એ મહિલા, જેમણે 20 લાખના પગારની CAની નોકરી છોડી અને લૉન્ડ્રી શરૂ કરી

અપેક્ષા સિંઘવી
    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, બીબીસી માટે

વર્ષે 20 લાખ રૂપિયાના પગારની નોકરી છોડીને કોઈ કપડાં સાફ કરતી લૉન્ડ્રીનું કામ શરૂ કરે તો નવાઈ તો લાગે જ.

આ કહાણી 34 વર્ષનાં અપેક્ષા સિંઘવીની છે, જેમણે પ્રથમ પ્રયાસમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા પાસ કરી હતી જે એક ઉપલબ્ધિ જ ગણાય.

દસ વર્ષ સુધી નામાંકિત સંસ્થાઓમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું અને પછી વર્ષ 2021માં વીસ લાખ રૂપિયાના પૅકેજની નોકરી છોડીને લૉન્ડ્રી શરૂ કરી. તેમને લીધેલા આ પગલાએ લોકોને ચોંકાવી દીધા હતા.

“વિઝિટિંગ કાર્ડ પર સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) લખેલું હોય છે. ઘણીવાર લોકો તે જોઈને જ ચોંકી જાય છે. એક ક્લાયન્ટે કહ્યું કે લોકો ભાગ્યે જ સીએ બને છે ત્યારે તમને સરળતાથી જે મળ્યું છે, તેને છોડીને તમે લૉન્ડ્રીનું કામ કરી રહ્યાં છો. તો હવે તમે સીએ એટલે કે ‘ક્લીનિંગ એજન્ટ’ છો.”

બીબીસી ગુજરાતી

થોડું હટકે કામ

તેમનો લૉન્ડ્રી પ્લાન્ટ રાજસ્થાનના ઉદયપુરના ભુવાનાના પ્લૉટમાં બનેલો છે. આજે ઉદયપુર અને અન્ય સ્થળોની પચાસ જેટલી રેસ્ટોરાં આ લૉન્ડ્રીમાં કપડાં ધોવા મોકલે છે.

આ લૉન્ડ્રી પ્લાન્ટની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી. પોતાનું કામ કરવાની ઇચ્છાથી અપેક્ષા સિંઘવીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.

34 વર્ષીય અપેક્ષાના પતિ સિદ્ધાર્થ સિંઘવી ઉદયપુરની એક પ્રતિષ્ઠિત સંસ્થામાં અધિકારી તરીકે કામ કરે છે.

અપેક્ષાથી પાંચ વર્ષ નાનો તેમનો ભાઈ પણ સીએ છે. સંબંધીઓમાં પણ ઘણા સભ્યો સીએ છે.

અપેક્ષા તેમના સાસરી અને પીયર પક્ષમાંથી આવી રીતે સફળ બિઝનેસ કરનારાં પ્રથમ મહિલા છે.

તેમણે પ્રથમ પ્રયાસમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) અને કંપની સૅક્રેટરી (સીએસ)ની પરીક્ષા પાસ કરી હતી.

બીબીસી ગુજરાતી

સીએની પરીક્ષામાં મહિલા કૅટેગરીમાં પ્રથમ રૅન્ક

અપેક્ષા સિંઘવી

આત્મવિશ્વાસથી ભરપૂર અપેક્ષા સિંઘવી કહે છે કે, “મેં વર્ષ 2009ના નવેમ્બરમાં સીએ ફાઇનલની પરીક્ષા આપી હતી. જેમાં સીએ ઇન્ટરમાં ઑલ ઇન્ડિયામાં 28મો રૅન્ક હાંસલ કર્યો હતો, જ્યારે સીએસ ફાઉન્ડેશનમાં ઑલ ઇન્ડિયામાં થર્ડ રૅન્ક અને મહિલા કૅટેગરીમાં પ્રથમ રૅન્ક મેળવ્યો હતો.”

તેઓ કહે છે કે, “જાન્યુઆરી 2011માં મેં વેદાંતા ગ્રૂપમાં મારી પ્રથમ નોકરી ગોવાથી શરૂ કરી, ત્યાં બે વર્ષ રહી હતી. ત્યારબાદ આઠ વર્ષ હિન્દુસ્તાન ઝિંકમાં તેના ઉદયપુર મુખ્યાલય અને દેબારીમાં કામ કર્યું હતું. જુલાઈ 2021માં જ્યારે મેં નોકરીમાંથી રાજીનામું આપ્યું, ત્યારે વીસ લાખ રૂપિયાનું વાર્ષિક પૅકેજ હતું.”

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને લૉન્ડ્રીના કામમાં દૂર-દૂર સુધી કોઈ સમાનતા નથી. અપેક્ષાના નિર્ણયથી તેમના પરિવાર, સંબંધીઓ અને મિત્રોને આશ્ચર્ય થયું હતું.

અપેક્ષાએ લગભગ બે વર્ષમાં લૉન્ડ્રીના કાર્યને વધારીને તેમનો નિર્ણય સાચો સાબિત કર્યો છે.

બીબીસી ગુજરાતી

લૉન્ડ્રીમાં કેવી રીતે કામ કરે છે?

લૉન્ડ્રીમાં કામ કરતા લોકો

ઉદયપુરના ભુવાનામાં આ લૉન્ડ્રી બનાવવામાં આવી છે. લૉન્ડ્રીમાં આઠ મહિલાઓ સહિત ત્રીસ કર્મચારીઓ બે શિફ્ટમાં કામ કરે છે. મહિલાઓ દિવસ દરમિયાન જ કામ કરે છે.

અપેક્ષાએ આ લૉન્ડ્રીને ‘સુવિધા લૉન્ડ્રી સર્વિસ’ નામ આપ્યું છે.

લૉન્ડ્રીમાં રેસ્ટોરાં અને અન્ય જગ્યાએથી કપડાં લાવવાં અને લઈ જવા માટે બે ગાડીઓ છે. રેસ્ટોરાંમાંથી પડદાં, બેડશીટ, ટુવાલ, કર્મચારીઓનાં કપડાં વગેરે ધોવાવા માટે આવે છે.

કપડાં જોવામાં આવે છે, ત્યારબાદ તેના પરથી ડાઘા દૂર થાય છે. કપડાં ધોવા માટે ત્રણ મોટાં મશીન છે.

ઑર્ડર અનુસાર કપડાંને પ્રેસ, સ્ટીમ પ્રેસ, ડ્રાયક્લીન કરવામાં આવે છે, ત્યારબાદ તેને ફોલ્ડ કરીને પૅક કરવામાં આવે છે અને પછી તેને ડિલિવર કરવામાં આવે છે.

અપેક્ષા કહે છે કે, “લૉન્ડ્રીના કામમાં ક્વૉલિટી અને કપડાંની સમયસર ડિલિવરી સૌથી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે રેસ્ટોરાંના સંચાલકોએ પણ મહેમાનો માટે રૂમ તૈયાર કરવાના હોય છે.”

બીબીસી ગુજરાતી

જાતે જ કરે છે માર્કેટિંગ

લૉન્ડ્રીમાં કામ કરતી અપેક્ષા

અપેક્ષા તેમના અનુભવો વિશે કહે છે કે “જો એક સારો અનુભવ કહું તો લોકોએ આ કામની પ્રશંસા કરી છે. કેટલાક ગ્રાહકોએ મને કામ આપતી વખતે કહ્યું કે તમે મહિલા છો, તમારી લૉન્ડ્રીમાં મહિલાઓ પણ કામ કરે છે, તેથી તમને કામ આપીએ છીએ. કારણ કે મહિલાઓ વધારે ડેડિકેશન સાથે કામ કરે છે.”

જોકે બધા અનુભવો સારા પણ ન હતા. કેટલાક લોકોએ તો કામ આપવાની ના પાડી દીધી હતી.

અપેક્ષા કહે છે કે “કેટલાક લોકોએ એ માટે પણ કામ આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે અમને લૉન્ડ્રીનો કોઈ અનુભવ નહોતો.”

અપેક્ષા સિંઘવીને સાડાં ચાર વર્ષનો પુત્ર છે. તેઓ ઘરે માતાની જવાબદારી નિભાવે છે અને લૉન્ડ્રીના કામમાં પણ પૂરો સમય આપે છે.

તેઓ હસતાં-હસતાં કહે છે કે, “જ્યારે પણ કોઈ નવા ગ્રાહક આવે ત્યારે પરિવારને ઘણી ખુશી થાય છે. લોકો જ્યાં ઉચ્ચ હોદ્દાની નોકરીની ઇચ્છા રાખતા હોય છે, તે છોડીને મેં મારા નિર્ણયને સાચો સાબિત કર્યો છે.”

લૉન્ડ્રી કર્મચારી વિજયા

લૉન્ડ્રીમાં ત્રીસ કર્મચારી બે શિફ્ટમાં ચોવીસ કલાક કામ કરે છે. આ કર્મચારીઓમાં આઠ મહિલાઓ પણ છે.

અપેક્ષા કહે છે કે “શરૂમાં માત્ર પાંચ જ ગ્રાહક હતા, પરંતુ આજે અમારી પાસે ઉદયપુરની પચાસ રેસ્ટોરાં ગ્રાહક છે. હું સતત નવા ગ્રાહકોને ઉમેરવા માટે ઉદયપુરની રેસ્ટોરાંમાં વિઝિટ કરું છું.”

લૉન્ડ્રીમાં કામ કરતા કર્મચારી વિજયા કહે છે કે, “હું છેલ્લાં છ વર્ષથી લૉન્ડ્રીમાં કામ કરું છું. અહીં દોઢ વર્ષથી કામ કરું છું. અમને સારું લાગે છે કે એક મહિલા તરીકે તેઓ લૉન્ડ્રીનું કામ કરી રહ્યાં છે. તેનાથી અન્ય મહિલાઓને પ્રેરણા પણ મળશે.”

બીબીસી ગુજરાતી

પરિવારનો મળ્યો સહારો

અપેક્ષા સિંઘવી તેમના પરિવાર સાથે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વ્યવસાય છોડીને બિલકુલ અલગ કામ કરવું પરિવારમાં લગભગ બધાને વિચિત્ર લાગ્યું હતું. બધાનું કહેવું હતું કે સારી નોકરી છોડીને આટલું મોટું પગલું કેમ ભરી રહી છે.

અપેક્ષા કહે છે કે, “માતાપિતાને લાગ્યું હતું કે બાળકોને આટલાં ભણાવ્યાં-ગણાવ્યાં, લાયક બનાવ્યાં, પરંતુ મેં નોકરી છોડીને એવું કામ શરૂ કર્યું, જેમાં સફળતાની કોઈ ખાતરી ન હતી, પણ આખરે બધાએ સાથ આપ્યો હતો.”

અપેક્ષાના પતિ સિદ્ધાર્થ સિંઘવી કહે છે કે, “અપેક્ષાએ એક દિવસ કહ્યું હતું કે તેને નોકરી છોડીને પોતાનું કામ શરૂ કરવું છે. ઉદયપુરમાં ઘણા પર્યટક આવે છે, અહીં રેસ્ટોરાં પણ ઘણી છે. તેથી જો લૉન્ડ્રીનું કામ સારી રીતે કરે તો સફળતા મળી શકે છે.”

“લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું કે સારી નોકરી છોડીને લૉન્ડ્રીનું કામ કરી રહી છે, પરંતુ સમયની સાથે દરેકનો અભિગમ પણ બદલાતો ગયો છે.”

અપેક્ષા કહે છે કે, “જ્યારે હું લૉન્ડ્રીના કામ માટે બહાર જતી હતી, ત્યારે બાળકોની સંભાળ રાખવામાં પરિવારના સભ્યો મદદ કરતા હતા. જો પરિવારનો સહારો ન હોત તો આ કામ કરવું મુશ્કેલ બની ગયું હોત.”

વધુમાં અપેક્ષા કહે છે કે “મારો નાનો ભાઈ પણ સીએ છે. હું મોટી હોવાથી તેના માટે આદર્શ છું, પરંતુ હવે માતાપિતાને લાગે છે કે ક્યાંક તે પણ નોકરી છોડીને પોતાનું કામ કરવા ન લાગે.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી