રાજકોટ : 11મા ધોરણની વિદ્યાર્થિનીએ "I hate you Papa" લખીને આપઘાત કેમ કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"અમારી દીકરી થોડીક ગુસ્સાવાળી તો હતી. એ જે વસ્તુ માગે તે એના પપ્પા પહેલાં જ હાજર કરી દેતા હતા. એણે આ પગલું કેમ ભર્યું તે અંગે અમે પણ શૉકમાં છીએ. અમારી દીકરીના અક્ષર ખૂબ ખરાબ હતા. આ કથિત સુસાઇડ નોટમાં તેના અક્ષર અમને લાગતા નથી. શું મારા ભાઈ પર આક્ષેપ કરતાં પહેલાં લોકોએ અમારી દીકરીના અક્ષર સુસાઈડ નોટ સાથે સરખાવ્યા છે?"
આ શબ્દો મૃતક વિદ્યાર્થિની દિવ્યાના કાકા અજય ડોડિયાના છે, તેઓએ આ સમગ્ર પ્રકરણમાં રોષ વ્યક્ત કરતા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારા નાના ભાઈ પોતાની દીકરીને ખાનગી સ્કૂલમાં સાયન્સ સ્ટ્રીમમાં ભણાવતા હતા. તેના અભ્યાસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હતા. જો તેઓને પોતાની દીકરી વહાલી ન હોય તો શું તે તેની પાછળ ખર્ચ કરે ખરા ?
મારો ભાઈ બીએસએફમાં નોકરી કરે છે. હાલ તેનું પોસ્ટિંગ ઉત્તરાખંડમાં છે. તેના બાળકો સારી રીતે રહી શકે અને સારું ભણી શકે તે માટે તે પરિવારથી દૂર રહીને નોકરી કરે છે."

- બાળકો અને કિશોરોમાં આત્મહત્યા પાછળ આવેગજન્ય પગલાં જવાબદાર હોઈ શકે છે
- મૃતક વિદ્યાર્થિની સ્વભાવે જિદ્દી હતી એમ તેના પરિવારજનો કહે છે
- મૃતક વિદ્યાર્થિનીની સુસાઈડ નોટમાં પિતા પર કરાયેલા આરોપો અંગે તેના કાકાએ રોષ વ્યક્ત કર્યો
- વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં પહેલાંની ચિઠ્ઠીમાં તેના પિતા વિશે શું લખ્યું હતું?

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે.
જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો.
તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

વિદ્યાર્થિનીના આપઘાત બાદ તેણે લખેલી અંતિમ ચિઠ્ઠી મળી

ઇમેજ સ્રોત, Getty Images
ગત 12 માર્ચને રવિવારની રાત્રે 10 વાગે રાજકોટ જિલ્લાના ધોરાજીની રૉયલ સ્કૂલની હૉસ્ટેલમાં રહેતી અને ધો. 11 સાયન્સમાં અભ્યાસ કરતી દિવ્યાએ આત્મહત્યા કરી લીધી હતી, પણ આ વિદ્યાર્થિનીના આપઘાત બાદ પોલીસ તપાસમાં એક સુસાઈડ નોટ મળી હતી.
જેમાં "I Hate you Papa" એવા શબ્દો સાથે આત્મહત્યા પાછળનું કારણ પોતાના પિતાને ઠેરવ્યા હતા, પણ હવે મૃતક દિવ્યાના કાકા ગંભીર સવાલો ઊઠાવી રહ્યા છે અને સુસાઈડ નોટની ચકાસણી કર્યા વિના જ તેમના ભાઈને આરોપી બનાવી દેવાયા છે. તેઓ રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૃતક વિદ્યાર્થિની કાકા અજય ડોડીયા વધુમાં જણાવે છે કે, "અમારી દીકરી સાથે શું થયું ? તે અંગે અમે કંઈ જાણતા નથી. અમે કોઈની પર આક્ષેપ પણ કરતા નથી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ કંઈક હશે તો ખબર પડશે. અમારી દીકરી થોડીક ગુસ્સાવાળી તો હતી જ. એના પપ્પા એ જે વસ્તુ માગે તે પહેલાં જ હાજર કરી દેતા હતા. એને ગુસ્સામાં કે પછી કેમ આ પગલું ભર્યું તે અંગે અમે પણ હાલ શૉકમાં છીએ." તેમણે વધુમાં કહ્યું, "અમારી દીકરીની સુસાઇડ નોટ મળી આવી છે, પરંતુ અમારી દીકરીના અક્ષર ખૂબ જ ખરાબ હતા. આ કથિત સુસાઇડ નોટમાં તેના અક્ષર હોય તેવું લાગતું નથી. શું મારા ભાઈ પર આક્ષેપ કરતા પહેલાં લોકોએ અમારી દીકરીના અક્ષર સુસાઈડ નોટ સાથે સરખાવ્યા છે?"
તેઓ વધુમાં ઉમેરે છે કે, " મારા ભાઈને બે દીકરીઓ અને બે દીકરા એમ મળીને ચાર બાળકો છે. આ પગલું ભરનાર દીકરી પરિવારમાં સૌથી મોટી હતી. બાકીના ત્રણ નાનાં ભાઈ-બહેન છે, તમામ ગામમાં જ પ્રાઇવેટ શાળામાં ભણે છે. ઘટના બની એ દિવસે રાત્રે 8:00 વાગે અડધો કલાક અમારી દીકરીએ મારા ભાઈ-ભાભી અને એના ભાઈ-બહેન તેમજ દાદી સાથે વાત કરી હતી."
"દીકરીની તબિયત થોડી ખરાબ હતી. જેથી મારા ભાઈએ તેને કહ્યું હતું કે, તારી તબિયત ખરાબ હોય તો હું તને લેવા માટે આવું ત્યારે દીકરીએ કહ્યું હતું કે, મારે ધોરણ-12નો અભ્યાસ શરૂ થઈ ગયો છે, તેથી હાલ હું ઘરે આવવા માગતી નથી. એના થોડાક જ સમય બાદ સમાચાર મળ્યા જે કોઈના પણ માનવામાં આવે નહીં."
તેઓ વધુમાં જણાવે છે કે, "મારો ભાઈ નોકરી કરતો હોવાથી એના દાદી જ એને મળવા જતાં હતાં. ક્યારેક હું પણ તેને નાસ્તો આપવા કે લેવા મૂકવા જતો હતો. તે દાદીની ખૂબજ નજીક હતી. મારા ભાઈનો સ્વભાવ ખૂબ જ શાંત છે. મારા બે બાળકોને પણ કોઈ વસ્તુ જોઈએ તો તેઓ મારા ભાઈને જ કહે છે. તે હંમેશાં કોઈ જ વસ્તુમાં ના પાડે જ નહીં."

‘મૃતક વિદ્યાર્થિની સ્વભાવે જિદ્દી હતી’

