બાંગ્લાદેશ : 'હત્યારાને ફાંસીએ ચડાવવા મેં 16 વર્ષ કેસ લડ્યો', મૃત પિતાને ન્યાય અપાવવા ઝઝૂમેલી વકીલ દીકરીની કહાણી
શગુફ્તા તબ્બસુમ અહમદે માતાપિતાના આગ્રહથી કાયદાની ડિગ્રી લીધી હતી, પણ વકાલત કરવાની તેની કોઈ ઇચ્છા નહોતી. પરંતુ તેમના પિતાની હત્યા પછી સ્થિતિ બદલાઈ ગઈ.
બીબીસીના સંવાદદાતા મેઘા મોહન સાથેની વાતચીતમાં શગુફ્તા જણાવે છે કે 16 વર્ષથી તેઓ પિતાના હત્યારાને સજા અપાવવા માટે લડી રહ્યાં છે.

ઇમેજ સ્રોત, Salman Saeed
આજે પણ એ ક્ષણ મને બરાબર યાદ છે, જ્યારે મારા પિતા ડૉ. તાહેર અહમદની હત્યાના સમાચાર અમને મળ્યા હતા.
શુક્રવાર હતો અને અમે સૌ એક રૂમમાં હતા. કોણ કોણ હતું અને કેટલા વાગ્યા હતા તે બહુ યાદ નથી. ફોન વાગ્યો અને અમારા ઘરમાંથી કોઈએ ઉપાડ્યો. મારા ભાઈનો ફોન હતો.
"તે લોકોએ તેમને ગોતી લીધા. તેમની હત્યા કરી નાખી છે."
મારા ભાઈના એ ફોન સાથે જ જાણે મારું જીવન થંભી ગયું.
મારી માતા રડવા લાગી હતી. અમે સૌ અવાક થઈને બેસી ગયાં હતાં. મારા પિતાનો મૃતદેહ રાજશાહી યુનિવર્સિટીની સેપ્ટિક ટેન્કમાંથી મળ્યો હતો. તેઓ યુનિવર્સિટીમાં જિયોલૉજી અને માઇનિંગ વિભાગમાં પ્રોફેસર હતા.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મારા ભાઈના ઘરે અમારાં સૌ સગાંવહાલાં એકઠાં થયાં હતાં. મારો ભાઈ કારમાં છ કલાકની મુસાફરી કરીને રાજશાહી પહોંચ્યો હતો, જે ભારત અને બાંગ્લાદેશની સરહદ પર આવેલું છે. પિતાની શોધમાં ભાઈ ત્યાં ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમારાં સગાંઓમાં ગણગણાટ થવા લાગ્યો. કેવી રીતે આ થયું? શા માટે? કોણ એમને મારી નાખવા માગતું હતું?
મારા સરળ શિક્ષણશાસ્ત્રી પિતા મોંઘી કાર લેવાને બદલે બસમાં ફરવાનું પસંદ કરતા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમને બહુ ચાહતા હતા.
બાંગ્લાદેશમાં પુરુષો કામ કરે તે અજુગતું લાગતું, પણ મારા પિતા શાકભાજી લઈ આવતા અને રસોઈ પણ બનાવતા. હું 18 વર્ષની થઈ ગઈ હતી, પણ રસ્તો પસાર કરતી વખતે તેમની આંગળી પકડી રાખતી. આવા માણસને કોણ મારી નાખવા માગતું હોય?
અમારા પરિવાર માટે આ સવાલનો જવાબ આફતની શરૂઆત જેવો જ હતો.
બે દિવસ પહેલાં જ બુધવાર 1 ફેબ્રુઆરી 2006ના રોજ મારા પિતા ઢાકાથી બસમાં રાજશાહી યુનિવર્સિટી જવા નીકળ્યા હતા.
ધમધમતું યુનિવર્સિટી કૅમ્પસ તેમને બહુ ગમતું હતું. મારું બાળપણ પણ ત્યાં જ વીત્યું હતું. યુનિવર્સિટીએ આપેલા નાનકડા મકાનમાં અમે રહેતા હતા અને બધું આસપાસમાં જ મળી રહેતું હતું.
હું અને મારો ભાઈ સંઝિદ સવારે ચાલીને સ્કૂલે જતા અને સાંજે યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે કામ કરતાં બીજા લોકોનાં બાળકો સાથે નજીકનાં મેદાનોમાં રમતાં. યુનિવર્સિટીમાં સૌ એકબીજાને ઓળખતા અને અમારા માટે જાણે નાનકડી સુરક્ષિત જગ્યા હતી.
જોકે સંઝિદ અને હું મોટા થયા તે પછી અમે ઢાકા રહેવા આવ્યા. સંઝિદ એક મોટી કંપનીના એચઆર વિભાગમાં જોડાયો હતો.

