સુરત : પતિએ પત્નીની હત્યા કરીને આત્મહત્યા ગણાવી, એ ખુલાસો જેણે આખો ભેદ ખોલી નાખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારે મારી પત્ની સાથે ઘણી બાબતોએ ઝઘડો થતો. બે વખત ઝઘડીને તે એના પિયર ચાલી ગઈ હતી અને હું એને મનાવીને પાછો લઈ આવતો. આ વખતે ઝઘડો થયો તો તેણે એના ઘરે કહી દેવાની ધમકી આપી એટલે મેં તેને જીવતી સળગાવી દીધી."
મૂળ બનાસકાંઠાના પાલનપુરના વતની કિશોર પટેલે સુરત પોલીસ સમક્ષ રિમાન્ડ દરમિયાન આ કબૂલાત કરી હતી.
ગામમાં ખેતી છોડીને મુંબઈ પૈસા કમાવા ગયેલા કિશોર પટેલ ત્યાં એક ડાયમંડ ફૅક્ટરીમાં કામ કરતો હતો. જ્યાં તેમની મુલાકાત રાજેશ મિશ્રા નામક વ્યક્તિની વિધવા દીકરી કાજલ સાથે થઈ હતી.
બંને વચ્ચે પ્રેમ પાંગરતા બંનેએ લગ્ન કર્યાં હતાં અને લગ્ન બાદ સુરતમાં ઘર ભાડે રાખીને ત્યાં જ રહેતાં હતાં. સામાન્ય પરિવારની જેમ બંને વચ્ચે પણ અણબનાવ થતો રહેતો હતો. જે એકબીજાને મનાવ્યા બાદ પૂરો પણ થઈ જતો હતો.
પણ એક દિવસ કંઇક એવું થયું કે કિશોર પટેલ પર હત્યા સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધાયો.
આ વિશે વાત કરતાં સુરતના ચોકબજાર પોલીસસ્ટેશનના પીઆઈ એમ. બી. આસુરાએ કહે છે કે જ્યારે પોલીસ હૉસ્પિટલ પહોંચી તો કાજલ 72 ટકા દાઝેલી હાલતમાં મળી હતી. કિશોરે બધાને એવું કહ્યું હતું કે તેની પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે પણ હકીકતમાં એવું ન હતું.

ઝઘડો, સમાધાન, આઇસ્ક્રીમ અને આત્મહત્યા

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈથી નીકળ્યા બાદ કિશોર અને કાજલ સુરતના કતારગામ વિસ્તારની ધ્રુવતારા સોસાયટીમાં રહેવા આવ્યાં હતાં. તેમના પાડોશી કલ્પનાબહેન પટેલના કહેવા પ્રમાણે કાજલ જ્યારે મુંબઈથી આવી ત્યારે તેની ઉંમર ઘણી નાની હતી.
તેઓ કહે છે, "તેમના અહીં કોઈ સગાસંબંધીઓ ન હોય એમ લાગતું હતું. અમારે તેની(કાજલ) સાથે વાટકીવ્યવહાર હતો. બંને વચ્ચે બહુ ઝઘડા થતા હતા. 10 મહિનાના લગ્નગાળામાં તે બે વખત તો તેના પિયર ચાલી ગઈ હતી. પછી કિશોર એને મનાવીને પરત લાવતો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કલ્પનાબહેન આગળ કહે છે, "એ રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં એ લોકો બહાર ગયા હતા. સવારે જ્યારે અમને કાજલની ચીસો સંભળાઈ તો અમે ત્યાં દોડી ગયા હતા."
તે પછીના ઘટનાક્રમ વિશે તેઓ કહે છે, "અમે ત્યાં પહોંચ્યા તો કિશોરે અમને કહ્યું કે તેણે આત્મહત્યા કરી છે. અમે રાત્રે થયેલાં ઝઘડા વિશે પૂછ્યું તો તેણે મોબાઇલમાં ફોટા બતાવીને કહ્યું કે એમાં તો પછી સમાધાન પણ થઈ ગયું હતું અને અમે સાથે આઇસ્ક્રીમ ખાવા પણ ગયા હતા."
"બંનેનો સાથે આઇસ્ક્રીમ ખાતો ફોટો જોઈને અમને ભરોસો આવી ગયો હતો કે કાજલે આત્મહત્યા જ કરી હશે પણ જ્યારે અમને ખબર પડી કે તેનો પતિ આટલો વિકૃત હતો તો અમને પણ સખત આઘાત લાગ્યો."


ઇમેજ સ્રોત, Getty Images
આ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાની વાતની સુરતના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ એલ. બી. ઝાલા પુષ્ટિ કરે છે. તેઓ કહે છે, "બંને વચ્ચે ઝઘડા થતા રહેતા હતા અને તે દિવસે એનો પતિ જ સ્મીમેર હૉસ્પિટલ લઈને આવ્યો હતો. તેણે પહેલાં તો પોલીસને કહ્યું કે ઘરેલુ ઝઘડામાં તેણે પોતાની ઉપર જ્વલનશીલ પદાર્થ નાખીને સળગીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે."
તેઓ આગળ કહે છે, "હૉસ્પિટલમાં તેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેના શરીર પર 72 ટકા બર્ન્સ હતા અને તે બેશુદ્ધ અવસ્થામાં હતી. જ્યારે તે ભાનમાં આવી તો મામલતદારની હાજરીમાં તેનું ડાઇંગ ડિક્લૅરેશેન લેવામાં આવ્યું. જેમાં તેણે કરેલા ખુલાસા સાંભળીને અમે પણ ચોંકી ગયા હતા."
ડાઇંગ ડિક્લૅરેશનમાં કાજલે કહ્યું હતું કે તેના પતિ ખરાબ વીડિયો જોતા અને તેમના પર દબાણ કરતા હતા.
એલ. બી. ઝાલા આગળ જણાવે છે, "અમે કાજલની આ વાત સાંભળીને કિશોરને પકડ્યો અને તેના ફોનની પણ તપાસ કરતા કાજલની વાતને સમર્થન મળ્યું. જેના આધારે રિમાન્ડ મેળવીને પૂછપરછ કરી. જેમાં તેણે અંતે કબૂલાત કરી હતી."
ડાઇંગ ડિક્લૅરેશન આપ્યા બાદ કાજલનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મુંબઈથી તેની અંતિમવિધિ માટે સુરત આવેલા તેમના પિતા રાજેશ મિશ્રા કહે છે, "મારી દીકરીના નસીબ જ ફૂટેલાં હતાં. એક તો એ નાની ઉંમરે વિધવા થઈ ગઈ. અમારે ત્યાં વિધવાનાં લગ્ન ન થતાં હોવાથી જ્યારે મારા દીકરા સાથે કામ કરતા કિશોરે તેની સાથે લગ્ન કરવાની વાત કરી તો અમે તૈયારી બતાવી."
તેઓ આગળ કહે છે, "અમને તો છોકરો સારો લાગ્યો હતો પરંતુ સપને પણ ખ્યાલ નહોતો કે તે આવું કરશે. વચ્ચે પણ જ્યારે તે પાછી આવી ગઈ હતી, ત્યારે અમને એમ હતું કે અમે મૂળ ઉત્તર ભારતના અને કિશોર ગુજરાતી. પાછા બંને રહેતાં હતાં મુંબઈમાં અને ત્યાંથી સુરત શિફ્ટ થયાં એટલે તેને તકલીફ પડતી હશે."
"જો તેણે અમને સહેજ પણ અણસાર આપ્યો હોત કે તેનો પતિ વિકૃત છે અને આવો અત્યાચાર ગુજારે છે તો એને ક્યારેય પાછી સુરત મોકલતા જ નહીં."

'મનોરંજન અને હકીકતના અંતરનું ભાન ભૂલી જાય છે'

ઇમેજ સ્રોત, Getty Images
આ કિસ્સામાં પતિની માનસિકતા વિશે વાત કરતા મનોચિકિત્સક જ્યોતિક ભચેચ જણાવે છે, "ખરાબ વીડિયોની લત લાગી હોય એવા લોકોના મગજનો 'પ્રિફ્રન્ટલ કૉર્ટેક્સ' નામક ભાગ વધુ સંવેદનશીલ હોય છે. આ ભાગ લાગણીઓની સમજણ, ઉશ્કેરાટ અને વ્યક્તિની નિર્ણયશક્તિ પર અસર કરે છે. સતત જોનારા લોકોના મનમાં જે વિચાર આવે છે તેને ભવિષ્યના પરિણામોની પરવા કર્યા વગર કરવા માટે તૈયાર થઈ જાય છે."
તેઓ આગળ કહે છે, "ક્રાઇમ ફિલ્મો કારણે માણસનો સ્વભાવ ઘાતકી બની જાય છે. જેની તેમને ખુદને ખબર પડતી નથી. રોજ જોનારા લોકોની જાતીય માગણીઓ પણ સામાન્ય લોકો કરતાં વિચિત્ર બની જતી હોય છે."
આ વિશે સમજાવતા તેઓ કહે છે, "સામાન્ય રીતે એ લોકો ભૂલી જાય છે કે મનોરંજન અને હકીકતમાં ફેર હોય છે."
ડૉ. ભચેચ અંતે જણાવે છે, "આ એક માનસિક બીમારી છે અને પત્ની પણ ભાગ્યે જ આવી વાત બીજા કોઈ સાથે શૅર કરે છે અને પતિ દ્વારા માર મારવામાં આવે તો તેને પણ સહન કરી લે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