ઇમેજ સ્રોત, Getty Images
ધોરાજીની રૉયલ સ્કૂલમાં ભણતી ધો.11ની વિદ્યાર્થિની દિવ્યાએ હૉસ્ટેલના રૂમ નંબર 318માં પંખા પર ચૂંદડી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ તેના રૂમમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓને રાત્રે 10 વાગે થઈ હતી.
મૃતક વિદ્યાર્થિનીનો પરિવાર કુતિયાણામાં રહે છે. મૃતક દીકરીના પિતા રમેશભાઈ BSFમાં જવાન તરીકે ફરજ બજાવે છે. તેઓ હાલમાં ઉત્તરાખંડ નોકરી કરી રહ્યા છે. તેઓ હાલમાં રજા પર એક અઠવાડિયા પહેલાં જ ઘરે આવ્યા હતા.
આ ઘટના બાદ પરિવારને જાણ કરાઈ હતી, સાથે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પંખા પરથી ઉતાર્યો હતો, પણ આ સમગ્ર ઘટનામાં જે સુસાઈડ નોટ બહાર આવી તેણે ખૂબ ચર્ચા જગાવી હતી.
ધોરાજીની રૉયલ શાળાના ટ્રસ્ટી રમેશભાઈ પેથાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મૃતક વિદ્યાર્થિની ભણવામાં ઍવરેજ હતી. તે સ્વભાવે થોડીક જિદ્દી સ્વભાવની હતી. જો કોઈ કારણસર વાલી દિવસે વાલી આવી ન શકે કે આવવામાં થોડુંક મોડું થાય તો પણ તે ગુસ્સે થઈ જતી હતી. આ દીકરી ધોરણ-8 થી 10 સુધી અમારી સ્કૂલમાં જ ભણી હતી, ત્યારબાદ ધોરણ-11માં એક સેમેસ્ટર બીજી શાળામાં ભણી હતી પછી બીજા સેમેસ્ટરમાં અમારા ત્યાં ભણવા આવી હતી.”
“તેના વાલીને હું છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ઓળખું છું. જે પ્રકારનું નોટમાં લખવામાં આવ્યું છે તે પ્રકારના વાલી નથી. વાલીનો સ્વભાવ ખૂબ સારો છે તેમજ દીકરી માટે કોઈ પણ વાતમાં તે હંમેશાં તૈયાર રહેતા હતા. વિદ્યાર્થિનીએ બાળક બુદ્ધિમાં એને મનમાં જે વિચાર આવ્યો એ લખી દીધું હોય એવું હોઈ શકે છે પણ તે માન્યામાં આવે એવું નથી."
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, "આ ઘટના બાદ વિદ્યાર્થિની રૂમ પાર્ટનર સાથે તેમજ ગૃહ માતા સાથે વાત કરી હતી. જેમાં તેની રૂમ પાર્ટનરે કહ્યું હતુ કે, વિદ્યાર્થિની એ દિવસે બીમાર હતી. વાઇરલ ઇન્ફૅક્શન હતું, જેની તે સવારે દવા લઈ આવી હતી. તે સાંજે બધી વિદ્યાર્થિનીઓ હૉલમાં રિડિંગ સમયમાં વાંચી રહી હતી. આ વિદ્યાર્થિની બીમાર હોવાથી તે પોતાના રૂમમાં આરામ કરી રહી હતી. તેની રૂમ પાર્ટનરો રાત્રે 10:00 વાગે તેમના રૂમમાં પહોંચી હતી, ત્યારે તેમણે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી.”
તેની રૂમ પાર્ટનર વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, તેને ખોટું તરત જ લાગી જતું હતું. જો તેને એકવાર કોઈ ન બોલાવે તો પણ તે નારાજ થઈ જતી હતી. જોકે, છેલ્લાં કેટલા સમયમાં તેના વર્તનમાં કંઈક ફરક પડ્યો હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. દીકરીએ ઘટનાના દિવસે રાત્રે 8 વાગે તેના પરિવાર સાથે ફોન પર વાત પણ કરી હતી."

પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, MAYUR KAKADE/GETTY IMAGES
ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ કૉન્સ્ટેબલ ભાવેશભાઈ જે આ કેસની તપાસ કરી રહ્યા છે તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે," રાત્રે 10:00 વાગ્યાની આસપાસ પોલીસને વિદ્યાર્થીઓનો કોલ મળ્યો હતો. પોલીસે તુરંત જ રૉયલ સ્કૂલની હૉસ્ટેલમાં પહોંચી તેની ડેડબૉડી ઉતારી, તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.”
“વિદ્યાર્થિનીના મૃતદેહનું પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરાવવામાં આવ્યું હતુ. પ્રાઇમરી ઑબ્ઝર્વેશનમાં ડૉક્ટરે નેચરલ હેંગિગથી ડેથ થઈ હોવાનું જણાવ્યું હતું. આ સિવાય અન્ય વિગત પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે."
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "વિદ્યાર્થિનીના મોટા પપ્પા બૉડી લેવા માટે આવ્યા હતા. તેમનું પ્રાઇમરી નિવેદન લેવામાં આવ્યું છે. બાકી તેના પરિવારનાં નિવેદનો લેવાનાં બાકી છે. હાલ પરિવાર પણ આઘાતમાં છે, તેમજ તેમની ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ પરિવારનાં નિવેદન લેવામાં આવશે.
તેના રૂમ પાર્ટનરના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે, તેના પિતા ઘરે આવ્યા છે પરંતુ તેને મળવા આવ્યા નથી. જેથી તે થોડીક ગુસ્સામાં હતી. બાકી અન્ય કોઈ કારણ જાણવા મળ્યું નથી.

શું કહે છે ડૉક્ટર?

ઇમેજ સ્રોત, ARTUR BORZECKI PHOTOGRAPHY
આ પ્રકારની આપઘાતની ઘટનાઓ અંગે ક્લિનિકલ સાયકૉલૉજિસ્ટ જયવંત મકવાણા જણાવે છે કે, "બાળકો અને કિશોરોમાં આપઘાત પાછળ આવેગજન્ય પગલાં જવાબદાર હોઈ શકે છે. આવેગજન્ય પગલાં તેમની લાગણીઓ જેવી કે, દુઃખી હોવાની લાગણી, અપરાધભાવ, મૂંઝવણ, ક્રોધ, લાચારી કે નિરાશા સાથે જોડાયેલાં હોય છે.
સામાજિક દબાણ, સોશિયલ મીડિયાનું અનુસરણ, સાથે ભણતા મિત્રોનું દબાણ, ખામીયુક્ત પેરેન્ટિંગ શૈલી, સફળતા માટે દબાણ, બુલિંગ, અસ્વીકાર, તીવ્ર નુકસાન, ગેમ ઍડિક્શન વગેરે કારણોસર બાળકો અને કિશોરોમાં ભાવનાત્મક વિક્ષેપ વિકસાવવાના ઘણા કારણો હોઈ શકે છે."
તેઓ વધુમાં જણાવે છે કે, "આત્મહત્યાનાં ચેતવણી ચિહ્નો હોય છે, જેમાં આદતોમાં ફેરફાર, ઊંઘની તેમજ ખાવાની આદતમાં ફેરફાર, વારંવાર અથવા મોટાભાગે ઉદાસી, કુટુંબ, મિત્રો, આનંદદાયક પ્રવૃત્તિઓમાંથી રસ ના દાખવવો તેમજ ત્યાંથી ખસી જવું. પેટ, માથાનો દુખાવો, થાક વગેરે જેવા શારીરિક લક્ષણોની વારંવાર ફરિયાદો થતી હોય છે.
શૈક્ષણિક પરફોર્મન્સમાં ઘટાડો, વારંવાર મૃત્યુ વિશે વાત કરવી, મૃત્યુના ફોટા શેર કરવા, સ્વ-નુકસાન કરનાર વર્તન, આક્રમક વર્તન જોવા મળે છે. આ કિસ્સામાં વિદ્યાર્થિનીને તેના પિતા તરફથી ખૂબ દબાણ લાગ્યું હોય કે પછી તે માનસિક દબાણ સહન કરી શકી નહીં હોય અને મૃત્યુ એ તેનો ઉકેલ લાગ્યો હોય એવું હોઈ શકે છે."

I hate you Papa : સ્યુસાઈડ નોટ મળી

વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. વિદ્યાર્થિનીની એક નોટબુકમાં સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, "પપ્પા, મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમકે, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું.”
“મારા મરવા પાછળ મને એક બા નો અફસોસ છે. જેણે મને માં-બાપ બન્નેનો પ્રેમ આપ્યો. સોરી દાદી’, ‘આઈ હેટ યુ પપ્પા, મા જ્યારે પણ યાદ કરીશ ત્યારે તારી સાથે હોઈશ. માં મને માફ કરી દેજો કેમ કે, આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ."