વકીલાતની ડિગ્રીની સલાહ ભાવી ભાખનારી સાબિત થઈ

ઇમેજ સ્રોત, Salman Saeed
ભાઈએ જ મને સલાહ આપી હતી અને એટલે મેં વકીલાતની ડિગ્રી લીધી હતી. એ જાણે ભાવી ભાખનારી સલાહ સાબિત થઈ હતી. મારી વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાની કોઈ ગણતરી નહોતી.
મને હતું કે ડિગ્રી લીધા પછી કોઈ એનજીઓમાં જોડાઈશ કે શિક્ષણજગતમાં જઈશ. 2006માં હું કૉલેજમાં દાખલ થઈ હતી અને મારી માતા મારી સાથે ઢાકા રહેવા આવી ગઈ હતી.
તેમનું અવસાન થયું તે અઠવાડિયે મારા પિતા ઢાકા અમારી સાથે આવીને થોડા દિવસ રહ્યા હતા અને પછી બુધવારે 1 ફેબ્રુઆરીએ વહેલા રાજશાહી યુનિવર્સિટી જવા રવાના થયા હતા.
હું પહોંચી ગયો છું એવો ફોન પણ આવી ગયો હતો. પણ તે પછી રાત્રે 9 વાગ્યે ફરી તેમનો ફોન આવ્યો હતો. તેઓ સૂવાની તૈયારી કદાચ કરી રહ્યા હતા. તેઓ ઢાકાથી નીકળ્યા ત્યારે જ ટ્રાઉઝર પહેરીને ગયા હતા, તે પોલીસને બાથરૂમના હેન્ડલ પર લટકાવેલું મળ્યું હતું.
ફોન કર્યા પછી કદાચ થોડો સમય જ તેઓ જીવતા હતા. કોરોનરના જણાવ્યા અનુસાર રાત્રે 10 વાગ્યે તેમની હત્યા થઈ હતી.
મારા પિતા એક બેઠકમાં ભાગ લેવા રાજશાહી ગયા હતા, જેમાં સાથી કર્મચારી ડૉ. મિયા મોહમ્મદ મોહિયુદ્દીનનું ભાવી નક્કી થવાનું હતું. એક જમાનામાં ડૉ. મોહિયુદ્દીન અમારા કૌટુંબિક મિત્ર, પણ તે પછી તેમના અને મારા પિતાના સંબંધો બગડ્યા હતા.
મારા પિતાએ જોયું કે તેઓ બીજા કોઈના કામની નકલો કરી લેતા હતા અને આ બાબતમાં મારા પિતાએ ફેકલ્ટી સ્ટાફને પણ જણાવ્યું હતું. આ વિવાદના ઉકેલ માટે જ બેઠક મળી હતી.
જોકે મારા પિતા તે બેઠકમાં પહોંચ્યા જ નહોતા. તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે ઘરની સંભાળ લેનારા જહાંગીર આલમે કહ્યું કે તેઓ ઘરે નથી. નવાઈની વાત એ હતી કે તેણે એવું કહ્યું કે તેઓ ઘરે આવ્યા જ નથી.
મારી માતાને ચિંતા થઈ એટલે મારા ભાઈને રાજશાહી મોકલ્યો. બીજા દિવસે 3 ફેબ્રુઆરીએ મારા ભાઈએ મારા પિતાનો મૃતદેહ યુનિવર્સિટી ગાર્ડનની સેપ્ટિક ટેન્કમાં પડેલો જોયો. તે પછી તેમની હત્યાની શંકાથી તપાસ શરૂ થઈ.
એવું લાગ્યું કે જાણી આખી દુનિયાનું ધ્યાન અમારા પરિવાર પર જ છે. મારા પિતાની હત્યા મોટા સમાચાર બન્યા હતા. તેમની હત્યા એક રહસ્ય બની ગઈ હતી. ટીવી અને અખબારોમાં હત્યાના સમાચારો ચમકતા રહ્યા.
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનો હત્યાની જાતભાતની કથાઓ જોડીને ચટાકેદાર અહેવાલો આપતા રહ્યા. શા માટે કોઈ સીધાસાદ પ્રોફેસરની હત્યા કરે? શું અંગત અદાવતમાં હત્યા થઈ? કોઈ ઉગ્રવાદીએ હત્યા કરી હશે?

શકમંદ નકલચી પર શંકા

ઇમેજ સ્રોત, Salman Saeed
કોરોનરની તપાસમાં જણાયું હતું કે મારા પિતાના મૃત્યુ પહેલાં તેમના પર હુમલો થયો હતો. હું જોતી રહી કે મારી માતા અને ભાઈ બહુ જ દોડભાગ કરી રહ્યાં હતાં. મારી માતા પણ રાજશાહી પહોંચી ગઈ હતી, જેથી પોલીસની તપાસમાં મદદ કરી શકે.
કોના પર શંકા છે તે જાણવાની પણ કોશિશ કરી. તપાસના અંતે થોડાં અઠવાડિયાં બાદ મારા પિતાએ જેમના પર નકલ કરવાનો આરોપ મૂક્યો હતો તે મિયા મોહમ્મદ મોહિયુદ્દીન યુનિવર્સિટીમાં ઉતારો હતો ત્યાંના કેરટેકર જહાંગીર આલમ અને આલમના ભાઈ અને સાળા સહિત અન્ય ચારની ધરપકડ કરવામાં આવી હતી.
કેસ ચાલ્યો તે દરમિયાન જહાંગીર આલમે કબૂલાત કરી હતી કે મોહિયુદ્દીને તેમને પૈસા, કમ્પ્યુટર અને યુનિવર્સિટીમાં નોકરી આપવાની લાલચ આપીને મારા પિતાની હત્યા કરવા જણાવ્યું હતું. મોહિયુદ્દીને આ આરોપો નકારી કાઢ્યા હતા.
2008માં આમાંથી ચારને હત્યા માટે દોષિત ગણીને રાજશાહીની નીચલી અદાલતે ફાંસીની સજા આપી, જ્યારે બેને છોડી મૂક્યા. મામલો અહીં પૂરો થઈ ગયો હોત, પણ તેના બદલે ચારેય દોષિતોએ ઢાકાની હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.
મારી માતા અને ભાઈ સતત પિતાને ન્યાય અપાવવા અને તેમના હત્યારાઓને સજા અપાવવા માટે મથતા રહ્યા હતા. તેની સામે હું ખાસ કંઈ કરી રહી નહોતી.
નીચલી અદાલતનો ચુકાદો આવ્યો ત્યારે હજી હું માંડ યુવાનીમાં પ્રવેશી હતી અને નાદાન હતી. મારી માતાએ મારી કાળજી રાખીને મને ચિંતામાંથી મુક્ત રાખી હતી.
પિતાના મોત પછીય તે મને સંભાળતી રહી હતી અને કહેતી હતી કે તું માત્ર ભણવામાં ધ્યાન આપ. મને ભાવનાત્મક અને આર્થિક રીતે કુટુંબે જ સંભાળી લીધી હતી.
હું અભ્યાસમાં ધ્યાન આપતી રહી અને કાયદાનાં પુસ્તકો વાંચતી રહી. 2011માં મારા પિતાનો કેસ હાઈકોર્ટમાં ચાલતો થયો હતો અને કોર્ટે મોહિયુદ્દીનને જામીન આપી દીધા હતા. તેમણે 10 વકીલો રોક્યા હતા અને તેઓ પોતાનો બચાવ કરવા માટે મક્કમ હતા.

કેસમાં મને મારી ભૂમિકા સમજાઈ

ઇમેજ સ્રોત, Salman Saeed
અચાનક મને મારા જીવનનો ઉદ્દેશ મળી આવ્યો. મને લાગ્યું કે મારે મારી કાયદાની ડિગ્રીનો ઉપયોગ કરવો જોઈએ અને મારા પિતાના હત્યારાઓને સજા અપાવવા માટે મારે સહાયરૂપ થવું જોઈએ. હું ઉપયોગી થઈ શકું તેમ હતી.
મારા પરિવાર સાથે વાતચીત કરીને કાયદાકીય રીતે જરૂરી હોય તેવા દસ્તાવેજોનો અનુવાદ કરીને હું સહાયરૂપ થઈ શકું તેમ હતી. હું મારા પિતાને ન્યાય અપાવવામાં અગત્યની ભૂમિકા ભજવી શકું તેમ હતી.
2012માં હું ગ્રેજ્યુએટ થઈ અને હું હવે ફરિયાદ પક્ષના વકીલોને મદદ કરવા લાગી. બાંગ્લાદેશમાં પ્રેક્ટિસ કરતી મહિલા વકીલોની સંખ્યા બહુ ઓછી છે. ખાસ કરીને ક્રિમિનલ કોર્ટ કેસોમાં, પણ હું સૌને ઉપયોગી નીવડી રહી હતી. હું માત્ર આ જ કેસ પર ધ્યાન આપી રહી હતી અને મેં બીજા કેસો લેવાનું પણ બંધ કરી દીધું હતું.
2013માં હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો. મોહિયુદ્દીન અને જહાંગીર આલમની ફાંસીની સજા યથાવત્ રહી, પરંતુ આલમનાં બાકીનાં બંને સગાંને ફાંસીને જગ્યાએ આજીવન કેદની સજા થઈ. ન્યાયાધીશે જણાવ્યું હતું કે હત્યાના માસ્ટર માઇન્ડ મોહિયુદ્દીન અને આલમ હતા, જ્યારે આ બંને જણાએ તેમને મદદ જ કરી હતી.
પણ હજી મામલો પૂર્ણ થયો નહોતો.
જહાંગીર આલમ અને તેનાં સગાંએ મારા પિતાની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. તેઓએ કહ્યું હતું કે તેમને મોહિયુદ્દીને પૈસાની લાલચ આપીને આ કામ કરાવ્યું હતું. જોકે મોહિયુદ્દીનના વકીલોએ હવે આગળ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટની એપેલેટ ડિવિઝનમાં અપીલ કરી.
મેં બધા જ દસ્તાવેજો ધ્યાનથી વાંચ્યા, કાગળિયા તૈયાર કર્યા, સમગ્ર ઘટનાક્રમને તૈયાર કર્યો અને ગુનેગારોના પ્રોફાઇલ તૈયાર કર્યા. વકીલો સાથે સતત ચર્ચા કરતી રહી અને મારી માતા તથા ભાઈને પણ હિંમત આપતી રહી.
મોડી રાત સુધી શનિ-રવિમાં અને રમજાન મહિનામાં પણ અમે બધા સતત બંદગી કરતા રહ્યા અને પિતાને ગમે તેમ કરીને ન્યાય અપાવીશું તે માટે હિંમત રાખતા રહ્યા. હું હવે ત્રીસમાં પહોંચી ગયેલી એક મક્કમ વકીલ હતી. 2006માં પિતાનું અવસાન થયું ત્યારે નાદાન કિશોરી હતી તેવું હવે રહ્યું નહોતું.
જોકે અમારે કોર્ટના સમય પ્રમાણે ચાલવું પડતું હતું. અમારી અપીલને સાંભળવામાં આવે તે માટે અમારે આઠ વર્ષ સુધી રાહ જોવી પડી હતી.

વકીલોની ફોજ સામે દલીલની લડાઈ

ઇમેજ સ્રોત, Salman Saeed
ડૉ. મોહિયુદ્દીન વગદાર અને પૈસાદાર માણસ હતો. તેમનો સાળો બાંગ્લાદેશનો વગદાર રાજકારણી હતો. તેણે વકીલોની મોટી ફોજ રાખી હતી. આ વકીલોની દલીલ હતી કે હત્યાના કેસ સાથે તેને કોઈ સંબંધ નથી, અને એટલું જ નહીં મારા પિતા અને આરોપી હંમેશાં સારા દોસ્ત રહ્યા હતા.
તેમની સામે કોઈ પાકા પુરાવા પણ નથી, માત્ર સાંયોગિક પુરાવા જ છે. ત્રણ જણાએ કબૂલાત કરી હતી કે મોહિયુદ્દીનના કહેવાથી તેમણે હત્યા કરી હતી, અને પારિવારિક મિત્રની હત્યા થઈ જાય પછી કોઈ માણસનું કેવું વર્તન હોય તેવું વર્તન પણ તેમનું નહોતું.
અમારા ઘરે કાયમ આવનારા મોહિયુદ્દીન મારા પિતાની દફનવિધિમાં પણ આવ્યા નહોતા. ફેકલ્ટી મેમ્બરમાંથી તે એક જ આવ્યા નહોતા. બાદમાં શોક વ્યક્ત કરવા પણ અમારા ઘરે આવ્યા નહોતા.
સુપ્રીમ કોર્ટમાં કેસોનો ભરાવો હતો એટલે મારા પિતાના કેસ વર્ષો સુધી પડી રહ્યો અને છેક ગયા વર્ષના અંત ભાગમાં તે ચાલ્યો હતો. 5 એપ્રિલ 2022ના રોજ સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો કે મોહિયુદ્દીન મારા પિતાની હત્યા માટે જવાબદાર છે અને તેમની ફાંસીની સજા પણ યથાવત્ જાહેર કરી.
આ ચુકાદા પછી મારા પરિવાર વતી મેં એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે આ ચુકાદાથી અમે ખુશ છીએ. જોકે ખુશી એવો શબ્દ વાપરવો જોઈએ કે કેમ તે વિશે મને ખાતરી નથી.
આ 16 વર્ષો સુધી અમે જે ભોગવ્યું છે તેને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. અકલ્પનીય પીડામાંથી અમે પસાર થયા છીએ. મારા પિતાની જે રીતે હત્યા થઈ હતી તેનાથી મને થતું હતું કે હું ક્યારેય શાંતિથી રહી શકીશ ખરી.
મારી સમગ્ર યુવાની પિતા માટે ન્યાય અને કેસ લડવામાં ગઈ છે. એ હદે કે મારું પોતાનું જીવન જાણે થંભી ગયું હતું. લોકો મને પૂછતા કે તું ક્યારે હવે ઠરીઠામ થઈને ઘરસંસાર માંડીશ. મારા પિતાના હત્યારાઓને ફાંસી મળી જશે તે પછી હું કદાચ સંસાર માંડીશ.
મારા પિતા જ મારું જીવન હતા. તેઓ બહુ સરળ, પ્રેમાળ અને સમજદાર માણસ હતા.
મોહિયુદ્દીનની નોકરી જાય તેમ હતી એટલા કારણસર જ તે લોકોએ મારા પિતાની હત્યા કરી નાખી. આ વાત જ કલ્પનીય લાગતી નથી. પણ હું મારા પિતા ખાતર જીવતી રહીશે, ન્યાય માટે લડતી રહીશ અને સારું જીવન વિતાવીશ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













