૂરતાં પરિપકવ નથી. તેમનું પક્ષપાતી વલણ અને જ્ઞાતિસંબંધી અભિમાન, દંતકથાઓ તથા ગેરમાહિતીથી પ્રેરિત હતું.
કીર્તિએ કહ્યું હતું કે, “દલિત લોકો જુલમી જ્ઞાતિની સ્ત્રીને શોધીને તેની સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા રોજેરોજ લેતા હોય છે એવું મારી મમ્મીએ એક દિવસ મને કહ્યું હતું. એ મેં સાંભળેલી સૌથી હાસ્યાસ્પદ વાત હતી. કોઈ શિક્ષિકા આવું કઈ રીતે વિચારી શકે એ વાતનું મને આશ્ચર્ય થયું હતું.”

મુશ્કેલ, લાંબી અને સતત ચાલતી લડાઈ
દલિત હ્યુમન રાઇટ્સ ડिફેન્ડર નેટવર્ક નામના જ્ઞાતિવિરોધી કર્મશીલો તથા સંગઠનોના એક ગઠબંધને ‘ધ ફ્રીડમ ઑફ મૅરેજ ઍન્ડ ઍસોસિએશન ઍન્ડ પ્રૉહિબિશન ઑફ ક્રાઇમ્સ ઇન ધ નેમ ઑફ ઓનર ઍક્ટ-2022’ નામનો ખરડાનો એક મુસદ્દો રજૂ કર્યો હતો.
તેમાં પ્રતિષ્ઠાના નામે શોષણ સામે રક્ષણની માગ કરવામાં આવી છે અને આવા ગુનાના કિસ્સામાં અપરાધીઓને કરવામાં આવતી સજાના પ્રમાણ તેમજ પીડિતને વળતર તથા તેના પુનર્વસનની રૂપરેખા પણ આપવામાં આવી છે.
કીર્તિ હવે બે વર્ષના સંતાનનાં માતા છે. છેલ્લાં ચાર વર્ષમાં તેમણે તેમનાં માતા સાથે માત્ર બે વખત વાત કરી છે અને તે પણ તેમના પૌત્રના જન્મ પછી.
કીર્તિના પિતા હજુ પણ ક્રોધિત છે અને તેમણે કીર્તિ સાથે તેમનાં લગ્ન પછી વાત કરવાનો પ્રયાસ ક્યારેય કર્યો નથી.
“એક દિવસ તેઓ મને સમજશે,” એવી આશા કીર્તિએ વ્યક્ત કરી હતી.
(બીબીસી શી સીરિઝ પ્રોડ્યૂસર – દિવ્યા આર્યા, બીબીસી)














