"મારા પિતાએ જ મારું જાતીય શોષણ કર્યું" અભિનેત્રી અને ભાજપ નેતા ખુશ્બુએ જણાવી આપવીતી

ખુશ્બુ સુંદર, સભ્ય, રાષ્ટ્રીય મહિલા આયોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખુશ્બુ સુંદર, સભ્ય, રાષ્ટ્રીય મહિલા આયોગ
    • લેેખક, દિવ્યા જયરાજ
    • પદ, બીબીસી તામિળ
બીબીસી ગુજરાતી
  • અભિનેત્રી અને રાજનેતા ખુશ્બુએ કહ્યું છે કે આઠ વર્ષની ઉંમરે તેમનાં પિતા દ્વારા તેમની જાતીય છેડતી કરવામાં આવી હતી
  • છેલ્લા 12 વર્ષથી રાજકારણમાં સક્રિય ખુશ્બુ ગયા વર્ષે ભાજપમાં જોડાઈ ગયાં હતાં
  • તેમણે તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય તરીકે પણ હોદ્દો સંભાળ્યો છે
  • વરિષ્ઠ પત્રકાર બરખા દત્ત દ્વારા આયોજિત 'વી ધ વુમન' નામના કાર્યક્રમમાં ભાગ લેતાં ખુશ્બુએ 'બાળપણમાં તેમનાં પોતાનાં પિતા દ્વારા સહન કરાયેલી જાતીય સતામણી' વિશે વાત કરી હતી
  • તેમણે કહ્યું કે જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે મારા સગા પિતા દ્વારા મારું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું
  • ‘છેક પંદર વર્ષની ઉંમરે હું આઠ વર્ષની ઉંમરે ભોગવેલી જાતીય સતામણી અંગે બોલી શકી’
  • ‘હું મારી માતાને કહેતાં અચકાતી હતી કે તેઓ મારી વાત માનશે કે કેમ’
  • ‘એક સ્ત્રી તરીકે, જો આપણામાં ઘરના પુરૂષ સામે ઊભા રહેવાની હિંમત હોય તો આપણે આ દુનિયામાં કોઈપણ વસ્તુનો સરળતાથી સામનો કરી શકીએ છીએ’
બીબીસી ગુજરાતી

દક્ષિણ ભારતીય ફિલ્મોનાં અભિનેત્રી ખુશ્બુ કહે છે, "મારા બાળપણના જાતીય શોષણ વિશે બોલ્યા પછી એવું લાગ્યું કે વર્ષોથી મારા માથા ઉપર રહેલો ભાર ઊતરી ગયો છે."

અભિનેત્રી અને રાજનેતા ખુશ્બુએ કહ્યું છે કે આઠ વર્ષની ઉંમરે તેમના પિતા દ્વારા તેમની જાતીય છેડતી કરવામાં આવી હતી, પરંતુ તેઓ આ ઉંમરે તેમની સામે કંઈ કરી શક્યાં ન હતાં.

છેલ્લાં 12 વર્ષથી રાજકારણમાં સક્રિય ખુશ્બુ ગયા વર્ષે ભાજપમાં જોડાઈ ગયાં હતાં. તેમણે તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય તરીકે પણ હોદ્દો સંભાળ્યો છે.

બીબીસી ગુજરાતી

‘8 વર્ષની વયે મારા પિતાએ જ મારું જાતીય શોષણ કર્યું’

ખુશ્બુ

ઇમેજ સ્રોત, MOJO STORY

આ સ્થિતિમાં વરિષ્ઠ પત્રકાર બરખા દત્ત દ્વારા આયોજિત 'વી ધ વુમન' નામના કાર્યક્રમમાં ભાગ લેતાં ખુશ્બુએ 'બાળપણમાં તેમનાં પોતાનાં પિતા દ્વારા સહન કરાયેલી જાતીય સતામણી' વિશે વાત કરી હતી.

કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું, "એક પુરુષ અથવા મહિલા જ્યારે બાળક હોય ત્યારે જે જાતીય દુર્વ્યવહારનો સામનો કરે છે તે તેમના આખા જીવન દરમિયાન ડાઘ બની રહે છે. જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે મારા સગા પિતા દ્વારા મારું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. તેમણે મને ધમકી આપી હતી કે જો હું આના વિશે કોઈને કંઈ કહીશ તો મારાં માતા અને મારા ભાઈઓને પણ તેઓ મારશે.”

“પત્ની અને બાળકોને માર મારવાને પણ તેઓ પોતાનો અધિકાર માનતા હતા. પોતાની જ દીકરીની જાતીય સતામણી કરવાને પણ તેઓ પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનતા હતા. મારી માતાનું લગ્નજીવન ખૂબ જ ખરાબ હતું.”

"છેક પંદર વર્ષની ઉંમરે હું આઠ વર્ષની ઉંમરે ભોગવેલી જાતીય સતામણી અંગે બોલી શકી. છેક ત્યારે મને તેના વિશે વાત કરવાની હિંમત મળી."

"હું મારાં માતાને કહેતાં અચકાતી હતી કે તેઓ મારી વાત માનશે કે કેમ. કારણ કે તે તેઓ પતિ પ્રત્યે સમર્પિત પત્ની હતાં. પરંતુ મારાથી આ વધુ સહન ન થયું અને મેં મારા પિતા વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"મેં આત્મવિશ્વાસ કેળવ્યો અને 15 વર્ષની ઉંમરે તેનો સામનો કરવાની હિંમત એકઠી કરી. એક સ્ત્રી તરીકે, જો આપણામાં ઘરના પુરૂષ સામે ઊભા રહેવાની હિંમત હોય તો આપણે આ દુનિયામાં કોઈપણ વસ્તુનો સરળતાથી સામનો કરી શકીએ છીએ."

ખુશ્બુએ હવે તેમની બાળપણની છેડતી વિશે વાત કરીને દેશમાં બાળ જાતીય શોષણ પર ફરીથી ચર્ચાને વેગ આપ્યો છે.

બીબીસી તામિળે ખુશ્બુ સાથે બાળ દુર્વ્યવહાર અને તેણે બરખા દત્ત સાથેના વાર્તાલાપને લઈને વાત કરી હતી.

બીબીસી સાથે વાત કરતાં ખુશ્બુએ કહ્યું: "હવે જ્યારે મેં મારા બાળપણના જાતીય શોષણ વિશે વાત કરી છે, ત્યારે એવું લાગે છે કે વર્ષોથી મારા મગજ પરથી એક મોટો ભાર દૂર થઈ ગયો છે."

તેમણે આગળ કહ્યું, "જ્યારે આઠ વર્ષના બાળકને જાતીય સતામણીનો સામનો કરવો પડે ત્યારે તે આટલી નાની ઉંમરે કેવી રીતે પ્રતિકાર કરી શકે. તે જઘન્ય કૃત્ય છે. પરંતુ જો હું આજે તેના વિશે બોલી રહી છું તો તેનો અર્થ એ છે કે હું હવે તેમાંથી બહાર આવી ગઈ છું. જોકે તેમાંથી બહાર આવતાં આટલાં વર્ષો થઈ ગયાં છે. જેઓ આવા અત્યાચારનો અનુભવ કરે છે ત્યારે સમજી શકાય છે કે તે કેટલું નિરાશાજનક હોઈ શકે છે.”

બીબીસી ગુજરાતી

90 જાતિય સતામણી પરિચિતો કે પડોશીઓ દ્વારા

ખુશ્બુ

ઇમેજ સ્રોત, KUSHBOO

"ડેટા દર્શાવે છે કે 90 ટકા જાતીય સતામણી પરિચિતો કે આસપાસના લોકો દ્વારા જ થાય છે. પછી તે બાળ દુર્વ્યવહારનો મામલો હોય કે મહિલાઓની સમસ્યાઓ હોય, હું બાળપણમાં જ અવાજ ઉઠાવનાર પ્રથમ વ્યક્તિ છું. કારણ કે મેં આવી બધી સમસ્યાઓનો અનુભવ કર્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ પર જાતીય હુમલો થાય છે ત્યારે ઘા ભલે રૂઝાઈ જાય, પણ ડાઘ જીવનભર સાથે રહે છે."

તેમણે કહ્યું, "આપણા સમાજમાં એક સમસ્યા છે. જો કોઈ મહિલા જાતીય સતામણી વિશે અવાજ ઉઠાવે છે તો તેમને સામા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. તમે તેને તમારી છેડતી કરવા કેમ દીધી, તમે કેવા કપડાં પહેર્યાં હતાં, તે સમયે તમે ત્યાં કેમ ગયાં હતાં? તમે તેને શું પૂછ્યું? તેઓ જેમણે ખોટું કર્યું છે એ પુરૂષોને આવા પ્રશ્નો પૂછતા નથી."

"હવે જો હું મારા પિતાનાં કૃત્ય વિશે વાત કરી રહી છું તો સોશિયલ મીડિયા પર મારી ઉલટતપાસ કરવામાં આવી રહી છે. ટ્વિટર પર પ્રોફેસર મને સલાહ આપતા કહે છે કે - હવે જ્યારે તમે તમારા બાળપણના દુર્વ્યવહાર વિશે વાત કરો છો તો લોકો તમારા પિતાની ખોટી છબી બનાવશે અને તમારા બાળકોમાં તેમના દાદા વિશે ખોટી ધારણા બનશે. અત્યારે પણ તેઓ પુરુષોની છબીઓને લઈને ચિંતિત છે. આ સમાજમાં શિક્ષિત લોકોનું સ્ટૅટસ ખૂબ જ ખરાબ છે."

"એટલા માટે હું ફરી એક વાત સ્પષ્ટ કરવા માગુ છું, કોઈપણ પીડિતાએ તેમની જાતીય સતામણી વિશે બોલવામાં શરમ અનુભવવી જોઈએ નહીં. ખરી શરમ તો એ પુરુષોએ અનુભવવાની છે જેઓ આવી ભૂલો કરે છે. આ વાત ઉપર ભાર મુકવા માટે જ મેં આજે મારા અનુભવોની વાત કરી છે," એમ તેઓ મક્કમ અવાજે કહે છે.

ખુશ્બુ કહે છે કે "ખોટું કૃત્ય કરનારાઓ સામે જાહેરમાં હિંમતભેર આરોપ લગાવવો જોઈએ. તેઓ એ પ્રશ્ન પણ ઉઠાવે છે કે અવાજ ઉઠાવ્યા વિના તમે ખોટું કરનારાઓને કેવી રીતે સજા અપાવી શકો?"

તેઓ વધુમાં કહે છે, "બાળકોની જાતીય સતામણી વિશે બોલવાથી તે બાળકોના ભવિષ્ય પર અસર થશે તેવો અભિપ્રાય લોકોમાં ઊંડે ઘર કરી ગયો છે. મેં 15 વર્ષની ઉંમરે મારી સાથે થયેલી સમસ્યાઓ વિશે બહાદુરીથી વાત કરી. તે પછી, મેં મારી જાતે જ કામ કરવાનું શરૂ કર્યું અને આજે હું આ સમાજમાં સન્માનજનક સ્થાને છું. પરિવારના વડા તરીકે ઘણી જવાબદારીઓ નિભાવીને, મારા પિતાની ભૂલો બતાવીને અને તેમનો મુકાબલો કરવાથી મારા જીવનને કોઈ પણ રીતે અસર થઈ નથી."

તેઓ કહે છે, “બીજા શબ્દોમાં કહીએ તો મારા પિતાએ તેમના છેલ્લા દિવસોમાં મારા પર આચરેલા ક્રૂર કૃત્યનું પરિણામ ભોગવ્યું હતું. તેઓ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમની અંતિમયાત્રામાં મારા ભાઈઓ સુદ્ધાએ પણ ભાગ લીધો ન હતો. તેઓ અનાથ બની ગયા હતા. આને કહેવાય કર્મનું ફળ."

ખુશ્બુને આશા રાખે છે કે જ્યારે માતાપિતાને ખબર પડે કે તેમનાં બાળકોની જાતીય સતામણી કરવામાં આવી છે ત્યારે તેઓ આગળ આવીને કેસ દાખલ કરવાની હિંમત દાખવે. આજે પૉસ્કો ઍક્ટ, સોશિયલ મીડિયા અને અન્ય ઘણી સામાજિક સંસ્થાઓ તેમના માટે અવાજ ઉઠાવશે.

ખુશ્બુ કહે છે, "આટલાં વર્ષો પછી મારામાં આ મુદ્દે વાત કરવાની હિંમત છે. મારા બાળકોએ મને તે હિંમત આપી અને મારા પતિ પણ મને સપોર્ટ કરે છે. જોકે હું એવું નથી કહેતી કે મને જે ટેકો મળ્યો તે બધાને મળશે. પરંતુ સમય બદલાઈ રહ્યો છે. તેથી જ હું ફરી એકવાર કહું છું કે સમાજમાં આવી બાબતોમાં બદલાવ આવવો જ જોઈએ."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી