વડોદરામાંથી અપહરણ કરીને ચાર લાખમાં વેચી મારેલું બાળક પોલીસે કેવી રીતે શોધ્યું?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

વડોદરાના વાઘોડિયાના લીલોરિયા ગામના ભગવાનપુરાના એક ઝૂંપડામાંથી સાત દિવસના નવજાત શિશુનું અપહરણ કરીને બિહારના ભારતીય સેનાના જવાનને વેચી દેવાયું હતું.

વડોદરા ગ્રામીણ પોલીસે ગુનેગારોને પકડીને બાળક પરત મેળવી લીધું છે. પોલીસે બાળકને બિહારથી લાવીને તેનાં માતાપિતાને સુપરત કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પોલીસે બાળકને બિહારથી લાવીને તેનાં માતાપિતાને સુપરત કર્યું છે- પ્રતીકાત્મક તસવીર

આ કેસમાં પોલીસે બિહારના નિસંતાન દંપતીને બાળક વેચવાના ષડયંત્રકારી બાળકના પરિચિત એવા ગામના સ્થાનિક રહીશ સહિત કુલ છ લોકોની અટકાયત કરી છે.

વડોદરા પોલીસ અધીક્ષક સુધીર દેસાઈ કહે છે, "અમને એવી બાતમી મળી હતી કે કલ્પેશ રાઠોડ નામના વ્યક્તિએ બાળકને બિહારના આર્મી જવાન નરેન્દ્ર રંજનને વેચી નાખ્યું છે."

"આર્મી જવાને પરિચિત કલ્પેશ રાઠોડને પોતાના માટે બાળક શોધી લાવવા કહ્યું હતું અને આ કામના બદલામાં ચાર લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી. કલ્પેશે તેના સાથી પ્રવીણ ચુનારા સાથે મળીને બાળક ઉઠાવવાની યોજના ઘડી હતી."

પોલીસના જણાવ્યા અનુસાર, "પ્રવીણ ચુનારાને તેના સાધેલા લીલોરિયા ગામના રહીશ કાલિદાસે ખબર આપી હતી કે ગામમાં એક આવાસના ખુલ્લા મકાનમાં બાળકનો જન્મ થયો છે અને બધાએ મળીને બાળકના અપહરણની યોજના બનાવી હતી."

દેસાઈ વધુમાં કહે છે, "કાલિદાસ અને તેના અન્ય એક સાથીદાર રમણ રાઠોડે 20 ઑક્ટોબરે મધરાતે બે વાગ્યે નવજાત શિશુનો પરિવાર સૂતો હતો ત્યારે બાળકનું અપહરણ કરી લીધું. બાળકને કલ્પેશ રાઠોડને હવાલે કર્યું ત્યારબાદ કલ્પેશે બાળક બિહારના આર્મી જવાન નરેન્દ્રને પહોંચાડી દીધું હતું."

વડોદરા પોલીસ અધીક્ષક સુધીર દેસાઈ કહે છે, "પોલીસે બિહાર મોકલેલી પોલીસ ટીમ બાળકને લઈને પરત આવી ગઈ છે અને 27 ઑક્ટોબરે બાળકને તેનાં માતાપિતાને હવાલે કરી દેવામાં આવ્યું છે. આર્મી જવાન નરેન્દ્રની પણ ધરપકડ કરવામાં આવી છે."

પોલીસ ફરિયાદ અને સજાની જોગવાઈ અંગે સુધીર દેસાઈ કહે છે, "એ લોકોએ આખો દિવસ બાળકને શોધ્યું અને બીજે દિવસે પોલીસ ફરિયાદ કરી હતી. ક્લ્પેશ રાઠોડ, પ્રવીણ ચુનારા, કાલિદાસ અને રમણ રાઠોડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓ સામે અપહરણ અને જુવેનાઇલ જસ્ટિસ (બાળ તકેદારી અને રક્ષણ) ઍક્ટ, 2015 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાયદામાં ગેરકાયદેસર રીતે બાળકને દત્તક લેવા સહિત બાળકોના ખરીદ-વેચાણ પર સાત વર્ષની જેલની સજાની જોગવાઈ છે."

line

ચાર લાખ રૂપિયાની રિકવરી

બાળક

ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પોલીસે જણાવ્યું કે બાળકનો સોદો ચાર લાખ રૂપિયામાં થયો હતો અને આખી રકમની ચુકવણી થઈ ગઈ હતી એટલે હવે તે રકમની રિકવરી કરવામાં આવશે.

બાળકના ગુમ થવાના ઘટનાક્રમ અંગે બાળકના પિતા બીબીસીને કહે છે, "મારે બે સંતાન છે. બે વર્ષની દીકરી અને આ દીકરો. અહી સરકારી આવાસમાં રહીએ છીએ. દીકરો અને દીકરી ખુલ્લા ઘરની બહારની તરફ અને અમે અંદરની તરફ સૂતાં હતાં. એવામાં રાતે બે વાગે મારી દીકરીએ અમને જગાડ્યા અને બોલી કે ભાઈ ક્યા ગયો? અમે સવાર સુધી આસપાસનાં ખેતરોમાં તપાસ કરી. સવાર પડી એટલે સરપંચ ઝાકીરભાઈને દીકરો ગાયબ થયાની જાણ કરી."

તો સરપંચ ઝાકીરભાઈ કહે છે, "અમે પોલીસ ફરિયાદ કરી પછી પોલીસે ગામના બધા વૉટ્સઍપ ગ્રૂપમાં મૅસેજ પોસ્ટ કર્યા. એમાં પોલીસને સફળતા મળી. બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધા. બિહારના આર્મીમૅનને કલ્પેશ રાઠોડ સાથે બાળકના બદલામાં ચાર લાખનો સોદો થયો હતો. કલ્પેશ કલોલનો રહેવાસી હોવાનું અમે જાણવા મળ્યું છે."

બાળકના પિતા કહે છે, "કલ્પેશ મારા મોસાળના ગામનો એટલે કે મારી બાનાં ગામનો છે."

તેઓ કહે છે, "આરોપીની ઊલટતપાસ દરમિયાન પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું કે અપહરણકર્તાઓ બે દિવસથી બાળકને ઉપાડી જવાની કોશિશમાં હતા, આખી રાત ઘર ફરતે આંટા મારતા હતા, પરંતુ તેનો મેળ નહોતો ખાતો."

"આખરે બીજા દિવસે રાતે બે વાગ્યે તક મળતા બાળકને ઉપાડી ગયા. તેઓ પૂરતી તૈયારી સાથે આવ્યા હતા. દૂધની બૉટલ સાથે લઈને આવ્યા હતા. જેથી બાળક રડે તો શાંત પાડી શકાય. આ વિગતો અમને પોલીસ તરફથી જાણવા મળી એટલે અમે તમને આ સ્ટેટમેન્ટ આપીએ છીએ."

line

બાળક પરત મળતા માતાપિતા ખુશ

ગુજરાત પોલીસ પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બાળકનાં માતા કહે છે, "એ રાતે બે વાગ્યે મેં આસપાસ બધાને ઉઠાડી દીધા અને અમે બધા આસપાસમાં શોધવા માંડ્યા. મારો દીકરો સાત દિવસનો હતો ત્યારે ગાયબ થયો હતો અને આજે તેર દિવસનું બાળક મારા હાથમાં પાછું આવ્યું છે."

બાળકની તબિયત વિશે તેમનાં માતા બીબીસીને જણાવે છે કે, "મારું બાળક ધાવણ ન મળ્યું એટલે થોડુંક સુકાઈ ગયું છે, પણ હવે ધાવણ મળશે અને હું ધ્યાન આપીશ એટલે ફરી તાજુંમાજું થઈ જશે. મારું બાળક ગુમ થયું ત્યારથી હું રાતે ઊંઘી નથી. હવે નિરાંત થઈ છે."

સરપંચ ઝાકીરભાઈ કહે છે, "માલદારનું છોકરું ગુમ થાય અને પોલીસ એડીચોટીનું જોર લગાવે તે તો સમજ્યા પણ અમારા ગામના ઝૂંપડામાંથી બાળક ગુમ થયું અને પોલીસે તેને પાછું લાવવા મહેનત કરી તે બદલ પોલીસનો અમે આભાર માનીએ છીએ."

"તપાસના 3-4 દિવસ બાદ બાળક નહીં મળતા અમે પોલીસ અધિકારી સમક્ષ ચિંતા વ્યક્ત કરી ત્યારે પોલીસ અધિકારી પ્રજાપતિસાહેબે મને ખાતરી આપતા કહ્યું હતું કે હવે તો બાળક લઈને આવું પછી જ તમારા ગામમાં પગ મૂકીશ. બે દિવસ પછી સાહેબનો ફોન આવ્યો કે આવી જાવ, તમારું છોકરું લઈને આવ્યો છું."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો