મુસ્લિમ માતાની કૂખે જન્મ અને હિંદુ માતાના હાથે ઉછેર, એક બાળકને તેની અસલી માતા કેવી રીતે ઓળખી ગઈ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, ઋષિ બૅનર્જી
- પદ, બીબીસી ગુજરાતી
‘હું તેની મા છું. અપહરણ થયા બાદ જ્યારે પ્રથમ વખત મેં તેને જોયો તો પળવારમાં ઓળખી ગઈ. તે એકદમ તેના પિતા જેવો દેખાય છે. તે મારા પરિવારનો ભાગ છે અને અમે બધા તેની સાથે રહેવા માગીએ છીએ.’
6 વર્ષ બાદ જ્યારે સુફિયાના અલીએ પુત્રને પ્રથમ વખત જોયો ત્યારે તેમણે આવી પ્રતિક્રિયા આપી હતી. તેમનાં પુત્રનું જન્મના કલાકોમાં જ અપહરણ થઈ ગયું હતું.
બાળકની ઝંખના અને અપહરણ, બાળકનું મળી આવવું અને સાચી મા કોણ તેની મૂંઝવણ. કોઈ ફિલ્મની કહાણીને પણ ટક્કર મારે તેવી ઘટના સુરત જિલ્લામાં સામે આવી છે.
હાલ સુફિયાના બાળકનો કબજો મેળવવા અદાલતના ચુકાદાની રાહ જોઈ રહ્યાં છે.

શું છે સમગ્ર મામલો?

સુરત જિલ્લાના આંબોલી ગામમાં રહેતા સત્તાર મન્સૂરીનાં દીકરી સુફિયાનાનાં લગ્ન મુબંઈના જોગેશ્વરીમાં રહેતા મોહમ્મદ અલી સાથે થયાં હતાં. સુફિયાનાની ઇચ્છા હતી કે પ્રથમ બાળકનો જન્મ ગામમાં જ થાય.
5 જાન્યુઆરી, 2017માં સુફિયાનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો પરંતુ જન્મના અમુક કલાકો બાદ એક અજાણ્યો વ્યક્તિ ડૉક્ટરની ઓળખ આપી બાળકનું અપહરણ કરી નાસી છૂટ્યો હતો. સુફિયાનાએ આ અંગે કામરેજ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ કરી હતી.
સુફિયાનાનાં પિતા સત્તાર મન્સૂરી બીબીસી સાથે વાત કરતા કહે છે, “કઠોર ગામમાં આવેલ કૉમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સુફિયાનાએ પુત્રને જન્મ આપ્યો તેના ગણતરીના કલાકોમાં તેનું અપહરણ થઈ ગયું. નવજાતને રસી આપવાનું કહીને ડૉક્ટરની ઓળખ આપીને વ્યક્તિ બાળકને લઈને ગયો તે પાછો જ ન આવ્યો.”
તેઓ ઉમેરે છે, “પોલીસની સાથેસાથે અમે પણ નવજાતની શોધખોળ આદરી પરંતુ ક્યાંય પણ પતો લાગ્યો નહીં. બાળકની શોધમાં 6 વર્ષ સુધી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્ય શહેરોનાં ચક્કર કાપ્યાં પરંતુ નિરાશા જ હાથ લાગી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“જ્યારે પણ અમને માહિતી મળતી કે પોલીસે બાળકોનું અપહરણ કરતી ગૅંગ પકડી છે તો અમે તરત જ ત્યાં પહોંચી જતાં પણ બાળક વિશે કોઈ માહિતી મળતી નહોતી.”
ઘટનાનાં ત્રણ અઠવાડિયા બાદ સુફિયાના મુંબઈ પરત ફર્યાં, પરંતુ તેમનાં મનમાં તો સતત પુત્રની શોધ જ રમ્યા કરતી. દરમિયાન સુફિયાના ત્રણ સંતાનોનાં માતા બન્યાં.
બીજી તરફ પોલીસ તપાસ ચાલું હતી.

છેવટે પોલીસને સફળતા મળી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આખરે 6 વર્ષ બાદ પોલીસને નવજાતના અપહરણનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. 22 જાન્યુઆરી 2023ના રોજ સત્તાર મન્સૂરીને બાળક મળી આવ્યું હોવાનો કામરેજ પોલીસ મથકેથી ફોન આવ્યો.
સત્તાર મન્સૂરી કહે છે, “અમે તરત પોલીસ સ્ટેશને પહોંચ્યા અને જોયું તો ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર એક 6 વર્ષનાં બાળક સાથે બેઠા હતા. પી.આઈ. આર. બી. ભટોળે અમને જણાવ્યું કે આ સુફિયાનાનું એ બાળક છે જેનું 6 વર્ષ પહેલાં અપહરણ થયું હતું. અમને તો પહેલાં વિશ્વાસ ન બેઠો પણ ઇન્સ્પેક્ટરે અપહરણની વિગતે વાત કહી સંભળાવી.”
બાળક કેવી રીતે મળી આવ્યું તે અંગે અમે કામરેજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર. બી. ભટોળ સાથે વાત કરી. તેઓ કહે છે, “તપાસ દરમિયાન માહિતી મળી હતી કે બાળકનું અપહરણ કરનાર વ્યક્તિ અને બાળક હાલ કરજણમાં છે. અમારી ટીમે કરજણના મારવેલ સોસાયટીસ્થિત ઘરે પહોંચીને બાળકનો કબજો મેળવી લીધો અને કલ્પેશ અને તેમના પત્ની નમ્રતાબહેનની ધરપકડ કરી.” (બન્ને આરોપીઓનાં નામ બદલ્યાં છે)
આરોપી કલ્પેશ 108માં નોકરી કરતો હતો અને આ જ માહિતી કેસમાં સૌથી મહત્ત્વની કડી પુરવાર થઈ હતી. તપાસ દરમિયાન માહિતી મળી હતી કે 108 ઍમ્બ્યુલન્સમાં ફરજ બજાવનાર વ્યક્તિએ બાળકનું અપહરણ કર્યું હતું.
સાથે તપાસમાં એ પણ બહાર આવ્યું કે જ્યારે બાળકનું અપહરણ થયું ત્યારે કલ્પેશ એ જ વિસ્તારમાં ફરજ બજાવતો હતો અને ઘટના બાદ તેમણે પોતાની બદલી કરજણ ખાતે કરાવી લીધી હતી.
ભટોળ કહે છે, “પૂછપરછમાં કલ્પેશે બાળકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી લીધી.”
પોતાનાં બાળકને 6 વર્ષ બાદ જોયાની લાગણી અંગે વાત કરતાં સુફિયાના કહે છે, “હું તો મારા પુત્રને જોતી જ રહી. જ્યારે પોલીસે કહ્યું કે હું તેની માતા છું ત્યારે તે ગભરાઈ ગયો. તે સતત મને જોયા કરતો હતો. ઘણી સમજાવટ બાદ તે થોડીક ક્ષણો માટે મારી પાસે આવ્યો. થોડી વાત કરીને તે પાછો નમ્રતા પાસે જતો રહ્યો.”

દંપતી નિઃસંતાન હોવાથી બાળકનું અપહરણ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ તપાસ અનુસાર, લગ્નનાં ત્રણ વર્ષ બાદ પણ નમ્રતાબહેન માતા ન બની શકતાં તેમના પતિ કલ્પેશે બાળકનાં અપહરણની યોજના ઘડી હતી. કલ્પેશ અને નમ્રતાબહેનનાં વર્ષ 2014માં લગ્ન થયાં હતાં અને 2017 સુધીમાં નમ્રતાબહેનને ત્રણ વખત કસુવાવડ થઈ ગઈ હતી.
કલ્પેશ સુરત જિલ્લાના કીમમાં 108માં ઇએમટી તરીકે ફરજ બજાવતો હતો. પ્રસવ પીડા ઉપડતાં સુફિયાનાને 108 મારફતે કઠોર સી.એચ.સી.માં લઇ જવામાં આવ્યાં ત્યારે કલ્પેશને કોઈક રીતે તે માહિતી મળી ગઈ હતી.
બાળકની ડિલવરી થઈ જતાં કલ્પેશે વોર્ડમાં જઈને સુફિયાનાને જણાવ્યું કે બાળકને રસી આપવા માટે લઈ જાવ છું. ત્યારબાદ નવજાતનું અપહરણ કરીને પોતાના ઘરે લઈ ગયો.
પી.આઈ. ભટોળ કહે છે, “બાળકનાં જન્મ અને અપહરણ વચ્ચેનો જે સમયગાળો તે જોતાં લાગે છે કે કલ્પેશ સતત સુફિયાના પર નજર રાખી રહ્યો હતો. જેવી સુફિયાનાને પ્રસૂતિ થઈ કે તરત તે મેડિકલ સ્ટાફ બનીને ત્યાં ગયો અને બાળકને ઉઠાવી ગયો.”
“બાળકનું અપહરણ કર્યા બાદ દંપતી પહેલાં કિમ અને બાદમાં અમદાવાદ અને ત્યાંથી વડોદરાનાં કરજણમાં રહેવા લાગ્યું. દંપતી નવજાતને પોતાનાં સંતાન તરીકે ઓળખાવતું અને તેમણે બાળકનું નામ પ્રીત (નામ બદલ્યું છે) રાખ્યું હતું.”
આજે પ્રીત 6 વર્ષનો થઈ ગયો છે અને કરજણની એક શાળામાં સીનીયર કે.જી.માં અભ્યાસ કરે છે. છેલ્લાં 6 વર્ષથી કલ્પેશ અને નમ્રતાબહેન બાળકનો ઉછેર કરી રહ્યાં છે.

ખોટી સીમંતવિધિ પણ કરાવી
કલ્પેશ અને નમ્રતાબહેનને એક બાળકની ઇચ્છા હતી. શારીરિક સમસ્યાના કારણે નમ્રતાબહેનને ત્રીજી વખત કસુવાવડ થઈ જતાં દંપતીએ પોતાનાં ઘર કે પરિવારનાં સભ્યોને આ વિશે કંઈ પણ જાણ કરી નહોતી.
પરિવારના સભ્યો અને સંબંધીઓને એમ હતું કે નમ્રતાબહેન ગર્ભવતી છે. પોતાનું જુઠ્ઠાણું પકડાઈ ન જાય તે માટે બંનેએ બનાવટી સીમંતવિધિનું પણ આયોજન કર્યું હતું.
ગર્ભધારણના સાતમા મહિને દંપતીએ સીમંતનું આયોજન કર્યું હતું, જેમાં પરિવારના તમામ લોકો અને સગા-સંબંધીઓ હાજર રહ્યાં હતાં. નમ્રતાબહેન પોતાનાં પિતાને ત્યાં પણ રહેવા ગયાં હતાં. જ્યાં પણ તેમણે બધાને ખોટી વાત જણાવી હતી. સારવાર કરાવવાના નામે નમ્રતાબહેન પાછાં કઠોર આવી ગયાં હતા.
સીમંતવિધિ કર્યાના અંદાજીત દોઢ મહીના બાદ કલ્પેશે હૉસ્પિટલમાંથી તાજા જન્મેલાં બાળકનું અપહરણ કર્યું હતું.
સત્તાર મન્સૂરી કહે છે, "કોઈ વ્યક્તિ ડૉક્ટરની ઓળખાણ આપીને રાત્રીના સમયે સુફિયાના પાસેથી નવજાત બાળકનું અપહરણ કરી ગઈ હતી. વ્યક્તિએ ઍપ્રોન પહેર્યો હતો તથા મોઢા ઉપર માસ્ક હતું. સુફિયાનાને એમ કે ડૉક્ટર હશે એટલે તેણે સામેની વ્યક્તિને કોઈ પ્રશ્ન કર્યો નહોતો. વ્યક્તિએ ક્હ્યું કે નવજાત બાળકને રસી પીવડાવવી છે અને અપહરણ કરી લઈ ગઈ હતી."

પતિની ભૂલ સુધારતાં નમ્રતાબહેન

ઇમેજ સ્રોત, Getty Images
હવે ઘટના ઉપરથી 6 વર્ષે પડદો ઊંચકાયો છે તો પતિએ આચરેલા અપરાધનું નમ્રતાબહેન ભરણું કરી રહ્યાં છે.
કલ્પેશે જે બાળકનું અપહરણ કર્યું તે પોતાનાં માતાપિતાને ઓળખે અને તેમનો સ્વીકાર કરે તે માટે નમ્રતાબહેન ઘણા પ્રયાસો કરી રહ્યાં છે.
નમ્રતાબહેન જ્યારે પણ સમય મળે ત્યારે પ્રીતને લઈને કઠોર સ્થિત સમ્રાટ કૉમ્પ્લેક્સ પહોંચી જાય છે. આ એટલા માટે કે પ્રીત સુફિયાના અને તેમનાં બાળકો સાથે હળી મળી જાય.
નમ્રતાબહેનની મહેનત રંગ લાવી રહી છે અને પ્રીત સુફિયાના અને પોતાનાં ભાઈ-બહેન સાથે વધુને વધુ સમય પસાર કરે છે.
સુફિયાના કહે છે, "હવે મારી અને પ્રીતની ફ્રૅન્ડશિપ થઈ ગઈ છે અને તે પોતાના ભાઈ-બહેન સાથે રમે છે અને લાંબી-લાંબી વાતો કરે છે. હજુ પણ તે મને મા તરીકે સંબોધતો નથી, પરંતુ મને આશા છે કે બહુ જલદી એ પણ કરતો થઈ જશે. હજી તો તે નાનો છે અને એટલા માટે સમય આપવો પડશે."

હાલમાં કેસની શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
કામરેજ પોલીસે કેસ ઉકેલી લેતા હવે આ મામલો કોર્ટ પહોંચ્યો છે અને કઠોરની સ્થાનિક અદાલતમાં સુનાવણી ચાલી રહી છે. નિર્ણય ન આવે ત્યાં સુધી કોર્ટે પ્રીતને નમ્રતાબહેન સાથે રાખવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે પોલીસને બાળકના ડીએનએ રિપોર્ટ કરાવવા માટે કહ્યું છે. સુરતસ્થિત ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (ઍફઍસઍલ) માંથી ડીએનએ રિપોર્ટ મળી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ઇન્સ્પેક્ટર આર. બી. ભટોળ કહે છે, "બાળકનો ડીએનએ રિપોર્ટ આવી જાય પછી અમે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરીશું, જે બાદ કોર્ટ દ્વારા આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ચુકાદો આવવામાં હજી થોડો સમય લાગશે. ત્યાં સુધી બાળક તેની પાલક માતા નમ્રતાબહેન સાથે રહેશે."
આ બધી કાયદાકીય પ્રક્રિયા વચ્ચે સુફિયાના હવે વધુ રાહ જોવાં માગતા નથી. તેઓ ઇચ્છે છે કે પ્રીત બને એટલી ઝડપથી તેમની પાસે આવી જાય.
તેઓ કહે છે, "હું આતુરતાથી એ દિવસની રાહ જોઈ રહી છું જ્યારે મારા બાળકનો કબજો મને કાયદેસર રીતે મને સોંપવામાં આવશે. મેં આ માટે અજમેર દરગાહમાં માનતા રાખી છે. કબજો મેળવ્યા બાદ હું સૌથી પહેલાં અજમેર જઈશ."
આ સમગ્ર ઘટનામાં નમ્રતાબહેનનો પક્ષ જાણવા માટે બીબીસી ગુજરાતીએ સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં.














