'ન્યાય તો માત્ર જાતિ જોઈને જ મળે,' હાથરસ કેસમાં કોર્ટના નિર્ણય પર યુવતીનાં સંબંધીઓ શું બોલ્યાં?

ઇમેજ સ્રોત, BBC/SHAAD MIDHAT
- લેેખક, અનંત ઝણાણે
- પદ, બીબીસી સંવાદદાતા

- 2020માં હાથરસની દલિત યુવતીની કથિત હત્યા અને બળાત્કારના કેસમાં હાથરસ કોર્ટે એક આરોપીને દોષી જાહેર કર્યો છે અને અન્ય ત્રણને નિર્દોષ જાહેર કર્યા છે
- કોર્ટે યુવતીની હત્યા અને બળાત્કારના મામલે કોઈને દોષિત ઠેરવ્યા નથી
- આરોપી સંદીપને એસસીએસટી ઍક્ટની કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી
- આ નિર્ણય બાદ બીબીસીની ટીમ પીડિતાના પરિવારને મળવા હાથરસ ગામમાં પહોંચી હતી
- જ્યારે બીબીસી અને અન્ય મીડિયા ટીમો પીડિત પરિવારના ઘરે પહોંચી ત્યારે સીઆરપીએફ અને કડક સુરક્ષા ઘેરા હેઠળ રહેતો પરિવાર બહાર આવ્યો
- પરિવારની વહુએ સુરક્ષાકર્મીઓને હાથ જોડીને કહ્યું કે તેમને (મીડિયા) અંદર આવવા દો, આજે તો અમને અમારા મનની વાત કરવા દો
- બીબીસી સાથે વાત કરતા પીડિતાનાં ભાભીએ કહ્યું, "અમને ન્યાય મળ્યો નથી. માત્ર એક છોકરાને મહોરું બનાવી દેવામાં આવ્યો છે."

2020માં હાથરસની દલિત યુવતીની કથિત હત્યા અને બળાત્કારના કેસમાં હાથરસ કોર્ટે એક આરોપીને દોષી જાહેર કર્યો છે અને અન્ય ત્રણને નિર્દોષ જાહેર કર્યા છે.
કોર્ટના નિર્ણયની સૌથી મહત્ત્વની વાત એ છે કે કોર્ટે યુવતીની હત્યા અને બળાત્કારના મામલે કોઈને દોષિત ઠેરવ્યા નથી.
આરોપી સંદીપને એસસીએસટી ઍક્ટની કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
આ નિર્ણય બાદ બીબીસીની ટીમ પીડિતાના પરિવારને મળવા હાથરસ ગામમાં પહોંચી હતી.

હત્યા અને બળાત્કારનો મામલો કેમ બહાર ન આવ્યો?

ઇમેજ સ્રોત, BBC/SHAAD MIDHAT
હાથરસના વિશેષ જજ ત્રિલોકપાલ સિંહે પોતાના ચુકાદામાં લખ્યું છે કે, "આ કેસમાં પીડિતા ઘટના બાદ આઠ દિવસ સુધી વાતચીત કરી રહી હતી અને બોલી રહી હતી."
"તેથી, એવું કહી શકાય નહીં કે આરોપીનો ઇરાદો ચોક્કસપણે પીડિતાની હત્યા કરવાનો હતો. તેથી, આરોપી સંદીપનો ગુનો બિનઈરાદાપૂર્વકની હત્યાની શ્રેણીમાં આવતો નથી કે તે હત્યાની શ્રેણીમાં આવતો નથી."
બળાત્કારના આરોપમાંથી પણ તમામને નિર્દોષ જાહેર કરવા પર કોર્ટે કહ્યું, "એ સંદર્ભે હું માનું છું કે સાક્ષીની વિવેચનામાં પીડિતા પર બળાત્કાર થયો હોવાનું સાબિત નથી થયું તથા આરોપી રવિ, રામુ અને લવકુશ દ્વારા પીડિતા સાથે પર કથિત બળાત્કાર સાબિત થયો નથી. તેથી તમામ આરોપીઓ બળાત્કારના આરોપમાંથી નિર્દોષ છૂટવાને પાત્ર છે."
કોર્ટના જણાવ્યા અનુસાર, આરોપી સંદીપ સિસોદિયા વિરુદ્ધ બિનઈરાદાપૂર્વકની હત્યા અને એસસીએસટી ઍક્ટની કલમો હેઠળ "વાજબી શંકાની બહાર પુરાવા મળ્યા છે" અને તેથી તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પીડિતાનો પરિવારઃ ન્યાય તો માત્ર જાતિ જોઈને જ મળે છે

ઇમેજ સ્રોત, BBC/SHAAD MIDHAT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે બીબીસી અને અન્ય મીડિયા ટીમો પીડિત પરિવારના ઘરે પહોંચી ત્યારે સીઆરપીએફ અને કડક સુરક્ષા ઘેરા હેઠળ રહેતો પરિવાર બહાર આવ્યો.
પરિવારની વહુએ સુરક્ષાકર્મીઓને હાથ જોડીને કહ્યું કે તેમને (મીડિયા) અંદર આવવા દો, આજે તો અમને અમારા મનની વાત કરવા દો.
બાદમાં મીડિયાને ઘરની અંદર જઈને તેમની સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
બીબીસી સાથે વાત કરતા પીડિતાનાં ભાભીએ કહ્યું, "અમને ન્યાય મળ્યો નથી. માત્ર એક છોકરાને મહોરું બનાવી દેવામાં આવ્યો છે."
તેમણે કહ્યું, "આ નિર્ણય પુરાવા અને સાક્ષીઓના આધારે નહીં પરંતુ દબાણ હેઠળ લેવામાં આવ્યો છે."
તેઓ કહે છે કે કોર્ટમાં તેમણે વકીલોને એવું કહેતા સાંભળ્યા કે, "એક ભંગીની છોકરી માટે કંઈ ચાર-ચાર બલિદાન થોડા આપી દેવાશે. ત્યાં આવી-આવી વાતો થઈ રહી હતી."
ચુકાદા પર સવાલો ઉઠાવતા પીડિતાના ભાઈ કહે છે, "જો તેઓ નિર્દોષ સાબિત થઈ ગયા છે તો પછી તેમને અઢી વર્ષ સુધી જેલમાં કેમ રાખવામાં આવ્યા હતા? સીબીઆઈએ મોટી-મોટી કલમો હેઠળ આરોપો કેમ સાબિત ન કર્યા?"
તેમણે કહ્યું, "પાછલી તારીખ સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક આ બન્યું, અમે તો ડરી ગયા. બધું બરાબર ચાલી રહ્યું હતું. તેમના તમામ જામીન ફગાવી દેવામાં આવ્યા. કાયદો-બાયદો કંઈ નથી. ન્યાય તો બધા જાતિ જોઈને આપવામાં આવે છે."
પીડિતાના ભાઈ તેમની બહેનનાં ડાઈંગ ડિક્લેરેશન (મૃત્યુ પહેલાં આપવામાં આવેલ નિવેદન)નો ઉલ્લેખ કરતા કહ્યું, "અમારી બહેને તેમાં દરેકનાં નામ આપ્યાં છે. તે મૅજિસ્ટ્રેટે લખ્યાં છે. તેમ છતાં તેને કેવી રીતે નકારી શકાય?"
જે રીતે મોડી રાત્રે 19 વર્ષીય યુવતીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા તે અંગે પરિવારે ફરી એક વાર સવાલો ઊભા કર્યા છે.
પીડિતાના ભાઈ કહે છે, "શું રાતે અઢી વાગ્યે કોઈના બૉડીને અગ્નિદાહ આપી શકાય? શું પરિવારની પરવાનગી વિના અગ્નિદાહ આપી શકાય? આ ક્યાંનો કાયદો છે? શું યોગીરાજના કાયદામાં આવું લખ્યું છે? શું લાવારિસ હતી કોઈની બહેન દીકરી?"

સુનાવણી પર પરિવારે સવાલો ઉઠાવ્યા

ઇમેજ સ્રોત, BBC/SHAAD MIDHAT
પરિવારે સુનાવણી દરમિયાન તેમના પર અને તેમના વકીલો પર દબાણ લાવવાના આરોપ લગાવ્યા છે.
પીડિતાનો પરિવાર 24 કલાક સીઆરપીએફ અને ઉત્તર પ્રદેશ પોલીસના કડક સુરક્ષાઘેરામાં રહે છે અને બીબીસીની ટીમને પણ તેમના ઘરની અંદર જઈને તેમની સાથે વાત કરવા માટે પરવાનગી લેવી પડી અને રજિસ્ટરમાં ઍન્ટ્રી કરવી પડી.
પરિવાર તેમનાં વકીલ સીમા કુશવાહા વિશે કહે છે, "તેમણે પોતાની મહેનત, ઈમાનદારી અને નિર્ભયતાથી એક દીકરીને ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો. આજે તેમને પણ તેઓએ એકદમ નિરાશ કરી દીધાં."
"પરંતુ તે હિંમત નથી હાર્યાં. તેમણે આગળ વધવાની કોશિશ કરી છે. તે કહી રહી છે કે તે હાઈકોર્ટ જશે, સુપ્રીમ કોર્ટમાં જશે, શાંત થઈને બેસી નહીં રહે."
સીમા કુશવાહા આ કેસને લડવા માટે દિલ્હીથી હાથરસ આવતાં હતાં.

સમગ્ર મામલો રાજનીતિથી ઘેરાયેલો રહ્યો

ઇમેજ સ્રોત, BBC/SHAAD MIDHAT
દલિત યુવતીની હત્યા અને બળાત્કાર બાદ આ મામલો દેશ-વિદેશના સમાચારોમાં છવાયેલો રહ્યો હતો. રાજકીય પક્ષોએ પણ આ મામલે યોગી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ શું તે સમયે પરિવારના સમર્થનમાં વાત કરતા આગેવાનો તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે?
જ્યારે અમે પરિવારને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે પીડિતાનાં ભાભીએ કહ્યું, "રાજકારણ અમારા આરોપી પક્ષમાં રમાઈ રહ્યું છે. અમે અમારા મનની વાત કરીએ છીએ. અમને કોઈ શીખવતું નથી. જેમને દુઃખ થતું હોય એ જોરજોરથી રાડો પાડે છે. જેને દર્દ નથી થતું તેઓ રાજકારણના દાવપેચ લડાવે છે. અમે રાજકારણના દાવપેચ લગાવતા નથી.”
પરંતુ આ ચુકાદા પછી પણ શું પરિવાર આવું જ વિચારે છે? પીડિતાનાં ભાભી કહે છે, "હજુ પણ એવું લાગે છે કે મોડું થઈ ગયું છે પણ આશા છૂટી નથી. એકનો જીવ ગયો છે તો તેમને પણ સજા ભોગવવી પડશે."
પીડિતાના ભાઈ કહે છે, "આ રક્ષણ કોર્ટ તરફથી છે, પરંતુ હજુ પણ ખતરો તો રહેશે, કારણ કે આજથી તેમના ઉત્સાહમાં વધારો થયો છે. તેઓ તો ખુશ છે કે બધું તેમના પક્ષમાં છે."
પીડિતાનાં ભાભી કહે છે, "તેમણે શું ગુમાવ્યું છે? તેમની આબરૂ, તેમની માન મર્યાદા, સન્માન, કાંઈ ખોવાયું છે? અમે ખોયું છે ને, તો અમને પૂછો."
"અમારું તો બધું જતું રહ્યું. અમે બે-અઢી વર્ષ પાછળ ચાલ્યા ગયા. અમને તો ધરપત હતી કે ન્યાય મળશે, એટલે ચૂપ બેઠા હતા ને અમે લોકો. હવે તમે જ કહો, અમે કોના પર વિશ્વાસ કરીએ?"

બચાવ પક્ષ શું કહે છે?

ઇમેજ સ્રોત, BBC/SHAAD MIDHAT
નિર્દોષ છૂટેલા ત્રણેય આરોપીઓને શુક્રવારે સવારે અલીગઢ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા.
બીબીસીએ નિર્દોષ જાહેર કરાયેલા આરોપી અને દોષિત ઠરેલા સંદીપના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પીડિતાના પડોશમાં રહેતા તેમના પરિવારના સભ્યોએ કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો. બાદમાં બીબીસીએ તેમના વકીલ મુન્નાસિંહ પુંઢીરની મુલાકાત કરી.
પોતાનો પક્ષ રાખતા વકીલ મુન્નાસિંહ પુંઢીરે કહ્યું, "પીડિતાનો પરિવાર ભલે ગમે તે કહે, પરંતુ અમને પણ આંચકો તો લાગ્યો છે. એક નિર્દોષ વ્યક્તિને સજા સંભળાવી દેવાઈ. માત્ર મીડિયા ટ્રાયલને કારણે."
"અપીલ અમે પણ કરીશું અને તે ચોક્કસપણે નિર્દોષ જાહેર થશે. તમામ પુરાવાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા છે."

વકીલ મુન્નાસિંહનો દાવો: "તમામ પુરાવા નકલી હતા"

ઇમેજ સ્રોત, BBC/SHAAD MIDHAT
પરંતુ મરતાં પહેલાં આપેલા નિવેદન છતાં કોર્ટે આરોપીઓને કેવી રીતે નિર્દોષ છોડ્યા?
આ અંગે મુન્નાસિંહ કહે છે, "મૅજિસ્ટ્રેટે તેની નોંધ કરી હતી, પરંતુ એક સાદા કાગળ પર મૅજિસ્ટ્રેટે પોતાની ભાષામાં કંઈક લખી નાખ્યું. તો એ કંઈ ડાઈંગ ડિક્લૅરેશન થોડું થઈ જાય."
પરંતુ પરિવાર તેમની પુત્રી માટે ન્યાય માગે છે? આ સવાલ પર વકીલ મુન્નાસિંહ પુંઢીર કહે છે.
જે રીતે વહીવટીતંત્ર પર યુવતીના અંતિમસંસ્કાર મોડી રાત્રે અને પરિવારની પરવાનગી વિના કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, શું કોર્ટે તેની નોંધ લીધી હતી? શું તેનો ચુકાદામાં ઉલ્લેખ છે?
બચાવ પક્ષના વકીલ મુન્નાસિંહ કહે છે, "આ મુદ્દો કોર્ટ સમક્ષ નહોતો. તેનો નિર્ણય અહીં લેવાનો ન હતો. તેમનો તે આરોપ પ્રશાસન સામે હશે, પરંતુ તેનો આરોપી સાથે શું સંબંધ છે? કારણ કે આરોપીઓએ અંતિમસંસ્કાર કરાવ્યા નહોતા."
બળાત્કારની પુષ્ટિ ન થવા અંગે વકીલ મુન્નાસિંહ કહે છે, "મેડિકલ થયું હતું પરંતુ તેમાં બળાત્કાર થયો થયો હોવાનું નહોતું. ફૉરેન્સિક તપાસમાં બળાત્કાર થયો હોવાનું જોવા મળ્યું નહોતું."
પીડિતાના પરિવાર પર રાજકીય દબાણ અંગે બચાવ પક્ષના વકીલ મુન્નાસિંહ પુંઢીર કહે છે, "શું ક્યારેય કોર્ટ પર રાજકીય દબાણ ચાલે? ધારાસભ્ય-સાંસદને રોજેરોજ સજા થઈ રહી છે? કોર્ટ પર કોઈ રાજકીય દબાણ નથી હોતું."














