ચીનના સૌથી સમૃદ્ધ ગામની કહાણી જ્યાં ફરવા માટે સીટીબસ નહીં પણ હેલિકૉપ્ટર સેવા મળે છે

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનના સૌથી સમૃદ્ધ ગણાતા ગામ હ્યુસીનું પ્રવેશદ્વાર

તમે ગુજરાતનાં સૌથી સમૃદ્ધ ગામો પુંસરી, માધાપર, બાદલપરા વિશે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે, પણ તમને ચીનના એવા સૌથી સમૃદ્ધ ગામ વિશે ખબર છે જે વૈભવ અને ઐશ્વર્યના આકાશમાં ચમકે છે પરંતુ તેના માટે ગ્રામવાસીઓએ આકરી કિંમત ચૂકવવી પડી છે.

ગામના પાદરે વિશાળકાય પ્રવેશદ્વાર. જ્યાં આવનારા પ્રવાસીઓનું સ્વાગત કરતા લખવામાં આવ્યું છે કે, “ધ નંબર વન વિલેજ અંડર ધ સ્કાય”. એટલે કે આ એક એવું નંબર વન ગામ છે જે આકાશની ઊંચાઈને આંબ્યું છે.

ગામમાં પ્રવેશો તો ચારે તરફ જાહોજલાલી. તમને પગોડા જેવાં મોટાં મોટાં મકાનો જોવા મળે. સુંદર બાગ-બગીચાઓ. થીમ પાર્ક. અદ્યતન વિલાઓ.

ગામમાં રહેતા લગભગ તમામ લોકો પાસે મર્સિડિસ કે ઑડી જેવી વૈભવી કાર.

આ ગામમાં વિશ્વપ્રસિદ્ધ સ્થાપત્યોની આબેહુબ નકલો બનાવીને મૂકવામાં આવી છે. જેમાં સ્ટૅચ્યૂ ઑફ લિબર્ટીની નકલ પણ સામેલ છે અને પેરિસના ઍફિલ ટાવરની નકલ પણ.

સાથે ત્યાં ચીનના પાટનગર બેઇજિંગના વિશ્વપ્રસિદ્ધ તિયાનમૅન ચૉકની ઇમારતની નકલ પણ જોવા મળશે અને સાથે વિશ્વની સૌથી લાંબી ચીનની દિવાલની નકલ પણ.

આ ગામમાં 72 માળની વિશ્વની સૌથી ઊંચી હોટલો પૈકીની એક અદ્યતન હોટલ પણ બનાવવામાં આવી છે અને ગામ પાસે પોતાની ટ્રાન્સપૉર્ટ સેવા પણ છે, અને આ ટ્રાન્સપૉર્ટ સેવામાં પ્રવાસીઓને ટૅક્સી કે બસ નહીં, પરંતુ હેલિકૉપ્ટર સેવા પૂરી પાડવામાં આવે છે.

આ બધુ સાંભળીને તમને કદાચ લાગશે કે આ અઢળક સુવિધાઓ અને લકઝૂરિયસ લાઇફસ્ટાઇલ ધરાવતું ગામ ક્યાં તો કોઈ ફિલ્મનો સેટ છે અને આ કહાણી પણ ફિલ્મી છે.

કારણકે સામાન્ય રીતે ખેતરો, કાચાં મકાનો, કાચા રસ્તાઓ, પગદંડી, ચબૂતરા, અને ચોરો હોય તેને ગામ કહેવાય.

આપણે મન ગામ એટલે ગાડું, ધૂળિયું જીવન અને ગોબરની ગંધ. પણ ચીનનું આ હ્યુસી ગામ એ વિચારથી તદ્દન વિપરીત છે.

ચીનનું સૌથી અમીર ગામ

ગામવાસીઓના બૅન્ક ખાતામાં કરોડો

ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હ્યુસી ગામમાં બાસ્કેટ બૉલ રમતા લોકો નજરે પડે છે

દુનિયામાં સૌથી અમીર હોય તેવા ગામડાંના લિસ્ટમાં આવે છે આ ચીનનું હ્યુસી ગામ.

હ્વુસી ચીનું એવું ગામ છે જ્યાં રહેતા લોકો વૈભવી જીવન જીવી રહ્યા છે. તમામ ગામવાસીઓ પાસે ઓછામાં ઓછી એક કરોડ રૂપિયાની થાપણ બૅન્કમાં પડી છે.

આ સિવાય તેમની પોતાની વિલા છે. અને તે પણ આ વિલા તેમને ગામ તરફથી આપવામાં આવે છે.

હ્યુસી ગામની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે અહીંની સ્કાયસ્ક્રેપર હોટલ, અને કરોડોની કિંમતોની અદ્યતન કારો છે.

ગામમાં જવું હોય તો હેલિકૉપ્ટર ટૅક્સી પણ છે. ચીનનું સરકારી મીડિયા તેને દેશની કૉમ્યુનિસ્ટ પાર્ટીની મોટી સફળતા તરીકે લેખાવી રહ્યું છે. આ ગામને સમાજવાદી ગામ તરીકે આળખાવે છે.

આલીશાન બંગલાઓ, મોંઘી કારો, સારું શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને આ બધું જ મફતમાં.

આમ તો આ બધું સપનું લાગે છે પણ હ્યુસી ગામના લોકો માટે આ સપનું નહીં પણ હકીકત છે.

હ્યુસી શહેર ચીનના પૂર્વમાં જિંયાગયિન શહેરની પાસે આવેલું છે અને આ ગામમાં ચીનના સૌથી મોટા ઔદ્યોગિક નગર શાંધાઈથી બે કલાકની મુસાફરી કરીને પહોંચી શકાય છે.

ચીનનું સૌથી અમીર ગામ

‘40 વર્ષ દરમિયાન હ્યુસીના ગામવાસીઓની આવક 411 ગણી વધી’

ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હ્યુસી ગામમાં ચીની નેતા માઓ-ત્સે-તુંગનું સ્ટેચ્યૂ

15 ડિસેમ્બર 2018માં પ્રકાશિત ચીનની સરકારના અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લાં 40 વર્ષના સમયગાળામાં હ્યુસી ગામ સારી એવી પ્રગતિ કરીને સમૃદ્ધ થયું છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, “40 વર્ષમાં હ્યુસી ગામવાસીઓ પૈસાદાર બન્યા છે. ગામવાસીઓની પર માથાદીઠ આવક જે વર્ષ 1978માં 220 યુઆન હતી, તે વર્ષ 2017માં 411 ગણી વધીને 90,500 યુઆન થઈ ગઈ હતી.”

આ અહેવાલમાં ચીની સરકાર જણાવે છે કે હ્યુસીના ગામવાસીઓ સરકારને 1.3 અબજ યુઆનનો તો ટૅક્સ ચૂકવતા હતા. વર્ષ 2018માં હ્યુસીના ગામવાસીઓ દ્વારા ચૂકવવામાં આવતો ટૅક્સ વધીને 1.5 અબજ યુઆન થઈ ગયો હતો.

ચીનનું સૌથી અમીર ગામ

કોણ છે જેમણે હ્યુસીને ચીનું સૌથી પૈસાદાર ગામ બનાવ્યું?

ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વુ રેનબાઓની તસવીર જેમણે હ્યુસી ગામની શકલ બદલી નાખી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ સવાલ જરૂર થાય છે કે આ ગામના લોકો આટલા પૈસાદાર કેવી રીતે થઈ ગયા? તેમની પાસે આટલી સુવિધાઓ કેવી રીતે આવી?

તો આ ગામને આટલું અદ્યતન સુવિધાઓ ધરાવતું બનાવવાનો બધો શ્રેય જાય છે વુ રેનબાઓને.

વુ રેનબાઓ એ ગામની કૉમ્યુનિસ્ટ પાર્ટી કમિટિના સચિવ હતા.

રેનબાઓએ ગામના લોકો સાથે મળીને પહેલાં કૃષિને લગતા અને જમીનને લગતા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા.

1961માં જ્યારે વુ રેનબાઓએ ક્રાંતિની શરૂઆત કરી ત્યારે હ્યુસીની વસ્તી માત્ર 667 હતી.

ચીનની ઘટનાઓ પર નજર રાખનારા બીબીસી મૉનિટરિંગના અમારા સહયોગી સિદ્ધાર્થ રાય જણાવે છે કે, “ચીનમાં માઓ ત્સે તુંગના સમયમાં દેશમાં કોઈ મોટા પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગનું કામ કોઈ લોકો દ્વારા નહીં પણ સરકાર દ્વારા થતું હતું. પરંતુ હ્યુસી ગામના કૉમ્યુનિસ્ટ નેતા વુ રેનબાઓએ 1969માં ગુપ્ત રીતે ગામમાં હાર્ડવેરના કામની એક ફૅક્ટરી સ્થાપી. ત્યારે ચીનમાં કલ્ચરલ રિવૉલ્યુશન થઈ રહ્યું હતું. તેમણે ગામલોકો સાથે મળીને એવી યોજના બનાવી કે જેથી લોકોને સારી એવી આવક થઈ શકે”.

વર્ષ 2011માં બીબીસી સંવાદદાતા શિયાઉન યાઉએ એક વીડિયો બનાવ્યો હતો તેમાં વુ રેનબાઓએ કહ્યું હતું કે, “યુરોપની સમસ્યા એ છે કે તે ભવિષ્યના પૈસા વાપરી રહ્યું છે જે તેમની પાસે છે જ નહીં. જ્યારે અમે બચાવેલા પૈસા વાપરીએ છીએ, અને અમે કામ કરતા રહીએ છીએ.”

જોકે વુ રેનબાઓનું વર્ષ 2013માં મૃત્યુ થયું અને તેમનો કાર્યભાર તેમના પુત્ર વુ શીયેએ સંભાળ્યો.

ચીનનું સૌથી અમીર ગામ

ગામમાં 72 માળની લકઝૂરિયસ હોટલ

ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હોટલમાં 1 ટન સોનામાંથી બનાવેલું આખલાનું સ્ટેચ્યૂ

હ્યુસીમાં અદ્યતન હોટલ પણ બનાવવામાં આવી છે જેથી પર્યટકોને આકર્ષી શકાય. આ હોટલ વિશ્વની સૌથી ઊંચી હોટલો પૈકીની એક છે. તેના 72 માળ છે.

આ હોટલ પેરિસના ઍફિલ ટાવર કરતાં પણ ચાર મીટર ઊંચી છે.

જેનો બનાવવાનો ખર્ચો અંદાજીત 40 અબજ રૂપિયા થયો. જેમાં 16 જેટલા પ્રેસિડેન્શિયલ સ્યૂટ્સ બનાવવામાં આવ્યા છે.

આ પ્રેસિડેન્શિયલ સ્યૂટમાં એક રાત રોકાવાની કિંમત અંદાજીત એક લાખ રૂપિયા છે.

આ હોટલમાં કુલ રૂમની સંખ્યા 826 છે.

હોટલમાં અનેક સુશોભનની ચીજવસ્તુઓ છે. જેમાં 60મા માળે એક ટન સોનામાંથી બનાવેલું આખલાનું સ્ટેચ્યૂ પણ સામેલ છે.

ચીનનું સૌથી અમીર ગામ

ગામમાં ફરવા માટે સીટીબસ નહીં હેલિકૉપ્ટરની સુવિધા

ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હ્યુસી ગામનું વિહંગાવલોકન

જો તમે આ ગામમાં ફરવા માગતા હોવ તો તમને હેલિકૉપ્ટરની સુવિધા પણ મળશે. તે માટે ગામના જ તંત્રએ પોતાની લકઝરી ટ્રાન્સપોર્ટ સેવા ઊભી કરી છે. આ સેવા તમને હેલિકૉપ્ટર સેવા પૂરી પાડે છે.

જેના ઑપરેટર છે તોંગયોંગ ઍરલાઇન કંપની, જે આસપાસના શહેરોથી માત્ર દસ જ મિનિટમાં પ્રવાસીઓને હ્યુસી ગામમાં પહોંચાડે છે.

ગામનો વૈભવ એટલો છે કે અહીંના લોકો માટે સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઘરની સુવિધાઓ મફત પૂરી પાડવામાં આવે છે. પણ તેના બદલામાં અહીં કામ કરતા લોકોને તેની આવકનો મોટોભાગ ટૅક્સ તરીકે ચૂકવવો પડે છે.

જોકે આ સુવિધા ગામમાં રહેતા મૂળ નિવાસીઓ માટે જ છે, પાછળથી ગામમાં વસેલા લોકોને આ સુવિધા નથી મળતી.

બીબીસી મૉનિટરિંગના અમારા સહયોગી સિદ્ધાર્થ રાય કહે છે કે, “ચીનમાં 1978માં મુક્ત બજાર વ્યવસ્થા અમલમાં આવી અને ગામમાં પ્રોડક્શનનું કામ વધ્યું. 1999માં હ્યુસી ગામવાસીઓની બનાવેલી કંપની સ્ટોક ઍક્સ્ચેન્જમાં પબ્લિક ઇશ્યુ લાવી. જે અંતર્ગત 290 મિલિયન યુઆન ઊભા કર્યા અને તેની મદદથી ગામમાં સ્ટીલ, ટૅક્સ્ટાઇલ અને રિયલ ઍસ્ટેટનું કામ શરૂ થયું.

1961 પહેલાં હ્યુસી પણ એક કૃષિ કરતું એક નાનું ગામ જ હતું. પણ આજે આ ગામમાં 60થી વધુ કંપનીઓ સ્થપાઈ ગઈ છે. તેમની આવક વર્ષે દહાડે 800 અબજ રૂપિયા છે.

ચીનનું સૌથી અમીર ગામ

શું છે હ્યુસીની સફળતાનું રહસ્ય?

ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હ્યુસીમાં પર્યટકો માટે ચીનની લાંબી દિવાલની નકલ અને પૂલ બનાવવામાં આવ્યો છે

ઇકોનૉમિક સ્ટ્રેટેજીસ ઍન્ડ પ્રેક્ટિસ ઑફ મોર્ડન ચાઇના એ ચીનની ફાયનાન્સિયલ ઍન્ડ ઇકોનૉમિક પબ્લિશિંગ હાઉસનું પુસ્તક છે. આ પુસ્તક 2014માં છાપવામાં આવ્યું હતું.

આ પુસ્તકને ટાંકીને યુકેના ડેઇલીમેઇલે તેની વેબસાઇટમાં અહેવાલ છાપ્યો છે કે ઇકોનૉમિક સ્ટ્રેટેજીસ ઍન્ડ પ્રેક્ટિસ ઑફ મોર્ડન ચાઇના પુસ્તકમાં હ્યુસી ગામની સફળતાનું રહસ્ય ઉજાગર થયું છે.

આ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે આ ગામમાં સામુહિક અર્થવ્યવસ્થાનો ઉપક્રમ ઊભો કરવામાં આવ્યો છે. 1970 બાદમાં ચીનમાં આવેલા બદલાવને કારણે ગામની નેતાગીરીએ બહુ સાહસિક નિર્ણય લીધો.

તેમના ગામની તમામ ખેતીલાયક જમીન આસપાસનાં 30 ગામોના લોકોને ખેતી માટે આપી દેવામાં આવી. બાકીના લોકોને ગામમાં મૅન્યુફેક્ચરિંગ કામ સોંપવામાં આવ્યું. જેને કારણે ગામમાં સમૃદ્ધિ આવવાની શરૂઆત થઈ.

આ પુસ્તકમાં એમ પણ લખવામાં આવ્યું છે કે હ્યુસીમાં વર્ષ 1994માં તેનું પોતાનું કોમર્શિયલ કોર્પોરેશન ઊભું કર્યું જે સ્ટીલ, પાઇપ્સ, ટેક્સ્ટાઇલ અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ કરતું હતું.

તેનો વર્ષ 1999માં શેનઝેન સ્ટૉક ઍક્સ્ચેન્જમાં પબ્લિક ઇશ્યુ પણ લાવવામાં આવ્યો.

આ પુસ્તકમાં તેની અન્ય વાતો પણ લખવામાં આવી હતી. જેમકે ગામવાસીઓ તેમની આવકના 30 ટકા જ ખર્ચ કરી શકતા.

બાકીના પૈસા ગામની સંપત્તિ અને કંપનીઓના વિકાસ માટે તથા અન્ય ખર્ચ માટે અલગ રાખવામાં આવતા.

ટૂંકમાં ગામવાસીઓની સંપત્તિ અને તેના પૈસાને ગામના નેતાઓ કંટ્રોલ કરતા હતા અને જો તેઓ ગામ બહાર જવાનું નક્કી કરે તો તેઓ તે લઈ શકતા નહોતા.

ચીનનું સૌથી અમીર ગામ

કેટલાક હ્યુસીની સફળતાને સામ્યવાદી પાર્ટીનો પ્રૉપેગૅન્ડા ગણાવે છે

ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હ્યુસીમાં અદ્યતન વિલાઓ અને અન્ય સુવિધાઓનું વિહંગાવલોકન

જોકે કેટલાક જાણકારો કહે છે કે ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીએ હ્યુસી ગામને પોતાના પ્રૉપેગૅન્ડા તરીકે વિક્સિત કર્યું છે. સાઉથર્ન વિકલી નામના મૅગેઝિને વર્ષ 2011માં અહેવાલ છાપ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હ્યુસીની સફળતા તેની આસપાસ આવેલાં ગામોને પણ આભારી છે.

આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેમ જેમ હ્યુસીની આસપાસ આવેલાં ગામો તેમાં ભળતા ગયા હ્યુસીની નેતાગીરીએ આ અંદાજીત 30 હજાર લોકોની સંપત્તિને લઈને તેનું હ્યુસીના વિકાસમાં રોકાણ કર્યું. જ્યારે કે હ્યુસીની વસ્તી માત્ર બે હજાર હતી. આ અહેવાલમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે હ્યુસીમાં સામેલ થએલા ગામવાસીઓને બાદમાં તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા કારણકે નક્કી કરેલી શરતો મુજબ તમામ પ્રકારની સુવિધાઓ માત્ર ગામના મૂળ નિવાસીઓને જ મળતી.

ચીનનું સૌથી અમીર ગામ

‘વુ રેનબાઓના પરિવારે ઉઠાવ્યો ફાયદો’

ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વુ રેનબાઓનું અવસાન થયું ત્યારે તેમની અંતિમવિધીમાં સામેલ તેમના પરિવારજનો

એક દાવો એ પણ છે કે ગામના નેતા વુ રેનબાઓના પરિવાર પાસે ગામની 90 ટકા સંપત્તિ છે. જિયાંગસુ પ્રાંતના માનવાધિકાર કાર્યકર્તા ગુ ઝિજિયાનએ અમેરિકામાં સંચાલિત ચાઇનિઝ ચેનલ ન્યૂ તેંગ ડાયનેસ્ટી ટૅલિવિઝનને જણાવ્યું કે વુ રેનબાઓના પરિવારે આ ગામને સમૃદ્ધ બનાવવાને બહાને ઘણો ફાયદો ઉઠાવ્યો.

ગુએ ચીનના પિપલ્સ ડેઇલીની એક ફોરમમાં કહ્યું કે હ્યુસીના ગામવાસીઓને તેમની જરૂરિયાત મુજબ રૂપિયા ઉપાડવા દેવામાં નથી આવતા.

કેન્દ્રિય અર્થવ્યવસ્થા હોવાને કારણે તેઓ તેમની મરજી મુજબ પોતાની રીતે પૈસા ખર્ચી નથી શકતા. તેઓ તેમના પૈસાનો ઉપયોગ માત્ર હ્યુસીમાં સ્થિત સંપત્તિને ખરીદવામાં જ કરી શકે છે.

બીબીસી મોનિટરિંગના સિદ્ધાર્થ રાય કહે છે કે, “ગામ બહારના લોકોને પણ ગામમાં રોકાણ માટે મોટા વચનો આપીને બોલાવવામાં આવ્યા, પરંતુ અહેવાલો પરથી જાણવા મળે છે કે તેમની સાથે સેકન્ડ ક્લાસ સિટિઝન જેવો વ્યવહાર કરવામાં આવ્યો અને તેમને ગામના મૂળ નિવાસીઓની સરખામણીએ માત્ર થોડી જ સુવિધાઓ મળી અને રિટર્ન પણ મૂળ નિવાસીઓની સરખામણીએ ઓછું મળ્યું.”

ચીનનું સૌથી અમીર ગામ

હ્યુસીને સમૃદ્ધ બનાવવામાં ગામવાસીઓએ ચૂકવી આકરી કિંમત

ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હ્યુસી ગામના થીમ પાર્કમાં મુકવામાં આવેલી ફોરબિડન સીટીની નકલ

જોકે આ બધું રાતોરાત એમનેમ નથી ઊભું થયું. લોકોએ ખૂબ મહેનત કરી છે. ગામના લોકો લગભગ 12 કલાક કામ કરે છે, અને તેમણે સાતેય દિવસ કામ કરવું પડે છે. તેમને કોઈ રજા નથી મળી શકતી. ગામમાં તમે જુગાર નથી રમી શકતા. કોઈ રમતગમત પણ નથી રમતું. ડ્રગ્સ પર પ્રતિબંધ છે. કોઈ ક્લબ, કાફે કે બીયરબાર પણ નથી. ગામમાં કોઈ ઇન્ટરનેટ કાફે પણ નથી.

સિદ્ધાર્થ રાય જણાવે છે કે, "ગામમાં કામ કરતા લોકોએ સખત કામ કરવું પડે છે. તેમને રજા પણ માત્ર વસંત ઋતુ દરમિયાન જ મળે છે. બાકી કોઈ રજા નથી મળતી."

એટલે ગામની સમૃદ્ધિનું આ બીજું પાસું પણ છે. જાણકારો કહે છે કે ગામવાસીઓ પાસે સમૃદ્ધિ તો છે પણ તેનો ઉપયોગ કરવાનો સમય પણ નથી અને હક પણ નથી.

ચીનનું સૌથી અમીર ગામ

હ્યુસી ગ્રૂપની કંપનીનું દેવું વધી ગયું

ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હ્યુસીમાં આવેલો સિમેન્ટ પ્લાન્ટ

જોકે કેટલાક અહેવાલો એવા પણ આવ્યા છે કે સમૃદ્ધિની ટોચે પહોંચેલા આ હ્યુસી ગામની પડતીની શરૂઆત પણ થઈ. વર્ષ 2016માં હ્યુસી ગામની કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા સ્થાપિત હ્યુસી ગ્રૂપનું દેવું વધીને 38.907 બિલિયન યુઆન થઈ ગયું. જે તેની કુલ સંપત્તિના 68.78 ટકા હતું. તેઓ જે વ્યાજ ચૂકવતા હતા તેનું ચુકવણું વધીને 24.57 બિલિયન યુઆન થઈ ગયું હતું.

ફેબ્રુઆરી 2021માં હ્યુસી ગામનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં ગામના લોકો પોતે રોકેલાં નાણાં પરત લેવા લાઇનમાં ઊભા હતા. ગામના લોકોએ સામ્યવાદી પાર્ટીના સચિવ દ્વારા સંચાલિત હ્યુસી ગ્રૂપની કંપનીઓમાં પોતાના નાણાં રોક્યા હતા. જેમાં તેમને પહેલાં 30 ટકા જેટલું ઊંચું વ્યાજ મળતું હતું, પરંતુ તે હવે ઘટીને 0.5 ટકા થઈ ગયું હતું. તેઓ હ્યુસી ગ્રૂપની કંપનીઓની કથળતી જતી નાણાકીય હાલતને જોઈને પરેશાન પણ હતા.

ચીનનું સૌથી અમીર ગામ

શું ચીનની સામ્યવાદી સરકાર હકીકત છૂપાવવાની કરી રહી છે કોશિશ?

ચીનનું સૌથી અમીર ગામ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હ્યુસી ગામમાં બનાવવામાં આવેલો ડ્રેગન નજરે ચડે છે

જોકે જાણકારો માને છે કે હ્યુસી ગામને સામ્યવાદી પાર્ટીએ તેમની વિચારધારાને અનુરૂપ સફળ અને સમૃદ્ધ ગામ તરીકે ઓળખાવ્યું હતું. તેથી આ મામલે ઘટનાનો ઢાંકપિછોડો કરવા માટે સરકારી મીડિયા ચાઇના ડેઇલીએ એપ્રિલ 2021માં એક લેખ પ્રકાશિત કર્યો હતો.

જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હ્યુસી ગામની અર્થવ્યવસ્થા 59,000 યુઆનમાંથી વધીને 50 અબજ યુઆન થઈ છે. હાલમાં હ્યુસી ગામમાં સામ્યવાદી પાર્ટીની કમિટિના સભ્યોની સંખ્યા વધીને 2274 થઈ છે. અને આ પાર્ટીની વિવિધ 43 શાખાઓ છે.

સિદ્ધાર્થ રાય કહે છે કે, "વર્ષ 2021 બાદ સરકાર તરફથી આ ગામ મામલે કોઈ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો નથી."

સિંગાપોરના જાણકારો કે જેઓ ચીનના રાજકીય અને સાંપ્રત પ્રવાહો પર નજર રાખે છે તેમના દ્વારા સંચાલિત વેબસાઇટ થિંકચાઇનામાં "હ્યુસી વિલેજ : ધ રાઇઝ ઍન્ડ ફોલ ઑફ ધ રિચેસ્ટ વિલેજ ઇન ચાઇના” નામની હેડલાઇન હેઠળ એક લેખ લખવામાં આવ્યો હતો.

4 માર્ચ 2021ના રોજ વેબસાઇટના શાંધાઇ સંવાદદાતા લિયાને ઝાઓબાઓ દ્વારા લખવામાં આવેલા આ લેખમાં ગામના નકારાત્મક પાસાની છણાવટ કરવામાં આવી છે.

આ લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે વુ રેનબાઓનું અવસાન થયું અને કાર્યભાર તેમના પુત્ર વુ શીયેએ સંભાળ્યો ત્યારબાદ હ્યુસી ગ્રૂપની કંપનીઓ પર તેમના પરિવારનો કબજો થઈ ગયો.

આ લેખમાં લખવામાં આવ્યું છે કે વુ શીયેએ કંપનીમાં બદલાવની કોશિશ પણ કરી, પરંતુ તેમણે જે નવા બૅન્કિંગ, ઇન્સ્યોરન્સ જેવા ધંધામાં ઝંપલાવ્યું તેમાં સફળતા નહીં મળી. વુ શિયેના પુત્ર શૂન શીયાઓએ વળી ઇન્ટરનેટના અને ઑનલાઇન ગેમ્સ અને ઇ-સ્પોર્ટ્સના ધંધામાં ઝંપલાવ્યું, પરંતુ આ બધા ધંધા સફળ ન થઈ શક્યા.

આમ પડતીના દાવાઓ અને ગામની કંપનીઓના વધતા દેવાંના સમાચાર વચ્ચે પણ એ હકીકતને નજરઅંદાજ કરી શકાય એમ નથી કે હ્યુસીની 1960 બાદ સિકલ બદલાઈ ગઈ અને તેના રહેવાસીઓ સમૃદ્ધ બન્યા. જોકે આ સમૃદ્ધિની કિંમત પણ તેમને ચૂકવવી પડી છે.

ચીનનું સૌથી અમીર ગામ
ચીનનું સૌથી અમીર ગામ